સારાભાઈ પરિવારમાં સંપત્તિ સાથે શિક્ષણ અને સંસ્કાર પણ વારસામાં આપવામાં આવતા.

1937-38નો એ સમય હતો જ્યારે 60થી વધુ ઓરડાવાળો ‘રિટ્રીટ’ બંગલો તૈયાર થયો. અંબાલાલ
સારાભાઈ, સરલાદેવી મને અને બાળકોને વાંચવાનો જબરો શોખ હતો. 50 હજારથી વધુ પુસ્તકો વસાવવામાં
આવ્યાં. ‘રિટ્રીટ’ના સ્વિમિંગ પુલમાં અમલદારો તરવા માટે આવતા. અંદર જ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ક્રોકે
ગ્રાઉન્ડ અને ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યાં. ‘રિટ્રીટ’ના કંપાઉન્ડમાં ઘોડેસવારી માટે ટ્રેક પણ તૈયાર કરવામાં
આવ્યો. અમે સૌ સ્ત્રીઓ ઘોડેસવારી કરતી.

નામ : અનસુયા સારાભાઈ
સ્થળ : અમદાવાદ
સમય : 1971
ઉંમર : 86 વર્ષ

‘સારાભાઈ’ મારા દાદાજીનું નામ હતું પણ અંબાલાલભાઈએ એને અટક બનાવી દીધી. ને પછી તો અમે સૌ
‘સારાભાઈ’ને અટક તરીકે જ વાપરતા થઈ ગયા. અમારો પરિવાર શ્રીમંત તો હતો પણ સાથે જ સંસ્કાર, શિક્ષણ અને
પરંપરાગત ભારતીય સંસ્કૃતિની સમજણ પણ ભરૂપર મળી. અંબાલાલભાઈના આઠેય સંતાનો વેજીટેરિયન હતા.
એમને હોમ સ્કૂલિંગમાં ભણાવવાનો ફાયદો એ થયો કે એ આઠેય બાળકો સારાભાઈ પરિવારના સંસ્કાર વારસાથી સારી
રીતે પરિચિત થઈ શક્યા.

હોમ સ્કૂલિંગથી પ્રાથમિક શિક્ષણ તો થઈ શક્યું, પરંતુ આગળ ભણવા માટે બધાને ઈંગ્લેન્ડ મોકલવામાં
આવ્યા. 1921માં આઠ બાળકો, સરલાદેવી, એક નર્સ, એક આયા અને કરૂણાશંકર નામના એક ગુજરાતી શિક્ષકને
લઈને આખો પરિવાર ઈંગ્લેન્ડ ગયો. હેમસ્ટેડમાં અંબાલાલભાઈએ ત્રણ માળનું ઘર ખરીદી લીધું. ઘરમાં ગોરા નોકરો
રાખવામાં આવ્યા. બે ગાડીઓ અને યુરોપિયન ડ્રાઈવર રાખવામાં આવ્યા. યુરોપિયન શાળામાં ભોજનમાં માંસ મળતું
હોય, બાળકો ભૂખ્યા રહેવા લાગ્યા એટલે, એક બીજું નાનકડું ઘર ખરીદીને બાળકો માટેની એક્સક્લુઝિવ ખાનગી
શાળાઓ શરૂ કરવામાં આવી. કેમ્બ્રિજમાં ભણેલા મિસ વિલિયમ્સ અને મિસ્ટર એડ્વિનને બાળકોને ભણાવવા માટે
રાખવામાં આવ્યા. મોન્ટેસોરીની તાલીમ માટે મિસ્ટર એડ્વિનને ઈટાલી મોકલીને ખાસ કોર્ષ કરાવવામાં આવ્યો.

લંડનમાં બાળકોને ગાંધીજીના મિત્ર મિસ્ટર પોલાક અને હંસાબેન મહેતા પણ ભણાવવા આવતા, પરંતુ
બાળકોને ઈંગ્લેન્ડમાં ફાવ્યું નહીં એટલે, પરિવાર ભારત પાછો ફર્યા.

અંબાલાલભાઈએ એક સુંદર બંગલો અથવા ઘર બનાવવાનું નક્કી કર્યું. બંગલાની ડિઝાઈન બનાવવાનું કામ
રવીન્દ્રનાથ ટાગોરના સાથી સુરેન્દ્રનાથ કૌરને સોંપવામાં આવ્યું. 1937-38નો એ સમય હતો જ્યારે 60થી વધુ
ઓરડાવાળો ‘રિટ્રીટ’ બંગલો તૈયાર થયો. એના ટેરેસ પર ભોજન લેવું હોય તો રસોડામાંથી ગરમાગરમ વાનગીઓ
ઉપર આવે તેવી વાનગીઓ માટેની પણ અલગ લિફ્ટની વ્યવસ્થા થઈ. ‘રિટ્રીટ’ના 21 એકરના પરિસારમાં જળના
અનેક હોજ ઊભા કરવામાં આવ્યા. આખેય ‘રિટ્રીટ’ને એક અદ્ભૂત ઉપવનમાં ફેરવી નાખવા વિશ્વનાં તમામ પ્રકારનાં
ગુલાબ ઉગાડવામાં આવ્યાં. ઊંચા વાસ, ભાતભાતના પામથી બંગલો જ જાણે કે ઢંકાઈ ગયો. સંતરાંની આખી વાડી
ઊભી કરી દેવામાં આવી. આ વિશાળ બાગ-બગીચાઓની સંભાળ માટે પૂનાથી નિષ્ણાત ‘ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ’
બોલાવી તેમને જવાબદારી સોંપવામાં આવી.

‘રિટ્રીટ’ બંગલામાં બગીચો તૈયાર થયા બાદ કાળિયાર મૃગ, હરણાંઓ, માઉસ ડિયર, નીલ ગાય, માંકડાં,
સસલાં, ઈરાની બિલાડીઓ, કૂતરાં અને ભાતભાતનાં કબૂતરો પણ લાવવામાં આવ્યાં. બગીચામાં સારસ-સારસી પણ
ફરતાં જણાતાં. અંબાલાલ સારાભાઈએ વિશ્વના એટલા બધા પોપટ વસાવ્યા કે તેમનો પોપટસંગ્રહ આખા ભારતમાં
‘સર્વશ્રેષ્ઠ પોપટસંગ્રહ’ તરીકે નામના પામ્યો.

અંબાલાલ સારાભાઈ, સરલાદેવી મને અને બાળકોને વાંચવાનો જબરો શોખ હતો. 50 હજારથી વધુ પુસ્તકો
વસાવવામાં આવ્યાં.

‘રિટ્રીટ’ના સ્વિમિંગ પુલમાં અમલદારો તરવા માટે આવતા. અંદર જ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ક્રોકે
ગ્રાઉન્ડ અને ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યાં. ‘રિટ્રીટ’ના કંપાઉન્ડમાં ઘોડેસવારી માટે ટ્રેક પણ તૈયાર કરવામાં
આવ્યો. સ્ત્રીઓ ઘોડેસવારી કરતી. અંદર બીજી અનેક બાઈસિકલો અને ટ્રાઈસિકલો તો ખરી જ. બાળકો રેસ કરતાં.

‘રિટ્રીટ’માં બપોરનું ભોજન પાટલા અને બાજઠ પર અને રાત્રે ડાઈનિંગ ટેબલ પર યુરોપિયન ભોજન
પીરસાતું. ‘રિટ્રીટ’ બંગલો શાહીબાગમાં આવેલો એક વિશાળ આવાસ હતો. 21 એકરમાં ફેલાયેલો એ બંગલો અને
એની સાથે જોડાયેલી અનેક દંતકથાઓ વર્ષો સુધી લોકો સાંભળતા રહ્યા. આખો દિવસ પરિવાર મિરઝાપુર રહેતો,
અને સાંજે ‘રિટ્રીટ’ રહેવા જતા. 1918ની આસપાસનો એ સમય હતો. એ જમાનામાં અંબાલાલે જનરેટર વસાવ્યું
હતું અને ‘રિટ્રીટ’માં વિજળીના દીવા ચાલતા. લોકો દૂરદૂરથી વિજળીના દીવા જોવા માટે ‘રિટ્રીટ’ના કંપાઉન્ડની
બહાર ઊભા રહેતા. એમના શિક્ષકો એમના બંગલા ‘રિટ્રીટ’માં જ રહેતાં, એટલું જ નહી, દર વર્ષે વેકેશનમાં થતા
પ્રવાસમાં પણ બાળકોની સાથે એમના શિક્ષકોને લઈ જવામાં આવતા. સારાભાઈ પરિવારનો પ્રવાસ 20થી 25
વ્યક્તિનો રહેતો… એક આખો ડબ્બો બુક કરાવવામાં આવતો.

મોટાભાગે અમે માથેરાન જતા. માથેરાનમાં અમારી માલિકીનો ‘બોમ્બે વ્યુ’ નામનો બંગલો હતો. હવે આ
પરિવાર હિલ સ્ટેશન કેવી રીતે જવું તે જુઓ. દૂધ માટે ભેંસો, ઘોડેસવારી માટે દસેક ઘોડા, ધોબી અને ટાઈપિસ્ટને
પણ હિલ સ્ટેશને લઈ જવાતા. એ વખતે માથેરાનમાં વીજળી કે નળ ના હોલાથી મશાલચી અને પાણી લાવનાર
ભિસ્તીની સ્થાનિક ધોરણે વ્યવસ્થા થતી. હિલ સ્ટેશને માત્ર પરિવારના જ સભ્યો જતા હતા. અમારી સાથે ટો,
ટંકારિયા, મિત્રો, છોટુભાઈ, સોલિસિટર, કાકી માણેકબા, વસુમતીબેન-ઈન્દુમતીબેન, ગંજીબેન, પશીબેન, હું, નિમુ
ફોઈ, સરલાદેવીના પિતા, સીતામાસી, વિનાયકમામા, સુભદ્રામાસી, રણજીતમામા, અંબાલાલ સારાભાઈનાં અપર મા
‘ઝબકમા’, રિટ્રીટ સ્કૂલના શિક્ષકો, લખવાના ઢાળિયા, પાટિયા, ચોપડી, ખડિયા, ચિત્રનો સામાન વાજિન્ત્રો,
વજનકાંટા અને પાળેલાં પ્રાણીઓ, ટીપી કૂતરો ને તેનાં સાત ગલૂડિયાં પણ હિલ સ્ટેશને જતાં. લીનાબેન તો તેમની
સાથે પોપટ પણ સાથે લઈ જતાં. પંડિત વિષ્ણુ દિગમ્બર પણ અમારા મહેમાન બનેલા. તેઓ રામાયણ સંભળાવતા.


પછી તો અમારો પરિવાર કદીક મસૂરી જાય, કદીક દાર્જીલીંગ જાય. મસૂરીમાં વડોદરાના મહારાજા સયાજીરાવ
અને મહારાણી ચીમનાબાઈ પણ રામાયણ સાંભળવા આવેલા. તેમને અંબાલાલ સારાભાઈ માટે ખૂબ આદર હતો,
તેના જ પરિણામે પાછળથી વડોદરામાં સારાભાઈ કેમિકલ્સ, સારાભાઈ મર્ક અને સુહૃદ ગાયગીનાં મોટાં કારખાનાં
નંખાયાં.

1927માં આખોયે પરિવાર શિલોંગ ગયો. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અમારા મહેમાન તરીકે જોડાયા.
અમારા માટે શિલોંગમાં નજીકમાં જ અલાયદું ઘર રાખવામાં આવ્યું હતું. અહીં સુભાષચંદ્ર બોઝ અને તેમનાં ભાઈ-
ભાભીને પણ આખો પરિવાર મળ્યો.

1924માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર ‘રિટ્રીટ’માં રહેવા આવ્યા. એક સાંજે એમણે અંબાલાલના પુત્ર વિક્રમનું
માથું અને કપાળ જોયું, ‘કેવો અસાધારણ મેધાવી આ બાળક છે.’ એમણે કહ્યું હતું.

‘રિટ્રીટ’માં આવીને રહેતા અન્ય મહેમાનોમાં બાળગંગાધર ટિળક પણ હતા. ગોખલે પણ હતા. ખુદ
મોતીલાલ નેહરુ તેમનાં પત્ની સ્વરૂપરાણી સાથે આવેલા. સાથે સોહામણા જવાહર અને વિજ્યાલક્ષ્મી પંડિત પણ
હતાં, મિસિસ બેસેન્ટ પણ ‘રિટ્રીટ’ના મહેમાન બન્યાં. નાટ્ય કલાકારો પણ આવતાં. બાળકો માટે ‘રિટ્રીટ’ જ એક
યુનિવર્સિટી બની ગયું હતું.

1915માં ગાંધીજી અમદાવાદ આવ્યા ત્યારે તેઓ પણ અંબાલાલ સારાભાઈના મહેમાન બન્યા. સરલાદેવી
ગાંધીજીની વિચારસરણીથી આકર્ષાયાં હતાં. તેમને પહેલેથી જ સાદગી અને ત્યાગ પસંદ હતાં. ગાંધીજી પણ
સરલાદેવીના ગુણોને આવકારતા. બાપુ તેમની નાની નાની જરૂરિયાતો સરલાદેવી પાસે માંગતાં સંકોચાતા નહોતા.
બાપુ હરિજન વાસમાં જમવા જતા તો સરલાદેવી અને અંબાલાલ સારાભાઈ ઉત્સાહભેર તેમાં સામેલ થતાં. આ
પરિવારે એ જમાનામાં આભડછેટે દૂર કરી દીધી હતી. ઘરમાં કોઈનાં વાસણ જુદાં રખાતાં નહીં. સ્ત્રીઓએ માસિક
ધર્મ વખતે આભડછેટ પાળવાનો રિવાજ પણ અહીં દૂર થઈ ગયો હતો.

યુરોપિયન મહેમાનોની તો કાયમ માટે અવરજવર હતી, તેથી દારૂ પીરસવાનો શરૂ થયો, પરંતુ સરલાદેવી
વ્યથિત થઈ જતાં તેથી ઘરમાં દારૂ લાવવાનું બંધ કરી દેવામાં આવ્યું.

એ દિવસોમાં હું સ્વતંત્ર રીતે રહી શકું એ માટે મને એક મોટર અને મિરજાપુરનો બંગલો અંબાલાલભાઈએ
આપી દીધો. હું ક્યારેક ડ્રાઈવર રાખતી તો ક્યારેક જાતે મોટર ચલાવતી. એ જમાનામાં હું ક્યારેક સિગરેટ પણ પી લેતી.
સ્ત્રીઓ માટે ખાસ બનાવવામાં આવતી યુરોપિયન સિગરેટ મારા માટે ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવતી. ભાભી થોડા
જૈન વિચારો ધરાવતાં હતાં, પરંતુ એમણે કોઈ દિવસ મારી જીવનશૈલી કે મારા ગમાઅણગમા વિશે મને સલાહ
આપવાની કે ટકોર કરવાની કોશિષ કરી નથી. અમારે ત્યાં સહુ સ્વતંત્ર હતા અને સહુને પોતાની રીતે જીવવાનો
અધિકાર આપવામાં અંબાલાલભાઈ અથવા શેઠ સાહેબનો દૃઢ વિશ્વાસ હતો.

દરેક સંતાનને તેના જન્મ પછી અંબાલાલ સારાભાઈએ પૈસાનો અમુક ભાગ આપ્યો હતો. કોની પાસે શું છે
તે વાત કદી ચર્ચાતી નહીં. અંબાલાલ સારાભાઈ બહુ પૈસા વિશે ઘરમાં વાતો કરતાં નહોતાં. કોઈ પ્રસંગે રોકડા કે ભેટ
બાળકોના હાથમાં ન અપાતાં. બેંકમાં દરેક સંતાનોનાં ખાતાં સ્વતંત્ર હતાં. ચેકબુક પર દરેકે અલગ સહી કરી પૈસા
ચૂકવવાની પ્રણાલિકા હતી. સાબુ જેવી વસ્તુનો પણ દરેક સંતાને પોતે ઓર્ડર કરવાનો અને તેનું બિલ જે તે સંતાન
પાસે આવે અને તેનું પેમેન્ટ ચેકથી જે તે સંતાને જ કરવાનું. પૈસાનો વહીવટ દરેક સંતાન સમજીને જાતે જ કરે તેવું
પિતાનું સૂચન હતું. દરેકના ખાતા પર સામાન્ય દેખરેખ રખાતી, પરંતુ તે રકમ ખર્ચવા માટે પિતાની રજા લેવી જરૂરી
નહોતી.

હકીકતમાં અંબાલાલ સારાભાઈએ દરેક સંતાનો માટે આપેલી પૈસાની આઝાદી, જવાબદારી અને
સ્વતંત્રતાની સાથે જ સ્વયં શિસ્ત અને જવાબદારીની ભાવના જ એના મૂળમાં હતાં. એમાં કોઈ જોહુકમી નહોતી.
સર્વસંમતિથી જ આ આર્થિક બીલોની ચુકવણીની વ્યવસ્થા ગોઠવાઈ હતી. ક્યારેક લોકો મજાક કરતા, ‘અંબાલાલ
સારાભાઈના બંગલામાં તો જેના મહેમાન હો, એ તમારી ચાનું બિલ પણ ચૂકવી આપે…’ ખરેખર આ સત્ય નહોતું.
અમારા ઘરમાં કોઈ દિવસ કોઈને હિસાબ પૂછવામાં આવતો નહીં, પરંતુ સૌ પોતપોતાની જવાબદારી સમજે એ જ
મારા ભાઈનો ઉદ્દેશ્ય હતો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *