તમે કોઈવાર સાવ માણસાઈમાં, ભલા થઈને કે લાગણીમાં તણાઈને કોઈની મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે ? જેની
સાથે લેવા-દેવા પણ ન હોય એવી કોઈ વ્યક્તિ-જેની સાથે વર્ષમાં બે વાર પણ વાત કરવાનો સમય ના હોય એવી કોઈ
વ્યક્તિ-કે પછી જેણે તમારું નુકસાન કર્યું હોય, તમે જાણતા હો તેમ છતાં તમે એ વ્યક્તિની મદદ કરવા માટે હાથ લંબાવ્યો
છે ? અનુભવ શું કહે છે ? તમારી ભલમનસાઈ, સજ્જનતા કે સ્નેહ આવા માણસને ગળે નથી ઉતરતો ને ? એને તો
એમ જ લાગે છે કે તમે મદદ કરવા નહીં, બલ્કે એના ઘા ઉપર મીઠું છાંટવા, ભૂતકાળમાં એણે જે કંઈ કર્યું છે, એ યાદ
કરાવવા કે પછી કોઈ બદલો લેવા માટે ‘માણસાઈ’ અથવા ‘સજ્જનતા’ના વાઘા પહેરીને એની સામે જઈ પહોંચ્યા છો.
માત્ર તમને નહીં, મને પણ આવા અનુભવ થયા છે… સૌને થતા જ હશે !
આપણે માણસ છીએ, ક્યારેક એવું થાય કે કોઈકે આપણને દુઃખ પહોંચાડ્યું હોય, તકલીફ આપી હોય, નુકસાન
કર્યું હોય કે આપણા વિશે ઉંધાચત્તા અભિપ્રાય આપ્યા હોય ત્યારે એને પાઠ ભણાવવાનું આપણને મન થાય, પરંતુ જો
આપણે ખરેખર સારા માણસ હોઈએ, બીજાને બતાવવા નહીં, પણ સાચે જ આપણી જાતને આપણે એક સારી સજ્જન
અને ભલી વ્યક્તિ માનતા હોઈએ તો કોઈને પાઠ ભણાવવાનો સમય એની તકલીફ કે મુશ્કેલી દરમિયાન નથી હોતો એની
આપણને ખબર હોવી જોઈએ. આમ જોવા જઈએ તો કુદરત દરેકનો ન્યાય કરે છે. કેટલાક લોકોની ધીરજ કુદરતની કોર્ટમાં
ચાલતા કેસનો ચુકાદો આવવા સુધી ટકે છે, કેટલાકની ધીરજ ટકતી નથી એટલે એ કુદરતના કાયદાને પોતાના હાથમાં લઈ
લે છે. કાયદો કુદરતનો હોય કે સરકારનો, માણસને પોતાના હાથમાં લેવાની છૂટ નથી ! ક્યારેક એવું બને છે કે, ધીરજ
ગુમાવી બેઠેલો માણસ પોતે જ સૌનો ન્યાય કરવા ન્યાયાધીશની ખુરશી પર બેસી જાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે
ન્યાયની દેવીની આંખો ઉપર પટ્ટી એટલા માટે બાંધવામાં આવી, કાન એટલા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે કે એ
ચહેરો ન જોઈ શકે, માત્ર પૂરાવા અને દલીલો સાંભળી શકે. કુદરતની દેવીની આંખો પણ કોઈનોય ચહેરો જોઈને ન્યાય
નથી કરતી… એ પણ તદ્દન નિષ્પક્ષતાથી પોતાનો ન્યાય કરે છે. સમયનું ચક્ર બહુ રસપ્રદ રીતે ફરે છે, જેમાં ચકડોળની જેમ
નીચેથી બેઠેલાને એકવાર ઉપર જવાની તક જરુર મળે છે. હવે એ ઉપર જઈને આજુબાજુનું દૃશ્ય જુએ છે, જગતને જુએ
છે કે આંખો મીચીને નીચે ઉતરવાની પ્રતિક્ષા અને પ્રાર્થના કરે છે એ એણે જ નક્કી કરવાનું છે !
ઉપર જનારાએ ઉપરથી દેખાતા દૃશ્યને જો ધ્યાનથી જોયું હોય તો સમજાય કે ટોપ એન્ગલથી દેખાતી વસ્તુ
પ્રમાણમાં નાની લાગે છે, વળી એ દૃશ્ય વિસ્તુત હોય છે-પેનોરેમિક, એટલે કે પૂરેપૂરું દેખાય છે. આપણે જ્યારે નીચે ઊભા
હોઈએ ત્યારે નજર સામે દેખાતી વસ્તુ, વ્યક્તિ કે વિચારની સાઈઝ કદાચ મોટી લાગતી હોય તો પણ જ્યારે એને ટોપ
એન્ગલમાં (ઉપરથી) જોઈએ ત્યારે એની સાઈઝ આપોઆપ ઘટી જાય છે. આ જ સ્થિતિ ઈશ્વરની પણ થતી હશે ? એ
ઉપરથી જુએ છે, કદાચ! આપણે પણ જો ઉપર જઈને-મરીને નહીં, ઉપર ઊઠીને, પરિસ્થિતિથી બિયોન્ડ જઈને કોઈ
વ્યક્તિ, વસ્તુ કે વિચારને જોઈ શકીએ તો આપણને પણ છે એના કરતા ચોક્કસ નાનું દેખાય, સાથે સાથે એક પૂરું દૃશ્ય
જોઈ શકાય… મોટાભાગના લોકોને આ ઉપર ઊઠીને જોવાની તસદી લેવાનો સમય નથી હોતો. એ લોકો હમણા અને
અત્યારે જ હિસાબ કરવાની ઉતાવળમાં હોય છે. સ્નેહ અને સંતાપ ચક્રવૃધ્ધિ વ્યાજ જેવા છે. જો મૂકી રાખી શકીએ, તો
વ્યાજનું ય વ્યાજ આવે, ને જો વાપરી નાખીએ તો મૂડી પણ ખલાસ થઈ જાય. જેને આ સમજાય છે એને માટે જીવન
સરળ પણ છે અને શાંત પણ. જેને આ નથી સમજાતું એ સતત પોતાના હાથમાં ત્રાજવું લઈ બીજાનો ન્યાય કરતા ફરે છે.
ત્રાજવાનું કામ તો તોળવાનું છે, એને ખબર નથી કે ન્યાય કોનો છે ? એટલે, એ તો સતત વજન કરે છે. જે પલ્લામાં જે
મૂકો એની સાથે સામેના પલ્લામાં મૂકાયેલી વ્યક્તિ, વસ્તુ, વિચાર, વ્યવહાર, વાણી કે વર્તનને તોળે છે. એનું કામ બરાબર
કરવાનું પણ છે, એટલે એ બરાબર પણ કરે છે… એને કોના હાથમાં છે, એની સાથે નિસ્બત નથી, એને તો માત્ર એના
યાંત્રિક ઉપયોગ પૂરતી જ સમજણ છે. ક્યારેક એવું બને છે કે આપણે ઉતાવળિયા થઈને ત્રાજવું હાથમાં લઈને ફટાફટ બંને
પલ્લા સરખા કરવાનો મરણિયો પ્રયાસ કરવા લાગીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે, જે ક્ષણે બંને પલ્લા સરખા
થશે એ ક્ષણે ત્રાજવું સ્થિર થઈ જશે… સમય અને સ્થિતિ થંભી જશે !
આપણે જ્યારે ફક્ત ભલમનસાઈથી, સ્નેહ કે સજ્જનતાથી કોઈની મદદ કરવા હાથ લંબાવીએ ત્યારે, બલ્કે
લંબાવતા પહેલાં જાતને એટલું ચોક્કસ સમજાવી લેવું કે આપણી સજ્જનતા, સારાઈ, ભલમનસાઈ સામેનો માણસ
સમજશે એ આપણી ધારણા છે, એવું કોઈ વચન છે નહીં ! બીજી એક મહત્ત્વની વાત એ પણ છે કે આપણી સારાઈ
અથવા સામેની વ્યક્તિ માટેની સહાનુભૂતિ એ સાચા અને યોગ્ય અર્થમાં જ લેશે એવું આપણે માનીએ છીએ, એની એ
સમયની માનસિક સ્થિતિ એને એવું ન પણ કરવા દે… તો ખોટું ન લગાડવું, કારણ કે આપણી માનસિક સ્થિતિ ત્રાજવા
જેવી હોવી જોઈએ, સ્થિર ! બેમાંથી કોઈ પણ પલ્લામાં જો વજન વધારે હશે તો સ્થિર નહીં થઈ શકાય… ભલમનસાઈનું
પણ વજન વધારવું નહીં. સત્વનો અહંકાર પણ ‘અહંકાર’ જ કહેવાય છે, એ ફક્ત સજ્જનતા, સારાઈના ચોખ્ખા ધોયેલા
કપડા પહેરે છે જેથી એના પર અહમના ડાઘા દેખાતા નથી. જો સાચે જ કોઈની મદદ કરવા માગતા હોય તો મુક્ત થઈને
જ કરી શકાય, આપણે જ બંધાયેલા હોઈએ કે વિતેલા સમયને યાદ કરીને એને કોઈ પાઠ ભણાવવા માગતા હોઈએ તો એને
કોઈ પણ પ્રકારના વાઘા પહેરાવ્યા વગર હિંમત અને પૂરા જિગરથી એનો હિસાબ પાછો આપવાની આપણામાં તાકાત
હોવી જોઈએ…
આવી તાકાત સામાન્ય રીતે બધામાં હોતી નથી, કારણ કે એમના પલ્લા સ્થિર હોતા નથી. મોટાભાગના લોકોના
ત્રાજવામાં બેમાંથી એક પલ્લાનું વજન વધારે હોય છે. કાં તો એ ભૂતકાળનો ભાર વધારે છે અને કાં તો એ વર્તમાનમાં
વજન મૂકીને કશુંક જમા કરાવવા માગે છે… બંને ખોટું છે. જો સાચે જ આપણી ભલમનસાઈ, સારાઈ કે સજ્જનતા
જાગી હોય, જીવતી હોય તો મદદનો હાથ ચોક્કસ લંબાવવો, પરંતુ એ પછી જો સામેની વ્યક્તિ હાથ ઝટકાવી નાખે,
તમારી સચ્ચાઈને કે સ્નેહને સમજ્યા વગર, તમારા પ્રયાસને તમારી લુચ્ચાઈ કે કડવાશ ગણે, તો માનવું કે તમે જે ભૂલી
ગયા છો એ ઘટના, પરિસ્થિતિ અને અભિપ્રાયો એમને હજી યાદ છે !
સ્મૃતિ એક અદ્ભૂત સંવેદના છે… આપણે ઘરમાં હસતા ફોટા લગાવીએ છીએ, ક્યારેય કોઈએ ઝઘડતા, રડતા,
લડતા ફોટા ભીંત પર ટાંગ્યા નથી. અર્થ એ થયો કે સારું યાદ રાખવાનો આપણે સૌ પ્રયાસ કરીએ છીએ. આપણે હસતા
ફોટા આપણી ભીતરની ભીંત પર ટાંગવા, આપણી સજ્જનતા અને સારાઈ કોઈની સામે સાબિત કરવાની જરુર નથી
કારણ કે જે ટોપ એન્ગલથી જોઈ રહ્યો છે એને આખું દૃશ્ય દેખાય છે… જે નીચે, જમીન પર ઊભો છે એની દૃષ્ટિ મર્યાદિત
છે, એને ક્ષમા કરવી અને આપણી સજ્જનતા, સારાઈ, સહાનુભૂતિ કે સંવેદના બરકરાર રહે તે માટે આવા લોકોને ભૂલીને
જેણે આપણા લંબાવેલા હાથને પકડીને એની પીડાના ખાડામાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો હોય એવા સૌને સાથે લઈ
આગળ વધી જવું…
આ જ જીવવાની સાચી રીત છે, આ જીવવાની એક જ રીત છે !
So true mam