સરદાર વલ્લભભાઈ પટેલઃ સ્મૃતિ કથાઓ

આઝાદી હવે કોઈ પણ સ્વરૂપે મળવાની જ હતી એ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું હતું.
બ્રિટિશ વાઈસરૉય વેવેલ જેને ‘મેડ હાઉસ’ કહેતા હતા એવા આ દેશને નાહક સંભાળવાની પળોજણ
કરવામાં 10, ડાઉનિંગ સ્ટ્રીટ કે બર્મિંગહામ પેલેસમાં કોઈને રસ નહોતો. બ્રિટિશરોની વિદાય હવે
નિશ્ચિત છે એટલું સમજનારા તમામ હિંદીઓને હવે એ વાત પણ લગભગ સમજાઈ ગઈ હતી કે દેશ
વિભાજન તરફ ઘસડાઈ રહ્યો છે. દેશમાં અવિશ્વાસ અને હિંસાચાર મોટા પ્રમાણમાં વ્યાપી વળ્યા
હતા. સંભવિત વિભાજન જો હકીકત બને તો આ હિંસાચાર વધુ વેગ પકડે, એટલું જ નહીં, બંને
નવાં રાજ્યો વચ્ચે પણ કલહ, દ્વેષ તથા હિંસાચારની સંભાવના પણ વધે. બીજા વિશ્વયુદ્ધનો
ભયાનક વિનાશ આખી દુનિયાએ હમણાં જ જોયો હતો. વિશ્વશાંતિ ક્યારેય યુદ્ધના માર્ગે સંભવિત
જ નથી, એ તો માત્ર બુદ્ધના માર્ગે જ મળી શકે એ વિશે ગાંધીજીના મનમાં લેશ પણ શક નહોતો.

ગાંધીજીની અહિંસા પ્રત્યેની અટલ નિષ્ઠા વિશે કોઈનેય શક નહોતો. હિંસાથી ક્યારેય કોઈ
પ્રશ્ન ઉકેલાયો નથી એ પણ સૌ કોઈ સમજતા હતા, પણ હિંસા વિના માણસજાતને ક્યારેય ચાલ્યું
નથી. એ લાચારીનો ઈતિહાસ પણ સૌ કોઈ જાણતા હતા. ગાંધીજી આ બધા સાથીઓની અવઢવ
સમજી ગયા હતા. એમણે કહ્યું: “હું કહું છું એટલે તમારે મારી સાથે રહેવું એ જરૂરી નથી. તમને
પોતાને જો આ વાત વધુ સાચી અને સબળ લાગતી હોય તો જ ઉઘાડી આંખે મારી સાથે આવજો.”

પણ ચર્ચાને અંતે જ્યારે સરદારે સમાપન કર્યું ત્યારે સૌ સમજી ગયા હતા કે ગાંધીજીનું આ
અહિંસાનું સ્વપ્ન સ્વીકારી શકાય એવું નથી. સરદારે કહ્યું: “સમાજ ઉપર અત્યાચારો કરનાર સાથે
હિંસા આચર્યા વિના કામ પાડી શકાય એમ હું માનતો નથી. અંદરની અવ્યવસ્થા અને બહારનાં
આક્રમણો સામે હિંસાથી પ્રતિકાર કર્યા વિના છૂટકો જ નથી.”

પોતાની આ અહિંસાવિષયક વિભાવનાનો કારોબારીમાં સર્વસામાન્ય સ્વીકાર નહીં થાય એટલું
તો ગાંધીજી પણ જાણતા હતા, પણ પોતાની આ વાતનો વિરોધ સ્વયં સરદાર પણ કરશે એએમના
માટે થોડુંક અકલ્પનીય અને દુઃખદ પણ હતું. એમણે સરદારના ચહેરા સામે નજર ઠેરવીને પૂછ્યું:
“સરદાર ! હવે તમે પણ મારી સાથે નથી એમ માની લઉં?”

“બાપુ !” સરદારે અત્યંત વેદનાસિક્ત સ્વરે કહ્યું : “તમે જો હુકમ કરતા હો તો આંખ મીંચીને
તમારી પાછળ આવું, પણ તમે તો કહો છો કે મારા કહેવાથી નહીં પણ તમને સૂઝ પડતી હોય તો જ
મારી સાથે આવો. તમે જ કહો, બાપુ ! મને તમારી આ વાતમાં સૂઝ પડતી નથી અને છતાં જો હું
તમારી સાથે આવું તો મેં તમારી સાથે છેતરપિંડી કરી છે એવું ન કહેવાય ?”

ગાંધીજીની આ વાત કારોબારીએ સ્વીકારી નહીં એટલે ગાંધીજીએ કારોબારીને કહ્યું, “જો તમે
મારી આ વાત સ્વીકારી શકો એમ ન હો તો તમારા પોતાના વિચારો અનુસાર કોઈ પણ માર્ગે જવાની
તમને છૂટ છે, પણ મારી એક જ વિનંતી છે કે કારોબારીના નેતૃત્વમાંથી તમે હવે મને મુક્ત કરો.”

આમેય ગાંધીજી ઘણા લાંબા સમયથી કોંગ્રેસપક્ષના સભ્ય તરીકે પણ છૂટા થઈ ગયા હતા.
આમ છતાં કોંગ્રેસની રાજકીય ગતિવિધિઓમાં એમનું નેતૃત્વ અને એમની આણ અબાધિત હતાં. હવે
ગાંધીજી પોતાની એ આમન્યામાંથી પણ કોંગ્રેસને છૂટો દોર આપવા માગતા હતા.

સૌ કોઈ સાંભળી રહ્યા. હવે બીજો કોઈ રસ્તો જ નહોતો. ગાંધીજીની વાતનો કારોબારીએ
સ્વીકાર કરી લીધો. સરદાર કશુંય બોલ્યા નહીં, બારીમાંથી બહાર જોઈ રહ્યા.

  • મહામાનવ સરદાર (દિનકર જોષી)

1923માં મહારાષ્ટ્રમાં રાજકીય પરિષદ મળી હતી, એના પ્રમુખ તરીકે સરદારશ્રીની વરણી
થઈ હતી. ગુજરાતની પરિષદમાં તો ઠરાવો ઘડવાનાં કામ સહેલાઈથી ઊકલી જાય, પણ અહીં તો
બાલનીયે ખાલ કાઢનારાં ભેજાં હતાં, સરદારશ્રી પોતાના વિનોદથી એ બધાને પહોંચી વળ્યા.

એક જણે પૂછ્યું, “ખાદીનો કોટ પહેર્યો હોય, પણ ધોતિયું મિલનું હોય તો ચાલે કે ?”

સરદારે તરત જવાબ આપ્યો, “જે અર્ધી ખાદી પહેરે તે અર્ધો વોટ આપે !”

નિયમિત ખાદી પહેરનાર કવચિત્ ખાદી ન પહેરે તો ચલાવી લેવાય, એવો ઠરાવનો અર્થ
કરવાની ચર્ચા ચાલતી હતી તેમાં એક ભાઈએ પૂછ્યું, “રોજ ખાદી ન પહેરી હોય તો એ નિયમિત
ખાદી પહેરનાર ન ગણાય ?”

સરદારશ્રીએ કહ્યું, “મારી પાસે તો જે સિક્કો મૂકવામાં આવે તેને હું ખખડાવી જોઉં. બોદો
વાગે તો મારે મન એ બોદો જ છે !”

અસ્પૃશ્યતાના ઠરાવમાં ‘હિંદુ ધર્મ ઉપર જે કલંક રૂપ છે’ એ શબ્દો ઉપર શાસ્ત્ર અને ભાષાના
પંડિતોએ ખૂબ ઊહાપોહ મચાવ્યો. એક ભાઈએ સરદારશ્રીને પૂછ્યું, “એ હિંદુ ધર્મ ઉપર શી રીતે કલંક
કહેવાય ?”

સરદારશ્રી કહે, “ત્યારે ઈસ્લામ ઉપર કલંક કહેવાય ? કે ખ્રિસ્તી ધર્મ ઉપર ? તમે એમ કહેતા
હો તો એમ લખીએ !”


સરદારશ્રી બહારથી લોખંડી પુરુષ જ લાગે, પણ તેમના પરિચયમાં આવનારને એમના
હૃદયની પ્રેમાળતાનો પરચો મળતો. સરદારશ્રી બાપુજી સાથે 1932ની સાલમાં યરવડા જેલમાં હતા
ત્યારે સરદાર, બાપુજીની બહુ સંભાળ રાખતા અને બાપુનું ઘણુંખરું કામ પ્રેમ અને સેવાભાવથી
કરતા. ઘણીવાર બાપુની સાથે રકઝક કરીને પણ બાપુને અમુક સગવડ કરી આપવા તેઓ મથતા પણ
બાપુજી પણ થોડા હઠીલા (!) ખરાને ! તેઓ તો પોતાનું ધાર્યું જ કરતા.

બાપુજી રાતે બહાર ખુલ્લામાં જ સૂતા, પણ કોઈ વાર રાતે વરસાદ આવતો, ત્યારે બાપુનો
ખાટલો ઉઠાવીને વરંડામાં લાવવો પડતો હતો એટલે બાપુએ જેલના મેજર પાસે હલકો ખાટલો
માગ્યો.

મેજરે કહ્યું, “કાથીની દોરીની ચારપાઈ છે. એ ચાલશે ?”

બાપુ કહે, “હા”.

મેજર કહે, “તમે કહેશો તો કાથીની દોરી કાઢીને એના ઉપર પાટી ભરી આપીશ.”

સાંજે ખાટલો આવ્યો, બાપુ કહે, “આના ઉપર પાટી બંધાવવાની કશી જરૂર નથી. મારી
પથારી આજે એના ઉપર કરજો.”

સરદાર તરત જ બોલી ઊઠ્યા, “અરે શું ? એના ઉપર તે સુવાતું હશે ? ગાદલામાં કાથીના
વાળ ઓછા છે જે કાથીની દોરી ઉપર સૂવું છે ?”

બાપુ કહે, “પણ જુઓની, આ ખાટલો કેટલો સ્વચ્છ રહી શકે છે ?”

વલ્લભભાઈ, “તમેય ખરા છો ! એના ઉપર તો ચાર નાળિયેર ચાર ખૂણે બાંધવાના બાકી છે.
એવો અપશુકનિયો ખાટલો નહીં ચાલે. એના ઉપર કાલે પાટી ભરાવી દઈશ.”

બાપુ, “ના વલ્લબભાઈ, પાટીમાં ધૂળ ભરાય. પાટી ધોવાય નહીં, આના ઉપર તો પાણી રેડ્યું
કે સાફ.”

વલ્લભભાઈ, “પાટી ધોબીને આપી કે બીજે દિવસે ધોવાઈને આવે.”

બાપુ, “પણ આ દોરી ઉખેડવી ન પડે, એમ ને એમ ધોઈ શકાય.”

મહાદેવભાઈ આ મીઠી રકઝક સાંભળતા હતા તે વચ્ચે બોલ્યા, “હા બાપુ. ગરમ પાણીએ
ઝારી શકાય અને એમાં માંકડ પણ ન રહી શકે.”

એ સાંભળી વલ્લભભાઈ કહે, “ચાલો, હવે તમેય મત આપ્યો ! એ ખાટલામાં તો ચાંચડ-
માંકડ એટલા થાય કે વાત ન પૂછો.”

બાપુ, “હું તો એના ઉપર જ સૂઈશ. ભલે તમે એવો ન મંગવતા. મારે ત્યાં તો બાળપણમાં
આવા જ ખાટલા વપરાતા એ યાદ છે. મારી બા તો એના ઉપર આદુ ઘસતી.”

મહાદેવભાઈએ કહ્યું, “એ શું ? એ હું ન સમજ્યો.”

બાપુ કહે, “આદુનાં અથાણાં કરવાં હોય ત્યારે આદુને છરીથી સાફ ન કરતાં આના ઉપર ઘસે
એટલે છોતરાં બધાં સાફ થઈ જાય.”

વલ્લભભાઈ કહે, “તે જ પ્રમાણે આ મૂઠી હાડકાં ઉપરની ચામડી ઊખડી જશે! એટલે જ હું
કહું છું કે પાટી ભરાવો.”

બાપુ, “અને પાટી તો ‘ઘરડી ઘોડી ને લાલ લગામ’ જેવું થઈ પડશે. આ ખાટલા ઉપર પાટી
શોભે નહીં. એના ઉપર કાથી જ શોભે અને પાણી રેડીએ એટલે બિલકુલ ધોવાઈ જાય, જેમ કપડાં
ધોવાય. એ કેવું સુખ ! વળી કાથી કોઈ દિવસ સડવાની નહીં.”

એટલે વલ્લભભાઈ કહે, “વારુ ત્યારે, મારું કહ્યું ન માનો તો ભલે.”

બાપુએ ખાટલો વરંડા ઉપરથી નીચે લેવડાવ્યો.

નીચે લીધા પછી વલ્લભભાઈ કહે, “પણ વરસાદ આવશે તો ?”

બાપુ, “તો ઉપર લઈશું.”

વલ્લભભાઈ કહે, “ततो दुःखतरं नु किम् ?”

બાપુ ગમ્મતમાં હસતા હસતા કહે, “એ તો હું જાણતો જ હતો કે આ શ્લોકનો ઉપયોગ
કરવાને માટે જ તમે આ સવાલ પૂછો છો !”

  • ગુજરાતના શિરછત્ર સરદાર (મુકુલભાઈ કલાર્થી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *