1960માં ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમર થઈ ગયેલી ફિલ્મ ‘મુઘલ-ઐ-આઝમ’ માત્ર
ફિલ્મ તરીકે જ નહીં, એ પછી ફિરોઝ અબ્બાસ ખાન દિગ્દર્શિત મ્યુઝિકલ નાટ્ય સ્વરૂપે પણ ખૂબ સફળ
રહી. અનારકલી નામની દાસીની દીકરી (કનીઝ) અને બાદશાહના દીકરાની પ્રણયકથા એક વિદ્રોહ કથા,
ક્લાસ કોન્શિયસનેસને પડકારતી અને બાદશાહના ન્યાયની સામે સવાલ ઉઠાવતી આ એવી કથા હતી જે
આઝાદ થયેલા ભારતમાં લગભગ દરેક રૂઢિચુસ્ત પરિવારની સામેનો પડકાર હતો.
સલીમ (અકબરનો સૌથી મોટો દીકરો), જેનું મૂળ નામ નૂર અલ-દીન મોહંમદ સલીમ હતું,
જેણે પછીથી જહાંગીર તરીકે 1605થી 1627 સુધી મુઘલ બાદશાહ તરીકે રાજ કર્યું. એ મોટી ઉંમરે
થયેલી ઔલાદ હોવાને કારણે લાડ અને પ્રેમના કારણે ઐયાશ અને બેદરકાર હતો. બાદશાહ અકબર અને
સલીમના સંબંધો અંગે જાતભાતની કથાઓ મળે છે, પરંતુ એક નવા જ પરિપ્રેક્ષ્ય સાથે આ કથાને ઓટીટી
પર ફરીથી રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધી આપણા ઈતિહાસના પાઠ્ય પુસ્તકોમાં બાદશાહ
અકબરનું વર્ણન હિન્દુઓને આદર આપતા, સર્વ ધર્મ સમભાવ સાથે દીન એ ઈલાહીની સ્થાપના કરનાર,
સંગીત અને વિદ્યાના પ્રેમી, દરબારમાં નવ રત્નો ધરાવતા એક સફળ શહેનશાહ તરીકે વાંચ્યું છે, પરંતુ આ
ઓટીટી વેબ સીરિઝ ‘તાજ-ડિવાઈડેડ બાય બ્લડ’માં અકબરના ત્રણ દીકરાઓ મુરાદ, સલીમ અને
દાનિયાલની કથા કહેવામાં આવી છે…
આ કથામાં અનારકલીને બાદશાહ અકબરની ખાસ કનીઝ તરીકે રજૂ કરવામાં આવી છે એટલું જ
નહીં, અકબરે 14 વર્ષની ઉંમરે એને મા બનાવીને છેલ્લા 16 વર્ષથી કેદ કરી રાખી છે. સલીમ અનાયાસે
એને મળે છે અને પછી જે સર્જાય છે તે માત્ર મહોબ્બતની કથા નથી, પરંતુ દિલ્હીના તખ્ત સાથે
જોડાયેલા રાજકારણની અને અકબરના અહંકાર, એના ખોટા નિર્ણયો અને એનાથી હિન્દુસ્તાન અને
પરિવારને થયેલા ભયાનક નુકસાનની કથા પણ છે.
ઈતિહાસ હંમેશાં અનેક કલમોથી લખાતો હોય છે. જે લોકો એ સમયમાં જીવ્યા છે, એમણે
જોયેલો, અનુભવેલો સમય અને એનું અર્થઘટન એમની દ્રષ્ટિએ જુદું હોઈ શકે. એ પછીની પેઢીઓ એ જ
ઘટનાઓને જે રીતે મુલવે કે એનું અર્થઘટન કરે એ તદ્દન જુદું અથવા કદાચ એના સમયમાં લખાયેલા
દસ્તાવેજ કરતાં તદ્દન વિરુધ્ધ પણ હોઈ શકે. બદલાતા સમય સાથે પરિપ્રેક્ષ્ય (પરસ્પેક્ટિવ) બદલાય છે.
છેલ્લા થોડા સમયથી ઈતિહાસના અને પુરાણના પાત્રોને નવેસરથી આલેખવાની, એમના વિશે રચાયેલા
સાહિત્ય કે નોંધાયેલી બાબતોને નવેસરથી મુલવવાનો એક જુદો જ ટ્રેન્ડ શરૂ થયો છે. આનંદ નિલકંઠન,
ચિત્રા દેવકરુણી બેનરજી, દેવદત્ત પટનાયક જેવા લેખકોએ એ જ પાત્રો વિશે રિસર્ચ કરીને એ પાત્રોને
નવા લેન્સથી, નવી રીતે તપાસ્યાં છે, અને એમના મતે જે સાચું કે યોગ્ય લાગ્યું છે એને વાચક કે પ્રેક્ષક
સમક્ષ મૂકવાની હિંમત કરી છે. ‘તાજ-ડિવાઈડેડ બાય બ્લડ’ કદાચ ઘણા લોકોની નજરે નથી પડી, નહીં
તો અકબરના સાળા અને મહારાણી જોધાબાઈના ભાઈ વિશે એમાં બોલાયેલા ઘણા સંવાદ વિશે
ઉહાપોહ થઈ શકે. એ વેબ સીરિઝના દિગ્દર્શક વિદેશી છે અને લેખક પોતાના જુદા પરિપ્રેક્ષ્ય અને
ઈતિહાસ કે પુરાણના પાત્રો વિશે લખાયેલી એમની નવલકથાઓ માટે બહુચર્ચિત છે. ઈતિહાસને નવી
રીતે રજૂ કરાય છે ત્યારે સવાલ, વિવાદ ઊભો કરવાનો નથી-અહીં મુદ્દો છે આજની દ્રષ્ટિએ ગઈકાલને
સમજવાનો.
આમ તો કોઈ ઈતિહાસ ક્યારેય સંપૂર્ણપણે સત્ય હોઈ શકે નહીં કારણ કે, દરેક ઈતિહાસ ‘પોઈન્ટ
ઓફ વ્યૂ’ હોય છે. દરેકની દ્રષ્ટિએ બનેલી ઘટનાના અનેક અર્થ નીકળે છે. વ્યક્તિ વિશે કે પ્રસંગ વિશે ત્યાં
હાજર અને ગેરહાજર લોકોના પોતપોતાના મંતવ્યો હોય છે. જેમ કે, દીન એ ઈલાહીની સ્થાપના
કેટલાક લોકો માટે સર્વ ધર્મ સમભાવની શરૂઆત હતી તો કેટલાક લોકોને એમાં અકબરનો ‘ઈશ્વર’
બનવાનો અહંકાર દેખાયો! ઈતિહાસ લખનારના વિચારો-માન્યતા અથવા રૂઢિચુસ્તતા કે આઝાદ
ખયાલી એના લખાણમાં સામેલ ન હોય એવું શક્ય નથી. ખાસ કરીને ભારતના ઈતિહાસ વિશે આ મુદ્દો
બહુ મહત્વનો છે. ભારત પાસે પોતાનો કહી શકાય એવો દસ્તાવેજ પ્રમાણમાં ઓછો છે. હ્યુ એન સાંગ
(ચીની પ્રવાસી) કે અબુલ ફઝલે લખેલા ઈતિહાસને આપણે પ્રમાણભૂત માનીને એના ઉપરથી આપણા
ઘણા ઐતિહાસિક દસ્તાવેજો તૈયાર કર્યા છે.
સત્ય તો એ છે કે, માણસ માત્રના ઈતિહાસમાં સત્ય કેટલું છે એ વિશે એ માણસ જાતે જ કહી
શકે, એ સિવાયની કોઈ વ્યક્તિ દાવાપૂર્વક ઈતિહાસને ‘સત્ય’ ઠરાવી શકે નહીં. જે હવે હયાત જ નથી
એના વિશે બોલાય, લખાય કે વંચાય ત્યારે એમાં લખનાર, બોલનાર અને વાંચનારના વિચારો આપોઆપ
ભળી જાય છે. આમ તો, ઈતિહાસ પણ એક પ્રકારનું રિપોર્ટિંગ જ છે. આ વાત માત્ર ઈતિહાસના પાત્રો કે
પુરાણની કથાઓ પૂરતા જ મર્યાદિત નથી, આજના નેતા, ફિલ્મસ્ટાર, સ્પોર્ટસ્ટાર કે પ્રસિધ્ધિ વ્યક્તિઓ
પ્રત્યે જ્યારે બોલાય છે, લખાય છે, વંચાય છે ત્યારે સૌ સૌના મંતવ્યો અને માન્યતાઓ એમાં આપોઆપ
ભળી જાય છે. કરિના કપૂરનો સ્વીમસૂટમાં પોતાના સંતાન સાથે રેતીમાં રમતો ફોટો હોય કે ઐશ્વર્યા અને
જયા બચ્ચનના સંબંધો, નરેન્દ્ર મોદીના નિર્ણયો હોય કે વિરાટ કોહલીની રમત… સોશિયલ મીડિયાએ
આ બધી બાબતોને ચાટ મસાલો ભભરાવીને વેચવાનું એક નવું જ તૂત શરૂ કર્યું છે. કેટલું સત્ય અને કેટલો
બકવાશ એનો ભેદ હવે પાડી શકાય એવું રહ્યું જ નથી, કારણ કે અસત્યને પણ એવી રીતે રજૂ કરવામાં
આવે છે જાણે એ સત્યથી પણ વધુ સત્ય હોય!
ખરેખર ઈતિહાસ શું હતો? પુરાણની કથા કે પુરાણના પાત્રોનું સત્ય શું હતું? 19મી-20મી
સદીમાં જીવેલા રાજનેતા કે અભિનેતાનું સાચું જીવન કે ચરિત્ર શું હતું, કયા પ્રસંગો સાચા ને કયા ખોટા
એ નક્કી કરવાનું હવેની પેઢી માટે ખરેખર મુશ્કેલ બનતું જવાનું છે… હવે એક એવો સમય આવી રહ્યો છે
જેમાં સત્ય અને અસત્ય વચ્ચેની પાતળી ભેદરેખા હળવે હળવે ભૂંસાઈ રહી છે. હવે એવો સમય આવશે
જેમાં બધું જ મિથ્યા હશે, અથવા બધું જ તથ્યપૂર્ણ લાગવા માંડશે.
નિર્ણય વ્યક્તિગત જ હશે, હોવો જોઈએ.