“અન્યાય અને અત્યાચાર સહન કરવો એ પણ ગુનો છે.” ગાંધીજીએ જ્યારે આ કહ્યું, ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે એમના પોતાના જ દેશમાં આવનારા વર્ષોમાં મુંગે મોઢે અન્યાય અને અત્યાચાર સહન કરનારા માણસોની સંખ્યા વધતી જશે. ક્યારેક આપણને નવાઈ લાગે એટલી હદે આપણે બધા જ અન્યાય અને અત્યાચાર સહન કરતાં શીખી ગયાં છીએ !
“સત્તા આગળ શાણપણ નકામું” આ કહેવત કેટલા વર્ષો પહેલાં કહેવાઈ હશે એની તો કલ્પના નથી, પણ વિતતા વર્ષો સાથે આ કહેવત સાચી પડતી જોવા મળે છે. સત્તા એટલે કોણ ? આપણે ત્યાં સત્તા એટલે સરકાર, પોલીસ અને બ્યુરોક્રેટ્સ ! આ ત્રિપાંખિયો વ્યૂહ એવો છે કે જેમાંથી પસાર થતી વખતે આપણને એકાદ કડવો અનુભવ થયા વગર રહેતો નથી. એની સામે, કેટલાક લોકો એવા પણ છે જે આ ત્રિપાંખિયા વ્યૂહમાં હોવા છતાં પોતાની ફરજ, પદ અને યુનિફોર્મનું મહત્વ બરાબર સમજે છે ! સામાન્ય માણસને મદદ કરવી કે એની મુશ્કેલીઓને ઘટાડવી એ આવા ‘સત્તાસ્થાને’ બેઠેલા લોકો પોતાની ફરજ માનીને કરે ત્યારે આપણને ‘ભારતીય’ હોવાનું ગૌરવ પણ થાય છે.
ગયા અઠવાડિયે કચ્છમાં મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામમાં ત્રણ શકમંદ યુવાનોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા આ ત્રણેય શકમંદ યુવાનોને અસહ્ય ટોર્ચર કરવામાં આવ્યું, જેમાં અરજણ નામના યુવાનનું ત્યાં જ મૃત્યુ થયું. બીજા બે યુવાનોને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડવા પડ્યા… જેમાંથી બીજા એક હરજોગનું પણ મૃત્યુ થયું… નવાઈની વાત એ છે કે પોલીસ કસ્ટડીમાં થતા મૃત્યુ આપણા દેશમાં આશ્ચર્ય પમાડતી ઘટના તરીકે જોવાતા જ નથી. છેલ્લા દસ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુમાંથી 69 ટકા, (1004) જેટલા મૃત્યુને બીમારી અથવા કુદરતી મૃત્યુ તરીકે ખપાવવામાં આવ્યા, 40 ટકા મૃત્યુને સ્યુસાઈડ અને 29 ટકા જ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાં નોંધવામાં આવ્યા. આપણને આશ્ચર્ય થાય એવું સત્ય એ છે કે 2005 સુધી તો પોલીસ કસ્ટડીમાં થતા મૃત્યુ અંગે કોઈ સત્તાવાર ઈન્ક્વાયરી બેસાડવાનો કાયદો આપણી પાસે હતો જ નહીં. 2005માં સેક્શન 176 મુજબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા જ્યુડિશિયલ કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આની ઈન્ક્વાયરી કરે એવો કાયદો ઘડવામાં આવ્યો. આપણા દેશના દસ રાજ્યો 2013માં છત્તીસગઢ, 2010માં ગુજરાત, 2019માં ગુજરાત, 2015માં મધ્યપ્રદેશ, 2013માં મેઘાલય, 2015 અને 2017માં ઓડીસા, 2011 અને 2013માં રાજસ્થાન, 2014માં તામિલનાડુ, 2015 અને 2019માં ત્રિપુરા, 2013માં પશ્ચિમ બંગાળમાં અનેક ઈન્ક્વાયરી પેન્ડિંગ છે જેમાં રિપોર્ટ કરવામાં આવેલા કસ્ટોડિયલ ડેથ કરતાં ઘણા વધારે આંકડા જોવા મળ્યા છે. આ વિશેકોઈ સફાઈ આપવામાં આવી નથી. “સાવધાન ઈન્ડિયા” કે “ડાયલ-100” જેવી સીરીઝ જોતા હોઈએ
ત્યારે એક સવાલ ચોક્કસ થાય કે પોલીસ જ્યારે કોઈ વ્યક્તિને ગુના માટે શક સાથે કસ્ટડીમાં લે ત્યારે ફક્ત મારવાથી કે ફિઝિકલ ટોર્ચરથી જ એ વ્યક્તિની જીભ ખૂલે ? એની સામે, કોણ સાચું હશે અને કોણ ખોટું હશે એનો નિર્ણય કેવી રીતે થઈ શકે ? ક્યારેક સાચી વ્યક્તિએ વગર કારણે ફિઝિકલ ટોર્ચરનો ભોગ બનવું પડે, તો ક્યારેક ગુનેગાર અને ખોટી વ્યક્તિ પણ પોતાની ચાલાકી અથવા પહોંચને કારણે પોલીસને મૂરખ બનાવીને કે એમના કનેક્શન્સ વાપરીને છટકી જાય છે. અત્યાંત મહેનત કરીને જીવના જોખમે પકડેલા ગુનેગારો, મોટા-મોટા ટેરરીસ્ટ કે સ્મગર્સને જ્યારે એક ફોન આવે ને છોડી દેવા પડે, ત્યારે એ પોલીસ અધિકારીઓને કેવું થતું હશે ?
માનવ અધિકાર સાથે જોડાયેલા અનેક લોકોએ આવા કસ્ટોડિયલ ડેથના રિપોર્ટ મુકીને રીટ ફાઈલ કરી છે, પરંતુ જો, રેશિયો તપાસીએ તો સમજાય કે આવા કસ્ટોડિયલ ડેથ કદાચ દસ વર્ષમાં હજારોની સંખ્યામાં થયા હશે… એની સામે પોલીસે લાખોની સંખ્યામાં ગુનેગારોને પકડ્યા છે અને આપણને એક સલામત, સારી જિંદગી આપી છે.
પોલીસનું કામ જ એવું છે. આ એક થેન્કલેસ જોબ છે. એમણે સોલ્વ કરેલા ગુના કે પકડેલા ગુનેગારોના રિપોર્ટ્સ કરતાં ઘણા વધારે પ્રમાણમાં અને વધુ મોટી ફરિયાદ સ્વરૂપે એમની આવી નાનકડી ભૂલ કે અત્યાચારની કથાઓ મિડિયામાં ચગાવવામાં આવે છે. આનું કારણ કદાચ એ છે કે આપણને બધાને બીજાની નબળાઈની ચર્ચા કરવામાં મજા આવે છે. મૃત્યુ પામેલા બે યુવાનોના પરિવારનું કલ્પાંત અને પીડા સમજી શકાય એવા છે. એમના પરિવારને પડેલી ખોટ ક્યારેય નહીં પૂરી શકાય, પરંતુ બીજી તરફ
પોલીસ જે ક્રાઈમ સોલ્વ નથી કરી શકતી એના માટે ઓફિસર્સ ઉપર ધોવાતા માછલાં કંઈ ઓછા નથી હોતા.
અહીં ત્રાજવું બંને તરફ નમે છે ! સૌથી નવાઈ પમાડે એવી ઘટના એ છે કે આમાં કોણ સાચું ને કોણ ખોટું એનો નિર્ણય લેવો કઠીન નહીં, અસંભવ છે. આપણા દેશની માનસિકતા વિચિત્ર છે. પશ્ચિમની માનસિકતા કાયદાને માન આપવાની, એનાથી ડરવાની કે એની સાથે બને એટલી વધુ પ્રામાણિકતાથી વર્તવાની છે. જ્યારે આપણા દેશમાં આપણે કાયદાને કેટલો દબાવી કે ડરાવી શકીએ છીએ એના બણગાં ફૂંકવાને ‘બહાદૂરી’ માનવામાં આવે છે. કાયદાને છેતરતા કે કાયદા સાથે રમત કરતા કેટલાક લોકોના સૂકા ભેગું ક્યારેક નિર્દોષ માણસનો જીવ જાય અને, લીલું બળે છે ત્યારે આપણો જીવ પણ બળે છે ! કાયદો અને વ્યવસ્થા આ દેશમાં જાણે તોડવા માટે જ ગોઠવવામાં આવતા હોય એવો એટીટ્યૂડ ઘણા લોકો ધરાવે છે. આ એવા લોકો છે જે પોતાના પાવરને ખોટી રીતે વાપરીને પોતાના અહંકારને પોષે છે. આવા લોકો કદાચ સંખ્યામાં બહુ નહીં હોય, એની સામે એક સામાન્ય માણસ કે સામાન્ય નાગરિક સંખ્યામાં ઘણા વધારે હશે, પરંતુ જે લોકો કાયદો અને વ્યવસ્થાને તોડી-મરોડીને બધું પોતાના ફાયદા માટે ગોઠવે છે એમની સામે સત્તાનો આ ત્રિપાંખિયો વ્યૂહ પણ કેમ લાચાર થઈ જતો હશે ! એનું કારણ એ છે કે આપણે સામાન્ય માણસો, સામાન્ય નાગરિકો, સંખ્યામાં ઘણા વધારે હોવા છતાં આપણે માનસિક રીતે નબળા છીએ. બ્રિટીશ રાજ્યની જોહુકમી આપણા ડીએનએમાં એવી તો ભળી ગઈ છે કે આપણે
આપણો અધિકાર માગતાં પણ અચકાઈ જઈએ છીએ. બીજું કારણ એ છે કે આપણને કાયદાની સમજ કે જ્ઞાન નથી. પોલીસ કે સત્તાધીશને પ્રશ્ન પૂછવા જેટલી સમજણ મોટાભાગના લોકોમાં હોતી નથી. એટલે, કયા ગુના હેઠળ લઈ જવામાં આવે છે, વોરંટ છે કે નહીં, પોલીસ કસ્ટડીમાં લેવા માટે મેજિસ્ટ્રેટનો ઓર્ડર છે કે નહીં, આવા કોઈ સવાલો એક સામાન્ય માણસ સત્તાધીશને પૂછતો નથી ! આપણે પોતે જ પોતાની જાતને ગરીબ, લાચાર અને અણસમજુ માનીને ‘બીચારાપણું’ સ્વીકારી લીધું છે…
બીજી તરફ સત્તાધીશો સામે આંગળી ચીંધવામાં મિડિયાને એક પ્રકારની મજા આવે છે. લોકોને એ ચર્ચા કે ગોસિપ વાંચવામાં એક વિચિત્ર પ્રકારનો આનંદ આવે છે, “જોયું ! આપણે આવા દેશમાં રહીએ છીએ…” લોકોને આવું કહેતાં સાંભળ્યા હશે, પરંતુ આ દેશ કોણ બનાવે છે ? કોણ ચલાવે છે ? આપણે. વૉટર !
આ વૉટર નેતા નક્કી કરે છે, આ વૉટર જ એમનો કોર્પોરેટર નક્કી કરે છે. એ જ મિનિસ્ટર બનાવે છે… બ્યુરોક્રેટ્સ અથવા પોલીસ ઓફિસર્સ સામે આ ‘વૉટર’ માથું ઉંચકવાની હિંમત એટલે નથી કરી શકતો કે એણે પોતે પણ ક્યાંક, કશુંક ખોટું કર્યું છે. લાંચ આપીને ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છે, ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટ મેળવ્યા છે… કંઈ નહીં તો, આ પરિસ્થિતિ સામે આંખ આડા કાન કર્યા છે.
‘ફેમિલી મેન’ અથવા ‘સ્પેશિયલ ઓપ્સ’ જેવી સિરિઝ જોઈએ ત્યારે સમજાય કે આ બ્યુરોક્રેટ્સ કે પોલીસ પણ અંતે માણસ છે. એ રૉનો અધિકારી હોય, એન્ટી કરપ્શનનો ઓફિસર, કોઈ હવાલદાર કે આઈપીએસ કરીને આ દેશની સેવા કરવા આવેલો ઓફિસર… એને કરપ્ટ કોણ કરે છે ? આપણે !
આ બધા, સત્તાના ત્રિપાંખિયા વ્યૂહમાં બેઠેલા, પાવર ધરાવતા માણસો ગમે તેટલા પાવરફૂલ હોય, અંતે તો માણસ જ છે ! એક માણસ, જે દિવસે બીજા માણસને, ‘માણસ’ સમજતો થશે અને ક્ષમા કે સજા, શંકા કે સત્ય, પાવર કે પ્રોબ્લેમ્સમાં દેશના કાયદો અને વ્યવસ્થા સર્વોપરી બનશે તે દિવસે, લોકોના, લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્ર ‘લોકશાહી’નો સાચો અર્થ પ્રસ્થાપિત થશે.