મા દુર્ગાની ઉત્પત્તિ ચાર વેદોના સંરક્ષણ માટે થઈ. દુર્ગમ નામનો રાક્ષસ જ્યારે વેદોની ચોરી
કરીને ભાગ્યો ત્યારે સિંહવાહિની, અષ્ટભુજાધારી દુર્ગાનું પ્રાગટ્ય થયું. વેદોનું રક્ષણ કરવા માટે જે
પ્રગટ્યા, તે સ્વયં શક્તિ, જગતજનની મા દુર્ગા છે.
આ ચાર વેદો એટલે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
એવું માનવામાં આવે છે કે, અથર્વવેદ સૌથી છેલ્લે રચાયો. અથર્વવેદમાં કુલ 5987 ઋચાઓ
છે. સંસ્કૃતમાં લખાયેલા આ શ્લોકોને ‘ઋચા’ તરીકે ઓળખાય છે. 731 સૂક્ત અને 20 સંહિતાઓમાં
આ ઋચાઓ વહેંચાય છે. અથર્વવેદમાં ઘણા મંત્રો ઋગ્વેદમાંથી લેવાયા છે અને મોટાભાગની સંહિતા
પદ્ય (કવિતા) સ્વરૂપે રચાઈ છે. અથર્વવેદની કુલ 9 શાખાઓ છે જેમાંથી સાત શાખાઓ વિશે
પ્રમાણમાં ઓછી માહિતી ઉપલબ્ધ છે, પરંતુ પિપ્પલાદ અને શૌનકિય શાખાની ઘણી માહિતી પ્રાપ્ત
થઈ છે. અથર્વવેદમાં રોજિંદા જીવન અથવા જીવન ઉપયોગી જ્ઞાન મળે છે. અથર્વવેદમાં વાચસ્પતિ,
પર્જન્ય, આપઃ, ઈંદ્ર, બૃહસ્પતિ, પૂષા, વિદ્યુત, યમ, વરુણ, સોમ, સૂર્ય, આશપાલ, પૃથ્વી, વિશ્વદેવ,
હરિણ્યમ, બ્રહ્મ, ગંધર્વ, અગ્નિ, પ્રાણ, વાયુ, ચંદ્ર, મરુત, વરુણ, આદિત્ય જેવા દેવોની સ્તુતિ કરવામાં
આવી છે. સમગ્ર વિશ્વમાં જે પ્રાકૃતિક શક્તિઓ છે એવા 40 દેવી-દેવતાનું વર્ણન અને પ્રાર્થના
અથર્વવેદમાં મળે છે. અથર્વસનો અર્થ ‘જ્ઞાન’ થાય છે. અથર્વમાંથી ત્રણ અગત્યના ઉપનિષદ મળે છે.
મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ.
મુંડકોપનિષદ અથર્વના મંત્ર ભાગની ઓળખ આપે છે. એમાં પદાર્થ અને બ્રહ્મવિદ્યાનું વિવેચન
છે. આત્મા-પરમાત્માની તુલના અને સમતાનું વર્ણન છે. મુંડકોપનિષદનો મંત્ર ‘સત્યમેવ જયતે’
ભારતના રાષ્ટ્ર ચિહ્નનો ભાગ છે. અર્થાત્, સત્યનો જ અંતે વિજય થાય છે. એનો સંપૂર્ણ શ્લોક
सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् सत्यस्य परमं निधानम् ॥
છે.
શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ જેવા અનેક લોકોએ અદ્વૈત, વેદાંત અને સંન્યાસ નિષ્ઠા વિશે
મુંડકોપનિષદ આધારિત લેખો લખ્યા છે.
પ્રશ્નોપનિષદના પ્રવક્તા આચાર્ય પિપ્પલાદ છે જે પીપળાના ફળ ખાઈને જીવતા હતા.
પ્રશ્નોપનિષદ ગુરુ-શિષ્ય વચ્ચેની પ્રશ્નોત્તરીના સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે.
માંડુક્યોપનિષદ સંસ્કૃત ભાષામાં છે. એમાં આત્મા અને ચેતનાની ચાર અવસ્થાની વાત
કરવામાં આવી છે. જાગ્રત, સ્વપ્ન, ષુષુક્ત અને તુરિય. માંડુક્યોપનિષદમાં ઓમની વિલક્ષણ વ્યાખ્યા,
વિશ્વની બ્રહ્મમાંથી ઉત્પત્તિ, લય (વિનાશ)ની વાત કરવામાં આવી છે. જાગ્રત અવસ્થામાં આત્માને
વૈશ્વાનર કહેવાય છે એટલે, એક યોનિથી બીજી યોનિના પ્રવાસ દરમિયાન ઈન્દ્રિયગ્રાહીય વિષયો સાથે
જોડાયેલા આત્માની વાત છે. (પશ્ચિમનું વિજ્ઞાન ઘણું મોડું કોસમોસ અને વ્યક્તિના ચાર માનસિક
સ્તરની વાત લઈને આવ્યું. અથર્વવેદમાં હજારો વર્ષ પહેલાં શરીર અને એની સાથે જોડાયેલી ચેતના-
મનની વાત કરવામાં આવી છે.) બીજી તેજસ નામની સ્વપ્નાવસ્થા છે. જેમાં જીવ ભીતર દ્રષ્ટિ કરે
છે. જાગ્રત અવસ્થાની અનુભૂતિઓ પછી બુધ્ધિ પર પડેલા વિભિન્ન સંસ્કારો (ઈમ્પ્રેશન્સ)થી એ
પોતાના પૂર્વજીવન અને આવનારા અનેક જીવન વિશે કર્મ અને સંસ્કારનું ચયન કરે છે. (ફ્રોઈડે ઘણી
મોડી આ વાત કરી. માણસના બાહ્ય અને ભીતર બે પ્રકારના વિશ્વ હોય છે. આ બંને વિશ્વમાં
માણસ સમયસમયાંતરે પ્રવાસ કરે છે, એનું વર્તન, વાણી અને વ્યવહાર, એના મન પર પડેલી
ઈમ્પ્રેશન્સનું બાહ્ય સ્વરૂપ છે.) ત્રીજી અવસ્થા ષુષુક્ત અથવા પ્રગાઢ નિદ્રાની અવસ્થા છે. અહીં યોગ
નિદ્રા અને મૃત્યુની વાત પણ કરવામાં આવી છે. (મગજ ઊંઘમાં પણ કામ કરે છે એ શોધ પશ્ચિમના
વિજ્ઞાને ઘણી મોડી કરી. અથર્વવેદમાં વ્યક્તિ ષુષુક્ત અવસ્થામાં પણ વિચારે છે અને વર્તે છે એ વાત
પ્રસ્થાપિત કરવામાં આવી છે.) ચોથી અવસ્થા તુરિય અવસ્થા છે, જે આત્માનું સાચું અને અંતિમ
સ્વરૂપ છે. જેમાં એ ભીતર કે બહાર નથી જોતો. ફક્ત શાંતિ અને સત્યનો પ્રવાસ કરે છે. એને કશાય
સુખથી કે દુઃખ નથી થતું, ઉશ્કેરાટ કે આનંદ નથી થતો, એ પ્રજ્ઞ કે અપ્રજ્ઞ નથી, ફક્ત અદ્રષ્ટ,
અવ્યવહાર્ય, અગ્રાહ્ય, અલક્ષણ, અચિંત્ય, અવ્યપદેષ્ય, એકાત્મપ્રત્યયશાર્ય, શાંત અને શિવ સાથે
અદ્વૈત ભાવ અનુભવી ભ્રમના ભેદ પામી ગયા પછી એકાત્મવાદનો પ્રણેતા બની જાય છે.
ઓમકારની આજે આપણે ઘણી વાત કરીએ છીએ, પરંતુ હજારો વર્ષ પહેલાં અથર્વવેદે
ઓમકારને જગતનો એક માત્ર નાદ કહ્યો છે. નાદ એ અવાજ નથી, શબ્દ નથી, ભાષા નથી, પરંતુ
સ્વયંભૂ જન્મેલો સ્વર છે, એ વાત અથર્વવેદે કેટલાંય વર્ષો પહેલાં પ્રસ્થાપિત કરી છે.
અથર્વવેદના કેટલાક મંત્રો (ઋચાઓ) જીવન પરત્વે આપણને સજાગ અને સભાન કરે છે. આ
ઋચાઓ ભલે હજારો વર્ષો પહેલાં લખાઈ હોય, પરંતુ જો માણસ એને અનુસરે, પાલન કરે તો એનું
જીવન કેટલું સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે એની વાત અથર્વવેદમાં સહજ અને સરળ રીતે કરવામાં
આવી છે. સૌથી વધુ મહત્વ સત્યને આપવામાં આવ્યું છે કારણ કે, સત્ય શિવ છે. શિવ માત્ર
મહાદેવના સ્વરૂપે અહીં જોવામાં આવતા નથી, પરંતુ સૃષ્ટિનો લય જેના અસ્તિત્વમાં ભળી જાય છે
તેવા કલ્યાણકારી ‘સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્’ શિવની અહીં કલ્પના છે. અથર્વવેદમાં શિવને સત્ય કહીને,
અન્ય દેવો સાથે સરખામણી કરવાનો ઉદ્દેશ્ય નથી, પરંતુ લય અથવા વિનાશ જ સત્ય છે (દરેક વ્યક્તિ,
વસ્તુ કે વિચારની એક્સ્પાયરી ડેટ હોય છે). જે જન્મ્યું છે તે મૃત્યુ પામશે, જે સર્જાયું છે તેનો અંત
આવશે… એ વાત સાથે સત્યને જોડીને અથર્વવેદ આપણને સહુને જીવનમાં ‘સત્ય’ આચરવાનું જ્ઞાન
આપે છે.
જો સહુનો કે સર્વનો અંત નિશ્ચિંત હોય તો શુધ્ધ જીવીને, સત્ય બોલીને સતત એ અંતને
નજર સમક્ષ રાખીને આપણે અહંકારવિહીન અને આડંબરવિહીન જીવી શકીએ એમ અથર્વવેદ કહે
છે.
अभिश्रावे भवतः सत्यवाचा ।
સત્ય બોલવાથી આપણે પ્રશંસાને પાત્ર બનીએ છીએ. (18.1.29)
ऋतस्य नाभावभि सं पुनाति ।
સત્ય ભાષણ દ્વારા મનુષ્ય પોતાને જ પવિત્ર કરે છે. (18.3.4)
ऋतस्य पन्थामनु पश्य साधु ।
સત્યના માર્ગને સાચી રીતે સમજો. (18.4.3)
तयोर्यत् सत्यं यतरद् ऋजीयः ।
સત્ય અને અસત્યમાં સત્યનો માર્ગ સરળ અને સુખદ છે. (8.4.12)
मनसा वा येडवदन् ऋतानि ।
જે મનથી સાચું બોલે છે, એમની સદાય ઉન્નતિ થાય છે. (7.1.1)
सत्येनोत्तभिता भूमिः ।
સત્યથી પૃથ્વી ટકી છે. (14.1.1)