આજથી થોડા વર્ષો પહેલાં એક અમેરિકન કંપનીએ ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી
હતી. એ લોકો પોતાની પ્રોડક્ટ્સ દુકાનમાં વહેંચતા નહીં, પરંતુ એજન્ટ્સ બનાવતા, એક એજન્ટની
નીચે બીજા ચાર અને ચારની નીચે બીજા ચાર એટલે સોળ, આવા પિરામીડની ડિઝાઈનથી એમણે
પોતાના પ્રોડક્ટ્સનું નેટવર્ક ઊભું કર્યું હતું. કંપની ચાલી નહીં, જે લોકોએ એજન્ટ બનવા માટે પૈસા
ભર્યા એ તો ડૂબ્યા સાથે સાથે એમણે બનાવેલા એજન્ટ્સ પણ પોતાના પૈસા ખોઈ બેઠા… ભારતમાં
દર અઠવાડિયે આવી જાતભાતની સ્કીમ લોન્ચ થાય છે. સસ્તું કે મફત મેળવવાની આપણી
મધ્યમવર્ગીય માનસિકતા આપણને આવી સ્કીમમાં લલચાવે છે, આપણે ફસાઈએ છીએ ને પછી
પસ્તાઈએ છીએ!
હર્ષદ મહેતા હોય કે તેલગી, સ્કેમ આ દેશમાં હવે ચોંકાવનારા સમાચાર નથી રહ્યા.
ઈલેક્ટોરોલ બોન્ડનો વિવાદ હજી શમ્યો નથી, કો-ઓપરેટિવ બેન્ક્સના કૌભાંડ અને લોનના ડિફોલ્ટર્સ
વિશે ઓટીટીમાં સીરિઝ બનાવવામાં આવે છે. આપણે જેને પકડીને ગુનેગાર તરીકે સજા કરવી
જોઈએ એવા લોકોને હીરો બનાવતી સીરિઝ ધૂમ ચાલે છે, ત્યારે એક આશ્ચર્ય થાય કે આપણે
નાયકને-હીરોને વખાણીએ છીએ કે ખલનાયકના પ્રશંસક છીએ? દાઉદના પિતા, દાઉદ અને હાજી
મસ્તાન જેવા લોકો ઉપર વારંવાર સીરિઝ બનાવવામાં આવે છે ત્યારે, એક સવાલ એવો થાય છે કે
આપણી પાસે ‘હીરો’ નથી? કે પછી આપણે આપણી નવી પેઢીને આવા જ લોકોનું ઉદાહરણ
આપીને એમને એ જ શીખવવા માગીએ છીએ?
સિનેમા હોય કે રાજકારણ, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે મીડિયામાં કામ કરતી વ્યક્તિ,
રોજબરોજના સ્કેન્ડલ-ખાસ કરીને સંબંધોના સ્કેન્ડલ બહાર આવતા રહે છે. અભિનેત્રીઓ પોતાની
સાથે થયેલી જાતિય સતામણીની ફરિયાદ કરે છે, ત્યારે 5-7 વર્ષ પહેલાં બનેલા કિસ્સા આજે
હાડપિંજરની જેમ કબાટમાંથી બહાર આવે છે! કોઈપણ સામાન્ય માણસને એવો પ્રશ્ન ચોક્કસ થાય
કે જ્યારે આ ઘટના બની ત્યારે ફરિયાદ કેમ ન કરી? ફરિયાદ કરનારી સ્ત્રીઓનું કહેવું છે કે, ‘ત્યારે
હિંમત નહોતી’ અથવા ‘ત્યારે મારી કારકિર્દીનો સવાલ હતો…’ આ જવાબમાં એવું ધારી શકાય કે,
કારકિર્દી બની ત્યાં સુધી એમને આ જાતિય સતામણી મંજૂર હતી? કે પછી એકવાર કારકિર્દી બની
ગયા પછી એમને હવે ‘જાતિય સતામણી’ લાગવા માંડી?
રિઝર્વ બેન્કથી શરૂ કરીને જાહેરહિતમાં રજૂ કરવામાં આવતી કેટલીયે જાહેરાતોમાં વારંવાર
કહેવામાં આવે છે કે ઓટીપી નંબર શેર કરવો નહીં, કોઈની સાથે બેન્ક ડિટેલ્સ કે બીજી કોઈ
વિગતોની ચર્ચા કરવી નહીં. એટીએમ મશીનમાં પૈસા વિથડ્રો કરતી વખતે પણ કોઈ એક જ વ્યક્તિ
અંદર રહી શકે એવો નિયમ છે, આ બધા પછી માત્ર 2024ના વર્ષમાં 20 લાખ 29,082
છેતરપિંડીના કેસ નોંધાયા હતા, જે 2019-20ના 2,677 કેસ કરતાં 986% વધુ છે. છેલ્લાં પાંચ
વર્ષમાં, વાણિજ્ય બેન્કોએ લગભગ રૂ.10.6 લાખ કરોડને રાઈટ ઓફ કર્યા છે, જેમાંથી અડધી બેન્ક
મોટા ઔદ્યોગિક ગૃહો સાથે સંકળાયેલી છે. એવી જ રીતે, 2023માં ક્રેડિટ કાર્ડના ડિફોલ્ટ્સ વધીને રૂ.
4,072 કરોડ થયા હતા. એવી જ રીતે મોટા ઈન્ડસ્ટ્રીયલ હાઉસ અને જ્વેલર્સ, બિલ્ડર્સની લોનના
ડિફોલ્ટની રકમ કુલ સાત હજાર કરોડ કરતાં પણ વધારે થાય છે. ત્યારે સવાલ એવો થાય છે કે, આ
લોન પાસ કોણ કરે છે? કેમ કરે છે? સામાન્ય માણસને નાનકડી લોન જોઈતી હોય તો પણ એની
પાસે જાતભાતની ગેરંટી અને અનેક પેપર સાઈન કરાવવામાં આવે છે. સ્કુટરના બે હપ્તા ન ભરી
શકાય કે ફ્લેટના બે-ચાર હપ્તા ચડી જાય તો એને નોટિસ પર નોટિસ મોકલવામાં આવે છે. મકાન
ટાંચમાં લઈ લે, એની હરાજી કરી નાખવામાં આવે છે… પરંતુ, આવા મોટા હજારો કરોડના ડિફોલ્ટ્સ
વિશે કોઈ કશું જ કરતું નથી-અથવા, કરવા માગતું નથી? મીડિયામાં આવું કોઈ સ્કેમ ખૂલે ત્યારે થોડા
દિવસ એ વિશે ચર્ચાઓ થાય છે, પછી એની ઓટીટી સીરિઝ બને છે અને સફળ થઈ જાય છે!
સ્કીમ હોય, સ્કેમ હોય કે સ્કેન્ડલ, કદી એક વ્યક્તિથી થઈ શકતું જ નથી. દરેક લેવલ પર એમાં
ઘણા લોકો સંડોવાયેલા હોય છે, હોવા જ જોઈએ તો જ આવી કોઈ સ્કીમ કે સ્કેમ બરાબર પાર પડી
શકે. એવી જ રીતે યુટ્યુબ ઉપર, અને રિલ્સમાં સાચા-ખોટા સ્કેન્ડલ્સ-સેક્સ સ્કેન્ડલ્સની કથાઓ
કહેવાય છે. ભાભી-દિયર, સાળી-બનેવી અને શિક્ષક-વિદ્યાર્થીના ‘ગંદા’ કહી શકાય એવા વીડિયો ફરે
છે, વાયરલ થાય છે. આ વીડિયો કઈ સાચા નથી બલ્કે પોર્ન ફિલ્મોનો એક આખો ધંધો જબરજસ્ત
રીતે ફૂલીફાલી રહ્યો છે, ને આપણે એને વધુને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છીએ.
આપણે બધા, જાણે અજાણે એક એવી દિશામાં ઢસડાઈ રહ્યા છીએ જ્યાં છેતરપિંડી જ
જીવનની મહત્વની આવડત બની રહી છે. સામેની વ્યક્તિને કેવી રીતે બાટલીમાં ઉતારવી, આપણી
સ્કીમ એને કેવી રીતે પહેરાવવી અને સ્કેમ કેવી રીતે કરી શકાય એ વિશે સતત જેનું મગજ કામે લાગ્યું
છે એવી એક આખી પેઢીને ખૂબ ઝડપથી અમીર થવું છે. નવાઈની વાત તો એ છે કે, બીજી પેઢી,
એટલે કે જેના માતા-પિતા સાંઈઠના દશકમાં જન્મ્યા છે એ પેઢી પાસે સુરક્ષિત કહી શકાય એવું
ભવિષ્ય છે. ઘર, ગાડી અને સારું શિક્ષણ છે, પરંતુ એ પેઢી પણ કોઈક રીતે ‘ખોટું કરવું’ કે ‘બીજાને
મૂરખ બનાવવાની પ્રવૃત્તિ’ને પોતાની જીત અથવા બુધ્ધિમત્તાનો વિજય સમજતી થઈ ગઈ છે. એ
સિવાયના મધ્યમ કે નીચલા મધ્યમવર્ગની નવી પેઢી ફિલ્મસ્ટાર્સ અને અમીરોની જિંદગી જોઈને,
ટેલિવિઝન પરની જાહેરાતો અને સીરિઝ જોઈને પોતાની જિંદગીમાં પણ આવું કશું પામવાની
ઝંખના સાથે ખોટી પ્રવૃત્તિમાં જોડાય છે. જે પેઢીને બધું ઝડપથી જોઈએ છે એ પેઢીને એમના
માતા-પિતાના સંઘર્ષની કથામાં રસ નથી, બલ્કે ક્યારેક આવી કોઈ કથા સાંભળવી પડે તો આ પેઢી
‘બોર’ થાય છે!
સ્કીમ, સ્કેમ અને સ્કેન્ડલ્સનો જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે એનાથી નવી પેઢી
દોરવાય છે. ક્રાઈમની સીરિઝ સૌથી વધુ જોવાય છે. સ્કેમની કથાની વ્યૂઅરશીપના આંકડા બાકીની
કથાઓને વળોટી જાય છે અને યુટ્યુબ કે રિલ્સમાં સૌથી વધુ જે જોવાય છે એ સ્કેન્ડલ્સ-લફરાની
કથાઓ છે. શું આપણે માનસિક રીતે વધુને વધુ પછાત થઈ રહ્યા છીએ?