શરીર અને સંબંધઃ સાચવવા સહેલા નથી

માણસ એક એવું પ્રાણી છે જે સામાન્ય રીતે પોતાના અહંકારમાં વારંવાર એવું કહે છે કે,
એને કોઈની જરૂર નથી. સંબંધો તોડવા અને જોડવા-મોટાભાગના માણસો માટે એક રમત જેવી
પ્રવૃત્તિ હોય છે. સત્ય તો એ છે કે, આપણે બધા આપણા સંબંધોના કારણે જ આપણી કોઈ
ઓળખ કે અસ્તિત્વ ઊભું કરી શકીએ છીએ. જન્મ આપનાર માતા-પિતાથી શરૂ કરીને જીવનમાં
ડગલેને પગલે મળતા અનેક લોકો આપણી સુખ, સફળતા અને સારા-ખરાબ સમય માટે
જવાબદાર હોય છે, પરંતુ આપણે અજાણતાં જ સંબંધોને અવગણીએ છીએ. ટેકન ફોર ગ્રાન્ટેડ
લઈએ છીએ-એનું મહત્વ સમજતા નથી એટલું જ નહીં, બલ્કે આપણને લાગે છે કે આપણે જે
કંઈ છીએ તે ફક્ત આપણી મહેનત, આવડત અને નસીબને કારણે છીએ! આ અહંકાર આપણા
સંબંધોને પાયામાંથી હચમચાવી મૂકે છે. તિરાડ પડે ત્યાં સુધી આપણે અજાણ અને ગાફેલ હોઈએ
છીએ, જ્યારે સંબંધ તૂટવા લાગે કે તૂટી જાય ત્યારે આપણને એનું મહત્વ સમજાય છે, પરંતુ
મોટાભાગના કિસ્સામાં મોડું થઈ ચૂક્યું હોય છે.

શરીરનું પણ આવું જ છે. 84 લાખ યોનિ પછી માનવ શરીર મળે છે એવું કહેવા કે
માનવામાં આવે છે. આપણે કદી ગંભીરતાથી વિચારતા નથી, પરંતુ અઢી-ત્રણ કિલોનું બાળક
ધીમે ધીમે પોતાની જાતે વધે, એની બુધ્ધિ, પ્રતિભા, આવડત અને આકાર પોતાની મેળે વધતાં
જાય, એ વિજ્ઞાનની કેવી કમાલ છે! ખાધેલો ખોરાક પચી જાય, ઊંઘ પોતાની મેળે આવે ને આંખ
પોતાની મેળે ખૂલી જાય, પર્યાવરણમાં રહેલા આટલા બધા વાયુઓમાંથી શરીર ફક્ત ઓક્સિજન
ખેંચે અને કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે, ફેફસાં એની મેળે ફૂલે અને સંકોચાય, હૃદય ધબકે,
ઈન્દ્રિયો પોતાનું કામ કરે અને આ બધું લગભગ ઓટોમોડ પર ચાલ્યા કરે જેની આપણને
ખબરસુધ્ધાં ન પડે-તેમ છતાં, આપણે આ વિજ્ઞાનની, પરમતત્વની અદભૂત ભેટને જાણવા કે
માણવાનો પ્રયત્ન કરતા નથી. સંબંધની જેમ શરીરને પણ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ.
ખોરાકથી શરૂ કરીને ઊંઘ અને શરીરની કાળજી લેવા બાબતે આપણે સાવ બેપરવાહ છીએ.
તમાકુ, સિગરેટ, શરાબ, જંકફૂડ, ઉજાગરા અને શરીર નામના આ યંત્રને બને તેટલું બગાડી
નાખીએ એ પછી જ્યારે એ યંત્ર ખોટકાય-અટકવાની તૈયારી કરવા લાગે ત્યારે સમજાય કે આપણે
હવે એની કાળજી લઈએ તો પણ કોઈ ફાયદો થઈ શકે એમ નથી!

શરીર અને સંબંધ, એકદમ બગડતાં નથી. આપણે શરૂ કરીએ અથવા શરૂ થાય ત્યારે કોરા
અને નવા નક્કોર હોય છે. નાનકડા બાળક પાસે એક સાફ સિસ્ટમ અને નવા સંબંધમાં એક કોરી
પાટી હોય છે. કોઈપણ પ્રકારના બેગેજ કે ઓળખ વગર શરૂ થયેલો સંબંધ વધુ સારો બનાવવાની
શક્યતા આપણા હાથમાં જ રહેલી છે એવી રીતે બાળકનો ઉછેર કરતી વખતે એની સિસ્ટમ અને
સમજણને કઈ રીતે વિકસવા દેવી એ પણ આપણા જ (માતા-પિતા)ના હાથમાં હોય છે. મજા એ
છે કે આપણે બંનેની શરૂઆતમાં સાવ જુદા જ હોઈએ છીએ, એકવાર એ સંબંધ કે શરીરનો
વિકાસ થઈ જાય પછી આપણે એના પ્રત્યે એટલા બેદરકાર થઈ જઈએ છીએ કે નુકસાન લગભગ
અનિવાર્ય બની જાય છે.

બાળક નાનું હોય ત્યારે એનું લાલનપાલન કરીએ, લાડ કરીએ. એના શરીરની વિકાસની
કાળજી લઈએ, એની સમજણ, આવડત, કૌશલ્ય, ખીલતું રહે અને એ વધુને વધુ સારી વ્યક્તિ
બને એવો પ્રયાસ કરીએ. સંબંધની શરૂઆતમાં પણ એમ જ થાય. સામેની વ્યક્તિને સારું લાગે,
એને ગમે એવું જ વર્તન કરીએ. પ્રિય વ્યક્તિનું માનવું, એનું ધાર્યું કરવું, પરસ્પરને અનુકૂળ થવા
બધું કરી છૂટવું, આપણને ગમે કે ન ગમે, સામેની વ્યક્તિને ઈમ્પ્રેસ કરવા, અભિભૂત કરવા,
સ્વભાવ અને પ્રકૃતિ વિરુધ્ધ વર્તવું… પણ એકવાર એ વ્યક્તિ આપણી થઈ જાય-મિત્ર કે પ્રિયજન
બની જાય, લગ્ન થઈ જાય કે આપણને જેટલી નિકટતા જોઈતી હોય એટલી મળી જાય એ પછી
સંબંધની કાળજી લેવામાં આપણને રસ રહેતો નથી!

જેમ લાડથી બાળક બગડે, જિદ્દી થઈ જાય એમ સંબંધ પણ આપણે શરૂઆતમાં પાડેલી
ટેવ મુજબ જિદ્દી અને ડિમાન્ડિંગ થઈ જાય છે. આપણે ઊભી કરેલી આશાઓ-આપેલા વચનો
સામેની વ્યક્તિની અપેક્ષા બની જાય છે. એ પછી જેમ બગાડેલું, મોઢું ચઢાવેલું બાળક આપણને
જ નડે એવી રીતે આપણે આપેલા ખોટા વચનો કે ઊભી કરેલી વધુ પડતી આશાઓ આપણને જ
તકલીફ આપે છે. શરીર અને સંબંધ, શરૂઆતમાં આપણું કહ્યું કરે અને સમય જતાં આપણા
કંટ્રોલમાંથી નીકળી જાય ત્યારે આપણને તકલીફ થવા લાગે છે. એ વખતે આપણે કડક થઈએ-
શરીરને સુધારવા માટે એકદમ જ કસરત કરીએ, શરાબ કે સિગરેટ છોડી દઈએ, પરંતુ ત્યાં સુધીમાં
જે બગડવાનું હોય એ બગડી ચૂક્યું હોય છે. બાળક માટે શિસ્ત ઊભી કરીએ-અનુશાસન,
ડિસિપ્લિનના નિયમો કામે લગાડીએ, પણ ત્યારે એ બાળક સામું થવા લાગે છે. સંબંધની
શરૂઆતમાં આપણે વધુ પડતો વ્યવહાર કરીએ છીએ. ભેટોની લેવડદેવડ, વારંવાર મળવું,
એકમેકના સતત વખાણ કરવા, સાથે પ્રવાસ કરવો… આ બધું, જ્યારે વધારે પડતું થઈ જાય ત્યારે
કોઈ વ્યસન જેમ શરીરને નુકસાન કરે એમ વ્યવહાર સંબંધને નુકસાન કરે છે. પતિ-પત્નીના
સંબંધમાં, મિત્રતાના, સ્વજન કે પડોશીના સંબંધમાં શરૂઆતમાં આપેલી કે લીધેલી છૂટછાટ
પછીથી રોકી શકાતી નથી… અને, એ છૂટછાટ કે બિનજરૂરી વ્યવહાર ધીમે ધીમે આપણે માટે
સમસ્યા બની જાય છે. શરીરને આપણે સ્વાદ અને સગવડથી બગાડીએ છીએ, સંબંધને આપણે
શબ્દ અને સ્વાર્થથી બગાડીએ છીએ.

સવાલ એ છે કે ઋણાનુબંધે મળેલો સંબંધ અને પરમતત્વની કૃપાથી મળેલું શરીર બંને
આપણને અજાણતાં જ મળેલી ભેટ છે. આ ભેટનો સદુપયોગ કરવો કે દુરુપયોગ એ નિર્ણય તો
આપણો છે જ, પરંતુ એનું પરિણામ પણ આપણે જ ભોગવવાનું છે. શરીર બગડશે તો રોગ પણ
આપણે જ સહન કરવાનો છે અને સંબંધ તૂટશે તો પીડા પણ આપણા જ પક્ષે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *