શાસ્ત્ર અને સમજઃ રિવાજ અને કુરિવાજ

વિશ્વભરમાં ફાયનાન્સિયલ વર્ષ, ચોપડા કે ઈન્કમટેક્ષના કાગળો પહેલી એપ્રિલથી શરૂ થાય છે.
આમાં કોઈ મજાક છે-કે કોઈ અજાણતાં જ થઈ ગયેલી રમૂજ છે, એવો વિચાર આવ્યા વગર રહેતો નથી
કારણ કે, પહેલી એપ્રિલ વિશ્વભરમાં ‘એપ્રિલફૂલ’ તરીકે ઉજવાય છે. એકબીજાને મૂરખ બનાવવાનો,
આનંદ લેવાનો આ દિવસ આખા વિશ્વમાં ફાયનાન્સિયલ વર્ષની શરૂઆતનો દિવસ પણ છે ! પરંતુ,
ભારતીય કેલેન્ડર અને ભારતીય સંસ્કૃતિ મુજબ આપણું ફાયનાન્સિયલ વર્ષ-નવા ચોપડા અને વ્યવસાય,
ધંધા કે ઓફિસની શરૂઆત આજથી થાય છે.

ધનતેરસ કે દિવાળીના દિવસે લક્ષ્મીની પૂજા કરીને દુકાન કે વ્યવસાય, ફેકટરી કે ઓફિસને
વધાવવામાં આવે છે. એ પછી આજે, લાભપાંચમના દિવસથી નવા વર્ષની શરૂઆત થાય છે. આપણી
સંસ્કૃતિએ સૌને ‘સ્પેસ’ આપવાની એક મહાન પરંપરા ગોઠવી છે. શીતળા સાતમના દિવસે ચૂલો શાંત
રહે છે-અગ્નિને આરામ મળે છે. શીતળા સાતમની પહેલાં રાંધણ છઠ્ઠ આવે છે. બીજા દિવસે ખાવા
માટે થોડું ઘણું બનાવી લેવું એવા મૂળ વિચારને બદલે રાંધણ છઠ્ઠના દિવસે એટલું બધું રાંધવામાં આવે
છે કે, સમય, અનાજ અને મહેનતની નરી બરબાદી થાય છે. અમાસના દિવસે કારીગરો (વિશ્વકર્માના
સંતાનો મનાતા મિસ્ત્રી કે બીજા સ્કિલ્ડ લેબર્સ) રજા પાડે છે. એવી જ રીતે ધનતેરસની સાંજે લક્ષ્મીની
પૂજા કરીને ચૌદશ-દિવાળી-બેસતું વર્ષ-ભાઈબીજના ઉત્સવોની રજાના સમયે લક્ષ્મીજીને પણ એમની
અવરજવર-પ્રવાસમાંથી રાહત આપવાનો આપણે ત્યાં રિવાજ છે.

આખું વર્ષ સતત કામ કરતાં કેટલાંક વ્યવસાયિક લોકો એ સમયમાં જે વ્યાપારીઓ દૂરના દેશોમાં
વ્યાપાર કરતા હશે એમને માટે દિવાળી ઘેર આવવાનો અને વ્યાપાર નહીં કરવાનો સમય બની રહે જેથી
પરિવાર સાથે સમય વિતાવી શકાય અને વ્યવસાય નહીં કરીને આવક ગૂમાવવાની ચિંતાને બદલે જો એ
રિવાજ કે સામાજિક જરૂરિયાત હોય તો વ્યાપારીને પણ રાહત રહે એવા વિચાર સાથે આ દિવસોમાં રજા
પાડવાનો કે આર્થિક વ્યવહાર નહીં કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ હોવો જોઈએ. વળી, રોજેરોજના
આર્થિક વ્યવહારમાંથી બહાર નીકળીને થોડી માનસિક રાહત મળે તો જૂની લેવડદેવડ પણ સુલટાવી
શકાય, દિવાળી પહેલાં બધી ઉઘરાણી કરી લેવી કે ચૂકવી દેવી એ વિચાર પણ કદાચ અહીંથી જ આવ્યો
હોવો જોઈએ.

ભારતીય સંસ્કૃતિ પાસે ખૂબ લોજિક અને વિચારીને ગોઠવાયેલાં શાસ્ત્રો, એની ડિઝાઈન છે.
આપણે જાણતા નથી એટલે આપણને લાગે છે કે આ બધું જુનવાણી અને રૂઢિચુસ્ત રીતે ગોઠવાય છે,
પરંતુ સત્ય એ છે કે આપણી સંસ્કૃતિ સૌથી આધુનિક અને સૌથી વધુ દૂરદૃષ્ટિપૂર્વકની પરંપરા ધરાવે છે.

સ્ત્રીઓને માસિકના દિવસોમાં રસોડામાં ન જવા દે એની પાછળ કોઈ જુનવાણી કે રૂઢિચુસ્ત
વિચાર એ સમયે નહોતો. આખું વર્ષ હાથે કામ કરતી, છાણવાસીદુ કરતી અને મહેમાનોને સાચવતી
પુત્રવધૂને એના મુશ્કેલ દિવસોમાં આરામ મળે એ મૂળ વિચાર હતો, એ પછી જે કંઈ અર્થઘટન કરવામાં
આવ્યું એ રૂઢિચુસ્ત અને સંકુચિત માનસિકતામાં પરિણમ્યું, જેને માટે આપણા મૂળ શાસ્ત્રો અંગેનું
અજ્ઞાન વધુ જવાબદાર છે. એવી જ રીતે સુવાવડ માટે પિયર જતી માને પાંચ મહિને પાછી લાવવાનો
મૂળ વિચાર કદાચ એટલા માટે ગોઠવવામાં આવ્યો હતો કે એને પૂરો આરામ મળે અને પિયરમાં એ
નિરાંતે, પોતાના કાચા શરીરને સાચવીને, બાળક સરખું ઊંચકી શકાય એવડું થાય પછી સાસરે પાછી ફરે
તો આનંદથી બાળકને ઉછેરી શકે એ મૂળ વિચાર આપણા શાસ્ત્રોએ જ આપ્યો છે.

એવી જ રીતે, નાગની પૂજા, ગણપતિનું આગમન કે નવરાત્રિ પાછળ પણ શાસ્ત્રોક્ત વિચારની
જ્ઞાનયુક્ત પરંપરા રહી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન કોઈપણ ઉંમરની સ્ત્રીને છૂટથી શણગાર
કરવાની અને ખૂલીને અભિવ્યક્ત થવાની રજા સમાજ આપે છે. ગરબો, એ ગર્ભ છે અને એમાં પ્રગટ
કરવામાં આવતો અખંડ દીવો એ જીવ અથવા આત્મા છે. સ્ત્રી કે શક્તિની આરાધના દરમિયાન આ ગર્ભ
અને એમાં રહેલો આત્મા પણ પૂજનીય છે એ વાત આપણા શાસ્ત્રોમાં કહી છે. જવારા વાવવાનો પણ
બહુ મોટો મહિમા છે. આ જવારા આપણને ધરતીની પૂજા કરતા અને અનાજનું મૂલ્ય કરતા શીખવે છે.
ગૌરીવ્રતના દિવસોમાં મીઠું નહીં ખાવાની પરંપરા પણ એક દીકરીને ભોજનમાં ‘લૂણ’નું મહત્વ
સમજાવવાની સાથે સાથે એવું શીખવે છે કે, એણે એના શ્વસુર પક્ષના પરિવારમાં ભોજનમાં લૂણની જેમ
ભળી જવાનું છે, દેખાવાનું નથી, પણ સ્વાદ વધારવાનો છે !

એવી જ રીતે ‘ઉપવાસ’નો અર્થ આપણા શાસ્ત્રોમાં (સિસ્ટમને આરામ આપવા માટે) ‘-ની પાસે
બેસવું’. એવો થાય છે. સ્વયંની સાથે, ઈશ્વર સાથે કે આપણે જેને આપણા ગુરૂ કે આદ્ય માનતા હોઈએ
એની પાસે બેસીને પોતાની જાત સાથેનો સંવાદ એ આપણા વેદોમાં ‘ઉપ-વાસ’ કહેવાયો છે. તો બીજી
તરફ, આયુર્વેદે ઉપવાસનું મહત્વ એટલા માટે જણાવ્યું છે કે રોજેરોજ કામ કરતી આપણી પાચનતંત્રની
સિસ્ટમને અઠવાડિયામાં, મહિનામાં કે વર્ષમાં એકવાર આરામ આપવો જોઈએ. નવરાત્રિના ઉપવાસ
હોય કે પર્યુષણના, વિચાર એક જ છે ! ચાતુર્માસના ઉપવાસ એટલા માટે મહત્વના છે કે ચોમાસામાં
પાચનતંત્ર થોડું નબળું પડે છે, તે ઉપરાંત ચોમાસામાં મોટાભાગે ઘરમાં રહેવું પડે એટલે ચાલવાની કે
બીજી કોઈ કસરત થઈ શકતી નથી. આવા દિવસોમાં જો ઓછું ખાઈએ અથવા એક ટાઈમ ખાઈએ તો
આપણી પાચનતંત્રને ઓછું કામ કરવું પડે. પલળ્યા હોઈએ, શરદી થઈ હોય તો પણ ઉપવાસ કરવાથી
આપણી તબિયતમાં ઝડપથી સુધાર આવે એવા વિચારથી આયુર્વેદે ચાતુર્માસના ઉપવાસનું મહત્વ કહ્યું છે.
એ પછી તરત આવતી દિવાળી ખાવાપીવાનો અને જલસા કરવાનો તહેવાર છે. એ દિવસોમાં વધુ ખવાય
તો ચાતુર્માસમાં ઉતરેલું વજન ફરી પાછું રિગેઈન થાય ત્યારે વાંધો ના આવે એ વિચાર પણ કદાચ આની
સાથે જોડાયેલો હશે !

આપણે આપણા શાસ્ત્રોના મૂળ વિચારને ભૂલવા લાગ્યા છીએ, અથવા તો જાણતા જ નથી.
રિવાજો અને રૂઢિચુસ્ત જડતામાં ફેર છે. આપણે બધાએ સામાજિક રિવાજો સમજીને પાળવા જોઈએ,
પરંતુ જો એ ‘રિવાજ’ જડતાને કારણે કુરિવાજ બનવા માંડે તો એ રૂઢિચુસ્તતાનો વિરોધ કરવાનું પણ
આપણા શાસ્ત્રોએ જ શીખવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *