જન્માષ્ટમી… કૃષ્ણ જન્મનો ઉત્સવ ! “જ્યારે જ્યારે ધર્મનું અપમાન થશે, સાધુઓને તકલીફ થશે ત્યારે ત્યારે રાક્ષસોનો વિનાશ કરવા અને ધર્મને મજબૂત કરવા હું જન્મ લઈશ.” કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે. આ, ગ્રંથ-શ્રીમદ્ ભગવદ્ ગીતા, મહાભારતના ભિષ્મપર્વમાં સમાવી લેવામાં આવી છે. ગીતાના સાતસો જેટલા શ્લોક છે, જેમાં ક્યાંય ‘હિન્દુ ધર્મ’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એમાં જે ધર્મની વાત કહેવામાં આવી છે તે માણસે જાતે પસંદ કરવાનો પોતાનો-અંગત ‘સ્વધર્મ’ ની વાત છે. આપણો અંગત ધર્મ શું ? એ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ સવાલના જવાબમાં ક્યાંય વિધિ-વિધાન કે કર્મકાંડ નથી. પાપ અને પૂણ્ય નથી. કૃષ્ણએ આપણા ધર્મ ગ્રંથ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના પહેલા શ્લોકમાં કહ્યું છે કે, “જીવંત મનુષ્યના મનમાં કેટલાક સવાલ થવા જોઈએ. પોતાના અસ્તિત્વ અને ધર્મ અંગે જો માણસ જાગૃત હોય, તો એણે સમજવું જોઈએ કે એનું લક્ષ્ય એના જીવનની સાર્થકતા શેમાં છે.” જીવનમાં આનંદની પ્રાપ્તિ એટલે શું, અને એ કઈ રીતે થઈ શકે એ વિશે પણ કૃષ્ણએ પોતાનો વિચાર રજૂ કર્યા છે.
આપણે ભગવદ્ ગીતાને યુધ્ધની પહેલાં કૃષ્ણએ આપેલા ઉપદેશ તરીકે વાંચી અને જોઈ છે. મોટાભાગના ઘરોમાં સ્વજનના મૃત્યુ પછી ગીતાનો પાઠ કરવામાં આવે છે, પરંતુ સત્ય તો એ છે કે ગીતા જીવન જીવવાની કળા છે, જીવનનું માર્ગદર્શન છે. મૃત્યુ પછી એને વાંચવાનો કોઈ અર્થ કે મતલબ રહેતો નથી ખાસ કરીને, જો આપણે આપણી જાતને ‘હિન્દુ’ કહેતા હોઈએ તો દીવો, અગિયારસ કે નિત્યપાઠને બદલે પણ ગીતાને સમજવી જોઈએ.
શું છે આ ? એક અંધ વ્યક્તિને એક એવી વ્યક્તિ યુધ્ધના મેદાનનો ચિતાર આપે છે જેને ‘દૈવી દૃષ્ટિ’ મળેલી છે. જેને બિલકુલ નથી દેખાતું, એને એક દિવ્યચક્ષુ ધરાવતો માણસ યુધ્ધના વિષાદની કથા કહે છે. આ જાતે જ એક ‘મેટાફર’ છે. આખી ગીતા રિપોર્ટિંગ છે. કૃષ્ણએ શું કહ્યું અને અર્જુને શું કહ્યું એ બંને વાત સંજય પોતાના શબ્દોમાં ધૃતરાષ્ટ્રને કહે છે. ધૃત-રાષ્ટ્ર એટલે રાષ્ટ્રને ધારણ કરે છે, પરંતુ એ જો આંખે અંધ હોય, તો પુત્ર મોહમાં અંધ બનીને એ જ્ઞાનમાં પણ અંધ બની જાય છે. ગીતાના પહેલા બે શબ્દો, ‘ધર્મક્ષેત્રે’ અને ‘કુરુક્ષેત્રે’નો અર્થ જ કદાચ ધર્મ અને કર્મ સાથે પ્રત્યે નિર્દેશ કરે છે. એટલે જ ‘અર્જુન વિષાદ યોગ’ એ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે. આપણી પાસે શું નથી, આપણે કેટલા દુઃખી, પીડિત છીએ એ વિશે પરમાત્માને ફરિયાદ કર્યા કરવી એ આપણા સૌનો સ્વભાવ છે. અર્જુન ‘નર’ છે. આપણા સૌનું પ્રતીક છે. જે કરવા નીકળ્યો છે એ વિશે એના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે. આપણે પણ અજાણતાં જ સંસારના કુરુક્ષેત્રમાં આવા પ્રશ્નો અને મૂંઝવણોથી ઘેરાઈ જઈએ છીએ. આપણે પરમાત્માને પ્રશ્નો પૂછીએ છીએ અને એ આપણને હંમેશાં જવાબ આપે જ છે, પરંતુ એ જવાબ સાંભળવા માટે આપણામાં નારાયણના ચરણમાં બેસવાની નમ્રતા નથી રહી, માટે આપણને એ ઉત્તર સંભળાતા કે સમજાતા નથી. ગીતાને ત્રણ વિભાગમાં વેચવામાં આવ્યો છે. કર્મ, ઉપાસના અને જ્ઞાન. છ-છ અધ્યાયના ત્રણ વિભાગ સૌથી પહેલાં કર્મનો મહિમા કરે છે. સ્વયં પોતાના માટે એક જગત અને જીવનનું સર્જન કરવું એ આપણા સૌનું કર્મ છે. અકર્મ, વિકર્મ અને કર્મને આ પહેલા છ અધ્યાયમાં અર્જુનને સમજાવતી વખતે કૃષ્ણના મુખે વેદ વ્યાસ કહે છે, ‘ઉત્તિષ્ઠ પરંતપ, જાગ્રત, વરાન્ પ્રાપ્ય નિબોધિત.’ સાદો અર્થ એ છે કે, ઊઠ, જાગ અને તને જે મળ્યું છે – જે મેળવવાનું છે એમ તું સમજે છે, તે મેળવવાનો પ્રયાસ કર. આપણને સૌને, એક જીવન અને એની સાથે જોડાયેલા કેટલાક કર્મની પ્રાપ્તિ થઈ છે. સવારે ઊઠીને બ્રશ કરવું, નાહવું કે ઓફિસે જવું એ કર્મ નથી, પરંતુ સત્ય અને અસત્ય, કરુણા અને હિંસા, લાલચ અને સંતોષ વચ્ચે પસંદગી કરવી એ આપણું કર્મ છે. આપણે જે પસંદગી કરીએ એની સાથે જોડાયેલું પરિણામ એ આપણું ‘કર્મફળ’ છે. જો ફળની આશા રાખીને પસંદગી કરીએ તો એ સંતોષ નથી, લાલચ છે… પરંતુ આપણે આપણી બુધ્ધિ અને ધર્મના બે પલ્લાં સમતોલ રાખીને પસંદગી કરીએ તો એ કર્મફળ ક્યારેય ખરાબ કે ખોટું નથી હોતું.
શાસ્ત્રો કહે છે કે, જીવ અને ઈશ્વર એક જ છે. નર અને નારાયણના આ સંવાદમાં પ્રશ્નોત્તરી છે… આ પ્રશ્નોત્તરી સતત જીવ અને સર્જનહાર વચ્ચે થતી રહે છે. જ્યારે જ્યારે આપણને દુઃખ પડે છે, સમસ્યા ઊભી થાય છે કે ધાર્યું નથી થતું ત્યારે આપણે અચૂક પૂછીએ છીએ, ‘હું જ કેમ ? મને જ કેમ ?’ પરંતુ, જ્યારે આપણે સદભાગી હોઈએ છીએ, સારું જીવન, સુખ કે સગવડ મેળવીએ છીએ, સત્તા કે સંપત્તિ મેળવીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને એને લાયક સાબિત કરવા મરણિયો પ્રયાસ કરીએ છીએ. ત્યારે આપણે કદી પરમતત્વને પૂછતા નથી, ‘મને જ કેમ ?’
આ પૃથ્વી ઉપર વૃક્ષો અને નહીં દેખાતા જીવોથી શરુ કરીને મનુષ્ય સુધી અનેક જીવો છે. એના નિયમો અને એણે સર્જેલા આ જીવોની વચ્ચે પરસ્પર સંતુલન જળવાય ત્યાં સુધી એક સુખી અને શાંત જીવનચક્ર ચાલે છે. એ આ સર્વથી અલગ અને વિમુક્ત છે છતાં, એ આપણામાં વસે છે, એનો અંશ આપણા સૌમાં છે એ વાત ગીતામાં ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવી છે. સત્ય તો એ છે કે, આપણને સૌને યોગ્ય-અયોગ્યની સમજણ જન્મ સાથે જ આપવામાં આવી છે. સાથે જ આપણને આ યોગ્ય અને અયોગ્ય વચ્ચેની પસંદગીની સ્વતંત્રતા છે. આપણે જ નક્કી કરવાનું છે કે આપણે શેને યોગ્ય માનીએ છીએ, અને શું આપણા માટે ખોટું કે અયોગ્ય છે… જન્મથી માંસાહારી માટે એ ખોટું નથી, પરંતુ ભોજન સિવાયની હિંસા એને માટે પણ અયોગ્ય છે. માણસે પોતાને મળેલી સ્વતંત્રતનો સમજણપૂર્વક સદ્ઉપયોગ કરવાનું શીખવું પડે, ગીતા કદાચ સાચી પસંદગી કરતા શીખવે છે. સ્વતંત્રતાનો અર્થ માત્ર પોતાના સુખ પૂરતો મર્યાદિત નથી, પરંતુ એ જ સ્વતંત્રતામાં સૌના સુખને આવરી લેવું એ સમજણ છે… ધર્મ છે.
સ્વામિની શ્રી સદવિદ્યાનંદા સરસ્વતીએ પોતાના એક લેખમાં લખ્યું છે, “વૈદિક દૃષ્ટિએ ઈશ્વર કોઈ એક સ્થાન કે લોકમાં નિવાસ કરતો નથી. સંપૂર્ણ વિશ્વનું તે કારણ હોઈ આંતર-બાહ્ય સર્વત્ર, સ્વતંત્ર, પ્રાપ્ત છે. વિશ્વમાં એવું કોઈ સ્થાન, દેશ, કાળ કે વસ્તુ-પરિસ્થિતિ નથી, જ્યાં ઈશ્વર ન હોય. ભક્ત નરસિંહ મહેતાના ભજન પ્રમાણે તો ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે’ છે.”
ડૉ. કલાબેન પટેલે ગીતાનો સમશ્લોકી ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે. જેની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, “ગીતાગ્રંથ સાચા અર્થમાં પ્રેયમાર્ગીઓને, કર્મીઓને, કર્મયોગ દ્વારા ઈશ્વરમાં પ્રવેશ કરાવી, કર્મયોગના વલણ દ્વારા અહંકારને ઢીલો, નમ્ર, ઈશ્વર શરણ બનાવે છે, રાગદ્વેષોથી મુક્ત કરાવે છે. જીવ તરીકે તમને શરીર, ઈંદ્રિયો, પ્રાણ, મને, બુદ્ધિ જેવાં કરણો જીવનનિર્વાહ માટે આપવામાં આવ્યા છે. તે સર્વ મર્યાદિત અને જડ છે, આત્માને આધિન છે. આત્મા વગર તેનું અસ્તિત્વ જ નથી. જે છે તે તેનું ગૈણ અસ્તિત્વ છે. દેહ, મર્યાદિત જડ છે, તેને પોતાને કોઈ સમસ્યા નથી. તે પોતાને મર્યાદિત જોઈ જાણી શકે એમ નથી. મન વિચારોનો પ્રવાહ છે. તે પણ જડ હોઈ તે પોતાની મર્યાદાને જોઈ શકે એમ નથી. તે આત્માથી અભિન્ન હોઈ, આત્માને આધીન આત્માને પરાધીન છે. તેની પણ નિજી સ્વતંત્ર સત્તા નથી. તો પછી જીવને અસ્વીકાર્ય એવી કાયમની અલ્પતાની ભાવના ક્યાં બેઠી છે ? અજ્ઞાન ક્યાં બેઠું છે ? આ મર્યાદિત હુંકારની ભાવના આત્મકેન્દ્રિત અહંભાવી અહંકારના કારણે છે. અહંકારનું કાર્ય બહુરૂપી છે, પણ અહંકાર સદા એકરૂપે રહે છે. વિચારો બદલાય છે, પણ અહંકાર (વિચારોથી યુક્ત હોવા છતાં) બદલાતો નથી. વળી, તે સદા ચૈતન્યથી યુક્ત છે. હવે જે પોતાને એક અહંકારી તરીકે નહીં, પરંતુ અહંકારથી પર એવા સર્વના અધિષ્ઠાન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણી લે છે, તે સદા કોઈ પણ મર્યાદાથી મુક્ત છે. એટલે કે પોતે જ સર્વનું સત્ય છે. પણ જે આ ન જાણે તો તેનો મહાન વિનાશ છે, કારણ કે જે ગુમાવો છો તે અનંત છે, પૂર્ણ છે. આખરે તો સો પૂર્ણને જ ઝંખે છે.”
આપણે સૌ જેનો અંશ છીએ, એ પરમાત્મા સિવાય કશું પૂર્ણ નથી… એને ખુદા કહીએ, નાનક કહીએ, જીસસ કહીએ કે ઈશ્વર… એ પૂર્ણ છે, પરંતુ એણે આપેલા સંદેશને આપણે આપણી રીતે અલ્પમતિથી-આપણી અલ્પ અને અધૂરી સમજ સાથે આપણી સામાન્ય બુધ્ધિમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં નિષ્ફળ જઈએ છીએ અને માટે નિરાશ થઈએ છીએ. નિરાશામાંથી હતાશા અને હતાશામાંથી યુધ્ધનો જન્મ થાય છે…
હું, ક્યારેય સ્વાર્થ, અસંતોષ, અધર્મ કે અહંકારના રસ્તે નહીં ચાલું. હું હંમેશાં કરૂણા, ધર્મ (સત્ય), નમ્રતા અને શ્રેયના માર્ગે ચાલીશ. બસ ! આવતીકાલે, જન્માષ્ટમીના દિવસે જો એક જ વચન સ્વયંને આપી શકાય તો આપણા સૌનું જીવન શાંત અને સુખરૂપ વીતી શકે…