આપણે ઉત્સવપ્રિય છીએ. ભારતીય જનસમાજ ઉત્સવ ઊજવવાનું કારણ શોધી કાઢે છે.
આપણે જન્મની સાથે સાથે મૃત્યુને પણ (અગિયારમું, બારમું, તેરમું) ઊજવીને આપણા સનાતન
ધર્મની તત્વજ્ઞાનની અને જીવનની સાથે સાથે મૃત્યુના સ્વીકારની અદભુત પરંપરાને માણીને ઉછર્યા
છીએ. જન્મ, યજ્ઞોપવિત, લગ્ન કે સિમંત, જેવા અનેક પારિવારિક ઉત્સવોની સાથે સાથે
તારીખિયામાં આવતા ઉત્સવો પણ આપણે માટે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે.
દેવોના જન્મના ઉત્સવ ભારતમાં ધૂમધામથી ઊજવાય છે. મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, હનુમાન
જયંતી કે રામનવમી આપણા દેશમાં ઊજવાતા મુખ્ય તહેવારોમાં આવે છે. એવી જ રીતે,
તુલસીવિવાહ, રુક્મિણી વિવાહ પણ ભારતીય સનાતન ધર્મના રસપ્રદ ઉત્સવો છે.
27મી માર્ચના, ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુક્મિણી અને શ્રીકૃષ્ણના
વિવાહની કથાને યાદ કરી. એમણે કહ્યું કે, “ઉત્તર પૂર્વની રાજકુમારી રુક્મિણી અને શ્રીકૃષ્ણના વિવાહ
ગુજરાત અને ઉત્તર પૂર્વ વચ્ચેનો અતૂટ સંબંધ છે.” બે રાષ્ટ્ર, બે રાજ્ય કે બે પરિવાર જ્યારે જોડાય છે
ત્યારે માત્ર લગ્ન નહીં, સમાજના સ્તરે બે સંસ્કૃતિઓ જોડાય છે. ભલે એક જ જ્ઞાતિના બે
પરિવારોના સંતાન વચ્ચે લગ્ન થતાં હોય, પરંતુ એ લગ્ન બે સંસ્કૃતિઓનું મિલન બની રહે છે. કૃષ્ણ-
રુક્મિણી હોય કે ઉષા અને અનિરુદ્ધ, કુશસ્થલિ નામે જાણીતા આજે જેને દ્વારિકા કહે છે ત્યાં
વસતાં શ્રીકૃષ્ણ અને અનિરુદ્ધ, બીજી તરફ ભિષ્મક પુત્રી રુક્મિણી અને બાણાસુરની દીકરી ઉષા
(ઓખા)ના લગ્નની કથાઓ કોઈ સિનેમાની સ્ટોરી કરતાં ઓછી ઈન્ટરેસ્ટિંગ નથી.
નવી પેઢી માટે આ વાર્તાઓ ભારતીય સંસ્કૃતિની આધુનિકતાનું પ્રમાણ છે. આજથી હજારો
વર્ષ પહેલાં, એક સ્ત્રી પોતાનો પતિ અથવા જીવનસાથી પસંદ કરી શકે એ આધુનિક વિચારધારા
ભારતની સ્ત્રીનાં સશક્ત હોવાનું ઉદાહરણ છે. રુક્મિણીના વિવાહ કૃષ્ણના કઝીન ભાઈ શિશુપાલ
સાથે થયા હતા. કૃષ્ણ પોતાના રાજ્યની જાણ થતાં જ ભિષ્મક એમને સન્માનપૂર્વક રાજ્યમાં લાવ્યા.
એમનું આતિથ્ય કર્યું અને અત્યંત સન્માનપૂર્વક એમને રાજ્યસભામાં લઈ આવ્યા ત્યારે રુક્મિણીએ
એમને પ્રથમવાર જોયા. એમણે તો રાજકુમારી તરફ દૃષ્ટિ સુધ્ધાં નહોતી કરી, તેમ છતાં એમનું દર્શન
કરીને રુક્મિણીનું મન કૃતકૃત્ય થઈ ગયું હતું.
એમને મળ્યાના બીજા જ અઠવાડિયે એના ભાઈ રુકિમે માતાપિતાને સમજાવીને રુક્મિણીને
વાગ્દાન ચેદિરાજ શિશુપાલ સાથે કરાવી દીધું. રુકિમ કંસનો મિત્ર હતો અને મગધના બળવાન રાજા
જરાસંઘના જામાતા કંસનો સંહાર કરવાને કારણે રુક્મિણીનો ભાઈ કૃષ્ણને ધિક્કારતો હતો.
રુક્મિણીને શ્રદ્ધા હતી કે એ એના લગ્ન કૃષ્ણ સાથે નહીં થવા દે. શિશુપાલ ચેદિના સશક્ત રાજા
હતા. (આજે મધ્યપ્રદેશના બુંદેલખંડમાં ચેદિના કેટલાક અવશેષો મળે છે.) પરંતુ રુક્મિણી તો
કૃષ્ણકથાઓ સાંભળી સાંભળીને કૃષ્ણને પ્રેમ કરવા લાગ્યાં હતાં. એમણે સદેવ નામના બ્રાહ્મણ સાથે
કૃષ્ણને પત્ર લખ્યો. આ પત્રમાં છ શ્લોક હતા.
श्रुत्वा गुणान्भुवनसुन्दर श्रुण्वतांते निर्विश्य कर्णविवरैहेतोडगतापम् ।
रुपं द्रशां द्रशिमतामखिताथेलाभं त्वाच्युताविशति चितमपत्रपं में ।।1।।
હે ભુવનસુંદર શ્રીકૃષ્ણ ! કાનના છિદ્રમાંથી સાંભળીને હૃદયમાં પ્રવેશ કરનારા તમારા ગુણો
અને જેની પાસે નેત્ર છે તે નેત્રને તમારા દર્શન થાય ત્યારે જ એની સાર્થકતા સમજાય તેવું તમારું રૂપ
સાંભળીને મારું મન નિર્લજ્જ થઈનેતમારામાં અનુરાગી બન્યું છે.
का त्वा मुकुन्द महती कुलशीलरुप विद्यावयोद्रिविण धामभिरात्मतुल्यम् ।
धीरा पतिं कुलवती न वृणित कन्या चले नृसिंह नरलोकमनो ड भिरामम् ।।2।।
હે મુકુન્દ ! હે પુરુષશ્રેષ્ઠ ! કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય તથા પ્રભાવમાં તમારી તોલે કોણ આવી
શકે ? મનુષ્યના મનને આનંદ આપનારા તમારા જેવા વ્યક્તિને કઈ કુળવાન, ગુણવાન અને ધૈર્યવાન
સ્ત્રી પતિના રૂપમાં ન ઈચ્છે ?
तन्मे भवान्खलु वृतः पतिरडग जाया मात्मा ड पिंतश्च भवतो ड त्र विभो विधेहि ।
मा विरभागमभिमशेतु चैध आराद्र गोमायुवन्मृगपतेबेलिमंबुजाक्ष ।।3।।
માટે હે પ્રભુ ! મેં તમને જ પતિના રૂપમાં સ્વીકાર્યા છે. મારો આત્મા મેં તમને સોંપ્યો છે. તો
તમે અહીં પધારીને મને તમારી અર્ધાંગિની બનાવો એવી મારી વિનંતી છે. જેમ શિયાળ સિંહના
ભોજનને સ્પર્શ ન કરી શકે તેમ શિશુપાલ તમારા જેવા પુરુષને સમર્પિત થયેલી સ્ત્રીને ન સ્પર્શે
એટલી મારી વિનંતી છે.
पूते ष्टदतनियमव्रतदेवबिप्र गुवेचेनादिभिरलं भगवान्परेशः
आराधितो यदि गदाग्रव एत्य पाणि गुन्हणातु मे न दमधोषसुतादयो ड न्ये ।।4।।
જો મેં જલસ્થાનોનું નિર્માણ કર્યું હોય, યજ્ઞ-યજ્ઞાદિ કર્યા હોય, સુવર્ણ વગેરેનું દાન કરીને દેવો,
બ્રાહ્મણો, ગુરુની યોગ્ય પૂજા કરીને ઈશ્વરની સાચા હૃદયથી આરાધના કરી હોય તો ગદ (બલરામ)ના
ભ્રાતાથી કૃષ્ણ અહીં પધારીને મારું પાણિ ગ્રહણ કરો.
श्व भाविनि त्वमवितोद्रवहने विदभोन गुप्तः समेत्य पृतनापतिभिः परीतः ।
निमेथ्य चैद्यमगर्धेद्रबलं प्रसह्य मां राक्षसुन विधिनाद्वह वीर्यशुल्काम् ।।5।।
હે અજીત ! કાલે થનારા વિવાહમાં તમે સેનાપતિઓથી ઘેરાઈને વિદર્ભમાં પધારો. શિશુપાલ
તથા જરાસંઘના સૈન્યને પરાજીત કરીને તમારા બળ, પરાક્રમનું પ્રદર્શન કરી વિજયના પ્રતિકરૂપે
મૂલ્યવાન એવી મને પામો. મારી સાથે રાક્ષસવિધિથી વિવાહ કરો.
अंतः पुरांतरचरीमनिहत्य बन्धुं रत्वामुल्हे कथमिप्ग्रवदाम्युपायम् ।
पूर्वेठध्युरस्ति महती कुलदेवीयात्रा यस्यां बहिनेववधूर्गिरिजामुपेयात् ।।6।।
કદાચિત્ તમે પ્રશ્ન કરો કે અંતઃપુરમાં રહેનારી સ્ત્રીના રક્ષક અને સગાંઓનો નાશ કર્યા વગર
હું કેવી રીતે વિવાહ કરું ? તો હું તમને ઉપાય બતાવું છું. અમારા કૂળમાં વિવાહના આગલા દિવસે
પાર્વતીજીના દર્શન કરવા નગરની બહાર જવાની પરંપરા છે. તમે ત્યાં આવી મારું હરણ કરો. જે
આપના માટે સરળ રહેશે અને રક્ત રેડવાની જરૂર નહીં રહે.
यस्याधिपेडकजरजः स्नपनं महांतो वांछंत्युमापतिरिवात्मतमो डयहत्यै ।
यह्येम्बुजाक्ष न लभेय भवत्प्रस दं जह्यामसून्व्रतकृशान् शतजन्मभिः स्यात् ।।7।।
હે કમલનયન શ્રીકૃષ્ણ ! જેમ ઉમાપતિ શંકર અને બીજા દેવો પોતાના અજ્ઞાત શત્રુનો વિનાશ
કરવા માટે આપની ચરણરજમાં સ્નાન કરવા તત્પર હોય છે તેમ જ તમારી કૃપા જો આ જન્મમાં
નહીં મળે તો વ્રત-ઉપવાસ આદિ કરી દુર્બળ થયેલા શરીરમાંથી પ્રાણનો ત્યાગ કરીશ અને અગણિત
જન્મો સુધી આપની કૃપાની પ્રતિક્ષા કરીશ…
આ પત્ર વાંચીને શ્રીકૃષ્ણ કુંડીનપુર જાય છે. રૂક્મિણીનું હરણ કરે છે.
રૂક્મિણી પાર્વતીને વંદન કરે છે અને શ્રીકૃષ્ણ પોતાના પતિ થાય એવી મનોકામના એમની
સામે મૂકે છે. શ્રીમદ્ ભાગવત કહે છે કે જેમ સિંહ શિયાળોની વચ્ચેથી પોતાનો શિકાર લઈ જાય તેમ
શ્રીકૃષ્ણ અને બલરામ એક પછી એક રથમાં ત્યાંથી નીકળ્યા, જેમાં શ્રીકૃષ્ણએ રૂક્મિણીને પોતાની એક
જ ભૂજાથી જમીન પરથી ગ્રહીને રથમાં સુસ્થાપિત કરી દીધી…
શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ, અધ્યાય – ૫૨, ૫૩, ૫૪
માધવપુરનો મેળો પૂરો થયો… રુક્મિણી વિવાહની અદભુત ઊજવણી સાથે ગુજરાત
સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રોજ એક નવા કાર્યક્રમના ઉપલક્ષે સાંજે
સાંસ્કૃતિક કાર્યક્રમની ભજવણી થઈ. રુક્મિણી વિવાહના પ્રસંગનું અદભુત નિરુપણ નિસર્ગ ત્રિવેદી
દિગ્દર્શિત નૃત્ય નાટિકામાં કરવામાં આવ્યું. નિશીથ મહેતાના સંગીત સાથે આ નૃત્ય નાટિકાની
ભજવણીમાં એક સદીઓ જૂના પ્રણય પ્રસંગને સજીવન કરીને ગુજરાતના કલાકારોએ ઉત્તર પૂર્વ અને
દ્વારિકાના સંબંધને પુનઃપ્રસ્થાપિત કર્યો.
આપણી સંસ્કૃતિમાં લગ્નને બે આત્મા-બે પરિવાર અને બે સંસ્કૃતિના મિલન તરીકે જોવામાં
આવે છે. માધવપુરના મેળામાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ નૃત્ય નાટિકામાં
બે સંસ્કૃતિના મિલનનો સંદેશ આપીને આપણે ફરી એકવાર આપણા સનાતન ધર્મને પ્રણામ કર્યા.