સ્મોલ ટાઉન ટુ મેટ્રોઃ કારકિર્દી અને કોમ્પ્રોમાઈઝ

નાના શહેરમાંથી મોટા શહેરોમાં-મેટ્રોમાં નોકરી કરવા-ભણવા આવતી અનેક છોકરીઓ સાથે
બનતા જાતભાતના કિસ્સા આપણે સાંભળતા રહીએ છીએ. એક તરફથી માતા-પિતાની ચિંતા હોય
છે કે, દીકરી મોટા શહેરમાં જઈને બગડી તો નહીં જાય ને? અને બીજી તરફ એની કારકિર્દી માટે,
એના ઉજ્જવળ ભવિષ્ય માટે જમાના સાથે કદમ મિલાવ્યા વગર પણ ચાલવાનું નથી એ વાત માતા-
પિતા સમજે છે. મોટાભાગે મોટા શહેરમાં ભણવા આવતી છોકરીઓ શરૂઆતમાં ‘આઉટ ઓફ પ્લેસ’
ફિલ કરે છે. એમના વસ્ત્રો, બોલી, જીવનશૈલી અને બીજી કેટલીયે બાબતો એમને મજાકનું કેન્દ્ર
બનાવે છે. જેને કારણે એમનો આત્મવિશ્વાસ ડગી જાય છે, પરંતુ આ જ છોકરીઓ એ પછી બાઉન્સ
બેક થાય છે. પોતે નાના શહેરમાંથી છે અને જુનવાણી નથી બલ્કે મોટા શહેરમાં વસતી છોકરીઓ
કરતાં જુદી નથી એવું સાબિત કરવા માટે આ નાના શહેરમાંથી આવેલી છોકરીઓ મરણિયો પ્રયાસ
કરવા લાગે છે.

સવાલ એ છે કે, આપણે જેવા છીએ તેવા, કેમ ન રહી શકીએ? આધુનિકતાના નામે સિગરેટ
કે શરાબ પીતી, ગર્લ્સ હોસ્ટેલમાં કપડાં વગર ફરતી, બોયફ્રેન્ડ્સ બનાવતી અને એમને પોતાની
જરૂરિયાત માટે આર્થિક કે બીજી રીતે ‘વાપરતી’ છોકરીઓને જોઈને સારી-સંસ્કારી કે સભ્ય ઘરની
છોકરીઓએ પોતાના વ્યક્તિત્વને શા માટે બદલવું પડે? મોર્ડન-શબ્દની કોઈ વિચિત્ર વ્યાખ્યા છેલ્લા
એક દાયકામાં ઊભી થઈ છે. જે, જરાય યોગ્ય કે સાચી નથી. આપણે પશ્ચિમનું અનુકરણ કરીએ
છીએ એવી ફરિયાદ કરવાનોય અર્થ નથી કારણ કે, હવે પશ્ચિમમાં વિગન, વેજિટેરિયન અને
આલ્કોહોલ કે ડ્રગથી દૂર રહેવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. છેલ્લા થોડા સમયથી ભારતમાં-માત્ર
ગુજરાતની વાત નથી, લગભગ આખા દેશમાં ‘આધુનિકતા’ના નામે જે કંઈ થઈ રહ્યું છે એ બેવકૂફી
સિવાય બીજું કંઈ નથી. બોયફ્રેન્ડ સાથે, પ્રિમેરિટલ સેક્સ કે અંગત પળોના વીડિયો અને ફોટા લેવા
અથવા ‘પાર્ટી’ના નામે શરાબ કે સિગરેટ પીવા સુધી પહોંચતી આ છોકરીઓને જ્યારે પોતાની ભૂલ
સમજાય છે ત્યારે એ ખરાબ રીતે ફસાઈ ચૂકી હોય છે.

મોટા શહેરમાં નવી નવી આવેલી નાના ગામ કે ટાઉનની છોકરીઓને ‘ડેટિંગ એપ’ વિશે
એમની બહેનપણી સમજાવે છે. ‘એમાં કશું ખોટું નથી’ એવું એના મગજમાં ઠસાવીને એને બ્લાઈન્ડ
ડેટ્સ અને ડેટિંગ-ચેટિંગના રવાડે ચડાવવામાં આવે છે. જે છોકરીઓ આ નથી કરતી એમને ‘બહેનજી-
માતાજી-જુનવાણી’ કહીને ‘ગ્રૂપ’માંથી બાકાત રાખવામાં આવે છે. ફક્ત ‘આધુનિક’ અને ‘કુલ’
છોકરીઓના ગ્રૂપમાં જોડાવા અને રહેવા માટે કેટલીક છોકરીઓ આવી અર્થહીન બાબતોમાં ઢસડાય
છે. ડેટિંગ એપ વિશે આપણે ખરેખર કશું જ જાણતા નથી, પરંતુ જો ગુગલ કરીએ અને પૂરી તપાસ
કરીએ તો સમજાય કે, કેટલાક ડેટિંગ એપ્સ નાના પ્રકારનો સેક્સવર્કિંગનો અડ્ડો છે. આ ડેટિંગ એપ્સ
‘કુલ’ કે ‘મોર્ડન’ નથી બલ્કે અજાણ્યા અને ખતરનાક લોકોના હાથમાં ફસાઈ જવાની એક એવી જાળ
છે જેમાં આધુનિક બનવા કે દેખાવા માટે છોકરીઓ હોંશેહોંશે ફસાય છે.

જાણીને આશ્ચર્ય થશે કે હવે માત્ર છોકરીઓ જ ફસાય છે એવું પણ નથી રહ્યું. છેલ્લા કેટલાક
સમયથી એલજીબીટીક્યૂ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીયર (વિલક્ષણ))ને જે રીતે
પ્રમોટ કરવામાં આવે છે એનાથી નાના ગામના છોકરાઓ કુતૂહલમાં ઘસડાય છે. એમને લાગે છે કે,
આ કોઈ એવી બાબત છે જેનો અનુભવ કર્યા વગર એમની યુવાની અધૂરી રહી જશે! એમની
આસપાસના જગતમાં પણ એમને આવા લોકો જોવા મળે છે-જે પોતાની જાતને મોર્ડન, કુલ અથવા
એક નવા જ જમાનાની-વિચારોની વ્યક્તિ તરીકે પ્રોજેક્ટ કરે છે. એમનાથી આકર્ષાઈને અણસમજુ,
દુનિયા વિશે ઓછું જાણતા, પ્રોટેક્ટેડ પરિવારમાં મોટા થયેલા સાદા અને પ્રમાણમાં થોડા જુનવાણી
કહી શકાય (યુવાનો) પણ હવે આવી બદીઓમાં સપડાવા લાગ્યા છે. એમનો વીડિયો ઉતારી લેવામાં
આવે અને પછી એ વીડિયોનો દુરુપયોગ કરીને એમને એક્સપ્લોઈડ કરવામાં આવે એવા કિસ્સા
ઓછા નથી… ડેટિંગ એપ પર મળેલી છોકરીઓ બ્લેકમેઈલ કરે અને માતા-પિતાની પ્રતિષ્ઠા કે
સમાજની બીકે આવાં છોકરાઓ પહેલાં પૈસા અને પછી ડ્રગ પેડલિંગ, સેક્સવર્કિંગ સુધી પહોંચી જાય
એવા કિસ્સા બહાર નથી આવતા, પરંતુ વધતા જાય છે એમાં કોઈ શંકા નથી.

હવે સવાલ એ છે કે, સંતાનોને બહાર ન મોકલવા? એમના ઉપર જાપ્તો રાખવો? એમના
ફોન ટ્રેક કરવા? કે પછી એમના પર સતત અવિશ્વાસ કરીને એમના વિકાસને અવરોધવો યોગ્ય છે?
બિલકુલ નહીં… જો ખરેખર એક સારા માતા-પિતા તરીકે આપણે આપણા સંતાનની ઉજ્જવળ
કારકિર્દી ઈચ્છતા હોઈએ તો એમને દુનિયામાં બહાર મોકલવા જ જોઈએ. એમને એમની રીતના
અનુભવ કરવા દેવા જોઈએ, પરંતુ સાથે સાથે એમને શું સારું અને ખરાબ એ વિશે કોઈ સંકોચ રાખ્યા
વગર આંખમાં આંખ નાખીને સમજાવવાની ફરજ પણ પૂરી કરવી જોઈએ. કેટલાંક માતા-પિતા એવું
માને છે કે, સંતાનો સાથે મર્યાદા રાખવી, કેટલીક વાત ન થઈ શકે, ન કરવી જોઈએ, પરંતુ એ
જુનવાણી વિચારને છોડીને હવે માતા-પિતા તરીકે આપણે જ એમના પહેલા કાઉન્સેલર છીએ એવું
સમજી લેવું જોઈએ.

સંતાનના વર્તનમાં ફરક લાગે કે ક્યાંક શંકા પડે એવો સમય આવે તો સંતાનને ધમકાવ્યા વગર
શાંતિથી પૂછપરછ કરવી જોઈએ. એટલાથી સંતોષ ન થાય તો સંતાનને ખ્યાલ ન આવે એ રીતે-એને
અપમાન ન લાગે એ રીતે એની શાળામાં, હોસ્ટેલમાં કે મિત્રોને વિશ્વાસમાં લઈને તપાસ કરવી
જોઈએ. પોતાના સંતાન વિશે સજાગ રહેવામાં આપણે જુનવાણી નહીં બલ્કે કેરફૂલ અને સજાગ
માતા-પિતા પૂરવાર થઈશું એટલું નક્કી છે. સમય બદલાયો છે, બહારની દુનિયા બદલાઈ છે એટલે
ક્યારેક આપણું સંતાન કંઈ ખોટું કરે, ફસાઈ જાય કે આવા કોઈ આકર્ષણમાં, મોહમાં આવીને ભૂલ કરી
બેસે તો રડવા કૂટવાને બદલે, એને બ્લેઈમ કરવાને બદલે એની ભૂલ સારામાં સારી રીતે કેમ સુધારી
શકાય એ વિશે ખુલ્લા દિલે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ.

આપણે આપણી જાતને ‘આધુનિક’ માતા-પિતા કહેતા હોઈએ, તો આપણું વર્તન, વિચાર
અને વ્યવહાર પણ એટલા આધુનિક હોવા જોઈએ જેનાથી આપણા સંતાનની કારકિર્દી કે જિંદગી
બગડતી અટકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *