17 ઓક્ટોબર સ્મિતા પાટીલનો જન્મદિવસઃ આજે હોત તો 69 વર્ષનાં હોત!
એમણે લખ્યું છે, ‘પ્રેગનન્સીના છેલ્લા દિવસોમાં મને વિચિત્ર સપનાં આવતાં. મારી
તાઈ, અનિતા મારી બાજુમાં સૂતી. હું અચાનક બેઠી થઈ જતી, હાંફવા લાગતી…
પરસેવે રેબઝેબ થઈ જતી. મારી બહેન ડૉક્ટર હતી, એટલે એ કહ્યા કરે, ‘આવું થાય,
આને પ્રેગનન્સી બ્લ્યૂઝ કહેવાય.’ એક દિવસ વહેલી સવારે હું બહાર જોઈ રહી હતી.
એ જાગી, મારી પાસે આવી ને એણે મારા ખભે હાથ મૂક્યો. એણે મને પૂછ્યું, ‘શું થાય
છે તને?’ મેં કહ્યું, ‘હું કદાચ નહીં રહું તો તું પ્રતીકને સાચવીશને?’ એનું નામ એના
જન્મ પહેલાં નક્કી હતું. પ્રતીક સ્મિત બબ્બર… મેં મારી બહેનને એક પત્ર લખેલો
અને કહેલું કે હું ન રહું ત્યારે વાંચજે. મારી બહેને હસીને પત્ર કબાટમાં મૂકી દીધેલો
અને કહેલું કે એવં કંઈ થવાનું નથી. મારા મૃત્યુ પછી મારી બહેને એ પત્ર ખોલ્યો
ત્યારે એમાં લખેલું વાંચીને મારી બહેન હતપ્રભ થઈ ગયેલી, મેં એમાં લખેલું, મને
એક વિચિત્ર સપનું આવે છે. હું હવા જેવી હળવી થઈને, સોનેરી વસ્ત્રો પહેરીને આ
ઘરમાં ગોળગોળ ફું છું. મારા પગ જમીન પર અડતા નથી. જાણે હવામાં ઊડતી હોઉં
એમ હં આ ઘરમાં ઊડ્યા કરું છું. થોડી વાર સુધી આ ઘરમાં રહીને હું મારાં સોનેરી
વસ્ત્રો ઉતારું છું. એ વસ્ત્ર બાળક બની જાય છે. એક સોનેરી રંગનું બાળક આ ઘરમાં
મૂકીને હું દૂર દૂર સૂર્યાસ્ત તરફ ઊડવા લાગું છું. પછી હું લીલાં વૃક્ષોમાં, ભૂરા
આકાશમાં અને વહેતાં જળમાં ભળી જાઉં છું.’
‘આ મારા મૃત્યુનો સંકેત હશે? પ્રતીકમાં મારું જીવન રેડીને મારે જતાં રહેવાનું
છે? આ લખતી વખતે મારી ભીતર કંઈક વિચિત્ર અનુભૂતિ હતી. પ્રતીકને હાથમાં
લીધો ને મને લાગ્યું કે જાણે મેં મારું જીવન એનામાં રેડી દીધું છે…’
સ્મિતા પાટીલની બાયોગ્રાફી, ‘સ્મિતા પાટીલઃ એ બ્રિફ ઈનકેન્ડેસન્સ’ (ટૂંકું
જીવેલી ધૂપસળી)માં આ સ્મિતા પાટીલે આપેલા એક ઈન્ટરવ્યૂમાં એમણે ઉપરની
વાત કહી છે. નવાઈ લાગે એવું જીવન ટૂંકી, પણ જબરજસ્ત કારકિર્દી… મહારાષ્ટ્રના
રાજકારણી શિવાજીરાવ ગિરધર પાટીલ અને સોશિયલ વર્કર વિદ્યાતાઈ પાટીલની
ત્રણ દીકરીઓ. અનિતા, સ્મિતા અને ગીતા… એમના પિતાએ એમના ખાસ નામ
પાડેલાં, અનિતાનું નામ પાપિયા, સ્મિતાનું નામ મિત્યા અને નાની ગીતા એટલે
માન્યા. સ્મિતા પાટીલ માટે એની બહેન એની આઈડિયલ હતી. અનિતા અને સ્મિતા
બેસ્ટ ફ્રેન્ડ્સ રહ્યાં, છેક છેવટ સુધી. રાજ બબ્બર સાથેના અફેર પછી બાળકને જન્મ
આપવાના નિર્ણય વખતે પણ એ અનિતાને ત્યાં જ રહેવા ચાલી ગયેલી.
ટીવી ન્યૂઝ રીડરને પહેલી વખત શ્યામ બેનેગલે પોતાની ફિલ્મ ‘મંથન’માં
એક સહકારી દૂધ મંડળીની સ્ત્રીનો રોલ આપ્યો. સ્મિતા પાટીલે કદી વિચાર્યું પણ
નહોતું કે એ અભિનય કરશે. ડૉ. વર્ગીસ કુરિયનના જીવન પર આધારિત એ ફિલ્મને
નેશનલ એવોર્ડ મળ્યો. એ પછી એમણે અનેક કોમર્શિયલ, નોનકોમર્શિયલ ફિલ્મોમાં
કામ કર્યું. લોકો એમને એમની નિખાલસતા અને સ્પષ્ટતા માટે આજે પણ યાદ કરે
છે. જે જીવ્યાં એ કોઈ ખુલ્લી કિતાબ જેવું જીવ્યાં. મનજિત કક્કડ, વિનોદ ખન્ના, રાજ
બબ્બર… એક પછી એક પુરુષો એમના જીવનમાં આવતા રહ્યા, જેમાંથી કોઈ એમને
જીવનમાં શાંતિ કે સ્નેહ આપી શક્યા નહીં. એમની ફિલ્મ (મહેશ ભટ્ટ દિગ્દર્શિત)
‘અર્થ’ની અભિનેત્રી જેવું જ કોઈ, વિક્ષિપ્ત-અનકમ્ફર્ટેબલ જીવન વિતાવીને એમણે
અચાનક વિદાય લીધી. એમની બાયોગ્રાફીમાં લખેલી કેટલીક કથાઓ આપણને
આશ્ચર્યચકિત કરી નાખે એવી છે.
‘અમિતજી સાથે મારે કામ વગર વાત કરવાના સંબંધો નહોતા. એ ‘કુલી’ માટે
બેંગલોરમાં શૂટ કરતા હતા… રાત્રે પોણા બે વાગ્યે મને બહુ ખરાબ સપનું આવ્યું.
મને ખબર હતી કે એ ક્યાં ઊતર્યા છે. મેં એમની હોટેલમાં ફોન કર્યો. રાત્રે પોણા
વાગ્યે મારો ફોન સાંભળીને એમને નવાઈ લાગી. ખૂબ સજ્જનતાથી એમણે પૂછ્યું,
‘સ્મિતા, બધું ઓ.કે. છે ને?’ મેં એમને પૂછ્યું, ‘તમે ઓ.કે. છો ને? મને બહુ ખરાબ
સપનું આવ્યું એટલે મેં તમને ફોન કર્યો છે.’ એમણે કહ્યું, ‘હું ઓ.કે. છું.’ તેમ છતાં હું
આખી રાત સૂઈ ન શકી ને બીજે દિવસે એમના એક્સિડેન્ટના સમાચાર આવ્યા. મને
આવું થતું અવારનવાર… કંઈક વિચિત્ર અનુભવ, ન માની શકાય એવી અનુભૂતિ!’
‘મારી બહેનપણી દિલશાદ એક વાર ક્યાંકથી જોન્ગા જીપ મેનેજ કરીને લઈ
આવી. મને કહે, ‘ચલો, દિલ્હી સુધી ડ્રાઈવ કરીએ.’ અનિતાએ ચોખ્ખી ના પાડી. મારી
મા તો મગજ ગુમાવી બેઠી. એ દિવસોમાં ચંબલનો રસ્તો બહુ સેફ નહોતો. મુંબઈથી
દિલ્હી સુધી બે એકલી છોકરીઓ… મારા ઘરેથી રજા મળે એવો કોઈ સ્કોપ લાગ્યો
નહીં, એટલે હું ચિઠ્ઠી લખીને સવારે પાંચ વાગ્યે ભાગી છૂટી. મેં નક્કી કરેલું કે રોજ
ઘેર ફોન કરીશ. હું રોજ ફોન કરતી ને મારી મા રોજ ગુસ્સે થતી. એક દિવસ રાત્રે
અમે ઉદેપુરથી અજમેરની વચ્ચે એક હોટેલમાં સૂતાં હતાં. હું અચાનક બેઠી થઈ ગઈ.
મેં કહ્યું, ‘ચાલ.’ દિલશાદ અકળાઈ ગઈ. એણે કહ્યું, ‘રાતના ત્રણ વાગ્યા છે. અત્યારે
ક્યાં જઈશું?’ જીદ કરીને સવારે સાડા ચારે અમે જોન્ગા લઈને નીકળી ગયાં. બીજે
દિવસે અજમેરમાં સમાચાર વાંચ્યા, અમે જે હોટેલમાં ઊતર્યાં હતાં ત્યાં સવારે સાડા
છ વાગ્યે શૂટઆઉટ થયું. આઠ માણસના જીવ ગયા!’
આવા માણસોને પોતાના સમયમાં કામ કરતી વખતે કદાચ આવનારાં વર્ષોની
પ્રસિધ્ધિનો, સફળતાનો કે એને મળનારા યશનો ખ્યાલ નથી હોતો. આમ જુઓ તો
આ કદાચ તદ્દન યોગાનુયોગ હોઈ શકે, પરંતુ પોતપોતાના કાર્યકાળમાં જુદો ચીલો
ચાતરનાર, પોતાના સમય પછી દાયકાઓ સુધી યાદ રહ્યા હોય એવા અને એમના
ક્ષેત્રમાં જેમણે ખૂબ નાની ઉંમરે ખૂબ સફળતા મેળવી હોય એવા માણસો મોટે ભાગે
બહુ લાંબુ જીવ્યા નથી! જેને નાની ઉંમરે બહુ મળી જતું હશે એ લોકોને ઝડપથી
સંતોષ થઈ જતો હશે? એમને લાગતું હશે કે એમનું કામ પૂરું થયું છે અથવા એમને
જે જોઈતું હતું તે મળી ગયું છે માટે…
…અથવા તો કદાચ એમનો લાઈફકોર્સ-જીવન જીવવાની એમની ઊર્જા એટલી
ઝડપથી વપરાતી હશે કે બંને છેડે બળતી મીણબત્તીની જેમ એમનુ આયુષ્ય ઝડપથી
સમેટાઈ જતું હશે? જીવવાનું પેશન એક અદભુત વસ્તુ છે. કોઈ ગૉલ માટે, કોઈ
વિચાર માટે, પોતે જોયેલાં કોઈ સપનાંને સાકાર કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિ
પોતાના પૂરેપૂરા ઝનૂનથી પોતાના રક્તનું એક-એક કણ કામે લગાડીને, એક-એક
શ્વાસને ખર્ચી નાખીને જ્યારે માણસ જીવવા લાગે ત્યારે એની અંદર રહેલું આખુંય
કોસ્મિક કનેક્શન કોઈ દૈવી તત્વ-સુપર પાવર સાથે જોડાઈ જાય છે. આ સુપર પાવર
કે દૈવી તત્વ એની અંદરના કોસ્મિક કનેક્શન સાથે અનુસંધાન સાધીને એને એની
ઈચ્છિત વસ્તુ મેળવવા કે સપનું સાકાર કરવામાં મદદ કરતું હશે!