વડોદરાના ચકચારભર્યા ગેંગરેપની થ્રીલર કવાયતમાં અંત આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા
છે… આરોપીઓના પરિવારજનો ઘરમાં તાળું મારીને ફરાર છે. બીજી તરફ, ભૂજમાં એક શિક્ષકની પત્નીએ
બાળકને જન્મ આપ્યો એ જ દિવસે શિક્ષક સાડા સત્તર વર્ષની છોકરીને લઈને ભાગી ગયા છે… એક જ દિવસના
અખબારમાં બળાત્કાર, સગીરાને ભગાડવાના અને ત્યજાયેલી બાળકી વિશેની જાહેરાતના સમાચાર વાંચીએ ત્યારે
સમજાય કે નવરાત્રિની પૂજા, શક્તિની આરાધના, સ્ત્રીનું સન્માન જેવા શબ્દો ધીમે ધીમે પોતાનો અર્થ ખોઈ રહ્યા
છે.
વડોદરામાં એક જ સ્થળે-10 કિલોમીટરના વિસ્તારમાં 5 વર્ષમાં આ ત્રીજો ગેંગરેપ થયો છે. આ
ગેંગરેપની જેમ જ ભાયલીથી માત્ર 9 કિલોમીટર દૂર આવેલા નવલખી ગ્રાઉન્ડમાં 2019માં બીજા નોરતે (28
નવેમ્બર) 14 વર્ષ 8 માસની સગીરા પર ગેંગરેપ થયો હતો. સગીરા તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી
હતી. ત્યારે કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના બે શખ્સે સગીરાના મંગેતરને ડરાવી ધમકાવી માર
મારી ભગાડી મુક્યો હતો. ત્યાર બાદ સગીરાને નજીકમાં આવેલી ઝાડીમાં લઇ જઇ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. આ બન્ને
આરોપીને વડોદરા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
જ્યારે વર્ષ 2021માં ભાયલી દુષ્કર્મ સ્થળથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલા વેક્સિન ગ્રાઉન્ડમાં
પણ વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં દુષ્કર્મ પીડિતા વિદ્યાર્થિનીએ
ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં આપઘાત કરી લીધો હતો. જો કે આ ગેંગરેપના આરોપીઓ 3 વર્ષ વીતવા છતાં હજુ
સુધી પકડાયા નથી.
સવાલ એ નથી કે, રેપ કરનારાની વિકૃતિ શું છે અને કેમ છે-રાક્ષસની માનસિકતા સમજવાનો, પ્રયત્ન
કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ આપણા સમાજ સામે જે વધુ મોટો સવાલ છે એને સમજવો જોઈએ-દરેક માતા-
પિતાએ પોતાના પરિવાર સાથે, દીકરી હોય કે દીકરો ખુલ્લા દિલે અને મુક્ત મગજે એકવાર આ પ્રશ્નની ચર્ચા
કરવી જોઈએ.
માત્ર ગુજરાતમાં જ નહીં, આપણા દેશમાં એકાંત અને નિર્જન સ્થળોએ, વહેલી સવારે કે મોડી રાત્રે
આવી વિકૃતિ અને રેપ, યાતનાના જેટલા પ્રસંગો બન્યા છે એમાંની મોટાભાગની સગીરા છે-ટીનએજર! કોઈક
વહેલી સવારે પોતાના બોયફ્રેન્ડને મળવા નીકળી છે, તો કોઈ એકાંત સ્થળે પોતાના મંગેતર કે મિત્ર સાથે બેઠી છે.
કોઈકને શિક્ષક બહેકાવે છે, તો કોઈકને કોલેજની બહાર ઊભેલા હેન્ડસમ-ગાડી ધરાવતા વિધર્મી યુવાનો, લવ
જેહાદના ચક્કરમાં ફસાવે છે… ટૂંકમાં, સવાલ એ છે કે જે દીકરીઓ પોતાના પરિવારમાં કોઈની સાથે અંગત વાત
નથી કરી શકતી, ઘેર પુરુષમિત્રને લઈને નથી આવી શકતી, જેના ઉપર ખૂબ દાબ-દબાણ, કડકાઈ અને સખ્તી
રાખવામાં આવે છે, જે દીકરીઓ પર મા-બાપ ‘ચાંપતી નજર’ રાખવાનો દાવો કરે છે એ જ દીકરીઓના પગલાં
ખોટી દિશામાં વહેલાં અને ઝડપથી ઉપડે છે.
આપણે ભારતીય સંસ્કૃતિના નામે ખરેખર આપણી દીકરીઓ સાથે શું કરી રહ્યા છીએ? ગુજરાતના
કોઈપણ રાજ્યના, કોઈપણ શહેરના અંધારા અને એકાંત ખૂણામાં બેઠેલા યુગલને જોઈને સૌથી પહેલો વિચાર શું
આવે છે? એમણે આવા એકાંત અને અંધારા ખૂણા શોધવા પડે છે કારણ કે, આપણે એમના મન-મગજ અને
શરીરને સમજવા જ તૈયાર નથી. ટીનએજમાં પ્રવેશતાં-પ્યૂબર્ટીમાં આવતા છોકરા-છોકરીઓને એકમેકનું આકર્ષણ
થાય એ અત્યંત સહજ અને સ્વાભાવિક બાબત છે. આવું આકર્ષણ કે વયસહજ વર્તન જો માતા-પિતા અને
પરિવારના લોકો સમજી શકે, સ્વીકારી શકે તો કદાચ અંધારા ખૂણા શોધતું આજનું યુવાધન આવા કિસ્સાઓનો
ભોગ ન બને. મુખ્ય મુદ્દો એ છે કે, આપણા ઘરોમાં, ખાસ કરીને ગુજરાતી ઘરોમાં કેટલીક બાબતો વિશેની ચર્ચાને
ટેબૂની નજરે જોવામાં આવે છે. મોટી થઈ ગયેલી દીકરી પિતાની સામે સહજ નથી રહી શકતી, તો યુવાન
દીકરાને ભેટતાં કે વહાલ કરતાં મા, અચકાય છે… આ કેવી નવાઈની વાત છે કે, જેને આપણે આપણા હાથમાં
રમાડ્યા, ખોળામાં બેસાડ્યા એ અચાનક જ દીકરા કે દીકરીમાંથી સ્ત્રી અને પુરુષ બની જાય છે. આ આપણી
રૂઢિચુસ્ત-જડ માનસિકતા છે. બદલાતા સમય સાથે, ટેકનોલોજી અને એક્સ્પોઝર વધ્યું છે. ગઈકાલ સુધી આઠ
વર્ષની છોકરી પોતાના શરીર વિશે સભાન નહોતી, આજે ટીનએજ 13થી નહીં, 8 કે 10 વર્ષથી જ શરૂ થઈ જાય
છે. શારીરિક વિકાસની ઉંમર પણ આજથી એક દાયકા પહેલાં જે હતી એના કરતાં વહેલી જ શરૂ થઈ જાય છે
ત્યારે જો ઘરમાંથી જ માતા-પિતા, ભાઈ-બહેન દીકરીને કે દીકરાને એના વિકાસ અને માનસિક પરિવર્તનો વિશે
સભાન કરે-સહજ કરી નાખે તો કદાચ પોતાના મનની વાત કહેવા માટે આ છોકરાંઓએ બહાર કોઈને શોધવા ન
પડે!
ફિલ્મો, અર્ધનગ્ન પોસ્ટર્સ, ઓટીટી ઉપર દેખાડવામાં આવતા ઉશ્કેરણીજનક દ્રશ્યો અને સહજતાથી
મળી જતી ડાર્ક વેબનું એક્સેસ, પોર્ન અને ફોન સેક્સની વધતી જતી માત્રાએ યુવા માનસિકતા ઉપર ઊંડી અસર
કરી છે. 13-14 વર્ષનો દીકરો પોર્ન જોતો પકડાય કે 14-15 વર્ષની દીકરી કોઈની સાથે ફોન પર ચેટ કરતી
પકડાય ત્યારે માતા-પિતા એની સાથે ‘વાત’ કરવાને બદલે આક્ષેપો, પ્રહાર અને સજા કરે છે… એકાદ બાળક સાથે
આવું થાય એટલે બાકીના કેટલાંય ડરી જાય છે. આપણે માતા-પિતા તરીકે જો ઈચ્છતા હોઈએ કે આપણું બાળક
આપણામાં વિશ્વાસ કરે, આપણી સાથે સત્ય બોલે તો આપણામાં એ ‘સત્ય’ પચાવવાની ક્ષમતા કેળવવી પડશે.
આજે 45-50ના માતા-પિતા જો એવી અપેક્ષા રાખતા હોય કે ‘એ’ જેવું જીવ્યા, એમણે એમના માતા-
પિતા સાથે જે વર્તન કર્યું એવું આજ્ઞાંકિત વર્તન એમના સંતાનો કરશે, તો એમની અપેક્ષા ક્યારેય પૂરી નહીં થાય.
ત્યારે સેલફોન નહોતા, ઈન્ટરનેટ નહોતું, એકથી વધુ ભાઈ-બહેનો હતા, એટલે ઘરમાં જ મિત્રો પણ મળી રહેતા.
સંયુક્ત પરિવારમાં નાના-મોટા કઝીન્સને કારણે મનની વાત કહેવા માટે બહાર કોઈને શોધવા પડતા નહીં… હવે,
સિંગલ ચાઈલ્ડનો પરિવાર અને વ્યસ્ત માતા-પિતા! મોંઘી વસ્તુઓ અને ઉચ્ચ શિક્ષણ તો આપે છે, સમય કે
સમજણ આપી શકતા નથી.
પોલીસ એનું કામ કરશે અને આરોપીઓને પકડશે… પરંતુ, આવા કિસ્સા ન બને એ માટે ઘરમાં હૂંફ
અને માતા-પિતાની સમજણ, સંતાનમાં આવી રહેલા બદલાવનો સ્વીકાર પણ એટલો જ જરૂરી છે.