‘સોરી!’ કહેવાથી બધું પતી જાય?

છેલ્લા થોડા સમયથી જો આપણે નોંધ્યું હોય તો સમજાય કે, આપણી
આસપાસના જગતમાં અહંકાર માની ન શકાય એ હદે વધી રહ્યો છે. જીવનમાં કશું ન
મેળવ્યું હોય-કંઈ અચિવ ન કર્યું હોય એવા લોકો પણ પોતાના ‘ઈગો’ને પંપાળ્યા કરે
છે. સાવ સામાન્ય, ઓફિસ બોયથી શરૂ કરીને કુરિયર આપવા આવેલી વ્યક્તિ
સુધીની કોઈપણ વ્યક્તિને જો કદાચ, કંઈક ટોકવા, કે કહેવાની પરિસ્થિતિ ઊભી થાય
તો તરત જ સામેની વ્યક્તિ એ વિશે તોછડાઈથી રિએક્ટ થઈ જાય છે. ‘માફી
માગવી’ એ આઉટડેટેડ અને ઓલ્ડ ફેશન થઈ ગયું છે. એમાં વળી, ‘પુષ્પા’ અને
‘કબીર સિંઘ’ જેવી ફિલ્મો રિલીઝ થાય છે જે, નવી પેઢીને ‘ઝુકેગા નહીં, સાલા!’ જેવા
ડાયલોગ શીખવાડે છે… કાચી ઉંમરે આવી ભાષા સાંભળતી આખી પેઢી જાણતી નથી
કે અલ્લુ અર્જુન પોતાના વાસ્તવિક જીવનમાં કેટલા નમ્ર અને સજ્જન માણસ છે!

આજથી પાંચ દાયકા પહેલાં ‘એન્ગ્રી યંગ મેન’ની ઈમેજ ઊભી કરનાર
અમિતાભ બચ્ચને ‘દિવાર’ નામની ફિલ્મમાં કહ્યું હતું, ‘મૈં ફેકે હુએ પૈસે નહીં
ઊઠાતા…’ અથવા ‘કાલિયા’ નામની ફિલ્મમાં કહ્યું હતું, ‘હમ જહાં ખડે હોતે હૈ લાઈન
વહી સે શુરૂ હોતી હૈ…’ પરંતુ, એમના વાસ્તવિક જીવનમાં આ મહાનાયક કેટલા નમ્ર
છે એના અનેક દાખલા કેટલાય લોકોના મોઢે આપણે સાંભળી ચૂક્યા છીએ. રસપ્રદ
બાબત એ છે કે, રતન તાતા, સચિન તેંડુલકર કે અમિતાભ બચ્ચન જેવા લોકોની
નમ્રતાના કિસ્સા વિશે આપણે ગદગદ થઈને ચર્ચા કરીએ છીએ, પરંતુ જ્યારે પોતે
વર્તન કરવાનું આવે ત્યારે આપણો ઈગો, આપણો અહંકાર આપણી ઉપર સવાર થઈ
જાય છે. એથી વધુ રસપ્રદ બાબત એ છે કે, બોલી નાખ્યા પછી, વર્તી નાખ્યા પછી,
સામેની વ્યક્તિને અપમાનિત કરી નાખ્યા પછી આપણે સહજતાથી ‘સોરી!’ કહી
દઈએ છીએ. એ વખતે આપણી અપેક્ષા એવી હોય છે કે, આ ‘સોરી’ નામનો શબ્દ
થોડીવાર પહેલાં બનેલી આખી ઘટનાને લૂંછી-સાફ કરીને સામેની વ્યક્તિને આપણને
માફ કરવા માટે મજબૂર કરી દે.

આખી વાતનો આધાર સામેના માણસની સમજદારી અને સહનશીલતા ઉપર
છે, કારણ કે દરેક વ્યક્તિ, દરેક વખતે, દરેકને, દરેક વર્તન માટે માફ કરી શકતી
નથી… માફી એ બહુ મોટું દાન છે, તેમ છતાં ‘સોરી’ કહીને ફરી-ફરી એ જ પ્રકારનું
વર્તન કરનાર વ્યક્તિને કેટલીવાર, અને શા માટે સતત માફ કરવું જોઈએ એવો પ્રશ્ન
જો કોઈ પૂછે તો એ ખોટા નથી. કહેવાય છે કે, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત એવી બે
જુદી પ્રક્રિયાઓ છે. આપણા કોઈ વર્તન માટે પ્રાયશ્ચિત કરવું, એનો અર્થ એ થયો કે
આપણને વર્તન અંગે પસ્તાવો થયો છે-આપણે એ વર્તનથી જેને અસર થઈ છે એને
મનદુઃખ ઓછું થાય એવો પ્રયાસ કરી શકીએ, માફી માગી શકીએ… પરંતુ,
પશ્ચાતાપનો અર્થ એ છે કે, આપણે ફરી એવું વર્તન ન કરીએ. કાળજી રાખીએ અને
આપણા વ્યક્તિત્વમાં જે કંઈ ખોટું-અણગમતું છે એને સુધારવાનો પ્રયાસ કરીએ.

આજના સમયમાં મોટાભાગના લોકો ‘પ્રાયશ્ચિત’ કરી લે છે, પરંતુ ‘પશ્ચાતાપ’
ભાગ્યે જ કોઈને થાય છે કારણ કે, મોટાભાગના લોકો પોતાના વર્તન માટેનું કારણ
શોધી કાઢે છે. સામાન્ય રીતે એ કારણ, ‘સામેની વ્યક્તિનું વર્તન અથવા વ્યવહાર’
હોય છે જેથી પોતે જે કંઈ કર્યું એ માટે સામેનાને જવાબદાર ઠેરવીને
અપરાધભાવમાંથી બચી જવાનું એક સરસ મિકેનિઝમ ગોઠવી શકાય.

આ નમ્રતા-માફી માગવાની વૃત્તિ કે સ્વયંને બદલવાની વૃત્તિ સમાજમાં સારી
રીતે જીવવા માટે જરૂરી છે. આપણે ઘણા બધા લોકોને એવું કહેતાં સાંભળ્યા છે, ‘અમે
તો ભઈ, આવા જ છીએ!’ પરંતુ, એ જ લોકો બીજાને ‘એવા જ’ સ્વીકારી શકતા નથી!
નાનું બાળક જ્યારે કશું ખોટું કરે, વડીલ કે એના મિત્ર સાથે ખરાબ વર્તન કરે ત્યારે
માતા-પિતાએ માફી માગતા શીખવવું જોઈએ. ખરાબ વર્તન પછી ‘પોતાના વર્તનને
સાચું ઠેરવવાનો પ્રયાસ’ અહંકારને પુષ્ટિ આપવાની એક એવી રમત છે જે ક્યારેય
પૂરી થતી નથી. જો ભૂલ જ નહીં સ્વીકારીએ તો ભૂલ સ્વીકારવાનો અવકાશ બાકી જ
નહીં રહે અને જો ભૂલ નથી જ સુધારવી એવું નક્કી છે તો એના પરિણામ
ભોગવવાની તૈયારી રાખવી જ પડે-એ વાત મોટાભાગના લોકોને બહુ મોડી સમજાતી
હોય છે અને ત્યારે પ્રાયશ્ચિત કે પશ્ચાતાપને બદલે ફક્ત પસ્તાવો જ રહે છે.

સામાન્ય રીતે મોટાભાગના લોકો ‘સોરી’ કહ્યા પછી, પણ એવું માને જ છે કે
એમણે જે કર્યું તે બરાબર જ હતું. આ તો ફક્ત વાત પતે એટલા ખાતર એમણે
‘સોરી’ કહી દીધું, કારણ કે ‘સોરી’ કહી દીધા પછી પણ આવા લોકો પોતાના
ગેરવર્તન, ખરાબ વ્યવહાર કે વાણીને વ્યાજબી ઠેરવવા માટે દલીલ કર્યા જ કરે છે.
એમને ‘સોરી’ ફીલ નથી થયું, દિલગીરી કે અફસોસ થયા નથી-એમણે માત્ર શબ્દોમાં
કહી દીધા છે જેનાથી વાત પતી જાય! આ કેટલી દુઃખદ બાબત છે, કે આપણે એક
ક્ષણમાં ભૂલ સ્વીકારવાને બદલે ભૂલને સાચી ઠેરવવા માટે કલાકો દલીલ કરી શકીએ
છીએ… આપણે વ્યક્તિ તરીકે વિચારીએ તો સમજાય કે, સામેની વ્યક્તિ જો આપણા
વર્તનને કંટ્રોલ કરી શકતી હોય-તો, અર્થ એ થયો કે આપણે ફક્ત રિએક્ટ કરીએ
છીએ-પ્રતિભાવ આપીએ છીએ. અર્થ એવો પણ થાય, કે આપણે પોતાની બુધ્ધિ,
સંસ્કાર કે સમજદારીથી નથી વર્તતા, બલ્કે સામેની વ્યક્તિના વ્યવહારની કઠપૂતળી
બની ચૂક્યા છીએ, એટલે એ વ્યક્તિના વર્તન કે વ્યવહાર પર આપણું વર્તન કે
વ્યવહાર આધારિત થઈ ગયા છે! જો આ સમજાઈ જાય, તો ચોક્કસ એટલું સમજાશે
કે આપણો ઈગો-અહંકાર આપણને સાચું વિચારવા કે વર્તવા દેતો નથી. એ પણ
સમજાશે, કે વર્તી નાખ્યા પછી દરેક વખતે ‘માફી’ માગવા કે મેળવવાનો અધિકાર
મળે જ, એવું નક્કી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *