21મી એપ્રિલે અભિનેતા અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેન્ઝ અને હિતેચ્છુઓની
માફી માગી. એમણે લખ્યું કે, ‘આજ પહેલાં મેં કોઈ દિવસ તમાકુ કે શરાબનો પ્રચાર કર્યો નથી. આજ
પછી પણ નહીં કરું, પરંતુ વિમલ ઈલાયચીની જાહેરખબર જોઈને આપ સૌની પ્રતિક્રિયાએ મને
જાગૃત કર્યો છે. કાયદેસરનો કોન્ટ્રાક્ટ હોવાને કારણે જાહેરાત એના નિશ્ચિત સમય સુધી ચાલશે, પરંતુ
એ પછી હું ક્યારેય એવી કોઈ પ્રોડક્ટની જાહેરાતમાં નહીં દેખાઉં એવું આપ સૌને મારા તરફથી વચન
આપું છું.’ અક્ષય કુમારના આ સ્ટેટમેન્ટથી ઘણા અભિનેતાની આંખો ખૂલી હશે, કદાચ! ફિલ્મસ્ટાર્સ
આપણા દેશમાં લગભગ ભગવાનની જેમ પૂજાય છે. એની નાનામાં નાની વાતથી પ્રભાવિત થનારા
લોકોની આ દેશમાં ખોટ નથી. ત્યારે એક અભિનેતા શું કરે છે અને શું કહે છે એની અસર યુવા પેઢી
પર પડે એ સ્વાભાવિક છે.
ઈલાયચીની જાહેરાતમાં દેખાવું એ ખોટું નથી, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે, સોડા,
ઈલાયચી કે પાણીની જાહેરાતના નામે શરાબ કે તમાકુની જાહેરાત કરવામાં આવે છે. આવી જાહેરાતને
સેરોગેટ એડવર્ટાઈઝિંગ કહેવાય છે. સેમ કંપની અને પ્રોડક્ટનું નામ જોતાં જ આપણને માત્ર સોડા કે
પાણી નહીં, બલ્કે શરાબ અને તમાકુ પણ યાદ આવે એ સ્વાભાવિક છે… આવી રીતે કરવામાં આવતી
જાહેરાત દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ઘણા અભિનેતાએ પહેલાં પણ કર્યું છે… કોઈએ માફી
નથી માગી કે કોઈને કદાચ એ વિશે આવી સમજણ કે અફસોસ પણ નહીં જન્મ્યા હોય! અક્ષય
કુમારની આ માફીને કેટલાક લોકોએ ‘પબ્લિસિટી સ્ટંટ’ કહ્યો, પરંતુ ખરેખર સમજવાની જરૂરિયાત
એ છે કે, એક અભિનેતા અથવા સ્ટાર જ્યારે પોતાના અપરાઈટ હોવાનો દાખલો પૂરો પાડે છે ત્યારે
એની અસર સમાજના અનેક લોકો પર થાય છે. સિગરેટ છોડવી અને પત્નીને સેનેટરી પેડ્સ વાપરવા
પ્રોત્સાહિત કરવાની જાહેરાત હોય કે ‘ટોઈલેટ એક પ્રેમકથા’ જેવી ફિલ્મ, અક્ષય કુમારે પોતાના
સ્ટારડમનો ઉપયોગ લોકજાગૃતિ માટે કર્યો છે એ વાતને નકારી શકાય એમ નથી.
ગુજરાતના પ્રવાસન માટે અમિતાભ બચ્ચનને બોલાવીને જાહેરાતો તૈયાર કરવામાં આવી
ત્યારે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. ગુજરાતના જ કોઈ સ્ટારને લેવા જોઈએ એવી એમની
માન્યતાને ગણકાર્યા વગર ‘ગુજરાત નહીં દેખા તો ક્યા દેખા’ જેવી એક લાઈન કહીને અમિતાભ
બચ્ચને ગુજરાતના પ્રવાસનમાં 400 ટકા જેટલો વધારો કરી આપ્યો. ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા
કાર્યક્રમમાં ખટપટ કરીને બચ્ચન સાહેબને કઢાવ્યા પછી પણ શાહરુખ ખાન કશું ઉકાળી શક્યો નહીં
જ્યારે ‘સત્યમેવ જયતે’ જેવા કાર્યક્રમ દ્વારા આમીર ખાને પોતાની એક આગવી પ્રતિભા ઊભી કરી.
લોકહૃદયમાં ચાહના મેળવવી સરળ નથી, પરંતુ એ મેળવ્યા પછી એનો સાચો ઉપયોગ કરવો એથીએ
વધુ અઘરો છે.
અમિતાભ બચ્ચન જેવા અભિનેતાએ પણ પોલિયો, વિદ્યા બાલને ઘરેલું હિંસા અને મોર્ડન
હોવાના ખોટા ખ્યાલ સામેની જાહેરાતમાં, આમીર ખાને પણ ઐતિહાસિક સ્મારકો ઉપર ગંદકી ન
કરવા અને વિદેશી પ્રવાસીઓના આતિથ્ય વિશેની જાહેરાતમાં પોતાના સ્ટારડમનો ઉપયોગ કર્યો હતો.
આજના આ બધા અભિનેતાની સામે જો થોડાક વર્ષો પાછળ જઈએ તો એક અભિનેતાને
આદરપૂર્વક યાદ કરવા પડે જેને એની દેશભક્તિપૂર્ણ ફિલ્મો અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર બદલ
‘મિસ્ટર ભારત’નું બિરુદ મળ્યું હતું. એ સમયે આવો વિચાર ભાગ્યે જ કોઈને આવ્યો હતો, પરંતુ
મનોજકુમારે ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘ઉપકાર’, ‘રોટી કપડા ઔર મકાન’ અને ‘ક્રાંતિ’ જેવી ફિલ્મો
દ્વારા સામાજિક જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. 60ના દાયકાના
અંતથી શરૂ કરીને 80ના દાયકા સુધી જ્યારે ભારતીય સંસ્કૃતિ હિપ્પી કલ્ચર અને વિદેશી સંસ્કૃતિ
પાછળ ઢસડાઈ રહી હતી ત્યારે આવી ફિલ્મોએ ઘણા યુવાનોની આંખો ખોલવાનું કામ કર્યું હતું.
24મી જુલાઈ, મનોજકુમારનો જન્મદિવસ છે. આ લખાય છે ત્યારે એ 84 વર્ષના થશે.
પદ્મશ્રી, દાદાસાહેબ ફાળકે સહિત અનેક ફિલ્મફેર એવોર્ડના વિજેતા મનોજકુમાર ગોસ્વામીનું મૂળ
નામ હરિકિશન ગોસ્વામી છે. 1965માં એમની ફિલ્મ ‘શહીદ’ રજૂ થઈ ત્યારે પ્રધાનમંત્રી
લાલબહાદુર શાસ્ત્રીએ એમના ‘જય જવાન જય કિસાન’ના નારા ઉપર આધારિત એક ફિલ્મ
બનાવવાની મનોજકુમારને અપીલ કરી. એ વિચાર સાથે મનોજકુમારે પહેલું દિગ્દર્શન કર્યું, ‘ઉપકાર’
એક સફળ ફિલ્મ પૂરવાર થઈ. કહેવામાં આવે છે કે, એ ફિલ્મમાં પૈસા રોકવા માટે લાલબહાદુર
શાસ્ત્રીએ અવગત રીતે ભારતના એક મોટા ઉદ્યોગપતિને વિનંતી કરી હતી, એટલું જ નહીં એ ફિલ્મ
પ્રધાનમંત્રીએ જાતે નિહાળી હતી. અભિનેતાઓનો રાજકીય ઉપયોગ કરવાની રીત કંઈ આજકાલની
નથી. ચૂંટણી પ્રચાર માટે અભિનેતાઓને મંચ પર બોલાવવાનું કામ તો છેક જવાહરલાલ નહેરુના
સમયથી ચાલી રહ્યું છે, પરંતુ લાલબહાદુર શાસ્ત્રી અને નરેન્દ્ર મોદી જેવા કોઈક જ રાજનેતાને એવું
સમજાય છે કે, અભિનેતાનો રાજકીય ઉપયોગ માત્ર વોટ માગવા માટે નહીં, બલ્કે જનસામાન્ય ઉપર
સાચી અને સારી વાતનો પ્રભાવ પાડવા માટે પણ કરી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ
કરવા માટે અક્ષય કુમારને પસંદ કરવામાં આવ્યા ત્યારથી અક્ષય કુમારને પણ રાજકીય મદદ મળતી
હોવાનો આક્ષેપ વારંવાર સાંભળવા મળે છે, પરંતુ એમાં ખોટું શું છે? કોઈ એક વ્યક્તિએ પોતાના
આપબળે મહેનત કરીને લોકહૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હોય અને લોકો એની વાત માનતા કે
સાંભળતા હોય તો એમના એ પ્રભાવનો ઉપયોગ માત્ર વોટ મેળવવાને બદલે સાચી અને સારી રીતે
થવો જ જોઈએ.
શાહરુખ ખાનનો દીકરો કે શક્તિ કપૂરનો દીકરો, ફરદીન ખાન કે રિયા ચક્રવર્તી જેવા લોકો
પોતાના સ્ટાર હોવાનો કે પારિવારિક સ્ટારડમનો ઉપયોગ કરીને ખોટી પ્રવૃત્તિઓમાં સંડોવાય એના
કરતાં રાજકીય મદદ કરીને લોકોનું ભલું કરવામાં કંઈ જ ખોટું નથી. એથી આગળ વધીને વિમલ
ઈલાયચીની જાહેરખબરમાં રજૂ થયા પછી એ જાહેરખબર તમાકુની યાદ અપાવે છે એવું સમજાતાં જ
માફી માગવાની હિંમત દેખાડીને અક્ષય કુમારે પોતાના સાચા ઈરાદાનો પૂરાવો આપ્યો છે.
મનોજકુમાર કે અક્ષય કુમાર જેવા અભિનેતાઓ સાચા અર્થમાં આપણા દેશમાં ‘સ્ટાર’ કહેવાવા
જોઈએ.
માત્ર વસ્ત્રો કે બ્રાન્ડ્સ દેખાડીને લોકોને પ્રભાવિત કરનારા, મોટી મોટી વાતો કરનારા કે
પાર્ટીમાં છવાઈ જતાં પોતાની સ્ટાઈલ કે સેન્સ ઓફ હ્યુમરનો ઉપયોગ કરીને ઈન્ટરવ્યૂમાં ચબરાખી
બતાવતા લોકો અભિનેતા હશે, પણ હીરો નથી! હીરોનો અર્થ એ છે કે, એની પાસે કશુંક એવું હોય
જેનાથી જનસામાન્યને એને અનુસરવાનું મન થાય અથવા સામાન્ય માણસ કે યુવા પેઢી આવા કોઈ
વ્યક્તિને અનુસરે તો એ ખોટા નહીં, સાચા રસ્તે જાય.