સ્ટાર્ટઅપઃ ગેટ સ્ટાર્ટેડ… ઈટ વર્કસ !

કોરોનાની બીજી લહેર પૂરી થઈ ગઈ છે અને નવા નવા વાયરસની ખબરો આપણા સુધી પહોંચી
રહી છે ત્યારે લગભગ દરેક વ્યક્તિ આર્થિક રીતે નાની, મોટી સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુ
ઓનલાઈન શોપિંગમાં ન માની શકાય એ ઝડપે વધારો થઈ રહ્યો છે. શાકભાજીથી શરૂ કરીને મેક-અપનો
સામાન, ફર્નિચર અને રેસ્ટોરન્ટના પ્રમાણમાં ભોજનની પણ હોમ ડિલીવરી વધી રહી છે. કોરોનાએ
લોકડાઉન પછી સામાન્ય માણસને પ્રમાણમાં થોડો આળસુ અને થોડો ભયભીત કરી નાખ્યો છે. જ્યાં
સુધી ‘ઓનલાઈન’ કામ પતતું હોય ત્યાં સુધી હવે ફિઝીકલી (જાતે) જઈને કોઈપણ કામ કરવાની જરૂર
નવી પેઢીને લાગતી નથી !

બોડી મસાજ કે પાર્લરની ટ્રીટમેન્ટ, હેર કટ કે ઘર અને બાથરૂમની સફાઈ, ઈલેક્ટ્રોનિક
ઈક્વિપમેન્ટનું રિપેરિંગ કે રોજિંદી નાનામાં નાની જરૂરિયાત… હવે ઓનલાઈન પૂરી થાય છે. એક
જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોંચાડવાની લોકલ સર્વિસ પણ હવે શરૂ થઈ છે, એટલે કોઈને કઈ
મોકલવું હોય તો જાતે જવાની જરૂર હવે રહી નથી. દુકાન, એરકન્ડીશન્સ, સ્ટાફ, સાફસફાઈ કે બીજા
કોઈપણ પ્રકારના સ્થાવર ઈન્વેસ્ટમેન્ટ વગર વ્યવસાય કરવાનો એક નવો જ રસપ્રદ કોન્સેપ્ટ નવી પેઢીએ
શોધી કાઢ્યો છે, જેને ‘સ્ટાર્ટઅપ’ કહેવાય છે.

એક તરફથી દેશના અર્થતંત્ર વિશે ફરિયાદો સાંભળવા મળે છે. જીડીપીના આંકડા કઈ જુદું જ કરે
છે, તો બીજી તરફ આપણે એવા કેટલાય સ્ટાર્ટઅપના નામ લઈ શકીએ જેમણે કરોડોનો નફો કર્યો છે અને
પાંચથી સાત વર્ષ સુધીમાં 40 થી 45 ટકાનો ગ્રોથ બતાવ્યો છે. પેટીએમ, ઓયો, નાયકા, ઝોમેટો,
સ્વિગી, ઓલા, બિગ બાસ્કેટ, લેન્સકાર્ટથી શરૂ કરીને ક્રેડ, ઉડાન, અનએકેડેમી, રેઝરપે જેવાં કેટલાં બધાં
સ્ટાર્ટઅપ છે જે શરૂ થયા પછી એમણે પાછું વળીને જોયું નથી. આમાંના કેટલાક સ્ટાર્ટઅપ ભારતીય
નથી, પરંતુ ભારતમાં જેણે એની ફ્રેન્ચાઈઝ લીધી છે એમને પણ કરોડોનો નફો થયો છે. બીજી તરફ,
ઓનલાઈન ખરીદાતી વસ્તુઓનો હિસાબ અને જીએસટી છુપાવી શકાય એમ નથી. કેશમાં ખરીદવામાં
આવે તો પણ, એ વસ્તુ કે સર્વિસનો હિસાબ તો સરકારી ચોપડે નોંધાયા વગર રહેતો નથી. દુકાનમાંથી
રોકડા રૂપિયા આપીને ખરીદવામાં આવેલી વસ્તુનું બિલ નહીં લઈને કાળા ધનને એડજેસ્ટ કરવાનું
મનીલોન્ડરિંગ થઈ શકે, પરંતુ જ્યારે ઓનલાઈન શોપિંગ કરવામાં આવે છે ત્યારે પૈસાનું ટ્રાન્ઝેક્શન
પારદર્શક બની જાય છે… એટલે કદાચ સરકાર પણ આ પ્રકારના સ્ટાર્ટઅપને મદદ કરવાનું વધુ પસંદ કરે
છે.

એક સર્વે પ્રમાણે ભારતમાં વિશ્વના કોઈપણ દેશ કરતાં વધુ યુવા વસતિ છે. બેરોજગારી અને
આર્થિક મંદીના આ માહોલમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવાને બદલે સ્ટાર્ટઅપનો વિચાર વધુ રોજગારીની તકો
ઊભી કરશે અને પરિણામે વધુ આર્થિક વિકાસ જોવા મળશે. ભારતમાં મોટા પ્રમાણમાં વેન્ચર
કેપિટાલિસ્ટ છે, એમની ઉંમર 45થી 65ની વચ્ચે છે. એ જાતે આવો કોઈ સ્ટાર્ટઅપ ઊભો કરી શકે એમ
નથી કારણ કે, ટેકનોલોજી અને નવા વિચારો એમને માટે અઘરા છે, પરંતુ એમને ઈન્વેસ્ટ કરવામાં રસ
છે. સરકારે પણ આ નવા સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટર બનવાની હિંમત દેખાડી છે. આ દેશની
યુનિવર્સિટીઝને પાર્ટનર બનાવીને ભારત સરકારે આવા અનેક સ્ટાર્ટઅપનું ફંડિગ શરૂ કર્યું છે. સબસિડી
અને ત્રણ વર્ષ માટેની ટેક્સ હોલીડે સાથે રિસર્ચ અને ડેવલપમેન્ટની સગવડ પોતાના ઈન્વેસ્ટર પસંદ
કરવાની તક તો ખરી જ, પણ સાથે સાથે 90 દિવસમાં જો સ્ટાર્ટઅપ પોતાની રીતે ન ગોઠવી શકાય તો
એમાંથી નીકળી જવાનો અધિકાર પણ હવે ભારત સરકાર આપે છે.

કેટલાય યુવા હવે પારિવારિક વ્યવસાયમાં ન જોડાવાનું પસંદ કરે છે અથવા એ વ્યવસાયને જુદી
રીતે (સ્ટાર્ટઅપ) તરીકે નવા સ્વરૂપે બજારમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. વ્યવસાયનું વિસ્તરણ
(એક્સપાન્શન) પહેલા જુદી જુદી જગ્યાએ ઓફિસ ખોલીને કે પછી એકથી વધુ વ્યવસાય (વર્ટિકલ)
ઊભા કરીને કરવામાં આવતું હતું. હવે એક આખી પેઢી પોતાના પારિવારિક વ્યવસાયને ઓનલાઈન
જોડીને વેચાણ અને બીજા વ્યવસાયિક વેન્ડર્સ સાથે સંપર્ક સાધવાની એક નવી જ દિશા ઉઘાડી રહી છે.
એક બીજો રસપ્રદ મુદ્દો એ છે કે, જે સ્ટાર્ટઅપ ગોઠવાઈ ગયા છે અને એમને પોતાનો વ્યવસાય વધારવો
છે એ લોકો આવા નવા યુવા સાહસિકોને પોતાની સાથે જોડી રહ્યા છે. ફર્નિચર કે ગ્રોસરી, તૈયાર ભોજન
કે બેકરી જેવા અનેક ઉત્પાદનોને ‘ક્યાં વેચવા ?’ એવો સવાલ હવે ઓછો નડે છે ! નાના દુકાનદારો અને
વ્યાવસાયિકોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાની એક ઉજ્જવળ તક સ્ટાર્ટઅપે આપી છે.

ઘણા લોકો જાણતા નથી એટલે એમને આ આર્થિક વ્યવસ્થા સમજાતી નથી… શોરૂમમાંથી
સામાન મોંઘો પડે અને ઓનલાઈન ખરીદો તો સસ્તો પડે એટલે એ સામાન ખરાબ, બનાવટી કે તકલાદી
હોવો જરૂરી નથી (જોકે, છેતરપિંડીના બનાવો પણ જોવા મળે છે). આ સામાન એટલા માટે સસ્તો પડે
છે કારણ કે, ઓવરહેડ્સ (વધારાનો ખર્ચ) અહીં બાદ થઈ જાય છે. સાવ સરળતાથી પાછો આપી શકાય,
પૈસા પાછા આપણા ખાતામાં જમા થઈ જાય અને એક નાનકડી ફરિયાદ વિશે પણ કસ્ટમરકેર વિભાગ
પૂરી સભાનતાથી મદદરૂપ થાય આવું બધું દુકાનમાં કદાચ શક્ય નથી હોતું !

જાપાનમાં ‘મની ટાઈગર્સ’ નામનો એક શો 2001માં શરૂ કરવામાં આવ્યો. પાંચ ઈન્વેસ્ટર્સની
સામે પોતાના વ્યવસાયિક સાહસને રજૂ કરવાની તક યુવા આંતરપ્રેન્યોર્સને મળી રહે, બીજા યુવા એનાથી
પ્રેરણા લે એ વિચાર સાથે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. 2009ના ઓગસ્ટમાં આ શો અમેરિકન
ટેલિવિઝન પર શરૂ થયો. જેનું નામ ‘ડ્રેગોન્સ ડેન’ હતું. પ્રાઈમ ટાઈમ એમી એવોર્ડ્સમાં આઉટસ્ટેન્ડિંગ
સ્ટ્રકચર્ડ રિયાલિટી પ્રોગ્રામ તરીકે આ કાર્યક્રમે અનેક એવોર્ડ્સ જીત્યા. 2019માં એબીસી ટેલિવિઝને ફરી
એકવાર એ જ કાર્યક્રમને જરા જુદા સ્વરૂપે ‘શાર્ક ટેન્ક’ના નામે રજૂ કર્યો. એ પછી ઓસ્ટ્રેલિયા,
વિયેતનામ, મેક્સિકો, કોલંબિયા, નેપાળ, માલ્ટા અને ભારતમાં આ કાર્યક્રમ રજૂ થઈ રહ્યો છે.

વ્યવસાયિક સાહસ કરવા માગતી એક આખી પેઢી હવે ‘સ્ટાર્ટઅપ’ની દિશામાં વળી છે. ડિગ્રી,
સર્ટિફિકેટ કે શિક્ષણ હવે કદાચ એટલું મહત્વનું નથી રહ્યું કારણ કે, ડિગ્રીધારી બેરોજગારની સંખ્યા વધતી
જાય છે જ્યારે ઓછું ભણેલા પણ સાહસ કરવાની વૃતિ, વ્યવસાયની સમજણ અને નવા વિચારો
ધરાવતા યુવાનો દેશની આર્થિક સ્થિતિમાં ન માની શકાય એવો ઉમેરો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *