ભારત એક એવો દેશ છે જ્યાં એક સાથે અનેક માન્યતાઓ, ધર્મ, જ્ઞાતિ-જાતિ અને ભાષાઓ
તો વસે જ છે, પરંતુ અહીં એક સાથે અનેક કાલખંડ-અનેક સમય પણ વસે છે. મુંબઈ, બેંગ્લોર,
ચેન્નાઈ જેવા શહેરોમાં ભારત પશ્ચિમની બરાબરી કરે છે. કમાતી સ્ત્રીઓ, આધુનિક વેશભૂષા, લિવ
ઈન રિલેશનશિપ અને પબ, કલ્ચર સહિત અહીં એ બધું છે જે આપણને ભારતની બહાર જોવા મળે
છે. સ્ત્રીઓ પાસે કારકિર્દી છે. આ શહેરો સમય સાથે કદમ મિલાવીને ચાલે છે. બીજી તરફ, આ જ
શહેરોમાં અને બીજા નાના શહેરો કે ગામડાઓમાં એક એવો વર્ગ વસે છે જે આજે પણ પચાસ વર્ષ
જૂની માનસિકતા અને સ્ત્રીઓ પરત્વે એક કડક સંકુચિત વલણ ધરાવે છે. એમના પરિવારોમાં
દીકરીનો જન્મ બોજ છે, પત્ની કે પુત્રવધૂને કોઈ પ્રકારની છૂટછાટ મળતી નથી. આ પરિવારોમાં
સ્ત્રીઓએ ડરીને રહેવું પડે છે કારણ કે, એમના પુરુષો ‘માલિક’ છે, ‘ધણી’ છે, ‘નિર્ણય કરનાર’-
પરિવારના ‘બોસ’ છે.
આ દેશમાં બે સમયખંડ જીવે છે. એક, આધુનિક સ્ત્રી મુક્તિના પવનમાં ઉડતો વર્ગ છે જ્યાં,
દીકરીને બધી જ તકો ઉપલબ્ધ છે. પત્ની પાસે સ્વતંત્રતા છે અને પુત્રવધૂને પરિવારમાં સમાનતા મળે
છે. બીજો સમયખંડ સદીઓ પહેલાં સ્થિર થઈ ગયો છે. આજથી પાંચ દાયકા પહેલાં લોકો જે
માનતા અને વિચારતા હતા એમાં કોઈ ફેરફાર થયો નથી. ડોમેસ્ટિક વાયોલેન્સ, કન્યા વિક્રય સુધી
કેટલીક પરિસ્થિતિ આવા સમાજમાં હજી અસ્તિત્વ ધરાવે છે અને એ સમાજના પુરુષો તો ઠીક,
સ્ત્રીઓને પણ આ પરિસ્થિતિ સામે બહુ વિરોધ નથી, એ નવાઈની વાત છે!
સરકાર અને સમાજ બંને સ્ત્રી મુક્તિનું માર્કેટિંગ કરે છે. ભારતના શહેરોમાં સ્ત્રી પેન્ટ પહેરે
છે, સિગરેટ પીએ છે, નોકરી કરે છે, દીકરીને ભણાવવાની હિમાયત કરવામાં આવે છે. ભ્રૂણ હત્યા
સાથે જોરશોરથી ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ આ બધું ત્યાં સુધી જ પહોંચે છે જ્યાં સુધી
સમાજનો શિક્ષિત અથવા ઉપલો વર્ગ છે. મધ્યમ કે ગરીબ પરિવારો આ માર્કેટિંગમાં સપડાય છે એટલું
જ નહીં, એમની દીકરીઓ પોતાની સાથે ભણતી કે પોતાની આસપાસમાં રહેતી-જીવતી બીજી
સ્ત્રીઓને જોઈને ‘આધુનિક’ અથવા ‘મુક્ત’ બનવાનો પ્રયાસ કરે છે ત્યારે એમને જે સમસ્યાનો
સામનો કરવો પડે છે એ વિશે ક્યારેય વાત થતી નથી!
આ માત્ર પુરુષો દ્વારા ઊભો કરાયેલો કોઈ કિલ્લો નથી. આ કિલ્લાની રખેવાળ મોટેભાગે
સ્ત્રીઓ છે. પોતે બેડી પહેરીને પાંખ વગર જીવી એટલે હવે એની દીકરી, પુત્રવધૂ કે પરિવારની બીજી
સ્ત્રીઓ પણ એમ જ જીવે એવું માનતી આ સ્ત્રીઓની સંખ્યા બહુ મોટી છે. નવી પેઢીની દીકરી
કદાચ ભણવા માગતી હોય, આગળ વધવા માગતી હોય ત્યારે એને રોકવામાં માત્ર ભાઈ કે પિતા
નહીં, મા અથવા દાદી પણ એટલો જ મોટો ભાગ ભજવે છે. નોકરી કરવા માગતી પુત્રવધૂને માત્ર
સાસુ જ રોકે છે એવું નથી, પતિને પણ ‘બીવી કી કમાઈ’ ખાવામાં પોતાનું પુરુષત્વ નડી જાય છે.
વ્યવસાય કે નોકરી કરતી સ્ત્રી જ્યારે કોઈની સાથે હસે-બોલે ત્યારે એ ‘લફરાબાજ’ છે એવો આક્ષેપ
કરીને મારપીટ કરવી, કેટલાક ઘરોમાં પુરુષનો જન્મસિધ્ધ અધિકાર માનવામાં આવે છે. આવી
મારપીટ કે આક્ષેપનો વિરોધ ઘરની અન્ય સ્ત્રીઓ નથી કરતી, તો આપણે કઈ મુક્તિ અને સ્વતંત્રતાના
ભ્રમમાં છીએ?
2000 પછી જન્મેલી છોકરીઓનાં વર્ગમાં સ્ત્રી બદલાઈ છે, કદાચ… પરંતુ, એ બદલાવને
કેટલા લોકોએ સ્વીકાર્યો છે? આજે પણ ટૂંકા કપડા પહેરેલી, સિગરેટ કે શરાબ પીતી સ્ત્રી વિશે ‘ચાલુ’
કે ‘અવેલેબલ’ પ્રકારનું સ્ટીકર લગાડતાં પુરુષો તો ઠીક, બીજી સ્ત્રીઓ પણ અચકાતી નથી. કૌટુંબિક
પ્રસંગ હોય કે સામાજિક સમારંભોમાં સ્ત્રી-પુરુષો જુદા બેસે (પતિ-પત્ની હોય તો પણ), ત્યાંથી શરૂ
કરીને યુનિફોર્મ્ડ સર્વિસિસમાં પણ સ્ત્રી સાથે ‘જુદું’ વર્તન કરવામાં આવે છે એવી ફરિયાદ આપણે
સમયસમયાંતરે સાંભળતા રહીએ છીએ.
સિનેમા અને ટેલિવિઝનમાં સ્ત્રીને જે રીતે ચીતરવામાં આવે છે એ સમાજનું દર્પણ છે કે પછી
એ ચિત્રની સમાજ ઉપર અસર થાય છે, કોણ જાણે, પરંતુ ભારતીય ટેલિવિઝન હજી પણ એક જુદા
કાલખંડમાં, જુદા પ્રકારની સ્ત્રીની છબિ ચીતરતું રહ્યું છે. કોઈપણ અખબારની સ્ત્રીઓ માટેની ખાસ
પૂર્તિ ઉઠાવીને જોઈએ તો આપણને આજના સમયમાં ‘સ્ત્રી મુક્તિ’ની સાચી પરિસ્થિતિનો સીધો
ચિતાર મળે છે. આજે પણ સ્ત્રીઓ માટેની ખાસ પૂર્તિમાં ફેશન, રેસિપી, સંબંધો, બાળઉછેર અને
સેક્સના પ્રશ્નો જેવાં વિષયોને મહત્વ આપવામાં આવે છે. કારકિર્દીની એકાદ કોલમ કે કાયદાકીય
સમજણ, વ્યાપાર, ઈન્વેસ્ટમેન્ટ જેવી વાતો ‘સ્ત્રી માટેની પૂર્તિ’માં ન જ હોય, એ વાત સ્ત્રીઓએ
પણ સ્વીકારી લીધી છે!
‘કિટ્ટી’ આજની આધુનિક ઓટલા પરિષદ છે. અહીં વટાણા કે તુવેર નથી ફોલાતા, હાઉઝી
રમાય છે, પરંતુ ચર્ચા હજી એ જ છે. પુત્રવધૂની અણગમતી બાબતોની ચર્ચામાંથી હજી સ્ત્રી બહાર
નીકળી નથી. દાગીના, કપડા, મેક-અપ, રેસિપી અને ફિલ્મસ્ટાર્સના જીવનની ગોસિપ આજે પણ
આવી ‘પાર્ટી’ના વિષયોમાં ટોપ પર છે. વાંચતી-વિચારતી અને જીવન વિશે પોતાના વિચારો
નિર્ભિકપણે વ્યક્ત કરતી સ્ત્રીઓ કેટલી છે? સૌને એવી સ્ત્રીઓ ગમે છે, પરંતુ કોઈને એવી હિંમત
કરવી નથી કારણ કે, એવી હિંમત કરનારી સ્ત્રીઓનાં લગ્નજીવન કે સાંસારિક જીવન ‘ટકતાં નથી’
એવી માન્યતાઓ ફેલાવવાનું કામ પણ સ્ત્રી જ કરે છે!
સાચી સ્ત્રી મુક્તિ ત્યારે આવશે જ્યારે સ્ત્રી પોતાની સુંદરતાને બદલે પોતાની બુધ્ધિ ઉપર
ગૌરવ કરશે, ડોમેસ્ટિક વાયોલેન્સને તાબે થવાને બદલે હિંમતથી ઓછી, પરંતુ મહેનતની કમાણીમાંથી
જીવન જીવવાનો નિર્ણય કરશે. દીકરીને જેટલું ભણવું હોય અને જ્યારે પરણવું હોય એ બંને વાતની
છૂટ મળશે. પુત્રવધૂને નોકરી કે વ્યવસાય કરવાની સાથે જ્યારે મા બનવું હોય ત્યારે જાતે નિર્ણય કરીને
જીવવાનો અધિકાર મળશે… આવી તો અનેક વાતો છે, જે આપણે સૌએ સમજવાની છે કારણ કે,
પોસ્ટરમાં દેખાતી કે જાહેરાતોમાં આપણી સામે રજૂ કરવામાં આવતી સ્ત્રી મુક્તિ હજી ત્યાંથી આગળ
વધી જ નથી.