ગુજરાતની નવરાત્રિ આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે. જે ગુજરાતી ન હોય એને માટે પણ
નવરાત્રિનો તહેવાર હવે ‘ચણિયા ચોળી’, અને ટ્રેડિશનલ વસ્ત્રો સાથે નૃત્ય કરવાનો ઉત્સવ છે.
દેશ-વિદેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણા કલાકારો નવરાત્રિ ઉજવતા રહ્યા છે, પરંતુ ગયા વર્ષે
કોરોનાને કારણે નવરાત્રિ સાવ કોરી ગઈ એટલું જ નહીં, આપણા કલાકારો અને ટ્રેડિશનલ વસ્ત્રો
બનાવનાર અનેક લોકોની રોજી પર બહુ મોટો ફટકો પડ્યો. કોરોનાને કારણે ગયા વર્ષે ચણિયા
ચોળી, ટ્રેડિશનલ વસ્ત્રોની ખરીદી પણ એટલી ન થઈ. જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાય
કલાકારો અને કારીગરોને બે ટાઈમનું ભોજન પણ દુર્લભ બની ગયું હતું.
જે લોકો નવરાત્રિને માત્ર ઉત્સવ તરીકે જુએ છે એમને કલ્પના પણ નથી કે આ તહેવાર
આખા વર્ષ માટે અનેક પરિવારોનું પેટ ભરે છે. કોરોનાકાળમાં કચ્છના કારીગરો, હાથવણાટ અને
હાથભરતનું કામ કરનારા, કીડિયા-મોતી અને કથીરના દાગીના બનાવનાર અનેક કારીગરોને કામ
ન મળ્યું. કચ્છમાં વસતા, પોતાનો વ્યવસ્થિત વ્યવસાય ધરાવતા કેટલાય યુવાનોએ આવા
સમયમાં કચ્છના અંતરિયાળ ગામોના કારીગરોને કામ મળે એ માટે ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કર્યું.
નવાઈની વાત એ છે કે, એમની પાસે એમનું પોતાનું કામ છે જ. આ યુવાનો માટે કપડાં કે
દાગીના વેચવા એ એમનો વ્યવસાય નથી. અભણ છતાં હુન્નર ધરાવતા, મહેનતુ કારીગરોનું પેટ
ભરાય એ માટે શરૂ થયેલા અનેક ઓનલાઈન પ્લેટફોર્મમાંથી એક એટલે ‘સ્કીન સૂત્ર’. રિશીભાઈ
જોશી અને યોગિનભાઈ (જેમણે ‘રામલીલા’ અને ‘લગાન’ જેવી ફિલ્મો માટે ડિઝાઈનિંગ કર્યું છે)
એમણે સાથે મળીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું. શરૂઆતમાં બે-ચાર કારીગરો, વણકરો અને દરજીને
લઈને શરૂ કરેલું નવરાશના સમયનું કામ આજે પાંચસો પરિવારોનું પેટ ભરે છે. અનેક બહેનોને
રોજી આપે છે અને સાથે જ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’નો એક દાખલો પૂરો પાડે છે.
કચ્છમાં ખાસ ઊગતું કાલા કોટન કે ઊનનું હાથવણાટ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. કચ્છ
અને સૌરાષ્ટ્રની બહેનો નાનકડા ગામડાંમાં પોતાનું દિવસનું કામ પરવારીને કીડિયા મોતીનું સુંદર
કામ કરે છે. એમના હાથનું ભરતકામ સુઘડ અને એમણે પસંદ કરેલા રંગો આંખે ઊડીને વળગે
એવા હોય છે. આ બહેનો કોઈ ફેશન સ્કૂલમાં કશું શીખી નથી. તેમ છતાં, એમની પાસે એમની
સૂઝ અને હુન્નર છે. આ કારીગરો કે વણકરો, ક્યાંય રંગોની મેળવણી કે ડિઝાઈનિંગ શીખ્યા નથી.
અજરખ, કલમકારી કે મશરૂનું વણાટ આખા વિશ્વમાં પહોંચે છે, પરંતુ એ બનાવનારા કારીગરો
અભણ અને પછાત રહી જાય છે. આવા કારીગરોને કામ મળે, અને ભારતની કલા વિશ્વભરમાં
પહોંચે એ માટે કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાય યુવાનોએ અવનવા પ્લેટફોર્મ્સ શરૂ કર્યા છે.
આ બહુ રસપ્રદ બાબત છે… કે હવેનો યુવાવર્ગ માત્ર પૈસા કમાવામાં નહીં, બલ્કે પોતાના
વિસ્તારના કારીગરોને એમની મહેનતના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે જાગૃત થયો છે.
એમના મુખ્ય વ્યવસાયની સાથે સાથે કેટલાય યુવાનો ઓર્ગેનિક વસ્તુઓ, વસ્ત્રો, એક્સેસરીઝ
અને આયુર્વેદિક પ્રોડક્ટ્સને વિશ્વના પ્લેટફોર્મ પર મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘સ્કીન સૂત્ર’ની
જેમ જ જૂનાગઢના ‘ગીર વેદા’ની પ્રોડક્ટ્સ પણ એમના વિસ્તારના ખેડૂતોને અને ગૌ પાલકોને
મદદરૂપ થવાનો પાર્થ ધુલેશિયા નામના એક યુવા આંતરપ્રેન્યોરનો પ્રયાસ છે. અમેરિકા ભણીને
આવેલા પાર્થભાઈ પિતાનો બિલ્ડરનો વ્યવસાય હોવા છતાં આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો પ્રયાસ
કરી રહ્યા છે. અમદાવાદના એક બીજા યુવા ઉત્સવ શાહ પણ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા
હોવા છતાં એમણે ખેતી અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સને ‘ટહુકો’ નામની બ્રાન્ડ સાથે પોતાનો વ્યવસાય
બનાવી ચૂક્યા છે.
મહાત્મા ગાંધીએ આજથી એક સદી પહેલાં આ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ની વાત કરી
હતી. ગામડાંના કારીગરો જેમની પાસે શિક્ષણનો અભાવ છે અથવા જેમને પોતાના હુન્નરનું
મૂલ્ય ખબર જ નથી એ શહેરમાં આવીને ક્યારેય કામ કરી શકવાના નથી. બીજી તરફ ખરીદદાર
ફક્ત શહેરમાં જ છે કારણે કે પૈસા અને ફેશન શહેરમાં જ છે. ખાદી અને ગૃહઉદ્યોગનો મૂળ
વિચાર અહીંથી જ શરૂ થયો હતો. ઘેર બેઠેલી બહેનો પાસે જો આવડત કે કળા હોય તો એ
પોતાના પરિવારમાં આર્થિક યોગદાન કરી શકે એટલું જ નહીં, એમના સમયનો સદ્ઉપયોગ કરી
શકે. ખરીદનાર અને મૂળ ઉત્પાદક વચ્ચેનો સેતુ બનવાનો દાવો ઘણી સંસ્થાઓએ કર્યો, પરંતુ
અંતે મોટાભાગની સંસ્થાઓ કારીગર પાસેથી એક્સ ભાવે વસ્તુ ખરીદીને એને એક્સ પ્લસ પ્લસ
પ્લસના ભાવે વેચતી થઈ જાય છે. કારીગરને તો ખબર પણ નથી કે એને મળેલો ભાવ પોષણક્ષમ
નથી. એના ઉપર કેટલાય વધારાના લેબલ ચોંટાડીને એરકન્ડીશન દુકાનોમાં વેચાતી આ વસ્તુઓ
જે ખરીદે છે એણે ચૂકવેલી કિંમતના દસમો ભાગ પણ એમના સુધી પહોંચતો નથી !
નવરાત્રિના આ દિવસોમાં મોટાભાગના શોખીનોએ ચણિયા ચોળી, દાગીના કે બીજી
ફેશન એક્સેસરીઝની ખરીદી કરી હશે. જેમણે મોટી એરકન્ડીશન દુકાનોમાંથી ખરીદી કરી, એને
ખબર નહીં હોય કે એમણે ચૂકવેલી મોંઘી કિંમતમાંથી મૂળ કારીગરને તો ભાગ્યે જ કશું મળ્યું હશે,
જ્યારે જેમણે રસ્તા પરથી કે ‘સ્કીન સૂત્ર’ જેવા પ્રદર્શનમાંથી ખરીદી કરી હશે એમને કલ્પના પણ
નહીં હોય કે એ જે ખરીદી રહ્યા છે એમાંથી એમનો શોખ તો પૂરો થાય જ છે, પણ કેટલાય
પરિવારોનું પેટ પણ ભરાય છે…
ઘણીવાર આપણને આ નવી પેઢી અણસમજુ અને બેજવાબદાર લાગે છે, પરંતુ એમના
વિચારો નવા છે. એમને જે દેખાય છે તે કદાચ જૂની પેઢીને નથી દેખાતું. એમને જે સમજાય છે
એ જૂની પેઢીને સમજતાં થોડીવાર લાગે છે… નવી પેઢીની નજર ગ્લોબલ ભવિષ્ય તરફ છે.
ભારતમાં ઝડપથી હર્ડ ઈમ્યુનિટી ઊભી થઈ શકી કારણ કે, નવી પેઢીએ વેક્સિન લેવામાં કોઈ
આળસ કે બેદરકારી દાખવી નથી…
નવરાત્રિના આ તહેવારો પછી દિવાળી આવશે. આપણને સૌને ખરીદી કરવાનું મન થશે.
એ પછી અનાજ ભરવાની સિઝન આવશે… ચાલો, ઓનલાઈન પ્લેટફોર્મ પર વિદેશી
કંપનીઓને મદદ કરવાને બદલે આવી ભારતીય અને યુવા આંતરપ્રેન્યોરની કંપની પાસેથી ખરીદી
કરીને આપણા દેશને અને દેશના અંતરિયાળ ગામોમાં વસતા કારીગર, વણકર, ખેડૂત, ગૌ પાલક
અને આદિવાસીઓને મદદ કરીએ !