સ્વમાન, અભિમાન, સન્માન અને બહુમાન…

સમાજના કે સંસ્થાના જાહેર કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર બે-ત્રણને ક્યારેક તો ચાર લાઈનમાં સોફા
અને ખુરશીઓ મૂકવાં પડે. 20-25 જણાંને સ્ટેજ પર બેસાડ્યા પછી એકાદ બે તો નારાજ થાય
જ…સંસ્થાના પદાધિકારીઓ સૌને ખુશ રાખવાનો એટલો બધો પ્રયાસ કરે કે, છેલ્લે એકમેકના
વખાણ કરવામાં જ કાર્યક્રમ પૂરો થઈ જાય. ઉપરી અધિકારી હોય કે આપણને મોટો બિઝનેસ આપતો
વેપારી, પૈસાપાત્ર અને સમાજમાં નામ ધરાવતા કોઈ સગાં હોય કે કોઈ મિત્રને ત્યાં મળી ગયેલા
કહેવાતા ‘મોટા માણસ…’ આપણે બધા ધીરે ધીરે આદર, અહોભાવ અને હવે ચાપલૂસીના લેવલ થ્રી
ઉપર આવી ગયા છીએ. કોઈ વ્યક્તિએ સારું કામ કર્યું હોય, સફળ હોય, એની પાસે સત્તા હોય એ
આનંદની વાત છે. રાજકારણમાં પ્રવેશતા બધા મંત્રી બની શકતા નથી કે બધા યુપીએસસીમાં બેસતા
લોકો આઈએએસ બની શકતા નથી. પૈસા કમાવા એ દરેકના હાથની વાત નથી માટે જે સફળ છે તે
બધાને માટે આપણને આદરભાવ હોય એ સહજ છે, ક્યારેક એ આદરભાવ, થોડા અહોભાવમાં
પલટાઈ જાય છે, પરંતુ એ અહોભાવ ક્યારે આપણને મસકા મારતા અને ખોટાં વખાણ કરતાં કરી
નાખે છે એની આપણને પોતાને પણ ખબર નથી રહેતી!

આજનો સમય ગળાકાપ હરિફાઈનો છે. કોઈપણ વ્યવસાય કે નોકરી માટે એક કરતાં વધુ
લોકો ઉમેદવારી નોંધાવે છે અને મહેનત કરે છે. બધાને સમજાય છે કે, સફળ થવું સહેલું નથી, પરંતુ
મોટી સમસ્યા એ છે કે સફળ થવા માટે મહેનત કરવાને બદલે મસકા મારવાનો રસ્તો પસંદ કરનારા
લોકોની સંખ્યા વધવા લાગી છે. બધું સરળતાથી વગર મહેનતે અને છતાં બીજાથી વધુ મળવું જોઈએ
એવી જીદ હવે દરેક માણસના મન અને મગજમાં આકાર લેવા લાગી છે.

આ માત્ર સંપત્તિ, સત્તા કે સગવડની વાત નથી, સંબંધોની બાબતમાં પણ ‘મને બધું મળવું
જોઈએ’ એ માણસમાત્રનો હઠાગ્રહ છે. છેલ્લા થોડા સમયમાં છૂટાછેડાની સંખ્યા વધી રહી છે અને
માત્ર યુવાન કે નવા પરણેલા યુગલો જ નહીં, 20-20 વર્ષ સાથે રહીને લગ્નજીવન વિતાવનાર યુગલો,
જેના સંતાનો યુવા થઈ ગયા છે એવા લોકો પણ છૂટા પડી રહ્યા છે. લગભગ દરેક સંબંધ સ્વાર્થના
પાયા પર ઊભો છે ત્યારે, લાગણીને હવે માગણીની પછી મૂકવામાં આવે છે. આપણને બધાને નાની
નાની બાબતમાં ‘સ્વમાન’નો પ્રશ્ન થવા લાગ્યો છે. સાસુ, માતા-પિતા, ઉપરી અધિકારી કે શિક્ષક
કદાચ ઠપકો આપે કે બે વાત કહે તો એ એમનો ‘અધિકાર’ છે એવું સમજવા કે માનવાને બદલે સામે
જવાબ આપી દેવો, વિદ્રોહ કરવો, એમનું અપમાન કરી નાખવું અને ખોટું લગાડીને છેક છેલ્લે પાટલે
જઈને આત્મહત્યા કરવા જેવા પ્રસંગો પણ બની રહ્યા છે ત્યારે આપણે બધાએ એવું સમજવાની
જરૂર છે કે, અભિમાન અને સ્વમાન વચ્ચે બહુ ફેર છે.

મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાના સ્વમાન માટે પ્રથમ વર્ગના ડબ્બામાં જ પ્રવાસ કરવાનો
આગ્રહ રાખ્યો. ગોરાએ નીચે ફેંકી દીધા તો આખી રાત સ્ટેશન પર બેસી રહ્યા એ સાચું, ત્યાંથી
આપણને ‘સત્યાગ્રહ’ શબ્દ મળ્યો… પરંતુ, ગાંધીજીએ એ ગોરા સાથે હાથોહાથની મારામારી નહોતી
કરી કે નથી એમણે એ ગોરાને અપશબ્દો કહ્યા. એમનો અધિકાર એમને મળવો જોઈએ એટલો જ
આગ્રહ રાખ્યો. આજના સમયમાં સ્વમાનના નામે પરિવારો છૂટા પડી જાય છે. ઘરના કોઈ વડીલ
પુત્રવધૂને કંઈ કહેતા કે ટોકતા ડરે છે અથવા પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં આત્મિયતાને બદલે
ઔપચારિકતા પ્રવેશી ગઈ છે કારણ કે, કોને, ક્યારે ખોટું લાગી જશે એનો ભય સતત સંબંધોમાં પ્રવર્તે
છે.

કોઈ વ્યક્તિ માટે આપણને માન હોય-સન્માન હોય એનો અર્થ એ નથી કે આપણે સતત એ
વ્યક્તિના વખાણ કર્યા કરીએ. એમણે કરેલા કાર્યો કે સિધ્ધિઓ પ્રશંસાને પાત્ર હોય તો આપણે એ
સિધ્ધિઓ વિશે એકાદવાર વાત જરૂર કરીએ, પરંતુ જ્યારે, જેને જ્યાં મળીએ ત્યાં એની એ જ વાત
કર્યા કરીએ તો કદાચ એ વખાણ કે આદરમાંથી ચાપલૂસી બની જતી હોય છે. સન્માન આપણા
વર્તાવમાં, આપણી વાતચીતમાં અને આપણા વ્યવહારમાં દેખાવું જોઈએ. શબ્દોમાં સતત એને વ્યક્ત
કરતા રહીએ તો એનો અર્થ એ છે કે, આપણે જે-તે વ્યક્તિને રાજી રાખવાનો મરણિયો પ્રયાસ કરી
રહ્યા છીએ. સન્માનમાં પ્રેમ હોવો જોઈએ, ભય નહીં. આજકાલના સંબંધોમાં સન્માનનું કારણ પ્રેમ
કરતાં વધારે ભય અથવા સ્વાર્થ છે…

કેટલાક લોકોને જાહેરમાં પોતાનું બહુમાન કરાવવાનો એક વિચિત્ર શોખ હોય છે. હવે જ્યારે
ઘણા બધા એવોર્ડ્સ પૈસા આપીને ખરીદી શકાય છે ત્યારે આવા લોકો જાહેર સમારંભોમાં પૈસા
આપીને સ્ટેજ ઉપર બેસવાનો કે બહુમાન કરાવવાનો આગ્રહ રાખે છે. નવાઈની વાત એ છે કે,
કાર્યક્રમમાં હાજર હોય એમાંના મોટાભાગના લોકોને એવી ખબર જ હોય છે કે, આ જે સન્માન કે
બહુમાન થઈ રહ્યું છે એની પાછળનું કારણ સંસ્થાને અપાયેલા દાન અથવા ડોનેશન, ટ્રસ્ટી મંડળમાંથી
કોઈકના અંગત સંબંધો કે સરકારી દબાણ જેવું કંઈક છે.

આ સ્વમાન, અભિમાન, સન્માન કે બહુમાન જેવા શબ્દો હવે ચલણી સિક્કાની જેમ
વપરાવવા લાગ્યા છે. સરકારે જેમ 10-20 અને હવે તો 100નો સિક્કો પણ એક જેવા જ બનાવ્યા
છે એવી જ રીતે આ બધા શબ્દો પણ એકમેકથી બહુ જુદા નથી. અગત્યનું એ છે કે, જેમ સિક્કા
ઉપર લખેલો આંકડો એની કિંમત બતાવે છે એવી જ રીતે આ શબ્દો પણ વ્યક્તિના વ્યક્તિત્વને
પ્રતિબિંબિત કરે છે. જે સાચે સ્વમાની છે એણે કોઈને કહેવું નથી પડતું કે એનું સ્વમાન એને માટે
સૌથી મહત્વનું છે… એ તો સમજાય છે, દેખાય છે. જેનું સ્વમાન ઘડી ઘડી ઘવાય અને નાની નાની
વાતમાં ઉઝરડાય એ સ્વમાની નહીં, બલ્કે અભિમાની-ઈગોઈસ્ટિક વ્યક્તિ છે. જેને જાહેરમાં
સન્માનની જરૂર પડે છે એનો આત્મવિશ્વાસ ક્યાંક ઓછો છે એટલે એને બીજા પાસે પોતાની
સફળતા કે સત્તા પૂરવાર કરવાની, એન્ડોર્સ કરવાની જરૂર પડે છે અને છેલ્લે જે બહુમાન કરે છે તે
બધાના હૃદયમાં આપણા માટે સન્માન છે અથવા એ બધાને આપણા માટે આદર છે એવું માનવાની
જરૂર નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *