सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ु-ए-कातिल में है
यूँ खड़ा मक़तल में क़ातिल कह रहा है बार-बार,
क्या तमन्ना-ए-शहादत भी किसी के दिल में है
આ શબ્દો રામપ્રસાદ ‘બિસ્મિલ’ના છે. ભારતની સ્વતંત્રતાના ઈતિહાસમાં
જેનું નામ આદરપૂર્વક લેવું પડે એવા લોકોમાં રામપ્રસાદ ‘બિસ્મિલ’ મહત્વનું સ્થાન
ધરાવે છે. મૈનપુરી ષડયંત્ર અને કાકોરીની ટ્રેનની લૂંટમાં પંડિત રામપ્રસાદ
‘બિસ્મિલ’ સૌથી પહેલી હરોળમાં રહ્યા. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એમનો જન્મ
થયો, 1897માં અને 1927માં એમને ગોરખપુર જેલમાં ફાંસી આપવામાં આવી. 11
વર્ષના ક્રાંતિકારી જીવનમાં એમણે અનેક પુસ્તકો લખ્યાં, અનેક અનુવાદો કર્યાં
અને એ પુસ્તકોને વેચીને જે પૈસા મળ્યા એમાંથી હથિયાર ખરીદીને એનો
ઉપયોગ બ્રિટીશરાજનો વિરોધ કરવા માટે કર્યો. એમની એક વિશેષતા એ હતી કે,
એ ક્યાંય બહુ દિવસ રોકાતા નહીં. વેશ બદલવામાં એમના જેવા ભાગ્યે જ કોઈ
મળે. પોતાની સગી બહેન શાસ્ત્રીદેવીના ગામ મૈનપુરીમાં એ રોકાયા, પણ
એમની સગી બહેન એમને ઓળખી શકી નહીં એટલા અદભૂત અભિનેતા હતા!
કાકોરી રેલ લૂંટ પછી 6ઠ્ઠી એપ્રિલ, 1927એ એમને ફાંસીની સજા
સંભળાવવામાં આવી. 16 ડિસેમ્બર, 1927એ ‘બિસ્મિલે’ પોતાની આખરી કથાનો
અધ્યાય પૂરો કર્યો. 18 ડિસેમ્બર, 1927એ માતા-પિતા સાથે અંતિમ મુલાકાત કરી
અને 19 ડિસેમ્બરે સવારે છ વાગીને 30 મિનિટે એમને ગોરખપુર જેલમાં ફાંસી
આપવામાં આવી. બહાર એકઠા થયેલા ટોળાંને દાખલ ન થવા દેવા માટે જેલનો
મુખ્ય દ્વાર બંધ કરવામાં આવ્યો અને ફાંસી ઘરની દિવાલ તોડીને પાછલા દરવાજે
એમનું શબ પરિવારને સુપ્રદ કરવામાં આવ્યું. ભગતસિંઘે ‘કિરતી’ (પંજાબી
માસિક)માં ‘વિદ્રોહી’ નામથી લેખ લખ્યો, જેમાં એમણે લખ્યું, ”ફાંસી પર લઈ જતા
હતા ત્યારે બિસ્મિલે જોરથી કહ્યું, ‘વંદે માતરમ, ભારત માતા કી જય’. એમણે કહેલો
છેલ્લો શેર હતો,
‘માલિક તેરી રજા રહે ઔર તૂ હી તૂ રહે, બાકી ન મૈં રહૂં ન મેરી આરઝૂ રહે,
જબ તક કિ તન મેં જાન રગોં મેં લહૂ રહે, તેરા હી જિક્ર ઔર તેરી જુસ્તજૂ રહે!’
આજે, રામપ્રસાદ ‘બિસ્મિલ’નો જન્મદિવસ છે ત્યારે આપણી સ્વતંત્રતા અને
સ્વતંત્રતાના ઈતિહાસ વિશે એકાદવાર વિચારવું જોઈએ. આવા કેટલાય જાણીતા,
અજાણ્યા લોકો છે જેમણે આપણને આ સ્વતંત્રતા સુધી પહોંચાડ્યા છે. આજે, આપણે
માટે ‘સ્વતંત્રતા’નો અર્થ કંઈ જુદો જ છે, પણ જો ઈતિહાસને એકવાર તપાસીએ તો
સમજાય કે, ધીરે ધીરે માણસજાત સ્વતંત્રતાના નામે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે!
આજકાલ ઘણા લોકો પોતાના વક્તવ્યમાં બોલે છે, લેખકો લખે છે, જીજાબાઈ
નથી માટે શિવાજી જેવા વીર નથી જન્મતા. કૌશલ્યા નથી માટે રામ જેવા આજ્ઞાકારી
નથી જન્મતા. ત્રિશલાદેવી નથી માટે ભગવાન મહાવીર જેવા ત્યાગી નથી જન્મતા…
આ વાત એકદમ સાચી છે. આજની પેઢી સામે ફરિયાદો કરતાં પહેલાં આપણે એમના
ઉછેર અને વાતાવરણ વિશે સમજણ કેળવવી જોઈએ. બાળક પોતાની સાથે કોઈ
સ્વભાવ કે ટેવ લઈને નથી આવતું. જેવો એનો ઉછેર કરવામાં આવે અંતે એવી
વ્યક્તિનું નિર્માણ થાય છે.
રામપ્રસાદ ‘બિસ્મિલ’ જેવા 19-20 વર્ષના કેટલાય છોકરાઓએ પોતાનું ધ્યેય
એ જ ઉંમરે નક્કી કરી લીધું હતું. કદાચ, એટલા માટે કે એમની પાસે એક સંઘર્ષ
હતો. આગળ જોવા માટે ભવિષ્યની કોઈ આશા હતી. પોતાના પછી અથવા પોતાના
સિવાયના લોકોને આપવા માટે એમની પાસે એક સપનું હતું. આજની પેઢી જેને
આપણે વારંવાર બેજવાબદાર, બેદરકાર, બેધ્યાન કહીએ છીએ એ પેઢી પાસે જો
ખરેખર કંઈ ખૂટતું હોય તો એ ‘સંઘર્ષ’ છે. માતા-પિતાએ એમને એટલી સ્વતંત્રતા
આપી છે કે, હવે એમને એ સ્વતંત્રતા ઓછી પડવા લાગી છે. લોકલ ટ્રેનની સીટમાં
ત્રણ જણાં બેઠાં હોય ને ચોથા માટે જગ્યા કરીએ, પછી એ ચોથો, પાંચમાને બોલાવે
ત્યારે પેલા ત્રણ જણાંને પસ્તાવો થાય-એવી સ્થિતિ આજના માતા-પિતાની થઈ છે.
પોતે જે રીતે ઉછર્યા એ રીતે પોતાના સંતાનને નથી ઉછેરવા, એમ વિચારીને એમણે
નાનપણથી જ ભોજન, વસ્ત્રોની પસંદગીથી શરૂ કરીને સગવડો સુધી બધી જ
બાબતમાં ‘સ્વતંત્રતા’ આપી. કેટલાંક માતા-પિતા વચ્ચે આ બાબતે મતભેદ હતા તેમ
છતાં, સંતાનને એક શ્રેષ્ઠ ઉછેર આપવાનો પ્રયાસ આજના માતા-પિતાએ કર્યો છે
એમાં કોઈ શંકા નથી.
આજની પેઢી વિશે દરેક ઘરમાં એક ફરિયાદ તો છે જ, એમને જે કહેવામાં
આવે તે નથી કરવું-માતા-પિતાએ ચીંધેલા રસ્તા પર નથી ચાલવું-એમનો અનુભવ
નથી જોઈતો, કે નથી એમની સલાહ જોઈતી, પરંતુ શું કરવું છે કે ક્યાં જવું છે એ
વિશે આજની પેઢી પાસે કોઈ નિશ્ચિત ધ્યેય, ગોલ કે દિશા નથી! અર્થ એ થયો કે,
કોઈનું કહ્યું કરવું નથી અને પોતાને શું કરવું છે એ વિશે સ્પષ્ટતા નથી! આ
પરિસ્થિતિમાં પોતાનાથી અને બીજાનાથી ભાગી છૂટવાનું એક નવું જ મિકેનિઝમ ઊભું
થાય છે.
સવાલોના જવાબો ન આપવા પડે એ માટે માતા-પિતા સાથે ઓછામાં ઓછી
વાત કરવી, પોતાની જ ઉંમરના મિત્રો સાથે વધુમાં વધુ સમય વિતાવવો જેથી
એમની અને પોતાની અસ્પષ્ટતા વિશે ચર્ચા જ ન કરવી પડે… એથી આગળ વધીને
સિગરેટ, શરાબ કે એથીયે મોટા નશામાં જાતને ડૂબાડવી જેનાથી સત્ય અને
વાસ્તવિકતાથી ભાગી છૂટવામાં સરળતા રહે. બહુ સાચી વાત તો એ છે કે, જ્યારે
આપણે નવી પેઢીનો વાંક કાઢીએ છીએ ત્યારે એમના માતા-પિતાને પણ એટલાં જ કે
એથી વધુ જવાબદાર ગણવા જોઈએ.
દરેક સ્વતંત્રતા સાથે ઉત્તરદાયિત્વ જોડાયેલું હોય છે. મોડા આવવાની છૂટ,
પણ મોડા આવ્યા પછી બીજા દિવસે સવારે વહેલા ઉઠવાની ફરજ ન ચૂકી શકાય.
પૈસા વાપરવાની છૂટ, પણ સાથે જ હિસાબ આપવો પડે અને પૈસા કેમ કમાવાય છે
એ જાણવું પડે, પૈસાનું મહત્વ સમજવું પડે. નશો કરવાની છૂટ, પણ નશા સાથે
આવતી સ્વાસ્થ્યની ખામીઓ વિશે પૂરી સમજણ કેળવવી જરૂરી… માતા-પિતાએ
એમને છૂટ આપી, સ્વતંત્રતા આપી, પણ એની સાથે જોડાયેલું ઉત્તરદાયિત્વ કે
જવાબદારી સમજવામાં ચૂકી ગયા.
આપણે જો સાચા અર્થમાં ‘સ્વતંત્રતા’ને સમજવી હોય તો સૌથી પહેલાં એની
સાથે જોડાયેલી જવાબદારી, ઉત્તરદાયિત્વ, ગંભીરતા અને એના દુરુપયોગના
પરિણામોને સમજવા પડશે.