સ્વતંત્રતા માત્ર સંવિધાનના પાનાંઓ ઉપર નથી, ઈતિહાસના પાનાં ઊથલાવો…

ભારતીય સંવિધાન 72 વર્ષ પૂરાં કરી રહ્યું છે. આ 26મી જાન્યુઆરીએ ભારતનું પોતાનું બંધારણ રચાયાના 72 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે જ્યારે બીજી તરફ, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતના એવા કેટલાક નહીં જાણીતા આઝાદીના લડવૈયાઓના જીવન ઉપર એક શો જામનગરના જાણીતા દિગ્દર્શક વિરલ રાચ્છે દિગ્દર્શિત કર્યો હતો. કલકત્તાની ગુજરાત ક્લબ દ્વારા નિર્મિત આ શોમાં ભારતની સ્વતંત્રતાના કેટલાક એવા સેનાનીઓની વાત કરવામાં આવી જે બહુ જાણીતા નથી. ઝવેરચંદ મેઘાણીનું સ્વતંત્રતાના ઈતિહાસમાં પ્રદાન, એ સાથે સરદારસિંહ રાણા, દુર્ગાભાભી, વીર સાવરકરના ચરિત્રોને અને માનગઢના પ્રસંગને ગુજરાતી થિયેટરના જાણીતા અભિનેતાઓએ ચરિતાર્થ કર્યા… પાંચ જાણીતા લેખકોએ આ પાંચ મોનોલોગને પોતાની કલમથી જીવંત કર્યાં. જેમાં ડૉ. શરદ ઠાકર, જ્વલંત છાયા અને ગીતા માણેકનું નામ આદરપૂર્વક લઈ શકાય.

”આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મારા જ વર્ગમાં એક અલગ મિજાજનો વિદ્યાર્થી ભણતો હતો. નામ એનું મોહનદાસ. બોલે સાવ ધીમું ધીમું અને વળી ઢીલું ઢીલું. એક દિવસ મેં એને પૂછ્યું, ‘મોહનદાસ, તમે આટલા બધા શાંત કેવી રીતે રહી શકો છો?’

એણે હસીને જવાબ આપ્યો, ‘હું સુદામાપુરીનો વણિક છું. હું માનું છું કે જગતની સૌથી કડવી વાત પણ મીઠી રીતે કહી શકાય છે.’

મેં કહી દીધું, ‘ત્યારે તો આપણને તમારી સાથે નહીં ફાવે. અમે તો ક્ષત્રિયાણીના પેટે જન્મ્યા છીએ. અમારા મોઢામાંથી વાત નીકળે એની પહેલાં અમારા મ્યાનમાંથી તલવાર નીકળે. તમે જજો બુદ્ધના મારગે, અમે જઇશું યુદ્ધના રસ્તે.’

થોડાં જ વર્ષો પછી જાણવા મળ્યું કે એ મિત્રને ગોખલેજીની ગાડી મળી ગઇ હતી. અમે ચડી ગયા ટિળકની ટ્રેનમાં. આખરે બંને ગાડીઓ જે સ્ટેશન પર પહોંચવાની હતી તે સ્ટેશન એક જ હતું: સ્વતંત્ર ભારત.” ડૉ. શરદ ઠાકરે ભારતના સ્વતંત્રતાના ઈતિહાસના એક મહત્વના પાત્ર વીર સાવરકર વિશે સુંદર પુસ્તક આપ્યું છે. એવી જ રીતે એમણે એમના વક્તવ્યોમાં અને કલમથી ભારતના વીર જવાનોને પણ અનેકવાર જીવંત કર્યા છે !

એમાંનું એક પાત્ર એટલે સરદારસિંહ રાણા. આ ભારતીય જનતા પક્ષના નેતા, ભાવનગરના પૂર્વ એમએલએ, રાજેન્દ્રસિંહ રાણાના દાદાજી. હિંમત અને દિલેરીથી એમણે એક જુદી જ દિશામાં સ્વતંત્રતાનો સંઘર્ષ કર્યો. 1909માં મદનલાલ ઢીંગરાએ કરેલી લોર્ડ કર્ઝન વાયલીની પોઈન્ટ બ્લેન્ક હત્યા પછી ક્રાંતિનું જે બ્યુગલ ગૂંજ્યું એણે આખા દેશને જુદી રીતે જગાડ્યો. મદનલાલ ઢીંગરાને એ પિસ્તોલ આપનાર સરદારસિંહ રાણા ! વીર સાવરકરને પકડીને લઈ જતું બ્રિટિશ જહાજ માર્સેલ્સના બંદર કાંઠેથી પસાર થવાનું હતું. સાવરકરને ભગાડવા માટે મેડમ કામા અને સરદારસિંહ નિર્ધારિત સમયે નીકળ્યા ખરા, પરંતુ બંદરના કિનારે એમની ગાડી પહોંચે એ પહેલાં સાવરકર ત્યાં પહોંચી ગયા… સાવરકરજી પકડાઈ ગયા અને અંગ્રેજોએ જુઠો આરોપ મૂક્યો. એમને ફ્રેન્ચ આવડતું ન હતું એટલે અદાલતમાં પોતાનો બચાવ પણ કરી શક્યા નહીં.

સરદારસિંહ રાણા એવી વ્યક્તિ છે જેમની પ્રામાણિકતાને પણ સલામ કરવી પડે. એ જ્યારે પોતાના બે કુંવરો અને પત્ની સોનબાને મૂકીને યુરોપમાં ભારતની સ્વતંત્રતા માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે ‘વંદે માતરમ’ અને ‘તલવાર’ નામના બે સામયિકોનું સંપાદન કર્યું. એ સમયે સરદારસિંહજી જર્મન યુવતિ રેસીના સંપર્કમાં આવ્યા. પત્નીએ સામેથી એમને એ જર્મન સ્ત્રી સાથે લગ્ન કરવાની વિનંતી કરી. 27 વર્ષ સુધી એ જર્મન સ્ત્રી સાથે એમના લગ્ન ટક્યા… લાલા લજપતરાયને એમણે પોતાના ઘરમાં પિતાની જેમ પાંચ વર્ષ સુધી સાચવ્યા. જર્મનીના તટ ગાર્ડમાં વર્લ્ડ કોન્ફરન્સ સમયે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવીને એમણે ભારતને બ્રિટિશ સલ્તનત સામે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ઘોષિત કર્યું. રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોની પરિકલ્પના સાથે અશોકચક્રના સ્થાને એમાં ‘વંદે માતરમ’ લખેલું હતું. ગુલામ ભારતનો પ્રથમ સ્વતંત્ર ધ્વજ વિદેશમાં
લહેરાવવાની માટે એમને વંદન છે…

પંડિત નેહરુએ એમને ખાસ સરકારી વિમાન દ્વારા ભારત પાછા બોલાવ્યા અને 1947માં એમને સ્વતંત્ર ભારતની ઊજવણીમાં આમંત્રિત કરવામાં આવ્યા. એમની મદદ (સ્કોલરશિપ)થી ભણેલા સાતથી આઠ સભ્યો ભારતની પહેલી સંસદમાં સંમેલિત હતા !

આવા જ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણે આસાનીથી ભૂલી ગયા છીએ. રાજેન્દ્રસિંહ રાણા સંઘ અને ભાજપના વરિષ્ઠ, અને સન્માનનીય સભ્ય છે.

ભારતીય બંધારણને 72 વર્ષ પૂરાં થાય છે ત્યારે, આપણે આંગળીના વેઢે ગણાય એટલા સ્વાતંત્ર્ય સૈનિકો સિવાય ખરેખર કોના વિશે, આપણે શું જાણીએ છીએ ? દાંડીયાત્રામાં નીકળેલા 78 સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ગામેગામથી જોડાયેલા બીજા અનેક લોકો વિશે આપણને જાણ છે ખરી ? ‘જેલભરો આંદોલન’ કે ‘વિદેશી કપડાની હોળી’, ‘સત્યાગ્રહ’ અને ‘પિકેટિંગ’માં જેણે જેણે લાઠી ખાધી છે એમાંના કેટલાય લોકોને આપણે જાણતા પણ નથી !

આપણું બંધારણ, ‘આપણું’ બની શક્યું એ માટે કેટલાય લોકોએ પોતાના જીવન ગુમાવ્યા છે, લગ્ન નથી કર્યા, કુટુંબ છોડ્યા છે-એમના પરિવારો રખડી- રઝળીને ખોવાઈ ગયા છે તેમ છતાં, આજે આપણે જે આઝાદ ભારતની હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ એમાં એમનો શું અને કેટલો ફાળો હતો એ જાણવાની નવી પેઢીને દરકાર પણ નથી. દાંડીમાર્ચના સ્થળે ઊભું કરાયેલું સ્મૃતિભવન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એવા બીજા ઘણા ઐતિહાસિક સ્થળોને ફરીથી સજીવન કરવાનું, એમની સ્મૃતિને સાચવવાનું કામ સરકારે હાથ ધર્યું છે, પરંતુ સરકાર તો આવા
સ્થળોને મ્યુઝીયમ સ્વરૂપે જીવંત રાખી શકે. ખરેખર આ સ્થળોની મુલાકાત લઈ આપણા દેશના ભવ્ય ઈતિહાસની અને આવા સ્વાતંત્ર્ય વીરોના બલિદાનની વાત માતા-પિતાએ પોતાના સંતાનને કરવી જોઈએ. દર વર્ષે ફોરેન ટ્રીપ કરાવવી, બર્થડે પાર્ટીમાં લાખો રૂપિયા ઉડાડવા કે મોંઘા રમકડા લઈ આપવાનો વિરોધ નથી, પરંતુ જે દેશમાં આ બાળક જન્મ્યું છે એ જન્મભૂમિની આઝાદીનો ઈતિહાસ
જો આ દેશનો નાગરિક નહીં જાણતો હોય તો એને આપણા દેશ વિશે ક્યારેય ગૌરવ નહીં થાય.

આપણે આપણા સંતાનોને વિદેશના સુપર હીરો બતાવીએ છીએ, જે ખરેખર આ જગતમાં નથી. માત્ર પરિકલ્પનાના આધારે તૈયાર કરવામાં આવેલા આવા સુપર હીરો જગતમાં બુરાઈનો નાશ અને ભલાઈનું સામ્રાજ્ય સ્થાપવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. રામ અને કૃષ્ણએ પણ એ જ કર્યું છે. પરંપરાગત શાસ્ત્રો અને પુરાણોની કથાઓમાં, ઈતિહાસમાં આપણા દેશમાં એવાં અનેક પાત્રો છે જેને ‘હીરો’ બનાવી શકાય. હિન્દી સિનેમાના અભિનેતાઓ 8-10 ગુંડાઓને એકલા હાથે ફટકારે છે અને ઓડિયન્સ તાળી પાડે છે ત્યારે આપણે શિવાજી, પૃથ્વીરાજ ચૌહાણ કે ગોરા બાદલ સિંહની કથાઓ આપણે આપણી નવી પેઢીને કહેતા નથી.

પશ્ચિમથી આપણે બીજું ઘણું લાવીએ છીએ. બ્રાન્ડ્સથી શરૂ કરીને બીનજરૂરી અને ખોટા અર્થઘટન સાથેનું ફેમિનિઝમ… પરંતુ, વિદેશી એનિમેશન્સ (ખાસ કરીને ડિઝનીની વાર્તાઓ) પરિવાર, માતા-પિતાનો પ્રેમ, ભાઈ-બહેનનો પ્રેમ અને સંબંધો સાથે જોડાયેલા મહત્વના ઈમોશન્સ રજૂ કરે છે એ આપણે જોતા નથી ? જે સ્વાતંત્ર્ય સૈનિકો અને જવાનોની કથાઓ ભારતીય સમાજમાં નવું જોશ અને પ્રામાણિકતા, દેશપ્રેમની નવી ઊર્જા પ્રસરાવી શકે એમ છે એવી કથાઓ માતા-પિતાએ પોતાના સંતાનોને કહેવી જોઈએ. સિનેમાની બનાવટી બહાદુરીને બદલે સાચે જ બહાદુર બનીને આ દેશને સ્વતંત્રતા અપાવી એવા ઘણા અનસંગ (ભૂલાઈ ગયેલા કે ખામોશીની ધૂળ નીચે દબાઈ ગયેલા) હીરોની કથા આપણા જ સંતાનોને એમના દેશ અને દેશના ભવ્ય વારસા વિશે ગૌરવ અપાવશે. જે નાગરિક પોતાના દેશ વિશે ગૌરવ અનુભવે છે એ ઓછો ભ્રષ્ટાચાર કરે છે, સાચો અને પ્રામાણિક વોટ આપે છે અને એની શ્રધ્ધા દેશના સંવિધાનમાં મજબૂત થાય છે.

One thought on “સ્વતંત્રતા માત્ર સંવિધાનના પાનાંઓ ઉપર નથી, ઈતિહાસના પાનાં ઊથલાવો…

Leave a Reply to Pradeep Gala Cancel reply

Your email address will not be published. Required fields are marked *