શર્મન જોશી અભિનિત, જનહીતમાં જારી એક જાહેરાતમાં એ સામેથી ડ્રાઈવિંગ ડિફોલ્ટનું ચલણ ભરવા જાય છે.
કોન્સ્ટેબલ પૂછે છે, ‘કોઈએ જોયું નથી-તો ય ચલણ ભરવું છે?’ ત્યારે એક પિતા-એક નાગરિક જવાબ આપે છે, ‘મારા દીકરાએ
જોયું છે. એ જે જોશે એ જ શીખશે?!’ આ જાહેરાત ઘણું કહી જાય છે. આપણે આપણા પછીની પેઢીને કયું બંધારણ અને કયા
ગણતંત્રનો વારસો આપી જવાના છીએ એવો સવાલ લગભગ દરેક પેઢીના માતા-પિતાએ પોતાની જાતને પૂછવાનો સમય થઈ ગયો છે.
ભારતીય ગણતંત્રને સાડા સાત દાયકા કરતા વધુ સમય થયો. શાળામાં ભણાવવામાં આવે કે આપણે-ભારત, વિશ્વની
સૌથી મોટી લોકશાહી છે. આ દેશ એક ‘સ્વતંત્ર’ રાષ્ટ્ર છે. આપણને આપણા બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં કેટલાક મુખ્ય અધિકારો છે, વાણી, વિચાર, ધર્મ, ભોજન અને પોતાના વ્યક્તિત્વને આપણને અનુકૂળ હોય તે રીતે જીવવાનો આ અધિકાર સ્વતંત્રતા કહેવાય છે. ‘સ્વતંત્રતા’ એક એવો શબ્દ છે, જેના દરેક પાસે પોતાના અર્થ અને વ્યાખ્યાઓ છે.
સ્વ + તંત્ર… જેની પાસે પોતાનું તંત્ર હોય તે. તંત્ર એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ? તંત્ર એટલે વ્યવસ્થા, ગોઠવણ, આવડત…
જે વ્યક્તિ સ્વાવલંબી હોય એ સ્વતંત્ર હોઈ શકે, એવો અર્થ કરીએ ? આપણે અત્યારે જે સ્વતંત્રતા માગીએ છીએ એમાં આપણું પોતાનું તંત્ર ક્યાં અને કેટલું છે એની તપાસ કરવી રહી. ‘આઈ એમ એન ઈન્ડીવિજ્યુઅલ…’ કહેતાં ટીનએજના બાળકો ‘સ્વતંત્રતા’નો અર્થ પ્રમાણમાં બેજવાબદારી અને સ્વચ્છંદતા કરે છે. એમને માટે કોઈ રોકટોક વગરનું બેફામ જીવન એ સ્વતંત્રતા છે. બીજી તરફ એક ગૃહિણી માટે પૈસા વાપરવાની, વિચારવાની કે પોતાનો અભિપ્રાય આપવાની તક કે અધિકાર, એ સ્વતંત્રતા છે. એક પુરુષ, પતિ કે પિતા માટે એની મરજીથી એક સાંજ ગુજારવાની કે એના મિત્રો સાથે પોતાની જીવનસાથી વગર મજા કરવાની, ખુશ રહેવાની ‘પરવાનગી’ એ સ્વતંત્રતા છે… ડોમેસ્ટિક કામ કરતા માણસ કે બહેન માટે એની મરજીથી રજા પાડવી એ સ્વતંત્રતા છે, તો એક સરકારી ઓફિસર માટે ‘ઉપરથી’ કોઈ ચિઠ્ઠી, ભલામણ કે દબાણ ન આવે એ સ્વતંત્રતા છે…
ટૂંકમાં, માણસને જે કરવું હોય, જેમ કરવું હોય અને જે રીતે જીવવું હોય, જે ખાવું, પીવું, પહેરવું હોય, જ્યારે ખુશ
થવું કે દુઃખી થવું હોય, રડવું કે હસવું હોય… એ કરવા માટે એણે કોઈની પરવાનગી ન લેવી પડે અથવા એ કર્યા પછી એને કોઈ
અપરાધનો ભાવ ન થાય, એને એ પળો જીવ્યા કે માણ્યા પછી કોઈ મહેણાં-ટોણાં કે સલાહ-સૂચન ન સાંભળવા પડે, એની
કિંમત આવનારા દિવસો કે મહિનાઓ સુધી ન ચૂકવવી પડે એને સ્વતંત્રતા કહીશું ? આપણે બધા એવું માની લઈએ છીએ કે
મનફાવે તેમ બોલવાનું અને મનફાવે તેમ વર્તવાનું બીજું નામ સ્વતંત્રતા છે. ગાડી ગમે તેમ પાર્ક કરવી, સિનેમા થિયેટરમાં મોટા અવાજે બોલવું, જાહેરસ્થળોએ ગંદકી કરવી, રસ્તા પર થૂંકી દેવું, ટ્રાફિક નિયમોનો ભંગ કરવો- જ્યારે પોલીસ ઊભા રાખીને દંડ કરે ત્યારે ઝઘડવું, પોલીસને ધમકી આપવી, પ્રોહિબિશન ધરાવતા રાજ્યમાં શરાબ પીને નીકળવું, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો બીજો ગુનો કરવો, એ પછી જો પોલીસ ઊભા રાખે તો, ‘ખબર છે હું કોણ છું ?’ પૂછીને વર્દીનું અપમાન કરવું… અથવા, જેણે ઉછેરીને મોટા કર્યા એ, મા-બાપને એમના વૃદ્ધત્વ માટે, એમની કાળજી માટે અપમાનિત કરવાં, સ્ટાફને સતત ધમકાવવા, રેસ્ટોરન્ટમાં વેઈટર-બિલ્ડિંગનો ચોકીદાર કે લિફ્ટમેન-ઘરની ડોમેસ્ટિક હેલ્પ કે સ્ટાફને આપણે પગાર આપીએ છીએ માટે એમનું અપમાન કરવાનો અધિકાર, કોઈ રીતે સ્વતંત્રતા નથી, બલ્કે બેવકૂફી છે. સત્ય તો એ છે કે પોલીસ, પ્રશાસન, પરિવાર અને આપણી આસપાસના એ લોકો જે આપણું જીવન સરળ બનાવે છે એ જ, આપણું ‘તંત્ર’ છે! આપણું ‘સ્વ’ એમના પર નિર્ભર છે માટે આપણે ‘સ્વતંત્ર’ છીએ!
આપણે સમજતા નથી, પરંતુ સત્ય એ છે કે વિશ્વનું કોઈપણ તંત્ર, આપણા શરીરની અંદરનું પાચનતંત્ર કે શ્વસનતંત્ર
હોય કે પછી લોકશાહી સરકારનું સંવિધાન સાથે જોડાયેલું તંત્ર… કોઈ એક જ ઓર્ગન (અવયવ) કે એક જ વ્યક્તિથી ચાલી શકતું નથી. અન્નનળીથી જઠરમાં જતું ભોજન અને મોઢામાંથી ઝરતી લાળ, પાચન માટે અનિવાર્ય છે. ઓક્સિજન અંદર લેતી
વખતે ફૂલતા ફેફસાં અને એની સાથે જોડાયેલી કોષિકાઓ, હૃદય સુધી પહોંચાડતી આર્ટરી એકબીજા પર આધારિત રહીને જ
આખું તંત્ર ચલાવે છે. બ્યુરોક્રસી, પોલીસ, લશ્કર કે સંસદ એકબીજા વગર દેશનું તંત્ર ચલાવી શકે નહીં. આપણે ઘરના તંત્ર માટે પણ એકબીજા ઉપર આધારિત છીએ. કચરો લેવા આવનાર માણસથી શરૂ કરીને-ઘરની ગૃહલક્ષ્મી સુધી સૌ એ તંત્રને
સુવ્યવસ્થિત અને સુચારુ રીતે ચલાવવામાં પોતપોતાનું પ્રદાન કરે જ છે, બસ એ ચાલ્યા કરે છે માટે આપણને ખબર પડતી નથી કે એને કોણ, કેટલી મહેનતથી ચલાવે છે!
‘સ્વતંત્રતા’ કદીએ આધાર વગર, પાયા વગર શક્ય નથી. અન્યને સ્વતંત્રતા આપ્યા વગર આપણને એ પ્રાપ્ત થતી નથી,
પરંતુ સ્વતંત્રતાની સાથે જોડાયેલા તમામ અધિકારોની સામે એટલી જ ફરજો છે… જે વિશે આપણે તદ્દન બેપરવાહ, બેદરકાર
અને બાઘા છીએ. જાહેરસ્થળોએ કચરો ન ફેંકવાની સાદી સમજણથી શરૂ કરીને મત આપવો જોઈએ એવી બેઝિક ફરજ સુધી બધી જ બાબતમાં આપણે સ્વાર્થી અને સ્વકેન્દ્રી છીએ. બંધારણીય અધિકારો માટે લડીએ છીએ-ટોળાંશાહીથી કોઈનો અવાજ દબાવી દઈએ છીએ, મોબલિંચિંગ-માફી મગાવવાનો શોખ દિવસે દિવસે વધતો જાય છે, પણ એની સામે આપણી બંધારણીય ફરજો વિશે આપણે પોતે કેટલું જાણીએ છીએ? આપણી આવનારી પેઢીને કેટલું શીખવીએ છીએ? કોણ, શું નથી કરતું-એ વિશે આપણી પાસે લાંબુ લિસ્ટ છે. પીઆઈએલ, આરટીઆઈની અરજીઓ કરવાથી અધિકારો પ્રસ્થાપિત થઈ શકે છે, પરંતુ એની સામે ભારતીય બંધારણમાં ‘નાગરિક’ હોવાની કેટલીક ફરજોનો પણ ઉલ્લેખ છે-એ આપણે વાંચી છે?
સ્વ+તંત્ર, એટલે સ્વ સંચાલિત-સ્વ આધારિત-સ્વને સુરક્ષિત રાખે તેવું અને સ્વ દ્વારા સુરક્ષિત રાખવું પડે એવું તંત્ર!
જે, ડિપેન્ડન્ટ નથી, એ ઈન-ડિપેન્ડન્ટ છે. આ વ્યાખ્યાને ધ્યાનમાં લઈએ તો આપણે શું કરી રહ્યા છીએ… એવો સવાલ આપણે
સૌએ એકમેકને પૂછવાને બદલે પોતાની જાતને પૂછવો જોઈએ.