આજના સંજોગોમાં સૌથી વધુ જોવાતા ટીવી શો કે કાર્યક્રમ કયા છે? યુટ્યુબ ઉપર સૌથી વધુ
સર્ચ થતી કે સબસ્ક્રાઈબ થતી ચેનલ્સ કઈ છે? આપણને જાણીને કદાચ નવાઈ લાગે, પરંતુ આ પાકશાસ્ત્ર
કે રસોઈ શો, રેસિપી બતાવતા લોકોની ચેનલ્સ છે. ગૃહિણી જે ગઈકાલ સુધી ફક્ત ઘરમાં રસોઈ જ કરતી
હતી, એવી કેટલીયે સ્ત્રીઓ હવે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરીને એમાંથી પૈસા કમાય છે એટલું જ નહીં,
એમને પ્રસિધ્ધિ પણ મળવા લાગી છે. રસોઈની કળાને પ્રસિધ્ધિ અપાવનાર કે લોકપ્રિયતાની શરૂઆત
કરનાર જો કોઈ હોય તો એ ગુજરાતી પાકશાસ્ત્રી ‘તરલા દલાલ’ છે. તરલાબહેન આજે આપણી વચ્ચે
નથી, પરંતુ એમનું પહેલું વાનગી રેસિપીનું પુસ્તક, ‘ચાલો રસોડામાં’ આજે પણ લોકપ્રિય છે.
હવે તો કેટલાય લોકોએ ભારતીય અને બીનભારતીય, શાકાહારી અને માંસાહારી, વિગન અને
ડાયટ ફૂડના પુસ્તકો પ્રકાશિત કર્યા છે, પરંતુ હવે પુસ્તકોને બદલે યુટ્યુબ ઉપર રેસિપી જોઈને રસોઈ
બનાવનાર લોકોની સંખ્યા વધતી જાય છે. સંસ્કૃતમાં જે 64 કળાઓનો ઉલ્લેખ છે એમાંથી એક પાકકલા
અથવા પાકશાસ્ત્ર પણ છે. 64માંથી પણ અતિપ્રસિધ્ધ 14 શાસ્ત્રોમાંથી એક પાકશાસ્ત્ર છે. સંસ્કૃત
નાટકોમાં ‘રસોઈની કળા’ ને ‘સૂદશાસ્ત્ર’ તરીકે ઓળખવામાં આવે છે અને રસોઈયાના ‘સૂપકાર’ તરીકે
ઓળખવામાં આવે છે. વેદ ઉપનિષદ અને પુરાણોમાં સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ભોજન મહત્વનું છે એમ
કહેવામાં આવ્યું છે. પૃથ્વી ઉપર વિવિધ પ્રકારનું અનાજ, ઔષધિ, મસાલા ઉત્પન્ન થાય છે અને એમાંથી
માણસના રજસતમસ અને સત્વ ગુણો પોષાય છે. સંસ્કૃતના 64 કળાઓના પુસ્તક (ડૉ. હર્ષદેવ માધવ
અને રવીન્દ્રકુમાર ખાંડવાલા સંપાદિત)માં ડૉ. રવીન્દ્રકુમાર પંડા લિખિત એક લેખમાં પાકશાસ્ત્રની કલાને
વિજ્ઞાન અને કલાના સંયોજન તરીકે રજૂ કરવામાં આવી છે. ‘માનસોલ્લાસ’માં પંચવિધ આહારનું વર્ણન
છે અને અન્નના પ્રકાર આ પ્રમાણે વર્ણવેલા છે.
कृष्टपच्य अकृष्टपच्य अकृष्टच्याः खलु यत्र संस्याः ।
सुखद्यान, समिद्यान, शाकान्न, फलम्, सूव्यम् पायोवर्ग, मांसवर्ग, मद्यवर्ग।
(મદ્ય એટલે શરાબને પણ અન્ન એટલે કે ફૂડમાં ગણવામાં આવે છે.) હજી હમણા જ ગુજરાત
હાઈકોર્ટમાં એક પિટિશન કરવામાં આવી છે જેમાં શરાબને ફૂડ ગણાવીને માણસને જે ખાવું હોય તે
ખાવાનો બંધારણીય અધિકાર મળવો જોઈએ એવી દલીલ રજૂ કરવામાં આવી છે!
રસોઈના અથવા રાંધવાના પ્રકારો કયા કયા છે એ વિશે પણ સંસ્કૃતમાં આપણને વિગતો મળે છે.
थालनम्-drying, क्वाथनम्-Parboiling, पचनम्-Cooking in Water, स्वेदनम्-Steaming,
भविता-Seasoning, भर्जनम्-Frying, भ्रस्जनम्-dry rosting, थण्डुरम्-grilling એટલે એ
સમયે પણ જુદા જુદા પ્રકારની રસોઈ પ્રચલિત હતી. માત્ર રસોઈ જ નહીં, પરંતુ પીરસનાર વ્યક્તિ કેવી
હોવી જોઈએ એના વિશે પણ આપણને સંસ્કૃતમાં શ્લોક મળે છે.
स्नाता विशुद्धवदना नवधूपिताङ्गी
कर्पूरसौरभमुखी नयनाभिरामा ।
बिम्बाधरा शिरसि बद्धसुगन्धपुष्पा
मन्दस्मिता क्षितिभृतां परिवेषिका स्यात् ।
નાહેલી, ચોખ્ખું મોઢું ધરાવતી, જેના શરીરમાંથી સુગંધ આવતી હોય અને આંખોમાં શાતા હોય,
જેના વાળ બાંધેલા હોય અને એમાં ફૂલ હોય, ચહેરા પર સ્મિત હોય, એવી સ્ત્રી પીરસવા આવે તો
ગમે…ખાવાનો ક્રમ શું હોવો જોઈએ એ વિશે પણ સંસ્કૃતમાં શ્લોક છે.
आदौ मधुरमश्नीयान्मध्ये तु लवणाम्लकम् ।
अन्त्ये तिक्तं कषायं च कटुकं चापि भक्षयेत् ।
यथारुचि यथासात्म्यं सुखं भुज्जीत भूपतिः ।।
સૌથી પહેલાં ગળ્યું, ખારું વચ્ચે અને અંતે તીખું અથવા કડવું ખાવું જોઈએ. તેમ છતાં, જેની
જેવી ઋચિ હોય તેવું ખાવું, પરંતુ આત્માને આનંદ થાય એ રીતે સુખથી અને રાજાની જેમ ખાવું જોઈએ.
જેમ રાંધવું એક કળા છે એવી રીતે ભોજનને આનંદથી આરોગવું એ પણ એક કળા છે કારણ કે,
બુધ્ધ અને તાઓમાં ઈટિંગ ઈઝ એ મેડિટેશન. ખાવું એ પણ એક પ્રકારના ધ્યાનનો ભાગ છે. ભોજન
આપણા શરીરમાં પ્રવેશતી ઊર્જા છે જેમ પ્રાણાયામથી આપણા શરીરનું રૂધિરાભિસરણ (બ્લડ સર્ક્યુલેશન)
સુધરે છે એવી જ રીતે સારા, સુપાચ્ય અને આનંદથી ખાધેલા ભોજનથી આપણું પાચનતંત્ર સુધરે છે
અને શરીરમાં લોહી બને છે, પોષણ મળે છે. જો ભોજન યોગ્ય નહીં હોય કે ખાતી વખતે મનઃસ્થિતિ
યોગ્ય નહીં હોય તો ભોજનમાંથી લોહી બનવાને બદલે વિષ બનશે એવું સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે.
રાંધનારી વ્યક્તિ આનંદમાં હોય અને રાંધતી વખતે એના મનમાં પોઝિટિવ ઊર્જા હોય એ પણ અત્યંત
જરૂરી છે કારણ કે, રસોઈ બનાવનાર વ્યક્તિ જો સારા મૂડમાં નહીં હોય અને એના મનમાં ક્લેશ હશે તો
રસોઈના સ્વાદ અને એની ઊર્જાના વહન ઉપર અસર થયા વગર રહેશે નહીં. ગૃહિણી તરીકે જો આપણે
આપણા સંતાન અને પરિવારનું સ્વાસ્થ્ય ઈચ્છતા હોઈએ તો રસોઈ બનાવતી વખતે ક્યારેય ક્લેશ કરવો
નહીં, વાસણ પછાડવા નહીં કે ઉશ્કેરાટ સાથે રસોઈ બનાવવી નહીં.
ભોજન પેટ્રોલ જેવું છે, જો ગાડીમાં પેટ્રોલ ખરાબ જશે તો ગાડીના મશીનને નુકસાન થશે એવી
જ રીતે, યોગ્ય ભોજન શરીરમાં નહીં નાખવામાં આવે તો શરીર નામના આ યંત્રને ભારે નુકસાન થશે.
તબીબી વિજ્ઞાન હોય કે આયુર્વેદ, સંસ્કૃતના સુભાષિત હોય કે આપણા વડીલો, અંતે તો બધા એક જ વાત
કહે છે, રાંધતી વખતે મન આનંદમાં રાખવું જેથી આપણે એક પોઝિટિવ ઊર્જાને જન્મ આપીએ અને એ
ભોજનમાંથી આપણા પરિવારને, પોઝિટિવ ઊર્જા મળે. ખાતી વખતે ક્લેશ ન કરવો, ઉચાટ ન કરવો.
સ્વજન અને પ્રિયજન સાથે બેસીને કરવામાં આવેલું ભોજન, એના રસ અને સ્વાદ સાથે સુપાચ્ય બને છે
એવું પણ સંસ્કૃત સુભાષિત કહે છે.
છેલ્લા કેટલાય વખતથી આપણે જોઈએ છીએ કે, પરિવારમાં સાથે બેસીને ભોજન કરવામાં
આવતું નથી. પરિવાર જ્યારે સાથે બેસીને ભોજન કરે છે ત્યારે એકબીજાના વિચારો અને દિવસ
દરમિયાન બનેલી ઘટનાઓ વિશે વાતચીત કરવાની સગવડો રહે છે. આ વાતચીતમાંથી પારિવારિક સ્નેહ
જન્મે છે અને બોન્ડ મજબૂત થાય છે. ભોજનની પહેલા પ્રાર્થના કરવાથી પેટમાં જતું અન્ન કુદરત અને
એ ભોજન ઊગાડનાર-બનાવનાર પરત્વેનો આપણો આદર વ્યક્ત કરે છે. ભોજન બાદ આભાર
માનવાથી આપણને ફરી આવું જ સારું ભોજન પ્રાપ્ત થાય એવી લાગણી અભિવ્યક્ત થઈ શકે છે.
આપણે રોજ કેટલી આસાનીથી અને ઉતાવળમાં મોબાઈલ ચેક કરતા કે ટીવી જોતા જમી લઈએ
છીએ… ક્યારેય વિચાર્યું છે ખરું? કે આપણે આપણા શરીરમાં ભોજન સ્વરૂપે જે નાખી રહ્યા છીએ તે
આપણા સ્વાસ્થ્ય, સંબંધો અને બુધ્ધિ અને ચૈતન્યને પહોંચાડવામાં આવતી ઊર્જા છે.