‘કોન્ડોમ એટલે શું?’ બાર વર્ષના એક બાળકે જાહેરાત જોઈને માને પૂછ્યું. ટીવી જોઈ
રહેલા મા અને પિતા બંને ઝંખવાઈ ગયા, ‘એ તો છે ને…’ શું જવાબ આપવો એ એમને સૂઝ્યો
નહીં. આડી-તેડી, ગોળ ગોળ વાત કરીને એમણે એ વખતે તો વાત ટાળી દીધી, પરંતુ બાર વર્ષના
બાળકે ‘કોન્ડોમ’ શબ્દ પર સર્ચ કર્યું અને એ પોર્નના ચક્કરમાં પડી ગયો.
આવું ઘણા ઘરમાં, ઘણી વખત બનતું હશે! આપણા સમાજમાં-કોઈપણ ભાષા બોલતા
ભારતીય પરિવારોમાં કેટલાંક વિષયો વિશે વાત કરવાનો ટેબૂ છે. આપણને લાગે છે કે, આપણી
સંસ્કૃતિમાં માતા-પિતા અને સંતાન, પતિ-પત્ની કે સ્ત્રી-પુરુષ વચ્ચે કેટલીક વાતો-બાબતોની
ચર્ચા ન જ થઈ શકે, સેક્સ એમાંનો એક મહત્વનો મુદ્દો છે. ખજુરાહોના શિલ્પ કે કામસૂત્રનો આ
દેશ છે. આજે છોકરીઓ ઓફ શોલ્ડર પહેરે છે, આજથી સદીઓ પહેલાં આપણે ત્યાં કંચૂકી અને
કટી વસ્ત્રો પહેરવાની પ્રથા હતી. ગાર્ગી, અપાલા, ઘોષા જેવી વિદ્વાન સ્ત્રીઓ હતી અને પાંચ
પતિ સાથે લગ્ન કરીને ‘સતી’ કહેવાતી દ્રૌપદી પણ આ જ દેશમાં જન્મી છે તેમ છતાં જેને
આપણે આઝાદી પહેલાંના ‘અંધકાર યુગ’ તરીકે ઓળખીએ છીએ એ સમયમાં આપણે માનસિક
રીતે પછાત થયાં. જે દેશમાં પ્રશ્નોત્તરીને આધારે ‘ઉપનિષદો’ લખાયા છે એ દેશમાં પ્રશ્ન પૂછવા
સામે વિરોધ ઊભો થયો. કેટલાંક પ્રશ્નો વિશે એક એવો સંકોચ જન્મ્યો, જેને કારણે આપણે
ખૂલીને ‘ભારતીય સંસ્કૃતિ’ કે પછી ‘સંસ્કાર’ અને ‘મર્યાદા’ના લેબલ નીચે આપણા બાળકો સાથે,
પતિ-પત્ની તરીકે એકબીજા સાથે કે પછી ક્યારેક મિત્રો અને સામાજિક સ્તરે પણ અમુક બાબતો
વિશે વાત નથી કરતા. સત્ય તો એ છે કે આ બાબતો વિશે ખૂલીને વાત થવી જોઈએ. બાળકને
એના કુતૂહલના જવાબો ઘરમાંથી જ મળવા જોઈએ અને કુતૂહલ સંતોષવા માટે માતા-પિતાથી
મોટો ગુરૂ કોઈ નથી… પરંતુ, જે આપણી સંસ્કૃતિ જ નથી એને કેટલાંક સંકુચિત દિમાગના મોરલ
પોલીસોએ આપણા મગજમાં સંકોચ બનાવીને ઘૂસાડી દીધી.
એક સર્વે કહે છે કે, સો ભારતીય દંપતિઓમાંથી 87 જેટલા દંપતિ શારીરિક સંબંધો
વખતે વસ્ત્ર ઉતારતા નથી એટલું જ નહીં, કોને શું ગમે છે, સંતોષ થાય છે કે નહીં એ વિશે
એમની વચ્ચે જીવનભર વાત નથી થતી! એવી જ રીતે નવાઈની વાત એ છે કે, માતા-પિતા
ઘરમાં ઝઘડતા હોય એ દ્રશ્ય જોઈને બાળક ઉપર ‘ખરાબ’ સંસ્કાર પડે એવો આપણને વિચાર
નથી આવતો, પરંતુ સંતાનોની હાજરીમાં પોતાનો પ્રેમ કે વહાલ પ્રગટ કરતાં માતા-પિતાને સંકોચ
પ્રગટ થાય છે. અમુક ઉંમર પછી ભેટવું, ચૂંબન કરવું કે એકમેકને વળગીને સૂવા જેવી બાબતને
પણ ‘સેક્સ’ સાથે જોડીને એને ‘આ ઉંમરે કરાય કે?’ જેવા પ્રશ્નો સાથે જોડીને એકમેકની
ઈમોશનલ જરૂરિયાતને હડસેલી દેવામાં આવે છે. આપણે બધા જ્યાં જરૂર નથી ત્યાં પશ્ચિમને
અનુસરીએ છીએ, અને જ્યાં ખરેખર પશ્ચિમનું અનુકરણ કરવું જોઈએ ત્યાં આપણે ‘ભારતીય
સંસ્કૃતિ’ને વચ્ચે લાવીને બીનજરૂરી ટેબૂ ઊભા કરીએ છીએ!
મોટું થતું સંતાન વિજાતિય વ્યક્તિ પરત્વે આકર્ષાય કે હવેના જમાનામાં સેલફોન પર વાત
કરે, મેસેજિંગ કરે કે એને વિજાતિય મિત્રો સાથે પાર્ટીમાં જવું ગમે ત્યારે માતા-પિતા ‘આવું બધું
આપણને ન શોભે’ કહીને, એના ઉપર બીનજરૂરી બંધનો લાદે છે-પરંતુ, ત્યારે એ માતા-પિતા
ભૂલી જાય છે કે એ પોતે પણ એકવાર ટીનએજમાં હતા, કદાચ એમને પણ ક્યારેક કોઈ ગમતું
હતું… કેટલાંકને તો આજે પણ, પોતાનું પ્રિય પાત્ર ન મળ્યાનો અફસોસ છે તેમ છતાં સંતાનની
સ્વાભાવિક લાગણીઓને રૂંધી નાખવાનું કામ આવાં માતા-પિતા મર્યાદાના નામે કરવાનો પ્રયાસ
કરે છે, પરંતુ એ પછી સંતાન જુઠ્ઠું બોલે છે, ખોટે રસ્તે જાય છે અને માતા-પિતા માટે એવી
સમસ્યા ઊભી થાય છે જેમાં ઉકેલ શોધવો ક્યારેક અસંભવ તો ક્યારેક અઘરો બની જાય છે.
પુરુષો એકલા હોય ત્યારે કે શરાબ પીને, બેચલર્સ પાર્ટીમાં ગંદામાં ગંદા જોક્સ ઉપર હસી
શકે છે, નોનવેજ જોક્સની પાર્ટી થાય છે… પરંતુ, એ જ વાત પોતાની સહધર્મચારિણી કે પત્ની
સાથે શેર ન થઈ શકે એવું માનનારા પુરુષોની સંખ્યા બહુ મોટી છે. એવી જ રીતે સ્ત્રીઓ પણ
સેક્સ વિશે વાત કરતાં અચકાતી નથી, જ્યારે એકલી હોય ત્યારે-પરંતુ, પોતાના જ જીવનસાથીને
પોતાના ગમા-અણગમા કહેતી વખતે એમને ‘મર્યાદા’ નડે છે! આને કારણે ‘સેક્સ’ માત્ર ગંદો,
વિકૃત કે બિભત્સ શબ્દ બનીને રહી ગયો છે, એનો શૃંગાર, સૌંદર્ય, નજાકત કે એની સાથે
જોડાયેલી સંવેદનશીલતા અને સર્જનાત્મકતાની પ્રક્રિયા, કલા કે સંતુષ્ટી જેવા શબ્દો વિશે આપણે
સૌએ આંખો મીંચી દીધી છે.
કહેવાનું તાત્પર્ય એ નથી કે, બધી જ વાતો ઉઘાડી, ગંદી અને બિભત્સ રીતે ચર્ચાવી
જોઈએ… મુદ્દો એ છે કે, સંતાનનું કુતૂહલ સંતોષતી વખતે માતા-પિતાએ સંકોચ રાખ્યા વગર
એમની ગરિમા અને સંતાનની ઉંમર સમજીને એના તમામ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ.
પતિ-પત્નીએ એકમેક સાથે ખૂલીને વાત કરવી જોઈએ. મિત્રો વચ્ચે માત્ર દ્વિઅર્થી જોક્સ તરીકે
નહીં, પરંતુ એક ગરિમા અને શૃંગારપૂર્ણ રીતે પણ સેક્સ વિશે વાત થઈ શકે…
જેને આપણે ‘સંસ્કૃતિ’ કે ‘મર્યાદા’ના દંભી લેબલ નીચે દબાવી દઈએ છીએ એ એક
અત્યંત પ્રાકૃતિક અને શૃંગારપૂર્ણ, સુંદર બાબત છે… લેટ્સ ટોક, ધ ટેબૂ ટોક્સ!