‘મને ત્રણ મૂલ્યવાન ભંડાર પ્રાપ્ત થયા છે, જેને હું જતનપૂર્વક ધારણ કરું છું – પ્રથમ છે પ્રેમ,
બીજાનું નામ છે કરકસર અને મધ્યમમાર્ગ અને ત્રીજો છે, બીજાઓની આગળ નીકળવાનું સાહસ ન
કરવું. સતત આગળ ને આગળ દોડતા રહેવું એનો અંજામ છે ફક્ત મૃત્યુ.’
આ શબ્દો છે લાઓત્સેના. આજથી 2600 વર્ષ પૂર્વે દુનિયાને ચીન પાસેથી ભેટ મળેલા આ
સરળ સુંદર પુસ્તકનું નામ ‘તાઓ-તેહ-ચિંગ’. લાઓત્સેનો જન્મ ઈ.સ. પૂર્વે 563માં કોન્ફ્યૂશિયસ
551માં અને ભગવાન મહાવીરનો જન્મ પણ એ જ સમયગાળામાં સોક્રેટિસ અને જરથ્રુષ્ટ પણ એ
જ સમયગાળાની આસપાસ જન્મ્યા હોવાનું માનવામાં આવે છે. ઈ.સ. પૂર્વેની પાંચમી-છઠ્ઠી
સદીમાં વિશ્વને અનેક ફિલોસોફર્સ મળ્યા, નવા ધર્મ મળ્યા, નવા વિચાર મળ્યા એટલે એ સદી
ફિલોસોફિકરી બહુ સમૃદ્ધ સદી માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે ‘તાઓ’ કોઈ ધર્મ છે,
ખરેખર એ ગ્રંથ છે. એમાં જીવન જીવવાની કળા શીખવવામાં આવી છે. જીવનના નાના નાના, પરંતુ
મહત્વના એવા મુદ્દા આ ગ્રંથમાં આવરી લેવાયા છે જે આજથી 2600 વર્ષ પહેલાં લખાયા હોવા
છતાં પણ જાણે કે આજના સંદર્ભે લખાયા હોય એવા લાગે છે!
ચીનની ભાષા ચિત્ર ભાષા છે. કાગળની શોધ થઈ તે પહેલાં સામાન્ય રીતે આપણે ત્યાં પાંદડા
ઉપર, ઝાડની છાલ ઉપર અને ચીનમાં વાંસની તક્તીઓ ઉપર લખવામાં આવતું. એ તક્તીઓને
ચામડાની દોરી કે પટ્ટીઓ વડે બાંધવામાં આવતું. જે પુસ્તક સ્વરૂપે તૈયાર થતું. આ તક્તીઓ એક
પછી એક પેઢીને વારસામાં મળતી ગઈ, પરંતુ આ તક્તીઓ આગળ-પાછળ થવાને કારણે કેટલીકવાર
પુસ્તકના ક્રમમાં કે વાતમાં ફેરફાર થઈ જતા. ‘તાઓ-તેહ-ચિંગ’ પ્રમાણમાં વધુ પ્રાચીન અક્ષરોથી
લખાયું છે. એને કારણે કદાચ આ પુસ્તક વધુ ગૂઢ અને સમજવામાં વધુ અઘરું પૂરવાર થયું. આ
પુસ્તકની મૂળ ટેક્સ્ટ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે, પરંતુ એમ કહેવાય છે કે વાંગ પિની
આવૃત્તિ સૌથી જૂની અને સૌથી ઓથેન્ટિક છે. સમય સાથે વાંગ પિ ફૂ યી, પિ હ્યુહન, વાંગ નિહન-
સૂન, માશ્વી-લૂન, લૉચેન-યૂ જેવા અનેક વિદ્વાનોએ સંશોધનો કરીને અંતે તાઓ-તેહ-ચિંગની એક
આવૃત્તિ આપણા સુધી પહોંચાડી છે. અંતે શએન ચૂએ 1930માં શાંઘાઈમાંથી પહેલીવાર આ
પુસ્તકનું યોગ્ય રીતે પ્રકાશન કર્યું.
લાઓત્સેનો જન્મ ચીનના રચ્યુ પ્રદેશમાં ઈ.સ. પૂર્વે 604માં થયો હોવાનું એક અનુમાન છે.
લાઓત્સે વિશે, એના જીવન વિશે અતિ અલ્પ માહિતી જ ઉપલબ્ધ છે. ચાળીસ વર્ષની ઉંમરે તે
ખાનગી દફ્તરના ઈતિહાસ-લેખક તરીકે ગ્રંથપાલ તરીકે જોડાયો. ત્યાર બાદ તુરતમાં જ તેની
વિદ્વત્તા, સાધુતા અને જ્ઞાનની વાતો સર્વત્ર પ્રસરવા લાગી. તેણે આ સરકારી ફરજ ખૂબ જ
નિષ્ઠાપૂર્વક બજાવી. જ્યારે તેણે જોયું કે ચાઓનું રાજ્ય હવે ભાંગતું જાય છે ત્યારે તે દેશ છોડીને ચાલી
નીકળ્યો. સરહદ પરનો અમલદાર તેના શિષ્ય જેવો જ હતો. એ અમલદારને થયું કે આવા
મહાપુરુષનાં દર્શન કદાચ ફરી ન પણ થાય, આથી એણે લાઓત્સેને કહ્યું, ‘તમે મને તમારો ઉપદેશ
લખીને આપો, પછી જ તમને સરહદ બહાર જવા દઈશ.’ લાઓત્સેનો સરસામાન તપાસાય એ
દરમિયાન જ એ અમલદારશિષ્યના આગ્રહને વશ થઈને જે વિચારો લાઓત્સેએ લખી આપ્યાં, એ
‘તાઓ-તેહ-ચિંગ’. વિચારીએ તો સમજાય કે સરસામાન તપાસતા કેટલીવાર લાગી હશે! એટલા સમય
દરમિયાન જો કોઈ એક વ્યક્તિ આટલા અદભુત વિચારો અભિવ્યક્ત કરી શકે તો એની ભીતર જ્ઞાનનો
કેવો મહાસાગર ઘૂઘવતો હશે!
તાઓ-તેહ-ચિંગની બીજી એક મહત્વની વાત એ છે કે, એના એક જ વાક્યમાંથી અનેક અર્થો
જડી આવે છે. દરેક વ્યક્તિ પોતાના સંદર્ભમાં જે-તે વાક્યનો અર્થ કરીને પોતાના જીવન, અનુભવ,
જ્ઞાન અને સમય પ્રમાણે તાઓના વિચારો પોતાની રીતે સમજી શકે. એ આ ગ્રંથની મહાન ઉપલબ્ધિ
છે. આ ગ્રંથના અનેક ભાષ્યો અનુવાદો થયા છે, જેમાં કિશોર ગોહિલે 2002માં પ્રથમ આવૃત્તિ બહાર
પાડી હતી, એ અનુવાદ રસપ્રદ અને મૂળ પ્રતની ઘણો નિકટ લાગે છે.
દુનિયામાં બધા સૌંદર્યને સુંદર તરીકે જાણવા લાગે,
ત્યારે જ અસ્તિત્વ છે વિરૂપતાનું.
બધા સારપને સારી ગણવા લાગે,
ત્યારે જ અસ્તિત્વ છે બૂરાઈનું.
ઊંચામાં ઊંચો સદગુણ છે પાણી જેવો,
પાણી બધી વસ્તુઓ માટે ઉપકારક,
પરંતુ ના રાખે કોઈ અપેક્ષા.
જે સ્થાનથી
બીજા દૂર ભાગે ત્યાં પણ તે રહે,
તેથી જ તે નિકટ તાઓથી.
છે નહીં કોઈ અપેક્ષા,
એટલે છે નહીં કોઈ નામોશી.
આત્માને ભટકતો રોકી
હંમેશાં એકાગ્ર રાખી શકો છો?
શ્વાસને નિયમનમાં રાખી
શિશુ સમાન કોમળ
અને નરમ બની શકો છો?
અણધાર્યાને પ્રતિસાદ આપી, મુક્ત થઈ,
દોષથી પર બની શકો છો?
પ્રજા માટે પ્રેમ રાખી
અકર્મ દ્વારા રાજ્યશાસન કરી શકો છો?
માદાની જેમ પ્રકૃતિનાં દ્વાર ઉઘાડ-બંધ કરી શકો છો?
પ્રબુદ્ધ થઈને જાણકારી વિના પણ બધે ઊંડાણમાં
પ્રવેશી શકો છો?
તમારાથી વધુ નિકટ શું? કીર્તિ કે તમે સ્વયં?
તમને વધુ વહાલું શું? તમે સ્વયં કે સંપત્તિ?
તમારા માટે વધુ અનિષ્ટ કોણ લાવે? લાભ કે નુકસાન?
એટલે જે જાણે સંતોષને, તે ના થશે કદી માનભંગ,
જે જાણે કે ક્યાં અટકી જવું, તે ના થશે કદી નાશવંત,
લાંબો કાળ તે ટકી રહેશે.
તાઓના સૂત્રોમાં સાદગી, સંતોષ, કરુણા, સંયમ, મધ્યમમાર્ગ જેવી બાબતોનું મહત્વ
સમજાવવામાં આવ્યું છે. એ સમયે તાઓનું માર્ગદર્શન સૌએ સ્વીકાર્યું. ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીમાં હન
વંશના રાજાઓ રાજ કરતા હતા ત્યારે એમાંના મોટાભાગના તાઓના અનુયાયી બન્યા. આજે જેમ
મોદી સાહેબે ગીતા શિક્ષણનો ભાગ બનાવી તેમ તાઓ-તેહ-ચિંગને શાળામાં અથવા શિક્ષણના પુસ્તક
તરીકે સ્વીકારવામાં આવી. એ વખતે લાઓત્સે 87 વર્ષના હતા અને કોન્ફ્યૂશિયસ એમના 30-35
વર્ષની ઉંમરમાં હતા. કોન્ફ્યૂશિયસે તાઓના સૂત્રોને બદલવાનો ગંભીર પ્રયાસ કર્યો. જેને કારણે સમય
જતાં આ સૂત્રો એના પછીની પેઢી સુધી પહોંચ્યા નહીં. કન્ફ્યૂશિયસે સંપાદિત કરેલી પ્રાચીન
કૃતિઓમાં તાઓ-તેહ-ચિંગનો સમાવેશ ન કર્યો એટલું જ નહીં, એના સિદ્ધાંતો પોતાના સિદ્ધાંતોથી
અલગ પડતા હોવાને કારણે એમણે પોતાના અનુયાયીઓને તાઓ-તેહ-ચિંગ ન વાંચવાનો, એના સૂત્રો
વિશે ન વિચારવાનો આદેશ આપ્યો.
કદાચ એ જ કારણસર આ ગ્રંથને એવી પ્રસિદ્ધિ કે અમરત્વ ન મળી શક્યું, પરંતુ આ ગ્રંથ
જીવનના કેટલાક એવા પાસાં ઉપર પ્રકાશ ફેંકે છે જેના વિશે આપણે જાણીએ તો છીએ, પરંતુ સજાગ
રીતે વિચારતા કે જીવનમાં ઉતારતા નથી.