તેરે બારે મેં જબ સોચા નહીં થા…

જગજિત સિંઘજીના એક આલ્બમ ‘સહર’માં મેરાજ ફૈઝાબાદીની ગઝલ છે, જેના શબ્દો છે,
‘તેરે બારે મેં જબ સોચા નહીં થા, મેં તન્હા થા મગર ઈતના નહીં થા…’

આપણે સામાન્ય રીતે એકલા હોવાની ફરિયાદ ત્યારે કરીએ છીએ જ્યારે આપણી સાથે કોઈ
નથી હોતું. મોટાભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે, એમને સંબંદો સાચવતા આવડતું નથી અને
એકલા રહેવાની ટેવ નથી. સંબંધો બાંધતી વખતે ધસમસતા પૂરની જેમ ધસી જતા આવા લોકો એ
વખતે ‘તુ જો બોલે હાં તો હા, તુ જો બોલે ના તો ના’ ના વચનો આપતાં અચકાતાં નથી, પરંતુ થોડા
જ સમયમાં એમને સમજાઈ જાય છે કે એમણે ‘ઓવર કમિટ’ કરી નાખ્યું છે! આ માત્ર સ્ત્રી-પુરુષ
સંબંધની વાત નથી, મિત્રો, પારિવારિક સંબંધો, ઓળખીતા કે સગાં સ્નેહીઓમાં પણ આ સમસ્યા
નડે જ છે. આપણે બધા કાં તો પ્રેમ અને કાં તો નફરતના બે અંતિમોની વચ્ચે ઝુલતા માણસો છીએ-
એક સમજદારીનો, સ્વીકારનો, ક્ષમાનો સમ્યક્ માર્ગ આપણને કદી સમજાયો જ નથી, કદાચ એટલે
મોટાભાગના લોકો એકલતાની એક વિચિત્ર મનઃસ્થિતિમાં ફરિયાદ કરતા, તરફડતા જીવ્યા કરે છે.

મેરાજ ફૈજાબાદીની ગઝલના આ શબ્દ રસપ્રદ એટલા માટે છે કારણ કે, એમણે શરૂઆત
ત્યાંથી કરી છે જ્યાં એ કહે છે, ‘તેરે બારે મેં જબ સોચા નહીં થા…’ એક અર્થમાં વિચારીએ તો
સમજાય કે, જ્યાં સુધી આપણે પ્રેમનો, મિત્રતાનો, સ્નેહનો, વહાલનો, લાડનો, લાગણીનો કે
કંપનીનો અનુભવ ન કર્યો હોય ત્યાં સુધી આપણને એની ખોટ સાલતી નથી. એકવાર એ સંબંધ-
મિત્રતા કે પ્રેમ ભરપૂર માણી લીધા પછી જ્યારે એમાં ઓટ આવવા લાગે છે ત્યારે સમજાય છે કે
આપણા જીવનમાં શું ખૂટે છે! એના બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે જ્યાં સુધી ઈશ્વર વિશે,
એની સાથેના આપણા સંબંધ વિશે પરમતત્વના અસ્તિત્વ વિશે આપણે વિચાર્યું નહોતું ત્યાં સુધી
આપણને સમજાયું જ નહોતું કે, આપણા અસ્તિત્વની અધૂરપનું કારણ શું છે! ઈશ્વરની અનુભૂતિ કે
પરમતત્વ સાથેના અનુસંધાન પછી જ સમજાય છે કે, જેને આપણે એકલતા માનીએ છીએ એ તો
એકાંત છે, જેને આપણે લોન્લીનેસ કહીએ છીએ એ તો, સોલિટ્યૂડ છે!

છેલ્લા થોડા સમયથી આપણે એવા ઘણા લોકોને મળ્યા છીએ જે બોરિયતની, કંટાળાની
ફરિયાદ કરતા જોવા મળે છે. એમના જીવનમાં બધું જ હોય તેમ છતાં એમને કશાંયમાં મજા નથી
આવતી. બ્રાન્ડ્સ ખરીદવી, મિત્રો સાથે ડિનર્સ પર જવું, વિદેશ પ્રવાસ કરવા… એ બધું કરી લીધા
પછી પણ એમને ક્યાંક લાગે છે કે, એમના જીવનનું કોઈ ધ્યેય નથી-લક્ષ્ય નથી. એ જે કંઈ કરી રહ્યા
છે તે કંટાળાજનક એટલા માટે લાગે છે કારણ કે, આ બધી પ્રવૃત્તિ રોજિંદા જીવનમાંથી બચવા
માટેનો એક નાનકડો એસ્કેપ હોઈ શકે, પરંતુ જ્યારે આ મોજમજા, શોખ, પ્રવાસ, ખરીદી જ રોજિંદુ
જીવન બની જાય ત્યારે એ ભયાનક કંટાળાજનક અને અર્થહીન બની જાય છે. આવા લોકોને ‘કોઈ’ની
કંપની ગમતી નથી, એમને હંમેશાં શંકા રહે છે કે, એમની સાથે સંબંધ રાખનારા મોટાભાગના લોકો
એમના પૈસા, પાવર કે પોઝિશનને કારણે એમની સાથે સંબંધ રાખે છે! નવાઈની વાત એ છે કે,
આનાથી મોટી લઘુતાગ્રંથિ બીજી કોઈ નથી, કારણ કે જો આપણને જ એમ લાગતું હોય કે, આપણી
કંપની રસપ્રદ નથી તો આપણાથી વધુ ગરીબ અને મૂર્ખ બીજું કોઈ નથી. જે લોકો સતત એકલતા કે
બોરિયતની ફરિયાદ કરે છે, સતત કંપની શોધે છે એ કંપની શોધવા માટે વળી પાછા ભેટ-સૌગાદ અને
અને લોભ-લાલચના ગાજર લટકાવે છે, એ લોકોએ એવું સમજી લેવું જોઈએ કે જો એમને પોતાને
જ ‘પોતાની કંપની’ નથી ગમતી-એ એકલા નથી રહી શકતા કારણ કે, પોતે જ પોતાની કંપની નથી
બની શકતા-તો બીજાને એમની કંપની કેવી રીતે ગમશે? ક્યાં સુધી ગમશે?

આ જ ગઝલનો એક બીજો શે’ર છે, ‘જેમાં ગઝલકાર કહે છે, તેરી તસવીર સે કરતા થા
બાતેં, મેરે ઘર મેં આઈના નહીં થા.’ આને પણ બે રીતે જોઈ શકાય. એક, કે માણસ પોતે જ પોતાની
સાથે વાત કરી શકે તો એણે અન્ય કોઈની સાથે વાત કરવા માટે ફાંફા ન મારવા પડે. માણસ પોતે જ
જાણે પોતાના સિક્રેટ કિપર, એડવાઈઝર, ગાઈડ કે દોસ્ત બની જાય ત્યારે એનાથી વધુ અમીર અને
એનાથી વધુ મજબૂત વ્યક્તિ બીજી કોઈ હોઈ શકે જ નહીં. ભૂપત વડોદરિયાએ પોતાના એક લેખમાં
લખ્યું છે, ‘આપણે જ્યારે કોઈ એક વ્યક્તિનો વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે એનું અને આપણું
પોતાનું સન્માન કરીએ છીએ. એવી જ રીતે જ્યારે પૂરું જાણ્યા વગર કોઈના પર શંકા કરીએ છીએ
ત્યારે એનું અને આપણું બંનેનું અપમાન કરીએ છીએ.’ આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે આપણે
સૌથી પહેલાં આપણા પર વિશ્વાસ કરીએ. આપણી પોતાની માનસિક સ્વસ્થતા ઉપર, નિર્ણયશક્તિ
ઉપર અને પરિણામ ભોગવવાની સહનશક્તિ ઉપર જ્યારે આપણને ભરોસો પડે ત્યારે જ આપણે
આપણી પોતાની તસવીર-આઈના સાથે વાતો કરતા થઈએ છીએ. ‘દર્પણ’ને દર્પ-અહંકારના એક
હિસ્સા તરીકે પણ જોવામાં આવે છે, કદાચ એટલે જ એ નાજુક છે-તરત તૂટી જાય છે. તૂટેલા દરેક
ટુકડામાં પણ જ્યારે માણસને પોતાની તસવીર દેખાવા માંડે ત્યારે એને સમજાય છે કે, એના તૂટેલા
અહંકાર અથવા દર્પની સાથે એ પોતે પણ અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયો છે!

વ્યક્તિ માત્રએ વચન આપતાં પહેલાં અને વચન માગતાં પહેલાં, એકવાર રિયાલિટી ચેકમાંથી
પસાર થવું જોઈએ. થઈ શકે એટલું જ કહેવું-બંને પક્ષે જરૂરી છે. આપણે જ્યારે સામેની વ્યક્તિ
પાસેથી ખૂબ બધી અપેક્ષા રાખતા થઈએ છીએ ત્યારે જ કદાચ, એ વ્યક્તિ અપેક્ષાઓ પૂરી નહીં કરી
શકવાની અકળામણમાં કે ક્ષોભમાં આપણને ત્યજી જતી હશે! કોઈના ગયા પછી જ સમજાય, કે જે
જતો રહ્યો તે બહુ અગત્યનો સંબંધ હતો અથવા કોઈ સંબંધના તૂટ્યા પછી, હાથ છૂટ્યા પછી
સમજાય કે જે ચાલી ગયું એ જ આપણે માટે ‘સુખ’ હતું એને બદલે સુખ અને કંપની માટે
‘આત્મનિર્ભર’ બનવાનો પ્રયત્ન કરીએ તો કેવું!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *