તેરી લાડકી મૈં, છોડુંગી ના તેરા હાથ…

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક પતિ-પત્ની ભાડેથી રહેવા આવ્યા. બંને જણા નોકરી કરતા હતા એટલે એમની નાનકડી દીકરીને સાચવવા માટે એમણે પડોશીને વિનંતી કરી. પડોશમાં રહેતા કિશોરભાઈ અને હંસાબહેન સ્નેહાળ દંપતી હતા. એમને પોતાને બે દીકરીઓ હતી. પોતાના સંતાનોની સાથે એમણે પડોશીની દીકરી વીરા ઉર્ફે તમન્નાને સાચવવાની જવાબદારી લીધી… તમન્નાના માતા-પિતા વચ્ચે ડિવોર્સ થયા, મા અન્ય વ્યક્તિ સાથે ચાલી ગઈ. પિતાએ થોડા દિવસ દીકરીને રાખી અને પછી “રાજસ્થાન જાઉં છું” કહીને ચાલી ગયેલા પિતા આઠ વર્ષ સુધી પાછા આવ્યા નથી !

કિશોરભાઈ અને હંસાબહેન એ બાળકીને ખૂબ આનંદથી અને સ્નેહથી સાચવી રહ્યા છે. કિશોરભાઈ કહે છે, “અમારે બે નહીં, ત્રણ દીકરીઓ છે. મારી આર્થિક સ્થિતિ બહુ સારી નથી, પરંતુ એથી કંઈ ફરક પડતો નથી !” માધુપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એ બાળકીની સ્કૂલ ફી ભરે છે અને એનો જન્મદિવસ ઉજવે છે. નવાઈની વાત એ છે કે એને જન્મ આપનાર માતા-પિતા એને મૂકીને ચાલી ગયા છે, અને જેની સાથે એને કોઈ લેવા-દેવા નથી એવા લોકો એને સ્નેહ અને વહાલથી અપનાવીને એની સાથે એક સંબંધ બાંધી ચૂક્યા છે !

છેલ્લા થોડા સમયથી આપણે ત્યજાયેલા બાળકોના કિસ્સા સાંભળતા રહીએ છીએ. મંદિરના પગથિયે, કચરાના ડબ્બામાં કે પ્લાસ્ટિકની થેલીમાં ત્યજાયેલા બાળકો મળતા રહે છે. 2019માં સરકારી હોસ્પિટલના ચાઈલ્ડ કેર વોર્ડમાં 600થી વધારે બાળકોના મૃત્યુ થયા છે. જેમાંના મોટાભાગના ત્યજાયેલા બાળકો હતા. બાળકના જન્મ પછી રાતોરાત માતા ચાલી જાય ત્યાંથી શરૂ કરીને પોતાના બાળકને ક્યાંક મૂકીને ચૂપચાપ સરકી જતી માતા કે પિતાના સરકારી આંકડા આપણી આંખો ઉઘાડી નાખે એવા છે. એક જ શહેરની સિવિલ હોસ્પિટલમાં, 2019ના એક જ વર્ષમાં 85 બાળકો ત્યજી દેવાયા હોવાનો રિપોર્ટ સરકારી ચોપડે રજિસ્ટર થયેલો છે. આના પરથી આખા દેશમાં કેટલા બાળકો ત્યજી દેવાતા હશે એનો અંદાજ લગાવી શકાય છે. 2019ના એક જ વર્ષમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ જેવા દરેક રાજ્યમાં દર વર્ષે 100 કરતા વધારે બાળકો ત્યજી દેવાય છે. મહારાષ્ટ્રના વાત્સલ્ય ધામમાં 2011થી 2016ની વચ્ચે ત્યજાયેલા 207 બાળકોને અપનાવી લેવાયા. દીદીમા તરીકે ઓળખાતા ઋતુંભરાદેવીના મથુરાના વાત્સલ્યગ્રામ આશ્રમમાં પણ 200થી 250 બાળકો સતત હોય છે. જેમાંના કેટલાક દત્તક આપી દેવાય છે, તો કેટલાક મોટા થઈને પોતાની જિંદગી જીવે છે. નવાઈની વાત એ છે કે આમાં મોટાભાગની દીકરીઓ છે. આનું કારણ શું ? એવો સવાલ જ્યારે આપણે સમાજને પૂછીએ છીએ ત્યારે સમજાય છે કે દુનિયા ગમે તેટલી આગળ વધી જાય, આપણે વિકાસની ગમે તેટલી વાતો કરીએ, પરંતુ આજે પણ મોટાભાગના માતા-પિતા એવું માને છે કે વૃદ્ધાવસ્થામાં દીકરો જ એમની સંભાળ લેશે ! દીકરીને આજે પણ, ‘સાપનો ભારો’, ‘પારકી થાપણ’ કહેનારા માતા-પિતા ભારતના લગભગ દરેક શહેર, દરેક ગામમાં છે જ.

દીકરીના લગ્ન આજે પણ માતા-પિતા માટે એક મોટી જવાબદારી છે… સનાતન ધર્મની લગ્નવિધિમાં કન્યાના પિતા જમાઈને પગે લાગે છે, એના પગ ધુએ છે અથવા કેટલાક રિવાજોમાં પિતાની પાઘડી ઉતારીને જમાઈના પગમાં મૂકવામાં આવે છે. પોતાને ઘેર જન્મેલી, ઉછેરીને મોટી કરેલી, સંસ્કાર અને શિક્ષણ આપેલી દીકરી જ્યારે એક પિતા બીજા પરિવારનો વંશવેલો વધારવા, એમના પરિવારની કાળજી લેવા માટે સોંપે છે ત્યારે પિતાએ નીચું જોવાની, પગે લાગવાની કે પાઘડી ઉતારવાની જરૂર હોય ખરી ? કેટલાક ગામ અને જ્ઞાતિમાં દીકરીને બહુ ભણાવવામાં નથી આવતી, કારણ કે મોટાભાગના છોકરાઓ ભણેલી છોકરી શોધે છે, પરંતુ એમને પોતાનાથી વધુ ભણેલી, કે પોતાનાથી વધુ કમાતી છોકરી નથી જોઈતી. એમને રૂપાળી છોકરી જોઈએ છે, પરંતુ એના ભૂતકાળ વિશે તપાસ કરાવ્યા વિના રહી શકતા નથી. છોકરાનો ભૂતકાળ કંઈપણ હોઈ શકે, પણ જો દીકરીના એન્ગેજમેન્ટ એકવાર તૂટે કે ડીવોર્સ થાય તો સમાજમાં ‘વાતો’ થયા વગર રહેતી નથી. આપણે કઈ માનસિકતામાં જીવી રહ્યા છીએ એની આપણને પોતાને જ ખબર નથી ! એક તરફથી કલ્પના ચાવલા સ્પેસમાં પ્રવાસ કરે છે, ઈન્દ્રા નુઈ પેપ્સીની હેડ છે અને કમલા હેરીસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડેનને જીતાડે છે… તો બીજી તરફ ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં લગભગ વિશ્વના 17 ટકા એટલે દોઢ લાખ જેટલી સ્ત્રીઓ ઘરેલુ હિંસાને કારણે આત્મહત્યા કરે છે. વિશ્વભરમાં આશરે 8 લાખ સ્ત્રીઓ ઘરેલુ હિંસાને કારણે આત્મહત્યા કરે છે.

એવી જ રીતે ઓનર કિલિંગના કિસ્સામાં પણ દીકરીને મારી નાખવાના કિસ્સા વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગૂગલ ઉપર સર્ચ કરતા સમજાય છે કે ઓનર કિલિંગના બેથી ત્રણ જ ટકા કિસ્સા રજિસ્ટર થાય છે. બાકીના કિસ્સામાં આત્મહત્યા, બિમારી કે એક્સિડેન્ટનું બહાનું કાઢીને પોલીસને ખરીદી લેવામાં આવે છે. મધુ કિશ્વર નામના એક પ્રોફેસર પોતાના લેખોમાં વારંવાર ઓનર કિલિંગ, ડાવરી અને ડોમેસ્ટિક વાયોલન્સ વિશે લખે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા મુજબ નાના ગામોમાં તો આ કિસ્સા પંચાયત અને જ્ઞાતિજનોની વચ્ચે જ દબાઈ જાય છે. દીકરી બીજી જ્ઞાતિમાં લગ્ન કરે,એ વાત કદાચ માતા-પિતાને મંજૂર હોય તો પણ જ્ઞાતિજનો અને પંચાયત એ વાત કબૂલ કરતા નથી !

બિહાર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સગા માતા-પિતા દીકરીને વેચી દે છે. મુંબઈ, કલકત્તા જેવા શહેરોના સેક્સવર્કર વિસ્તારોમાં કે પછી મિડલ ઈસ્ટના દેશોમાં આવી છોકરીઓને શરીર વેચવાના વ્યવસાયમાં ધકેલી દેવામાં આવે છે. એક અન્ય દુઃખદ બાબત એ છે કે જ્યારે સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે ત્યારે એને વિકટીમ કે પીડિતા તરીકે જોવાને બદલે કાં તો સનસનાટીભર્યા સમાચાર તરીકે અથવા પાપી કે મેલી થઈ ગયેલી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. ભારતના કેટલાય ગામોમાં આજે પણ બાળક વગરની સ્ત્રીને મહેણા મારવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને ડાકણ કહીને જીવતી સળગાવી દેવાના કિસ્સા આજે પણ આપણા દેશમાં બને છે…

આ બધા જ ગુના અથવા પ્રશ્નો સ્ત્રીઓ સાથે બને છે. સ્ત્રી માટે અનેક ગાળો છે, આવી કોઈ ગાળ પુરુષ માટે કેમ નથી ? આવા અનેક સવાલો પૂછી શકાય, જે એક દીકરીના જન્મ પર માતા-પિતાને નિરાશ કરે છે. એક તરફથી આપણે વિકાસની વાતો કરીએ છીએ ને બીજી તરફ નવાઈ લાગે એટલી અંધશ્રદ્ધા અને પછાત માનસિકતા આપણા દેશને વધુ ને વધુ પાછળ ધકેલી રહી છે. ‘ડાયન’, ‘નાગીન’ જેવી ટીવી સિરિયલ્સ સુપરહીટ થાય છે. ઓટીટી ઉપર પણ ન માની શકાય એ હદે અંધશ્રદ્ધાને બઢાવો આપવામાં આવે છે. બાવા, તાંત્રિક, સાધુઓનો ફેલાવો વધતો જાય છે. છાપામાં જાહેરખબર આપીને પોતાનું માર્કેટિંગ કરતા આવા ઠગો પણ ક્યારેક અંધશ્રદ્ધાળુ માતા-પિતાને એમના બાળકની કુંડળીમાં દોષ બતાવીને ત્યજી દેવાની સલાહ આપતા હોય છે !

આધુનિક બનવા માટે આપણે કપડાં બદલ્યા છે, જીવનશૈલી બદલી છે, પરંતુ વિચાર હજી બદલી શક્યા નથી. આવી જ રીતે ત્યજી દેવાતી બાળકીઓ મંદિરમાં મુકાતી દેવીની મૂર્તિ કરતા સહેજે ઓછી નથી… આ વાત આપણને ક્યારે સમજાશે ?