એક વાચકનો ઈમેઈલ છે, ‘મારા પિતા એક બહુ મોટા વ્યાપારી છે. હું એમની એક જ દીકરી
છું. અમારી જ જ્ઞાતિના એક છોકરા સાથે મમ્મી-પપ્પાની ઈચ્છાથી મારા એન્ગેજમેન્ટ થયા. એ વખતે
મને એ છોકરો બહુ ગમતો નહોતો તેમ છતાં મેં મારા મમ્મી-પપ્પાની ઈચ્છાને માન આપ્યું, પરંતુ ગયા
વર્ષે એના પિતાને ધંધામાં નુકસાન જતાં એ લોકો અચાનક રસ્તા પર આવી ગયા. અમારા એન્ગેજમેન્ટને
બે વર્ષ થયા હોવા છતાં મારા પપ્પાએ એન્ગેજમેન્ટ તોડી નાખ્યા છે. હું એ છોકરાને જ મારો પતિ માનું
છું. મમ્મી-પપ્પા માનતા નથી, હું ભાગીને લગ્ન નહીં કરું…’ લગભગ આઠ ફકરાના આ ઈમેઈલમાં
24 વર્ષની છોકરીએ ઘણું બધું લખ્યું છે, પરંતુ એની એક વાત હૃદયને સ્પર્શી જાય એવી છે,
‘હું માનતી નહોતી એટલે એન્ગેજમેન્ટ તોડાવવા માટે મારા પપ્પાએ છોકરાના ચારિત્ર્ય વિશે
ખોટી વાતો ફેલાવી. મને ભરમાવી અને મેં મારા પપ્પાની વાતમાં આવીને એન્ગેજમેન્ટ તોડી
નાખ્યા. પછી મને ખબર પડી કે, પપ્પાએ ખોટું કર્યું છે. મેં એ છોકરાની માફી માંગી અને હવે
અમે એકબીજા સાથે જીવવા માંગીએ છીએ ત્યારે મમ્મી-પપ્પા ફક્ત પૈસાને મહત્વ આપે છે.’
એ છોકરી પૂછે છે કે, ‘માતા-પિતા આવું ખોટું કરે, ફક્ત એમનો ઈગો સાચવવા માટે જુઠ્ઠાણું
ચલાવે તેમ છતાં એવા માતા-પિતાને પૂજ્ય ગણવા?’ એનો સૌથી અગત્યનો સવાલ એ છે કે
એણે તો એના મમ્મી-પપ્પાની ઈચ્છાને માન આપ્યું, હવે સાચું બોલીને એની ઈચ્છાને માન
આપવાની એના માતા-પિતાની ફરજ છે કે નહીં? એનો બીજો સવાલ એ છે કે, જો એના
પિતાને નુકસાન ગયું હોત અને છોકરા તરફથી એન્ગેજમેન્ટ તૂટ્યા હોત તો?
આ બંને સવાલ બહુ અગત્યના છે. આજના સમાજમાં સંતાનોના જીવનમાં દખલ
કરનારા માતા-પિતાની સંખ્યા વધી છે એમ કહું તો મારા વાચકને નવાઈ ન લાગવી જોઈએ.
ખાસ કરીને, એકનું એક સંતાન હોય એવી દીકરી ઉપર માતા-પિતા પોતાનો અધિકાર
જમાવવા માટે અનેક સાચા-ખોટા પેંતરા કરતાં જોવા મળે છે. મમ્મી રોજ સવારે ફોન કરીને
દીકરીના ઘરે શું રસોઈ બને છે ત્યાંથી શરૂ કરીને એણે શું વ્યવહાર કરવો, કઈ વાતમાં
‘ચોપડાવી દેવું જોઈએ’ અને ‘શા માટે સહન કરવું જોઈએ’ જેવી વાતો દીકરીના મગજમાં
નાખે છે. બીજી તરફ, પોતાની બધી મિલકત એકની એક દીકરીને મળવાની છે એ વાત કહી
કહીને પિતા જમાઈ ઉપર બિનજરૂરી પ્રેશર-દબાણ ઊભું કરે છે. બંને જણાં એક વાત નથી
સમજતા, કે એ ‘પ્રેમ’ના નામે પોતાના જ સંતાનના ભવિષ્યને અંધકારમાં ધકેલી રહ્યા છે.
છેલ્લા થોડા વર્ષોમાં ભારતીય સમાજમાં ઘણો સુધારો થયો છે. દીકરાની આશામાં
ત્રણ-ત્રણ દીકરીઓ પેદા ન કરતાં પરિવારો હવે એકની એક દીકરીને પણ ઈશ્વરની ભેટ
સમજીને ભણાવી-ગણાવીને ઉત્તમ ઉછેર આપતા થયા છે. આ એક સારી વાત છે જ, પરંતુ
આ જ પરિસ્થિતિની એક બીજી બાજુ છે, સિંગલ ચાઈલ્ડ અને એ પણ દીકરી હોય ત્યારે
માતા-પિતાના જીવનનું કેન્દ્ર બની જાય છે.
એ જ દીકરી જ્યારે લગ્ન કરીને પોતાને ઘરે-સાસરે જાય ત્યારે માતા-પિતા પાસે
બીજી કોઈ પ્રવૃત્તિ બચતી નથી. આવા માતા-પિતા પોતાની દીકરીના જીવનમાં પોતાનું સ્થાન
અને મહત્વ જળવાઈ રહે એ માટે ઘાંઘા થઈ જાય છે. હજી થોડા વર્ષો પહેલાં એમ કહેવાતું
હતું કે, સાસુ પોતાનો દીકરો ‘વહુ ઘેલો’ ન થઈ જાય એ માટે ચિંતિત હતી. હવે-આજની
સાસુને ચિંતા છે કે જો એકની એક દીકરી સાથે એના દીકરાના લગ્ન થશે તો દીકરીના માતા-
પિતા એમના જીવનમાં સતત ચંચુપાત કર્યા કરશે!
બીજો એક પ્રશ્ન એ પણ છે કે, આજના માતા-પિતા પાસે-ખાસ કરીને ઉચ્ચ
મધ્યમવર્ગ અને શ્રીમંતવર્ગના માતા-પિતા પાસે સારી એવી મિલકત છે. દીકરો હોય, કે એકથી
વધુ સંતાનો હોય ત્યારે એ મિલકત વહેંચાઈ જશે, પરંતુ એક જ સંતાન અને એ પણ દીકરી
હોય ત્યારે માતા-પિતા પોતાની એ મિલકત દીકરીને આપવાની છે માટે પોતાનું મહત્વ
પ્રસ્થાપિત કરવા મથે છે. આ પ્રયાસમાં કેટલીકવાર એમનો ઈગો, એમની ખોટી જીદ અને
અહંકાર એમની દીકરીના જ ભવિષ્યને નુકસાન કરતાં હોય તો પણ એ બાંધછોડ કરવા તૈયાર
નથી થતાં.
આપણી આ વાચક, જેણે પોતાના મનની વાત આપણા સુધી પહોંચાડી છે એની જ
વાત પર વિચાર કરીએ તો સમજાય કે, ફક્ત છોકરાની આર્થિક સ્થિતિ હવે એટલી સારી નથી
રહી એ કારણે એન્ગેજમેન્ટ તોડી નાખવાની જીદ છે એટલું જ નહીં, પરંતુ સાચા-ખોટા બધા
પેંતરા અજમાવીને પણ પોતાને જે કરવું છે એ જ થવું જોઈએ એવા હઠાગ્રહ સામે દીકરીની
લાગણી કે ઈચ્છાને એ સમજવા કે સાંભળવા પણ તૈયાર નથી.
આ પત્ર તો દીકરીએ લખ્યો છે, પરંતુ જો આ જ પત્ર પેલો છોકરો લખે, તો એ શું
લખે? જે છોકરીને પોતે પ્રેમ કરે છે એની સામે પોતાને ખોટી રીતે ચારિત્ર્યહીન-લફરાબાજ
પૂરવાર કરનાર સાસુ-સસરાને એ કદી સન્માન આપી શકશે? કદાચ, દીકરીની જીદ સામે
ઝૂકીને માતા-પિતા એને જમાઈ તરીકે સ્વીકારી લે તો પણ આ છોકરો એમને ક્ષમા કરી
શકશે? દીકરીના મનમાં શંકાનું બીજ એકવાર રોપાયું છે, આ વખતે તો કદાચ એણે સત્ય
શોધી કાઢ્યું, પરંતુ હવે એ કાયમ માટે પોતાના પતિ પરત્વે શંકાશીલ નહીં થઈ જાય?
શેક્સપિયરની એક નવલકથા ‘ઓથેલો’ (એના પરથી બનેલી ફિલ્મ ‘ઓમકારા’)માં
આવી જ રીતે એક પિતા બ્રાબાન્ટિઓ પોતાની પુત્રી ડેસ્ડેમોના વિરુધ્ધ એના પતિ ઓથેલોના
મનમાં શંકાનું બીજ નાખી દે છે. એ કહે છે, ‘જે પિતાની ન થઈ શકી એ પતિની શું થશે? ‘
આ શંકાનું બીજ વધીને એટલું મોટું વૃક્ષ બને છે કે, અંતે પોતે જેને પ્રેમ કરે છે એ જ સ્ત્રીની
હત્યા કરવા માટે ઓથેલો મજબૂર થઈ જાય છે, પછી એ પોતે પણ આત્મહત્યા કરે છે! છેક
શેક્સપિયરના સમયથી આજ સુધી આપણે ત્યાં જ અટક્યા છીએ? પિતાની મરજી વિરુધ્ધ
ઓથેલો સાથે લગ્ન કરનાર દીકરીની સામે પોતાના અહંકારનો ફૂંફાડો મારનાર પિતા, દીકરીના
સુખ અને ભવિષ્યનો વિચાર ન કરી શક્યા… ને આજે પણ, પિતાની બદલાયેલી મરજી ન
સ્વીકારતી દીકરી સામે પિતા એ જ રીતે વર્તે?
જેને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ અને જેને માટે સૌથી વધુ શ્રધ્ધા કે વિશ્વાસ હોય
એ જ પોતાના અહંકાર માટે આપણી સાથે રમત રમે તો ફરિયાદ કોની પાસે કરવી?