આપણે બધા નવા વર્ષની તૈયારીમાં લાગી ગયા છીએ. સ્કૂલમાં વેકેશન અને સાથે સાથે
પરિવારના પારિવારિક પ્રવાસનું આયોજન પણ ક્યારનું થઈ ગયું છે… ડિસેમ્બરમાં જે ઠંડીની
આપણને અપેક્ષા હતી એ હજી સુધી અનુભવાતી નથી, એ વાતે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની
ચિંતા કરનારા લોકોએ નવેસરથી ચેતવણી ઉચ્ચારવાની શરૂ કરી છે. નલિયા અને ભૂજમાં ડિસેમ્બરની
22મી તારીખ સુધી 32 સેલ્સિયસ ગરમી હોય કે અમદાવાદ, રાજકોટમાં પણ પંખો કે એ.સી. ચાલું
રાખવું પડે તો પર્યાવરણ બદલાઈ રહ્યું છે એ વિશે બીજી કોઈ સાબિતીની જરૂર નથી. આપણે બધાએ
પર્યાવરણની ચિંતા માત્ર વાતોમાં કરી, સાચા અર્થમાં આપણે-અંગત રીતે, વ્યક્તિગત રીતે પર્યાવરણ
બચાવવા શું કરીએ છીએ એવો સવાલ જો સો માણસોને પૂછવામાં આવે તો એમાંથી 95 પાસે પોતે
કરેલા પ્રદાનનો કોઈ જવાબ નથી.
સરકારે પ્લાસ્ટિકની કોથળી પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ શાકભાજીની એવી કઈ દુકાન છે
જ્યાં પ્લાસ્ટિકની થેલી નથી વપરાતી? રસ્તા પર રખડતાં ઢોર પ્લાસ્ટિક ખાય છે, એ જોઈને જો
અરેરાટી થતી હોય તો આપણે પોતે કેટલું પ્લાસ્ટિક ખાઈએ છીએ એનો એક હિસાબ લગાવી જોજો.
જેટલું ફૂડ પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે, એ બધાની સાથે આપણે થોડું ઘણું પ્લાસ્ટિક પેટમાં
નાખીએ છીએ. ગરમ ચા પ્લાસ્ટિકની કોથળીમાં જેટલા લોકો પીએ છે એમને કદાચ કલ્પના નથી,
પરંતુ એ બધા ગરમ વસ્તુને પ્લાસ્ટિકમાં નાખીને પીગળતા પ્લાસ્ટિકને પોતાના પેટમાં પધરાવે છે.
દૂધની થેલી લગભગ દરેક ઘરમાં વપરાય છે. જે દૂધને પેશ્ચ્યુરાઈઝ કરવામાં આવે છે એ પ્રક્રિયામાંથી
પસાર થયા પછી દૂધને પ્લાસ્ટિકમાં ભરવામાં આવે છે, એ પ્લાસ્ટિકની થેલીમાં દૂધ જો લાંબો સમય
રહે તો પ્લાસ્ટિકની આડઅસરો થયા વગર રહેતી નથી. એ સિવાય વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે
કે, ખેતરની માટીમાંથી, હવામાંથી અને આપણી આસપાસની દુનિયામાંથી આપણે શ્વાસમાં,
ગળામાં અને આપણી રોજિંદી જીવનશૈલીમાંથી શરીરમાં પ્લાસ્ટિક નાખતા રહીએ છીએ.
ડિસ્પોઝેબલના ઉપયોગમાં જે થર્મોકોલ વાપરવામાં આવે છે તે, અને કેટલીક વસ્તુઓ જે ડબલ-
ટ્રીપલ પેકિંગમાં પ્લાસ્ટિક વાપરે છે તે, પુસ્તકો, મેગેઝિન પણ હવે પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે.
સ્નેક્સ, ચીપ્સ અને નુડલ્સ સહિત કેટલીયે વસ્તુઓ એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરવામાં આવે છે જે
પ્લાસ્ટિકથી પણ ખરાબ છે. પ્લાસ્ટિકની ડોલ, ડબ્બામાં ગરમ પાણી કે ગરમ વસ્તુ ભરવામાં આવે
છે. ફ્રીઝમાં મૂકવાની બોટલ પણ પ્લાસ્ટિકની હોય છે. એલ્યુમિનિયમ ફોઈલ કે પ્લાસ્ટિકમાં આવેલું
ભોજન મોટાભાગના લોકો સીધું માઈક્રોવેવ કરે છે. એમાંથી પ્લાસ્ટિકના કણો છૂટા પડીને આપણા
ભોજનમાં ભળે છે. ઝિપલોક બેગમાં આપણે કેટલાય લોકોને ફૂડ ભરીને આપીએ છીએ, એ જાણ્યા
વગર કે એમાં પ્લાસ્ટિકના કણો આપોઆપ ભળે છે.
છેલ્લા થોડા વખતમાં કેન્સરના આંકડા વધતા જાય છે, જેના કારણોમાં પ્લાસ્ટિક અને
એની સાથે જોડાયેલા આ ઝેરી તત્વો બહુ જ મોટો ભાગ ભજવે છે. 2020ના એક સર્વે મુજબ
13.8 બિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું હતું. જેમાંથી 10.3 બિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ
અથવા કચરા તરીકે ફેંકી દેવામાં આવ્યું. આના 89 ટકા જેટલું પ્લાસ્ટિક જમીન અથવા પાણીમાં
ફેંકવામાં આવ્યું જેને કારણે પર્યાવરણને અસર થઈ છે. આખા વિશ્વના કુલ પ્લાસ્ટિકના વપરાશમાંથી
21 ટકા જેટલું પ્લાસ્ટિક નોર્થ અમેરિકામાં વપરાય છે. 20 ટકા ચાઈના અને 18 ટકા પશ્ચિમ
યુરોપમાં વપરાય છે. આપણને જાણીને નવાઈ લાગશે કે ચાઈનામાં 59.8 મેટ્રિક ટન પ્લાસ્ટિકનો
વેસ્ટ થાય છે જ્યારે ભારતમાં 4.49 ટકા મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ થાય છે. આપણે જેને
વિકાસશીલ અથવા ડેવલપ થઈ રહેલા દેશો કહીએ છીએ ત્યાં માણસો વધુ જાગૃત અને પર્યાવરણ
વિશે વધુ સજાગ જોવા મળે છે જ્યારે ડેવલપ્ડ દેશો અથવા જેને આપણે આર્થિક રીતે સધ્ધર અને
ટેકનોલોજીની દ્રષ્ટિએ વધુ આગળ વધેલા દેશ માનીએ છીએ એ બધા દેશોમાં પ્લાસ્ટિકનો વપરાશ
ઘટવાને બદલે વધતો જાય છે. ડિસ્પોઝેબલ અથવા પ્લાસ્ટિક બહુ કન્વિનિયન્ટ પ્રોડક્ટ તરીકે બજારમાં
આવ્યું. એમાં ખૂબ સગવડ હતી, સસ્તું પડતું, એટલું જ નહીં પાતળું અને ઓછી જગ્યા રોકતું
મટીરિયલ હોવાને કારણે બજારમાં એનો વપરાશ બહુ ઝડપથી વધ્યો. એ વખતે મોટાભાગના લોકોને
ખબર જ નહોતી કે, આપણે જે સસ્તું અને સગવડભર્યું માની બેઠા છીએ એ આપણા જીવનને હાનિ
પહોંચાડશે.
પ્લાસ્ટિકના વેસ્ટની સાથે સાથે હવે મેડિકલ વેસ્ટનો પણ એક નવો ખતરો ઊભો થયો
છે. મેડિકલ અને કેમિકલ વેસ્ટ ભેગા મળીને એટલું બધું પ્રદૂષણ ઊભું કરે છે જેના કારણે પાણી પીવા
યોગ્ય અને હવા શ્વાસ લેવા યોગ્ય રહેતી નથી. આપણે સૌ એવું માનીએ છીએ કે, આપણે વિકાસ
કરી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ, ટેકનોલોજી અને બીજા ક્ષેત્રોમાં વિશ્વ પ્રગતિ કરી રહ્યું છે,
પરંતુ જે સેલફોન આપણે વાપરીએ છીએ એની કાર્બન ફૂટ પ્રિન્ટ પણ હવે સતત પ્રદૂષણ ફેલાવે છે.
આ બધું જાણીને કદાચ કોઈ એવો સવાલ પૂછે, કે તો શું કરવું? ફરી પાછા માટીના
વાસણ વાપરવા? ગારલિપણના ઘરોમાં જતા રહેવું? ગાડી ન વાપરવી? કમ્પ્યૂટર વગરની દુનિયાની
કલ્પના કરી શકો છો? આ બધા સવાલોનો જવાબ એ છે કે, આપણે સૌએ સંયમ શીખવો પડશે.
જરૂર ન હોય ત્યાં પ્લાસ્ટિક ન વાપરવું, અથવા વાપરેલા પ્લાસ્ટિકને ફરી ફરીને વાપરવાનો પ્રયત્ન
કરવો. ફેંકવાને બદલે એ પ્લાસ્ટિકને એકઠું કરીને જે લોકો પ્લાસ્ટિક ભેગું કરીને રિસાઈકલ માટે તૈયાર
કરે છે એવા લોકોને આપવું, જેથી સીધું રિસાઈકલમાં જતું રહી શકે. બીનજરૂરી ફોરવર્ડ નહીં
મોકલીને પણ આપણે કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડી શકીએ. એલ્યુમિનિયમ ફોઈલ, ઝીપલોક બેગ કે
પ્લાસ્ટિકના ડબ્બાનો વપરાશ ઘટાડીને કાચના કે માઈક્રોવેવ ફ્રેન્ડલી વાસણોનો વપરાશ વધારી
શકીએ. ફ્રીઝમાં સ્ટીલની કે કાચની બોટલ વાપરી શકીએ. રસ્તા પરથી પાણી કે કોલ્ડ્રીંકની બોટલ
ખરીદીને એને રસ્તા પર જ ફેંકી દેવાને બદલે આવી બોટલ્સ એકઠી કરીને એવી જગ્યાએ ફેંકીએ
જ્યાંથી કચરો કલેક્ટ થતો હોય.
2022નું વર્ષ પૂરું થઈને 23નું વર્ષ શરૂ થશે… જે રીતે પર્યાવરણના જાણકારો ભવિષ્ય
ભાખે છે એ રીતે 23નો ઉનાળો ભયાનક પૂરવાર થવાનો છે… આપણે સૌ ટાઈમબોમ્બ પર બેઠા
છીએ અને આંખો મીંચીને ઉજવણીમાં મશગુલ છીએ… 2023ના નવા રેઝોલ્યુશનમાં પર્યાવરણને
બચાવવા માટે આપણું નાનું પણ મહત્વનું યોગદાન આપવાનો નિર્ણય કરીએ?