‘ધ મોસ્ટ હેઈટેડ મેન ઓન ઈન્ટરનેટ’: અંતે માનો વિશ્વાસ જીતે છે

2015ના જાન્યુઆરી મહિનામાં અમેરિકાના એક છોકરાને 30 મહિનાની જેલ થઈ.
એની સાથે એના સાથીદારને 25 મહિનાની જેલ થઈ… એફબીઆઈએ એના કેસ પર બે વર્ષ સુધી
કામ કર્યું. નાની નાની સાબિતીઓ ભેગી કરી. 40 જેટલી સ્ત્રીઓએ આગળ આવીને એના વિરુધ્ધ
ફરિયાદ કરી, પણ કોર્ટમાં ટેસ્ટિમોનિયલ આપવા ફક્ત એક જ છોકરી પહોંચી, કેઈલા લૉસ. આ કેસ
સાયબર ક્રાઈમનો એક અનોખો કેસ છે. એક 20 વર્ષના છોકરાના પાગલપણાનો-અહંકાર કે ઝનૂનનો
ભોગ બનેલી હજારો છોકરીઓએ ફરિયાદમાં પોતાનું નામ લખવાની પણ ના પાડી. એમાંની કેટલીક
ડૉક્ટર્સ હતી, નર્સ હતી, શિક્ષિકાઓ હતી, સંતાનોની માતા હતી… એમાંની કેટલી બધી સ્ત્રીઓની
નોકરી, બોયફ્રેન્ડ, પતિ કે એમની સામાજિક પ્રતિષ્ઠા આ છોકરાની વેબસાઈટ ‘Is Anyone
Up’ને કારણે દાવ પર લાગી હતી. કેટલીયે સ્ત્રીઓ ડિપ્રેશનમાં હતી તેમ છતાં, એની સામે ફરિયાદ
કરવા-કોર્ટ સુધી પહોંચવા કોઈ તૈયાર ન હતી.

એનો કેસ શરૂ થયાના છ મહિના પહેલાં એ છોકરો અમેરિકાના યુવાનોને ઘેલું
લગાડતો, એક બેફામ, પાગલ, જિદ્દી અને અહંકારી ઈન્ટરનેટ ઈન્ફ્લ્યુએન્સર હતો. એ પોતાની
વેબસાઈટ ‘Is Anyone Up’ ઉપર યુવતિઓના નગ્ન ફોટા પોસ્ટ કરતો, એટલું જ નહીં એની
સાથે એના ફેસબુક પ્રોફાઈલને જોડીને આ વેબસાઈટ પર પહોંચનારાઓ માટે એક રિવેન્જ (બદલો)
પૉર્ન (નગ્નતા)નું એક એવું ઝનૂની પાગલપણું ઊભું કરતો કે ફોટો પોસ્ટ થયાના થોડા જ કલાકમાં એ
છોકરીના ફોનનું ઈનબોક્સ સેંકડો મેસેજીસથી ઊભરાવા લાગતું. કોઈ એને હેઈટ પોસ્ટ કરતું, કોઈ
સહાનુભૂતિ બતાવતું તો કોઈ આવા ફોટા ઈન્ટરનેટ પર મૂકવા બદલ એનો ધિક્કાર, તિરસ્કાર કે હાંસી
કરતું…

સત્ય તો એ હતું કે, આ છોકરીએ પોતાના ફોટા આવી કોઈ વેબસાઈટ પર મૂક્યા જ ન
હોય! આ ફોટા એના મેઈલ બોક્સમાંથી, વ્હોટ્સએપમાંથી હેક કરીને ઊઠાવી લેવામાં આવતા.
છોકરીની જાણ બહાર એ ફોટા અપલોડ થતા અને સાથે જ એનું ઈમેઈલ કે ફેસબુક એકાઉન્ટ પણ
શોધીને અપલોડ કરવામાં આવતું… આ એક વ્યવસ્થિત ષડયંત્ર હતું જેને કારણે ‘Is Anyone
Up’ના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં વધી ગયા હતા. આ બધું કરનારો હતો એક 20 વર્ષનો
છોકરો, હન્ટર મૂર. નાઈટ લાઈફ વિશેની માહિતી આપતી આ વેબસાઈટ એણે જ્યારે શરૂ કરી ત્યારે
એમાં વાંધાજનક કશું જ નહોતું, પરંતુ ધીમે ધીમે એ રિવેન્જ પૉર્ન બની ગઈ. જેના ઉપર કેટલાક
યુવાનો બ્રેકઅપ થયા પછી પોતાની બેવફા ગર્લફ્રેન્ડના ફોટા પોસ્ટ કરવા લાગ્યા. ધીમે ધીમે આ
વેબસાઈટના ફોલોઅર્સ એટલા બધા વધી ગયા કે, મૂર 30 લાખ વ્યૂઅર્સ ધરાવતો અને મહિને 13 થી
15 હજાર ડોલર કમાતો એક ઈન્ફ્લ્યુએન્સર બની ગયો. જુદા જુદા મેગેઝિન્સ અને ટીવી ચેનલ્સ
એનો ઈન્ટરવ્યૂ કરવા લાગ્યા. ટીનએજના યુવાનો એને ગાંડાની જેમ ફોલો કરવા લાગ્યા અને એના
માટે ‘કંઈ પણ’ કરવા તૈયાર હતા. એ પછી આ વેબસાઈટ ઉપર અતિશય અશ્લીલ અને ગંદા ફોટા
અને વિગતો મૂકાવા લાગી. હન્ટર મૂર કહેતો, “મોટાભાગના લોકોને ‘સબમિટ બટન’ દબાવ્યા પછી
અફસોસ થાય છે, પરંતુ અહીં એકવાર પોસ્ટ થયેલી વિગતો હું હટાવતો નથી અને હટાવવા દેતો
નથી.” એને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું, “તને આવી અશ્લીલ વેબસાઈટ બદલ કોઈ અફસોસ
નથી?” એણે કહ્યું, “ના. બલ્કે મને લાગે છે કે, આનાથી હું સમાજના એવા લોકોને સજા કરું છું જે
લોકો પોતાના સાથીને છેતરે છે, એની સાથે કઈ ખોટું કરે છે.”

2009માં વ્હોટ્સએપ નવું હતું. મોટાભાગના લોકોને એની સાથે જોડાયેલી ખતરનાક
સંભાવનાઓની જાણ નહોતી. હન્ટર મૂર એક ઝનૂની, પાગલ વ્યક્તિ હતો, જેને માત્ર પ્રસિધ્ધ થવું
હતું-કોઈપણ રીતે-કોઈપણ ભોગે. 2010ના અંત સુધીમાં હન્ટર મૂર એક પંથ, એક કલ્ટ બની ચૂક્યો
હતો. એને ફોલો કરતા યુવાનોએ પોતાની એક અલગ ફેસબુકની દુનિયા બનાવી, જેનું નામ હતું, ‘ધ
ફેમિલી’. આ એવા ઘેલા-પાગલ યુવાન અને યુવતિઓ હતા જે હન્ટર મૂરનું ધ્યાન આકર્ષવા માટે
જાતભાતની અશ્લીલ, બિભત્સ અને જુગુપ્સાપ્રેરક હરકતો કરતાં. ટોઈલેટમાં બોળેલું બ્રશ કરવું,
પોતાનું જ લોહી પીવું કે ટોઈલેટ-બાથરૂમમાં પોતાના વીડિયો બનાવીને પોસ્ટ કરવા… આવી ગંદી
હરકતો કરીને ‘Is Anyone Up’ ઉપર પોસ્ટ કરતા.

2010ના અંતમાં એણે એક છોકરીનો ફોટો પોસ્ટ કર્યો, કેઈલા લૉસ. સીધી સાદી
છોકરી, જે એના માતા-પિતા સાથે સ્વસ્થ અને સુરક્ષિત જિંદગી વીતાવતી હતી. આ ફોટો પોસ્ટ
થયો એવી ખબર એને એના એક મિત્ર દ્વારા મળી. ગભરાયેલી કેઈલાએ પોતાની માને જાણ કરી અને
એ દિવસથી કેઈલાની મા શાર્લોટ લૉસ, જે એક વકીલની પત્ની હતી, એ હન્ટર મૂરની એવી પાછળ
પડી કે, અંતે એને જેલ કરાવીને જંપી.

2012ની શરૂઆતમાં શાર્લોટના પ્રયત્નોને કારણે હન્ટર મૂરે કેઈલાનો ફોટો ઉતારી
લીધો, પરંતુ શાર્લોટે પોતાનું યુધ્ધ અટકાવ્યું નહીં. એણે 40 જેટલી ‘Is Anyone Up’નો
શિકાર બનેલી છોકરીઓના ટેસ્ટિમોનિયલ ભેગા કર્યાં, આવી અશ્લીલ વેબસાઈટને રોકવા-
અટકાવવાનું કામ કરતા લોકોના સંપર્ક કર્યા. લોકલ પોલીસમાં ફરિયાદ કરી અને ત્યાં કોઈએ ન
સાંભળ્યું તો છેક એફબીઆઈમાં ફરિયાદ કરી… લગભગ સાડા ચાર વર્ષના યુધ્ધ પછી શાર્લોટની જીત
થઈ. એક લાખ રૂપિયાનો દંડ અને 30 મહિનાની જેલ સાથે હન્ટર મૂરને જીવનભર સોશિયલ
મીડિયાની મનાઈ ફરમાવવામાં આવી. એનો સાથી, ઈવાન્સ જે હન્ટર માટે હેકિંગ કરતો હતો એને
25 મહિનાની જેલ અને 1 લાખ 47 હજાર ડોલરનો દંડ કરવામાં આવ્યો.

વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે હન્ટર મૂરની વેબસાઈટ એણે વેચી દેવી પડી. એક
એક્સ-નેવી ઓફિસરે એને લલચાવીને શાળાઓ કે પરિવારોમાં થતા બુલિંગની સામે અવાજ ઊઠાવતી
વેબસાઈટમાં એની વેબસાઈટને ભેળવી દેવાના થોડાક રૂપિયા આપી એની વેબસાઈટ બંધ કરાવી,
પરંતુ એનાથી હન્ટર મૂરમાં કોઈ ફેર પડ્યો નહીં બલ્કે, એણે તો અમેરિકામાં પ્રવાસ કરવા માંડ્યો. એને
ડીજે તરીકે આમંત્રિત કરવા અને એની સાથે પાર્ટી કરવા હજારો યુવાનો સેંકડો ડોલરની ટિકીટો
ખરીદવા લાગ્યા. ‘રોલિંગ સ્ટોન’ અને ‘વિલેજ પોસ્ટ’ જેવા મેગેઝિન્સે હન્ટર મૂર વિશે આર્ટિકલ
કરવો પડ્યો એટલું એ પ્રસિધ્ધ થઈ ગયો. એણે ‘Is Anyone Up 2’ ની જાહેરાત કરી.
શાર્લોટને લાગ્યું કે હવે કંઈ નહીં થઈ શકે, પરંતુ હિંમત હાર્યા વગર એણે આવા ઝનૂની પાગલનો
શિકાર બનતી છોકરીઓ માટે અવાજ ઊઠાવવાનું છોડ્યું નહીં… અંતે હન્ટર મૂર અને એના સાથી
ઈવાન્સ, બેઉને પોતાના ગુના કબૂલ કરવા પડ્યા.

‘નેટફ્લિક્સ’ પર આની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે, ‘ધ મોસ્ટ હેઈટેડ મેન ઓન
ઈન્ટરનેટ’. જે તમામ યુવાન સંતાનોના માતા-પિતાએ જોવી જોઈએ. (એનો ઓડિયો હિન્દીમાં પણ
ઉપલબ્ધ છે, જેથી અંગ્રેજી નહીં જાણનારને તકલીફ નહીં પડે.) આપણું સંતાન દરેક વખતે ગુનેગાર કે
જવાબદાર નથી હોતું એવો વિશ્વાસ માતા-પિતાએ રાખવો જોઈએ. કેઈલા લૉસના નગ્ન ફોટા ‘Is
Anyone Up’ ઉપર અપલોડ થયા, ત્યારે એની માએ જો એનામાં વિશ્વાસ ન રાખ્યો હોત-
ઉલ્ટાનું એને જ જવાબદાર ઠેરવીને એને ગમે તેમ કહ્યું હોત, અપમાનિત કરી હોત કે જે કંઈ થયું
એનાથી સામાજિક પ્રતિષ્ઠા અને સગાંવહાલા, ઓળખીતા વચ્ચે થયેલી હાંસી અને ગોસિપ બદલ
એને જ બ્લેઈમ કરી હોત તો કદાચ હન્ટર મૂર જેવા માણસને સજા ન થઈ હોત! આપણે બધા, જે
કોઈ ટીનએજ બાળકના માતા-પિતા છે એમણે આ વાત સમજવા જેવી છે. આપણા સંતાને બે-ચાર
ભૂલ કરી હોય એનો અર્થ એવો નથી કે, દરેક વખતે આપણું સંતાન જ ખોટું છે, એનો જ
અવિશ્વાસ કરીને-એના પર શંકા કરીને-એને જવાબદાર ઠેરવીને એને જ સજા કરવી!

આ દુનિયાના દરેક ખોટા-પાગલ-ઝનૂની-અહંકારી માણસે યાદ રાખવાનું છે કે, એ
કદાચ એક સ્ત્રી સામે જીતી જાય, પણ જો એક મા એની સામે હથિયાર ઉઠાવશે તો એને હારવું જ
પડશે.

Leave a Reply

Your email address will not be published.