સાગરને તીર એક ટટળે ટિટોડી,
ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.
સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે,
ટટળી કળેળતી કાઢે છે રીસ.
ટિટોડીના ઈંડાંની આ કથા ગુજરાતી માધ્યમમાં ભણેલા ઘણા બધા લોકો શાળાના પાઠ્યપુસ્તકમાં
ભણ્યા હશે. ત્રિભુવનદાસ લુહાર, ‘સુંદરમ્’ની આ કવિતામાં સાથે મળીને દુનિયાની કોઈપણ તાકાત સામે
લડી શકાય એનો અદભૂત મોટિવેશનલ સંદેશો છે. તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ ભરુચ
જિલ્લાના ગુજરાતના મિયાં માતરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માતર ગામમાં પૂરુ કર્યું અને
અંગ્રેજી માધ્યમમાં પાંચ ગ્રેડ સુધીનું શિક્ષણ આમોદ ખાતે પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ભરુચમાં
આવેલી છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો. ૧૯૨૯માં તેમણે ગુજરાત
વિદ્યાપીઠ ખાતેથી ભાષાવિષારદ તરીકે સ્નાતકની પદવી મેળવી અને સોનગઢમાં આવેલા ગુરુકુળમાં
અધ્યાપન કાર્ય શરુ કર્યું. તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને થોડો સમય
જેલમાં રહ્યા હતા. તેઓ અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ સાથે
૧૯૩૫ થી ૧૯૪૫ સુધી સંકળાયેલા હતા. ૧૯૪૫માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા
અને પોંડિચેરી ખાતે સ્થાયી થયા. ૧૯૭૦માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમનું
અવસાન ૧૩ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ થયું હતું.
જેણે ટિટોડી નામના પંખીને જોયું હોય એને સમજાય, એના શરીરની રચના એવી છે કે એ વૃક્ષ કે
તાર કે થાંભલા પર બેસી શકતી નથી. એના લાંબા પગને કારણે ટિટોડી જમીન પર ઈંડાં મૂકે છે. એના
ઈંડાં ઉપરથી આજે પણ ગામડામાં વરસાદની આગાહી કરવામાં આવે છે. આ કથામાં જમીન પર મૂકેલા
ટિટોડીના ઈંડાં દરિયાની ભરતીમાં ખેંચાઈ જાય છે… એ પછી ટિટોડી દરિયા પાસે ઈંડાં પાછા માગે છે
પણ દરિયો એને અપમાનિત કરે છે. એ કહે છે, ‘ડુંગર શાં જહાજ મેં કૈં કૈં ડુબાવ્યાં, ઈંડાં ભૂંડાં તારાં પાછાં ફરે?’
એક કોમનમેન, સામાન્ય નાગરિક મધ્યમવર્ગની એક વ્યક્તિની વ્યથા આ ટિટોડીના મેટાફર (રૂપક) પરથી
સમજવા જેવી છે.
દરિયાની સામે ટિટોડીની શું તાકાત? એક વેંતનું નાનકડું પંખી અને એના કાબરચીતરાં ઈંડાં…
પરંતુ, એ ઈંડાં એને માટે સર્વસ્વ છે, એનું માતૃત્વ છે, એનું સ્વત્વ છે. આજનો સામાન્ય માણસ પર
પોતાનું સર્વસ્વ, અસ્તિત્વ બચાવવા માટે ઝઝૂમી રહ્યો છે. એની સામે દરિયા જેવો ભ્રષ્ટાચાર છે,
અત્યાચાર છે. ઘણા લોકોને સવાલ થાય છે કે, “જો ‘કર્મનો સિધ્ધાંત’ છે તો પછી ખોટું કરીને કમાતા
લોકો સુખી કેવી રીતે હોઈ શકે? એમને એમના ગુનાહની સજા કેમ નથી મળતી?” એમના સવાલનો
જવાબ એ છે કે કુદરત એમની ઉતકાવળે નથી ચાલતું. એમના કહેવાથી કે એ ઈચ્છે ત્યારે સજા ન મળે
ઉપરાંત, એમને જે ‘ખોટું’ કે પોતાની સાથે થયેલો ‘અન્યાય’ લાગે છે એ કદાચ એમના જ કોઈ કર્મની સજા
ન હોઈ શકે? આ સવાલોના જવાબ અકળ છે-દરેક પાસે પોતાનું અર્થઘટન અને અભિપ્રાય છે, પરંતુ
ટિટોડીની આ કથામાં શીખવા જેવી વાત એ છે કે દરિયાની સામે હારી-થાકીને, નિરાશ થઈને પાછા
ફરવાને બદલે ટિટોડી ઘેર ઘેર જઈને પંખીની જાત (સૌ પંખીઓ)ને ભેગાં કરે છે. સુંદરમ્ લખે છે, “ચાંચે
સમાણું જે તરણું કે કાંકરો પાણો પથ્થર સૌ પંજે લઈ, માંડ્યો સાગરને પંખીએ પૂરવા, દરિયાની ઊંઘ ત્યાં ઊડી ગઈ.”
શું પંખીઓ ભેગાં થઈને દરિયો પૂરી શકે? આવો લોજિકલ સવાલ થાય, પરંતુ એનો જવાબ એ
છે કે. સૌ પંખીઓ ભેગાં થાય તો આકાશ ઢંકાઈ જાય-દરિયાની શું વિસાત? ટિટોડી ઘેર ઘેર જઈને
પોતાના ઈંડાં બચાવવા માટે જ્યારે પંખીઓને બોલાવે છે ત્યારે એમાંથી કોઈ પંખી એમ નથી કહેતું કે,
‘ઈંડાં તારાં છે, અમારે એની સાથે શું લેવાદેવા?’ માણસ અને પંખીની જાતમાં કદાચ આ જ ફેર છે! બીજાના
ઈંડાં કે અસ્તિત્વ બચાવવા માટે આજનો માણસ પોતાની શક્તિ, સમય કે સંબંધ વાપરવા તૈયાર નથી.
એની નિસ્બત માત્ર પોતાના પૂરતી રહી છે. પોતાના સિવાય કોઈ દુનિયામાં જીવે છે, દુઃખી છે, તરફડે છે
કે મુસીબતમાં છે એની સાથે આજના માણસને ઝાઝી લેવાદેવા નથી રહી એ બદલાતા સમય અને
વિકાસની સાથે આપણને મળેલો અભિશાપ છે.
સહુ પંખી ભેગાં થઈને દરિયાને પૂરવાની શરૂઆત કરે છે એ મેટાફર (રૂપક) આપણને સમજાવે છે
કે, જો સૌ ભેગાં થઈ જાય-સાથે રહે અને એકમેકની મદદ કરે તો ગમે તેટલી મોટી સમાજની સમસ્યાઓ,
પારિવારિક સમસ્યાઓનો ઉકેલ શોધી શકાય.
પંખીમાં જેમ જુદી જુદી જાત છે-કાગડો, કાબર, કોયલ, ચકલી, ગીધ, સમડી… એમ માણસમાં
પણ વર્ણાશ્રમ અને જ્ઞાતિ છે જ. એ વખતે જો પંખીએ એમ કહ્યું હોત, ‘ઈંડાં ટિટોડીના છે, હું તો કાગડો છું કે
સમડી છું… મારે શું કામ એની મદદ કરવી પડે?’ તો આ વિજય શક્ય નહોતો. જેમ બધાં ‘પંખી’ એક છે એમ
બધાં ‘માણસ’ પણ એક થાય તો કદાચ આ જગતના કેટલાય મહાપ્રશ્નો સરળતાથી ઉકલી જાય.
એમ થતું નથી કારણ કે, માણસ સ્વાર્થી અને લાલચુ છે… પંખીઓમાં પણ જીવો જીવસ્ય
જીવનમ્ નો સિધ્ધાંત છે જ. સમડી પણ ટિટોડીના ઈંડાં ખાતી જ હશે, પરંતુ જ્યારે ટિટોડી મુશ્કેલીમાં છે
ત્યારે સમડી પણ એની મદદે આવે છે, માટે આ વિજય શક્ય બને છે. અંતિમ પંક્તિઓમાં કવિ સુંદરમ્
લખે છે.
સાતે પાતાળનાં સળક્યાં પાણીડાં
દરિયાને પેટ આગ ભડકી રહી,
દરિયો ત્યાં હારિયો, કરગરતો આવિયો,
ઈંડાં ખોબામાં પાછાં લઈ.