‘એક વસ્તુ નક્કી છે, ત્રણ હજાર કિલોમીટર ફરવાથી દાઢી વધે, બુધ્ધિ ન વધે…’ ગુજરાતના
ગૃહપ્રધાન હર્ષ સંઘવીના આ ટ્વિટ પછી રાહુલ ગાંધીએ દાઢી કરાવી નાખીને એમની વાતને સાચી
સાબિત કરી છે?
ભારત એક એવો દેશ છે જેમાં 6 લાખ 40 હજારથી વધુ ગામડાં છે, પૃથ્વીના 2.4 ટકા
જેટલા ભાગમાં ભારત વસે છે. આ દેશમાં ઘણા લોકોએ પોતપોતાની રીતે જાગૃતિ લાવવાનો પ્રયાસ
કર્યો છે. આજે, 12મી માર્ચે દાંડી યાત્રાને 93 વર્ષ પૂરાં થયા ત્યારે સદગુરૂની નદીઓની યાત્રા હોય કે,
અડવાણીનો રથ. રાહુલના પિતા રાજીવ ગાંધીની દાંડી યાત્રા હોય કે રાહુલની ભારત જોડો યાત્રા…
અંતે આ બધામાંથી કશુંય પ્રાપ્ત થયું હોય એવા સચોટ ઉદાહરણ ભારતીય રાજનીતિમાં હજી કોઈ
ઊભાં કરી શક્યું નથી. ગાંધીજી જ્યારે દાંડી યાત્રા કરી અથવા વિનોબાએ ‘ભૂદાન’નો પ્રવાસ કર્યો ત્યારે
લોકોની માનસિકતા અલગ હતી ત્યારે ‘જાગૃતિ’નો અર્થ જુદો હતો. કેટલાય યુવાનો પોતાનું ઘરબાર,
નોકરી, પરિવાર છોડીને આવી યાત્રાઓમાં જોડાયા. એ સમયનો ભારતીય ઈતિહાસ પડખું બદલી
રહ્યો હતો. એ સમયના ઈતિહાસના પાનાંને આજની તારીખ સાથે સરખાવીએ તો હાસ્યાસ્પદ લાગે
કારણ કે, આજે આવા પ્રકારની યાત્રાઓ ‘તમાશા’થી વધારે કશું બની શકતી નથી.
આજનું ભારત ‘દેશ’ કરતાં વધુ મહત્વ પોતાના પરિવાર કે પોતાની કારકિર્દીને આપે છે.
ભારતનો સામાન્ય નાગરિક પોતાની રોજિંદી જિંદગી અને રોજી રોટી કમાવામાં એટલો વ્યસ્ત છે કે
એની પાસે આવાં ‘તમાશા’ કરવાનો સમય નથી. આખા દેશની માનસિકતા હવે અંગત અને સ્વાર્થી
માનસિકતા થઈ રહી છે જેને કારણે આપણે બધા ધીરે ધીરે ઈન્ડિવિડ્યુઅલ બનતા જઈએ છીએ.
જગતમાં કોઈપણ પ્રકારની જાગૃતિ માટે એક કલેક્ટિવ માનસિકતા જોઈએ જ્યારે સહુ એક જ વાત
પર સહમત થાય ત્યારે આવું કોઈ આંદોલન કે જાગૃતિ ઈતિહાસના પાનાં પર નોંધાય છે. આજે
સ્થિતિ એ છે કે, એક સમાજ કે સમિતિના લોકો પણ એક વાત પર સહમત થઈ શકતા નથી. આવા
સમાજ કે સમિતિના કાર્યક્રમમાં ભોજનનું મેનુ શું રાખવું એ વિશે પણ એટલા બધા ઝઘડા થઈ જાય
છે કે બે-ચાર સભ્યો રિસાઈને રાજીનામા આપી દે! સોસાયટીમાં રહેતા રહીશનો પ્રશ્ન વળી જુદો છે.
મેઈન્ટેનન્સ અને બીજી બાબતો માટે રચવામાં આવેલી સમિતિ વારંવાર એવું જતાવવાનો પ્રયત્ન કરે
છે કે, ‘આ અમારું કામ નથી. અમે તો બધાની સગવડ માટે આ કરીએ છીએ.’ આમ જોવા જાઓ તો
વાત સાવ ખોટી ય નથી. પોતાના નોકરી-ધંધા અને સામાજિક કાર્યો, પરિવારમાંથી સમય કાઢીને
સોસાયટીમાં બે-ચાર જણાં હિસાબકિતાબ રાખવાનું, મેઈન્ટેનન્સનું કે સિક્યોરિટીનું કામ સંભાળતાં
હોય છે. આપણને સૌથી વધુ હસવું આવે એવી વાત એ છે કે, આ ચેરમેન સેક્રેટરી કે ટ્રેઝરર
સોસાયટીના રહીશોના પગારદાર નોકર હોય એવી રીતે એમને ચોવીસ કલાક હેરાન કરવાનું
સોસાયટીના રહીશો પાસે લાયસન્સ હોય એવી રીતે મોટાભાગના લોકો વર્તે છે. મેઈન્ટેનન્સના પૈસા
ભરવાના આવે ત્યારે છ-બાર મહિના નહીં, વર્ષોના બાકી લેણા નહીં ચૂકવનારા પણ સોસાયટીની
મિટિંગમાં આવીને એવી દાદાગીરી કરે છે જાણે એમણે એકાદ ફ્લેટ નહીં, આખી સોસાયટી ખરીદી
લીધી હોય!
સોસાયટી હોય કે સમિતિ, જ્ઞાતિ, સમાજ કે કોઈ સમાજસેવા માટે રચાયેલો એનજીઓમાં
આવી પોસ્ટ કે પદ એટલા માટે નક્કી કરવામાં આવે છે જેથી નિર્ણય લેવાની સત્તા અમુક લોકો પાસે
રહે. કોઈપણ સંગઠનમાં જો બધા જ પોતપોતાની રીતે નિર્ણય લેવા માંડે તો જગતની કોઈ વ્યવસ્થા
ટકી શકે નહીં. છેલ્લા થોડા વખતથી આપણે ભારતમાં જે જોઈ રહ્યા છીએ એ અરાજકતાનું સૌથી
મોટું કારણ એ છે કે, આપણે બધા ‘લીડર’ બનવા માગીએ છીએ. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે
કોઈપણ સંગઠનમાં એકથી વધુ લીડર ભેગા થઈ જાય, વિભાગો પડવા માંડે અને જૂથવાદ શરૂ થઈ
જાય. આજે કોંગ્રેસની જે સ્થિતિ છે એનું સૌથી મોટું કારણ એ છે કે, કોંગ્રેસમાં ‘ફોલોઅર’ અથવા
‘સૂચન લેનાર કે સૂચનનો અમલ કરનાર’ કોઈ નથી. કાર્યકર્તાના નામે કોંગ્રેસમાં હવે એવું સમર્પણ કે
વિશ્વાસ રહ્યો જ નથી, જેની સામે ભાજપમાં એક સંગઠન છે જે ‘નરેન્દ્ર મોદી’ નામના એક જ
નેતાને માને છે અથવા એમના નિર્ણયને ગમાઅણગમા સાથે પણ અંતે સ્વીકારે છે. એ સમય હતો
જ્યારે લોકો ગાંધીજીના શબ્દને આખરી અથવા અંતિમ માનતા… એ સાચા હતા કે ખોટા એમાં
એની અર્થહીન ચર્ચામાં પડ્યા વગર આપણે એટલું સ્વીકારવું જોઈએ કે, કોઈપણ સંગઠન, રાષ્ટ્ર કે
પરિવારને એક જ નેતા ચલાવી શકે. બાકીના અભિપ્રાયો હોઈ શકે, પરંતુ નિર્ણય કરવાની સત્તા જો
દરેકને મળી જાય તો એ ટોળું ક્યારેય નિર્ણય પર પહોંચી જ શકે નહીં.
આ જ વાત ભારતીય પરિવારોને પણ લાગુ પડે છે. આપણે બાળકોને ‘સ્વતંત્રતા’ આપવાના
કોઈ મોર્ડન ખ્યાલ સાથે બાળ ઉછેરની એવી પધ્ધતિ અપનાવી ચૂક્યા છીએ જેમાં ‘છોકરાઓને વઢાય
નહીં, મરાય નહીં, આપણો નિર્ણય ઠોકી બેસાડાય નહીં’ જેવી માન્યતાઓ વધુ ને વધુ પ્રસરતી જાય છે. આ
વાત ખોટી કે નકામી નથી, પરંતુ જ્યાં સ્વતંત્રતા અપાય ત્યાં જરૂર આપવી જોઈએ. કયો આઈસ્ક્રીમ
ખાવો, કયા કપડા પહેરવા, પારિવારિક વેકેશનમાં ક્યાં જવું જેવી બાબતો સુધી બરાબર છે, પરંતુ
સંતાન જ્યારે પોતાના ઘરે પાછા ફરવાના કે નીકળવાના સમય વિશે, પોતાના ખર્ચ વિશે કાચી ઉંમરે
જાતે નિર્ણય કરવા માંડે ત્યારે માતા-પિતાની ફરજ છે કે, એ પોતાની સત્તા અથવા અધિકારનો ઉપયોગ
કરીને સંતાનના ખોટા કે ગેરવ્યાજબી નિર્ણયને બદલે પોતાનો નિર્ણય જાહેર કરીને, સંતાનને એ
મુજબ વર્તવાની ફરજ પાડે.
આજે દેશનો દરેક માણસ એક અભિપ્રાય ધરાવે છે, અને એ અભિપ્રાય સોશિયલ મીડિયા પર
મૂકતી વખતે એને ભાષા, વિવેક કે બંધારણનું ભાન રહેતું નથી. અભિપ્રાય આપવાનો અધિકાર
આપણું લોકશાહીતંત્ર દેશના દરેક નાગરિકને આપે છે, પરંતુ પોતાનો અભિપ્રાય સ્વીકારીને દેશ,
સમિતિ, સમાજ કે સંસ્થા એ જ પ્રમાણે ચાલવી જોઈએ એવો આગ્રહ કેવી રીતે રાખી શકાય? આજે
કોંગ્રેસની જે સ્થિતિ છે એ સ્થિતિ જો આપણા દેશમાં કે પરિવારમાં ન થાય એવું આપણે ઈચ્છતા
હોઈએ તો આપણને જેનામાં વિશ્વાસ હોય એવી એક વ્યક્તિને પરિવાર, સમિતિ કે સંસ્થાના વડા
તરીકે પસંદ કરવી જોઈએ. એકવાર આપણે આપેલો મત, દેશ સમિતિ કે સંસ્થાના વડાને પસંદ કરે એ
પછી દરેક વખતે એના નિર્ણય ઉપર કોમેન્ટ કરવી કે વિરોધ ઊઠાવવાનો કોઈ અર્થ છે ખરો?
જેને આપણે પસંદ કર્યા છે એનામાં જો આપણને જ વિશ્વાસ નહીં હોય તો પરિવાર,
સમિતિ, સંસ્થા કે રાષ્ટ્રનું તંત્ર કેવી રીતે ટકી શકે?