તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ કિ જહાં મિલ ગયા…

ફેબ્રુઆરી, 1947 હૈદરાબાદમાં એક મુશાયરો હતો. મુશાયરામાં એક ખૂબસુરત છોકરી બેઠી
હતી. સફેદ કુર્તો, સફેદ સલવાર અને ઈન્દ્રધનુષી રંગનો દુપટ્ટો. એ મુશાયરામાં જ્યારે એક ઊંચો-
પાતળો છોકરો પોતાના બુલંદ અને ઘૂંટાયેલા અવાજ સાથે શેર પઢવા લાગ્યો ત્યારે એ ખૂબસુરત
છોકરી સ્તબ્ધ થઈને એને સાંભળતી રહી. એની નઝમ પૂરી થઈ અને લોકોનું ટોળું કૈફી આઝમી,
સરદાર જાફરી અને મજરૂહ સુલ્તાનપુરીના ઓટોગ્રાફ લેવા માટે ધસી આવ્યું. એ તોફાની અને
ખૂબસુરત છોકરીએ એક નજર પેલા છોકરા તરફ નાખી અને એ સરદાર જાફરીનો ઓટોગ્રાફ લેવા
ચાલી ગઈ… પેલા યુવાનની આજુબાજુ કોલેજની છોકરીઓ મધમાખીની જેમ બણબણતી હતી. એ
છોકરાનું નામ હતું, કૈફી આઝમી.

થોડીવાર પછી જ્યારે એ એકલા પડ્યા ત્યારે પેલી છોકરી એની પાસે ઓટોગ્રાફ બુક લઈને
આવી. એમણે એ ઓટોગ્રાફ બુકમાં એક શેર લખ્યો, અને ઓટોગ્રાફ કરી આપ્યા… છોકરીને શેર
ગમ્યો નહીં એટલે એણે કૈફીને પૂછ્યું, ‘તમે મારી ઓટોગ્રાફ બુકમાં આટલો ખરાબ શેર કેમ લખ્યો?’
કૈફીએ મુસ્કુરાહટ સાથે કહ્યું, ‘તમે પહેલાં સરદાર જાફરીનો ઓટોગ્રાફ લેવા કેમ ગયા?’ બંને હસી
પડ્યા અને એ એમની પહેલી મુલાકાત હતી.

એ વખતે છોકરીની નાની બહેને કહ્યું, ‘શૌકતને મુબારકબાદ આપો… ત્રણ મહિના પછી એના
લગ્ન અમારા મામાના દીકરા ઉસ્માન સાથે થવાના છે.’

કૈફીનો ચહેરો ઉતરી ગયો. જમવાનું પત્યું અને એણે એકાંત શોધીને શૌકત નામની એ
છોકરીને કહ્યું, ‘ત્રણ મહિના પછી તો તમારા લગ્ન થઈ જશે. તમે મને યાદ પણ નહીં કરો’

‘તમે પણ મુંબઈ જઈને લગ્ન કરી જ લેશો ને? આજે નહીં તો કાલે.’ શૌકત નામની એ
છોકરીએ કહ્યું.
‘હું હવે જિંદગીભર લગ્ન નહીં કરું’ કૈફીએ કહ્યું…

મોડી રાત્રે કૈફી અગાષીમાં ટહેલતા હતા. શૌકત એમની પાસે ગઈ, ‘કુછ ચાહિયે?’ એણે
પૂછ્યું.
‘બહોત પ્યાસ લગ રહી હૈ’ કૈફીએ કહ્યું. શૌકતે સુરાહીમાંથી પાણી કાઢીને કૈફીને આપ્યું,
‘ઔર…’ એણે કહ્યું. શૌકતે બીજું પાણી આપ્યું, ‘ઔર…’ એણે કહ્યું. શૌકતે ત્રીજીવાર પાણી આપ્યું,
‘ઔર…’ એણે કહ્યું અને પછી ઉમેર્યું, ‘પ્યાસ નહીં બુઝી…’ શૌકત ત્યાંથી ભાગી ગઈ, પરંતુ એ પછી
જે બન્યું એ હિન્દી સિનેમાના ઈતિહાસનું એક મહત્વનું પાનું છે.

કૈફી આઝમી સાથેની દોસ્તી વિશે ઘરમાં ખબર પડી ગઈ. મામાનો દીકરો ઉસ્માન આવી
પહોંચ્યો. શૌકતે લગ્ન કરવાની ના પાડી દીધી. માતા-પિતા એને સમજાવતા રહ્યા. કૈફીને શૌકતની
બહેનના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને એ રડતા રડતા મુંબઈ ચાલી ગયા. એમના ગયા પછી
શૌકત એ રૂમમાં જઈને ચારેતરફ બધું ફેંદતી રહી ત્યારે એને એક પેડ ઉપર લખેલી નઝમ મળી.

શૌકત કે નામ
વો ચાંદજિસકી તમન્ના થી મેરી રાતોં કો
તુમ હી વો ચાંદ હો ઇસ ચાંદ-સી જબીં (કપાળ) કી કસમ
વો ફૂલ જિસકે લિએ મૈં ચમન-ચમન મેં ગયા
તુમ હી વો ફૂલ હો રુખ્સારે-અહમરીં (ચમકતા ગાલ) કી કસમ
તલાશ જિસકી મિરી રુહે-શાયરી (શાયરીનો આત્મા) કો થી
વો સિહરો-નગ્મા (જાદુ અને સ્વર) ઇસી ચશ્મે-કૈફબાર (નશીલી આંખો) મેં હૈ
ધુલી હુઈ હૈ ગુલિસ્તાં કી ચાંદની જિસમેં
વો ગુંચગી (કળી) ઇસી લબ (હોઠ) મેં, ઇસી ઇઝાર (ગાલ) મેં હૈ
લચકતા કાંપતા કામત (શરીર), ધને-ધને ગેસૂ…
મુજસ્સમા (પ્રતિમા) હૈ તૂ મેરે હસીન ખ્વાબોં કા…
આ વાંચીને શૌકતની આંખોમાં પાણી આવી ગયાં. એ નઝમની નીચે એડ્રેસ લખ્યું હતું! શૌકતે
એ એડ્રેસ પર પહેલો પત્ર લખ્યો.
કૈફી

મુજે તુમસે મહોબ્બત હૈ, બેપનાહ મહોબ્બત. દુનિયા કી કોઈ તાકત મુજે તુમ તક પહોંચને
સે નહીં રોક સકતી. પહાડ, દરિયા, સમુંદર, લોગ, આસમાન, ફરિશ્તે, ખુદા કોઈ નહીં.
તુમ્હારી ઔર સિર્ફ તુમ્હારી શૌકત.

જવાબ ક્યાં આવે? શૌકતે પોતાના કાકાના દીકરા અકબરને વિશ્વાસમાં લીધો અને એનું
સ્કૂલનું એડ્રેસ પ્રતિઉત્તર માટે આપી દીધું. એને કૈફી ગમતો, એ ઈચ્છતો હતો કે શૌકત અને કૈફી
એકબીજાની સાથે જીવન વિતાવે. પાંચ-છ દિવસમાં જ કૈફીનો જવાબ આવ્યો,
‘શૌકત, મેરી શૌકત

તુમ્હારા ખત મિલા ઉસકા એક એક હર્ફ (શબ્દ) મેરે અંદર ઈસ તરહ જઝ્બ (શોષાવું) હો રહા
થા, જૈસે પહેલી બારિસ કે કતરે પ્યાસી જમીન મેં જઝ્બ હો જાતે હૈ.’
એ પછી તો પત્રો ચાલતા રહ્યા.

એક દિવસ લોકોને ખબર પડી ગઈ. મામાના દીકરાએ મોરથુથુ ખાઈ લીધું, એને હોસ્પિટલ
લઈ જવામાં આવ્યો. એ રિવોલ્વર લઈને સૌને ડરાવતો કે પોતાની જાતને શૂટ કરી લેશે, પણ શૌકતે
તો નક્કી કરી લીધું હતું કે લગ્ન કરીશ તો કૈફી સાથે. એક દિવસ કૈફીએ પોતાના લોહીથી લખેલો પત્ર
મોકલ્યો. જે શૌકતે સીધો અબ્બાજાનને આપી દીધો. અબ્બાજાને હસીને શૌકતને કહ્યું, ‘આ શાયર
લોકો બહુ રોમેન્ટિક હોય. અસલી જિંદગી અને એમની જિંદગીમાં બહુ ફેર હોય. તને લાગે કે એણે
લોહીથી પત્ર લખ્યો છે, પણ એણે તો કસાઈને ત્યાંથી બકરીનું લોહી લાવીને પત્ર લખ્યો હશે… ખેર,
હું તને મુંબઈ લઈ જઈશ. તું તારી નજરે એની જિંદગી અને જીવનશૈલી જોઈને નક્કી કરજે.’

1950માં એક આવો પિતા, જેણે દીકરીને પોતાના લગ્ન માટે જાતે નિર્ણય કરવાની છૂટ
આપી! કૈફી આઝમી એ વખતે એક જુદી જ દુનિયામાં વસતા હતા. જેને એ લોકો કમ્યુન કહેતા. એ
અંધેરીમાં હતું. મોગરા, જુહી અને રાતરાણીના નાના નાના સુંદર છોડ હતા. જેમાં બધા આર્ટિસ્ટ
અને ડાન્સર રહેતા હતા. સચીન શંકર, ગુલ, દીના પાઠક, પ્રેમ ધવન અને બંગાળના કેટલા બધા
એક્ટર્સ અહીં રહેતા. સાહિર લુધિયાનવી અને કૈફી પણ અહીં જ રહેતા. જોશ મલિહાબાદી, મઝાઝ,
કૃષ્ણચંદ્ર, મહેન્દ્રનાથ, પિતરસ બુખારી, વિશ્વામિત્ર આદિલ, સિકંદરઅલી વજ્દ, ઈસ્મત ચુકતાઈ,
સરદાર જાફરી, રિફઅત સરોશ… જેવાં દેશના મોટા મોટા નામો અહીં રોજ આવતા. અહીં બહુ
વધારે સગવડો નહોતી. એલ્યુમિનિયમની થાળી અને એલ્યુમિનિયમની વાડકી. ભોજન પણ સાવ
સાદું. જમ્યા પછી પોતાના વાસણ ધોઈને મૂકી દેવાના… અહીં આખો દિવસ ક્રિએટિવિટીની વાતો
ચાલતી. દેશને આઝાદ કરાવવાની અને બીજી કેટલી બધી પ્રવૃત્તિઓ અહીં થતી.

એક દિવસ ત્યાં વિતાવ્યા પછી પિતાએ શૌકતને પૂછ્યું, ‘તેં એમની જિંદગી જોઈ લીધી છે.
હવે મને કહે, તું હજી એમની સાથે લગ્ન કરવા માગે છે? મારે બસ એક જ વાત કહેવી છે, આપણા
ખાનદાનમાં લગ્ન એકવાર થાય છે. દીકરી પછી ત્યાંથી ફક્ત મૃત્યુ પામે ત્યારે જ બહાર નીકળે… માટે
જે કરે તે વિચારીને નક્કી કરજે.’

શૌકતે જવાબ આપ્યો, ‘આ તો કવિ છે, પણ એ મજૂર હોત તો પણ હું એની સાથે લગ્ન કરત
અને માથા પર તગારું લઈને એની સાથે કામ કરત. મારો નિર્ણય ફાઈનલ છે.’ પિતાએ પૂરા આદરથી
દીકરીના નિર્ણયને વધાવ્યો એટલું જ નહીં, બીજા દિવસે એના નિકાહ કરાવી દીધા. એ દિવસથી
કૈફીએ શૌકતને ‘શીન’ કહેવાનું શરૂ કર્યું અને એ રાત્રે કૈફીએ પોતાની પત્નીને પોતાનું પુસ્તક ભેટ
આપ્યું. એમણે એના ઉપર લખ્યું હતું,
‘શીન’ કે નામ…
મૈં તન્હા અપને ફન કો આખિરે-શબ તક લા ચુકા હૂં, તુમ આ જાઓ તો સહર હો જાએ.
-કૈફી.

આ એ કૈફી આઝમી છે જેની દીકરી શબાના આઝમી એક બેનમૂન અભિનેત્રી છે. જેના
જમાઈ જાવેદ અખ્તર એક શાયર છે અને જાંનિસાર અખ્તરના પુત્ર છે. એમનો દીકરો બાબા આઝમી
એક ડીઓપી (કેમેરામેન) છે અને પુત્રવધૂ તન્વી આઝમી અભિનેત્રી છે… શૌકત આઝમી પોતે એક
ખૂબ સારા અભિનેત્રી રહ્યાં છે… શૌકત આઝમીની ફિલ્મોમાં ‘સાથિયા’, ‘સલામ બોમ્બે’, ‘ઉમરાવ
જાન’, ‘બજાર’, ‘સ્વીકાર’, ‘વો મેં નહીં’, ‘જુર્મ ઔર સજા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. કૈફી
આઝમીને ત્રણ ફિલ્મફેર, બે સાહિત્ય અકાદમી અને બે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
‘હીર રાંઝા’ ફિલ્મમાં એમણે આખી ફિલ્મના સંવાદ કવિતાઓ-તુકબંદીમાં લખ્યા હતા. એ સિવાય
પણ ‘રઝિયા સુલ્તાન’, ‘અર્થ’ અને ‘હસતે જખમ’ જેવી ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.

1973ના અંતમાં કૈફી આઝમીનું બ્લડ પ્રેશર ખૂબ વધારે રહેતું હતું. સૌ એમને સમજાવતા કે
મીઠું છોડી દો. એ હસતા અને કહેતા, ‘નમક છોડ દૂંગા તો નમકીન શાયરી કૈસે લીખુંગા?’

9મી ફેબ્રુઆરી, 1973ના દિવસે એ મ્યુઝિક ડિરેક્ટર રોશનની પાર્ટીમાં ગયા. પાર્ટીમાંથી
પાછા આવ્યા ત્યારે એમને લકવાનો એટેક આવ્યો. એમનો દીકરો 17 વર્ષનો હતો અને શબાના
દિલ્હી હતી… ઘરમાં ફક્ત 100 રૂપિયા હતા. એમ્બ્યુલન્સ બોલાવી અને કૈફી સાહેબને બ્રીચ કેન્ડી
લઈ ગયા… એ પછીનો સમય એટલો ખરાબ આવ્યો કે, ઘરના સૌ હોસ્પિટલથી ઘર અને ઘરથી
હોસ્પિટલના ચક્કરમાંથી બહાર નીકળી જ શક્યા નહીં. એમણે પોતાને ગામ શિફ્ટ થવાનું નક્કી કરી
દીધું. અમારું ગામ મિજવા કૈફી માટે સૌથી પ્રિય જગ્યા હતી. ત્યાં સ્કૂલ ખોલવાનું નક્કી કર્યું અને
શબાનાએ ત્યાં ઘર બંધાવી આપ્યું. એક મોટો હોલ, એક બેડરૂમ અને લાયબ્રેરી, કૈફીએ કહ્યું હતું, ‘મુજે
ઈસસે બડે ઘર કી જરૂરત નહીં હૈ!’

એમની તબિયત બગડવા લાગી. શબાના એમને મુંબઈ લઈ ગઈ. જસલોક હોસ્પિટલના
ઈન્ટેન્સિવ કેર યુનિટમાં બે મહિના સુધી એ રહ્યા, પરંતુ 10મી મે, 2002ના દિવસે એમણે આ
દુનિયા છોડી દીધી.

શૌકતજીએ પોતાના એમના શબ્દોમાં લખ્યું છે, ‘જબ કૈફી કી મય્યત હોસ્પિટલ સે ઘર લાઈ
ગઈ થી, બાબા મેરે કમરે મેં આયા ઔર કહા, મમ્મી અબ્બા કો ઉનકે કમરે મેં લિટા દિયા હૈ, આપ
દેખેંગી? મેરે મુંહઈ સે નિકલા, હાં મુઝે દેખના હૈ. મૈં પલંગ સે ઉઠકર લડખડાતે કદમોં સે કૈફી કે કમરે
મેં ગઈ. ધડકતે દિલ ઔર ખુશ્ક આંખોં સે ઉનકો દેખતી રહી, દેખતી રહી, ગૌર સે ઘૂરતી રહી. એક
બેજાન આદમી કો જિસકે સાથ મૈંને પચપન સાલ ગુજારે થે. પચપન સાલ મુકમ્મલ હોને મેં સિર્ફ
તેરહ દિન બાકી થે, 23 મઈ, 1947 સે 10 મઈ, 2002. હજારો યાદેં, હજારોં બાતેં જેહન મેં ઘૂમને
લગીં. મુજે લગા જૈસે કોઈ ઝહરીલા નાગ મેરી ગર્દન સે લિપટા મુઝે ડસ રહા હૈ.’

કૈફી સાહેબના ગુજરી ગયા પછી એમણે નવ વર્ષ કૈફી સાહેબ વગર વીતાવ્યાં… 22 નવેમ્બર,
2019ના દિવસે એમણે પણ આ જગત છોડી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *