‘તુમ મુઝે “ગુડ” કહેના, હમ તુમકો “વેરી ગુડ” કહેંગે…’

‘આજે હું જે કંઈ છું એ માટે સૌથી પહેલો શ્રેય મારા માતા-પિતાને આપવો જોઈએ. 1975માં
એક છોકરો નાટકો કરવા માટે જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં મળેલું એડમિશન છોડી દે, અને
ગુજરાતીના પ્રોફેસર, પિતા સહજતાથી સ્વીકારીને એમ કહે કે, તને જે ગમે તે કર કારણ કે,
જીવનભર અણગમતું કામ કરીને તું ક્યારેય સુખી નહીં રહી શકે…’ આ ગુજરાતી ભાષાના એક
સફળ અને લોકપ્રિય કલાકારના શબ્દો છે. એમના પિતા મધુકર રાંદેરિયા એક લેખક, ગઝલકાર,
અભિનેતા, દિગ્દર્શક અને ગુજરાતી ભાષાના પ્રોફેસર રહી ચૂક્યા છે.

આ બધા સમય દરમિયાન સિધ્ધાર્થ રાંદેરિયા આર્થિક રીતે સંપૂર્ણપણે નાટકો પર આધારિત
નહોતા. એ સમયે નાટકોમાંથી એવી આવક પણ નહોતી થતી એટલે ઈન્ટિરિયર ડિઝાઈનનો
પોતાનો વ્યવસાય ચાલુ રાખીને એમણે બાકીના સમયમાં નાટકો કરવાનું પસંદ કર્યું હતું. એ પછી
શેફાલી વળિયા સાથે એમના લગ્ન થયા. જુહુ સ્કીમ વિસ્તારના ધનાઢ્ય પરિવારમાંથી આવેલી
શેફાલીએ એક સાચી જીવનસાથીની ભૂમિકા નિભાવી. એણે સિધ્ધાર્થને કહ્યું, ‘ઈન્ટિરિયરના
વ્યવસાયમાં તારું મન નથી લાગતું. તું સતત નાટકોમાં જીવે છે અને રંગભૂમિ જ તારું જીવન છે તો
બાકી બધું છોડીને નાટક-રંગભૂમિ સાથે જ સંપૂર્ણપણે જોડાઈ જા. ઘરની આર્થિક જવાબદારીમાં હું
મારું પ્રદાન કરીશ.’ પોતાની એડવર્ટાઈઝિંગ એજન્સી શરૂ કરીને શેફાલી રાંદેરિયાએ પતિ પોતાના
વ્યવસાયમાં સંપૂર્ણ સમય આપી શકે એ માટે લગભગ 25 વર્ષ સુધી વ્યવસાય કર્યો, સંતાનોની,
પરિવારની જવાબદારી લીધી. નાનો દીકરો અન્વિત થોડો વધુ તોફાની હતો, એટલે એ ડિસિપ્લિન
થઈ શકે માટે એને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાનો નિર્ણય કર્યો. પોતે અત્યંત સ્વતંત્ર અને મુક્ત
વાતાવરણમાં ઉછર્યા હોવાને કારણે સિધ્ધાર્થને આ નિર્ણય એ સમયે નહોતો ગમ્યો, પરંતુ સમય
સાથે આજે એ નિર્ણય યોગ્ય પૂરવાર થયો છે એવું સિધ્ધાર્થ પોતે સ્વીકારે છે.

આજે આપણે જોઈએ છીએ કે, અનેક પરિવારોમાં ખૂબ કમાતા, સમાજની દ્રષ્ટિએ સફળ
કહેવાતા લોકો પણ પોતે જે ન કરી શક્યા એનો અફસોસ હૃદયમાં સંઘરીને જીવે છે. ડૉક્ટર બની
ગયેલા માણસને અભિનેતા કે સિંગર ન બની શક્યાનો અફસોસ છે. વકીલાતનો વ્યવસાય કરતા
માણસને ક્યાંક નાનકડો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા હતી, પરંતુ પારિવારિક પ્રેશરને કારણે એણે
આ વકીલાતનો વ્યવસાય સ્વીકારવો પડ્યો એવું એને સતત ખૂંચે છે! આવા લોકો પોતાના
વ્યવસાયમાં સફળ હોય છે, પરંતુ એમને સંતોષની અનુભૂતિ નથી થતી કારણ કે, પોતાનું ગમતું
કામ ન કરી શક્યાનો અફસોસ એમને અધૂરપ અને રહી ગયાની લાગણીનો અહેસાસ કરાવ્યા કરે
છે… આવા કિસ્સામાં માતા-પિતા અને પત્નીની ભૂમિકા બહુ મહત્વની બની જાય છે. કદાચ, માતા-
પિતા જુનવાણી હોય, સંતાનની આર્થિક સુરક્ષા ઈચ્છતા હોય એ કારણે એમણે સંતાનને ગમતી
કારકિર્દી ન લેવા દીધી હોય તેમ છતાં જો વ્યક્તિ ટેલેન્ટેડ હોય, એનામાં એ સ્કિલ કે આવડત હોય
તો પત્ની થોડોક સમય માટે પરિવારને આર્થિક સપોર્ટ આપીને પતિને પોતાનો ગમતો વ્યવસાય
કરવાની સવલત ઊભી કરી આપી શકે… જુઓ આવું થઈ શકે, ને વ્યક્તિ પોતાના ગમતા કામ
સાથે જોડાય તો કદાચ, વધુ સફળ અને વધુ શ્રેષ્ઠ પૂરવાર થઈ શકે!

આ વાત વિતેલા જમાનાની છે, સિધ્ધાર્થ રાંદેરિયા આજે જિંદગીના સાડા છ દાયકા વટાવી
ચૂક્યા છે. સીએ ભણ્યા પછી અભિનયના ક્ષેત્રમાં પ્રવેશેલા દર્શન જરીવાલા અને શેખર કપૂર જેવા
લોકોએ શિક્ષણ પૂરૂં કર્યા પછી પણ એને વ્યવસાય તરીકે ન સ્વીકારતાં, પોતાના પેશનને વ્યવસાય
તરીકે સ્વીકાર્યો. મરાઠીમાં ડૉ. શ્રીરામ લાગુ અને ડૉ. કાશીનાથ ઘાણેકર જેવા દાખલા પણ આપણી
સામે છે જ. જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘કેટલાય વર્ષો
સુધી હું જ્યારે સફળ નહોતો ત્યારે મારી પત્નીએ ઘર ચલાવ્યું છે. આજે હું જે કંઈ છું એનું મોટું શ્રેય
મારે એની ધીરજ અને મહેનતને આપવું પડે.’ આ બધા પોતાના જીવનમાં કશુંક મેળવી શક્યા-અને
સમાજને પણ કશું આપી શક્યા કારણ કે, એમના જીવનસાથીએ એમને એટલી સવલત ઊભી કરી
આપી. આપણે પત્નીને ‘સહધર્મચારિણી’ કહીએ છીએ, અર્થ એ થયો કે, ધર્મ, અર્થ, કામ અને
મોક્ષમાં પતિ-પત્ની સાથે સાથે ચાલે. પતિ જ્યારે કશુંક બનવા માગે, કોઈ પ્રયાસ કે પ્રવાસ કરવા
માગે ત્યારે જો એની જીવનસંગિનીનો સહકાર અને પ્રોત્સાહન મળી રહે તો એ પોતાના પેશન સાથે
ખરેખર કશુંક અદભૂત કરી શકે.

આ માત્ર પત્નીની ફરજ નથી, જેમ પત્ની જીવનસંગિની છે એમ પતિ ‘જીવનસાથી’ છે.
ક્યારેક પત્નીના કોઈ સ્વપ્ન પૂરા કરવા માટે સામાજિક, આર્થિક કે પારિવારિક ક્ષેત્રે નાનું મોટું
સમાધાન કરવું પડે તો એ કરવાની પતિની ફરજ છે. જે પતિ આવું કરી શકે છે એ પોતાની
પત્નીની સફળતાનું શ્રેય અને એનો પ્રેમ પામી શકે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે, સ્ત્રી પુરુષ
કરતાં વધુ ભણેલી, અથવા વધુ ટેલેન્ટેડ હોય, આવા સમયે પોતાના પુરુષ હોવાના અહંકારને
બાજુએ મૂકીને પત્નીને આગળ વધવામાં સહકાર અને પ્રોત્સાહન આપે એ પતિ જ સાચા અર્થમાં
પોતાના સપ્તપદીના વચન નિભાવે છે.

આર્થિક સલામતી કોઈપણ પરિવાર માટે જરૂરી જ છે, ખાસ કરીને જ્યારે પતિ-પત્ની બે જ
જણાં ન હોય, પરંતુ સંતાનો પણ હોય અને પરિવારોની જવાબદારી પણ હોય ત્યારે કોણ કમાશે
અને કોણ પોતાના સપનાં પૂરાં કરશે એવી હોડમાં ઉતરવાને બદલે જો બંને જણાં સમજદારીથી
એકબીજાને સપોર્ટ કરે-આગળ વધવા માટે એકમેકનો હાથ પકડી રાખે તો દામ્પત્ય સાર્થક થયું
કહેવાય.

ડૉ. સ્વરૂપ રાવલે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘પરેશ અને મેં જ્યારે પરિવાર શરૂ
કરવાનું નક્કી કર્યું ત્યારે એવો નિર્ણય કર્યો હતો કે બેમાંથી એક પોતાની અભિનયની કારકિર્દી ચાલુ
રાખશે અને બીજી વ્યક્તિ બાળકોને સમય આપશે. હું માનું છું કે પરેશ મારાથી વધુ ટેલેન્ટેડ અને
પેશનેટ છે, એટલે મેં થોડા સમય માટે બ્રેક લઈને બાળકોને સમય આપવાનું નક્કી કર્યું…’ પરિણામ
આપણે જોઈ શકીએ છીએ. એક સુખી દામ્પત્યની સાથે સાથે પરેશ રાવલનો દીકરો આદિત્ય રાવલ
એક સારા અભિનેતા તરીકે આગળ આવી રહ્યો છે. અહીં મજાની વાત એ છે કે, આદિત્યએ હોટલ
મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે-પછી અભિનેતા બનવાનું નક્કી કર્યું, ને માતા-પિતાએ એમાં સહકાર
આપ્યો કારણ કે, બંને એક વાત સમજે છે-ગમતું કામ કરવાનો કદી થાક ન લાગે! ગમતું કામ
કરીએ તો સફળતા મળે, અને સંતોષ પણ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *