ત્યાગ અને વિરક્તિઃ છોડવું અને છૂટી જવું!

રાજેશ વ્યાસ (મિસ્કિન)ની ગઝલનો એક શેર છે, તારું  કશું  ન   હોય  તો  છોડીને  આવ  તું,
તારું  જ બધું   હોય  તો  છોડી  બતાવ  તું.

આપણે બધા જ ફિલોસોફીની વાતો કરવામાં પાછા પડીએ એમ નથી. ગીતાનું જ્ઞાન આપણા બધા માટે
‘આપવાની ચીજ’ છે, જીવનમાં અમલમાં મૂકવા માટે આપણી પાસે એક બીજો જ માપદંડ અને જુદી
વિચારસરણી છે. માણસમાત્રને જવાબદારીનો કંટાળો આવે છે. કોઈકને હંમેશાં આવે છે, કોઈને ક્યારેક આવે
છે… પરંતુ, એ કંટાળાથી ડરીને કે જવાબદારીઓના બોજથી ગભરાઈને જો કોઈ વૈરાગ્યની કે ત્યાગની વાતો
કરવા માંડે તો એને સંત કે સંન્યાસી ન કહેવાય.

દિનકર જોશીના પુસ્તક ‘પ્રશ્ન પ્રદેશને પેલે પાર’માં તથાગત બુધ્ધ જ્યારે યશોધરાને મળવા જાય છે
ત્યારે એ જુએ છે કે પોતે જે જીવન ગુફા અને જંગલોમાં જીવે છે એ જ જીવન એમની પત્ની મહેલમાં રહીને
જીવે છે. યશોધરા એક કથામાં બુધ્ધને પૂછે છે, ‘એવું શું છે જે તમને બહાર ભટકીને મળ્યું અને મને અહીં રહીને
પણ મળી ગયું!’

ભગવદ્ ગીતાનું જ્ઞાન સંસારની વચ્ચોવચ રહીને અલિપ્ત રહેતા શીખવાની સમજણ છે. બધું જ હોવા
છતાં એ મારું નથી અને શાશ્વત નથી એ વિચાર જો મનમાં એકવાર દૃઢ થઈ જાય તો રાગ, ભોગ, શૃંગારની વચ્ચે
પણ ‘સ્થિતપ્રજ્ઞ’ રહી શકાય એવું શ્રીકૃષ્ણના મુખેથી કહેવાયું છે. જે લોકો જવાબદારી અને સંબંધોથી ભાગે છે, એ
બધા ડરપોક અને કાયર છે.

વિરક્તિ, સંન્યાસ કે વૈરાગ્યના નામે જવાબદારી ઊઠાવવાના સમયે જેણે હાથ ખંખેરી
નાખ્યા હોય એ જ લોકો વૃધ્ધાવસ્થામાં કે સમય જતાં પોતાના અધિકાર ભોગવવા માટે પાછા
ફરે છે. બદલાયેલી પરિસ્થિતિનો લાભ એમને જોઈએ છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી
ત્યારે એમણે પોતાની જવાબદારી નિભાવી નહીં. હવે સવાલ એ છે કે, આવા લોકોને ક્ષમા કરવી
જોઈએ? પરિવારજન કે પ્રિયજન જેણે પોતાની જિંદગીના ઉત્તમ વર્ષો, બાળપણ કે સારામાં
સારો સમય ગૂમાવી દીધો એને જો એ સમય પાછો ન આપી શકાવાનો હોય તો આવા લોકોને
પાછા ફરવાનો અધિકાર છે ખરો?

સમય, સતત વહેતો અને બદલાતો રહે છે… બદલાતા સમયમાં કશુંય શાશ્વત નથી, ખાસ કરીને
પ્રસિધ્ધિ, પદ અને સફળતા તો કદીયે શાશ્વત રહેતા નથી. ફિલ્મ લાઈન હોય કે રાજકારણ, ઓફિસરની ખુરશી
હોય કે ફોર્બ્સ મેગેઝિનના શ્રીમંતોની યાદી, કોઈનું સ્થાન કાયમ રહેતું નથી. શુક્રવારથી શુક્રવારની ફિલ્મી દુનિયા
હોય કે બે ચૂંટણી વચ્ચેનું રાજકારણ, કેટલાક લોકો એવું માનીને ચાલે છે કે, એ જ્યાં ઊભા છે ત્યાંથી એમણે
ક્યારેય ખસવું નહીં પડે, પરંતુ સમયથી વધુ ક્રૂર અને કડક બીજું કશું જ નથી. જે લોકો સમયને માન આપીને
સ્વયંને બદલતાં શીખી જાય છે એમના જીવનમાં સુખ અને શાંતિ હંમેશાં રહે છે, પરંતુ જે લોકો સમયને
ઓળખતા નથી, સ્વીકારતા નથી અને એના નિર્ણયનો વિરોધ કરે છે એ બધા જ બેચેન અને સંઘર્ષમય રહે છે.

જેમ કોઈ સતત સફળ નથી રહી શકતું એવી જ રીતે કોઈ હંમેશાં અને સતત નિષ્ફળ ન રહી શકે. સમય
દરેકને તક આપે છે. એ તકનો સાચો અને સારો ઉપયોગ કરી શકનાર દરેક માણસ પોતાને મળેલા સમયમાંથી શ્રેષ્ઠ
સર્જન કરી શકે છે. સમય સૌની પરીક્ષા કરે છે. અમિતાભ બચ્ચેન, એલ્વિસ પ્રેસ્લી, વિલ્મા રુડલ્ફ જેવા લોકોએ
પોતાના સમયની પ્રતીક્ષા કરવી પડી છે. આ પ્રતીક્ષા એટલે માત્ર બેસી રહીને ‘અચ્છે દિન આયેંગે’નો સધિયારો
નહીં, બલ્કે સતત ચાલતા રહેવું-પગેથી નહીં, પ્રયાસથી. ખરાબ સમયમાં પણ અટકી જઈને, નિરાશ થઈને કે
હારીને બધું જ છોડી દેવું નહીં. બલ્કે પ્રયાસ અને પ્રવાસ બંને ચાલું રાખવા. સમય આપણી તરફ પ્રવાસ કરતો
હોય ત્યારે એની પ્રતીક્ષા કરીને બેસી રહેવાને બદલે જો આપણે ચાલતા રહીએ તો આપણે પણ સમય તરફ
પ્રવાસ કરી શકીએ.

તક, હક અને લક ત્રણે સતત ફરતાં રહે છે. આજે જેને મળ્યાં છે એણે જો એનો ઉપયોગ ન કર્યો તો
આવતીકાલે એ અન્ય વ્યક્તિ પાસે ચાલી જ જાય છે. જેણે એનો ઉપયોગ કર્યો અને સફળતાને પામી ગયા એમણે
પણ એ યાદ રાખવાનું છે કે, આવતીકાલે એમની જગ્યાએ કોઈ બીજું હશે…

કલ ઔર આયેંગે નગ્મોં કી ખિલતી કલિયાં ચૂનને વાલે,
મુજસે બહેતર કહેને વાલે, તુમસે બહેતર સૂનને વાલે,
ક્યૂં કોઈ મુજકો યાદ કરે?
મસરૂફ જમાના મેરે લિયે, ક્યૂં વક્ત અપના બરબાદ કરે?

આ વાત જેને યાદ રહે એ જીવનના દરેક જંગમાં જીતે છે. માધુરી દીક્ષિતે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું
હતું કે, ‘જ્યારે ઉપર ચઢતા હોઈએ ત્યારે રસ્તામાં મળતા દરેક માણસ સાથે સારી રીતે વર્તવું કારણ કે, આપણે
ઉપર જઈને પાછા આવતા હોઈએ છીએ, પરંતુ એ લોકો તો ત્યાં જ ઊભા હોય છે. નીચે ઉતરતી વખતે
આપણને એ જ લોકો પાછા મળવાના છે.’ જે સારા સમયની પ્રતીક્ષા કરી શકે છે એમનો સમય જરૂર આવે છે…
અને જે સમયના બદલાવને સ્વીકારી શકે છે એમને માટે ‘સારો સમય’ ક્યારેય પૂરો થતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *