ટ્રેનમાં મુસાફરી કરી રહેલા થોડા લોકોની વાતચીત કાને પડી. એક બેને કહ્યું, ‘એક્સ બેન તો ‘ટિપિકલ
બૈરું’ છે.’ બીજાએ કહ્યું, ‘આઈ નો, આખો દિવસ ઘર-પરિવાર, રેસિપી ને હસબન્ડની વાતોમાંથી ઊંચા જ નથી
આવતા…’ ત્રીજાએ વળી હસીને ઉમેર્યું, ‘આ બધી ટિપિકલ સ્ત્રીઓ ક્યારેય સુધરવાની નહીં.’ પહેલા બેને ફરી
કહ્યું, ‘દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, પણ આ દેશની સ્ત્રીઓ હજી ‘સતી સાવિત્રી’ બનીને જીવ્યા કરે છે…’
બીજા બેને વળી અંતિમ સ્ટેટમેન્ટ કરી નાખ્યું, ‘રસોડું, છોકરાં અને ફેમિલીમાં કંઈ લાઈફ પૂરી કરાય?’
એમની વાતચીત સાંભળતાં પ્રશ્ન થયા, ‘આ ટિપિકલ એટલે શું?’ સાદાસીધા હોવું, પરિવારની કાળજી
કરવી, રોજ નવું બનાવીને સૌને જમાડવું કે ઘરનું કામ જાતે કરવું એ હવે આઉટ ઓફ ડેટ થઈ ગયું છે? આવી
ઘરરખ્ખુ સ્ત્રી કે ગૃહિણી હોવું એ ડાઉન માર્કેટ કહેવાય? ભારતીય પરંપરા અને શાસ્ત્રો કહે છે કે, આખું ગૃહ જેનું
ઋણી છે એ ‘ગૃહિણી’ છે. ઘરના સૌ સભ્યોની કાળજી લે, એને ‘ગૃહલક્ષ્મી’ કહેવાય છે. માત્ર કમાવું, વ્યવસાય
કરવો કે મોર્ડન હોવાના નામે ઘર-પરિવારના સભ્યોને અવગણવા એ કોઈ નવી સ્ટાઈલ કે જીવનશૈલી છે?
સ્ત્રી શિક્ષણ વધ્યું છે, પરંતુ માત્ર મોટા શહેરોમાં. ભારતના મેટ્રો કહેવાતા શહેરોમાં એક અલગ
જીવનશૈલી છે-જ્યારે, બી અને સી પ્રકારના નાના શહેરોમાં આજે પણ પરંપરાગત, પારિવારિક જીવનને મહત્વ
આપવામાં આવે છે. એક જમાનામાં સંયુક્ત પરિવાર, કોઈ ગર્વની કે જાહેર કરવાની બાબત નહોતી-લોકો એમ
માનતા કે, એ જ સત્ય છે! આજે જીવનધોરણ બદલાયું છે, સંયુક્ત પરિવાર એ નવાઈની વાત બની ગઈ છે.
ભણેલી, મોર્ડન પરિવારમાં ઊછરેલી મોટે ભાગે સિંગલ ચાઈલ્ડ દીકરીઓ હવે એવા છોકરાને પરણવાનું પસંદ કરે
છે જે પરિવારથી દૂર રહેતો હોય અથવા જેનો પરિવાર નાનો હોય. માતા-પિતા પોતાની દીકરીને એવા જ
પરિવારમાં પરણાવવાનું પસંદ કરે છે જ્યાં એના પર ઘરકામની જવાબદારી ઓછી હોય! કેટલાંક માતા-પિતા
ગર્વથી એવું કહે છે, ‘અમારી દીકરીને રસોડાનું કોઈ કામ નથી આવડતું… મેં એને કરવા જ નથી દીધું.’ અહીં
સવાલ એ આવે છે કે જો પરિવાર નાનો હશે કે પતિ-પત્ની એકલાં જ રહેતાં હશે તો ઘરની જવાબદારી સ્ત્રીને
માથે આવશે જ. મોર્ડન પતિ કદાચ, જવાબદારી વહેંચે, પરંતુ હજી ભારતમાં ‘હાઉસ હસબન્ડ’નો કોન્સેપ્ટ હજી
એટલો પ્રચલિત નથી.
સમસ્યા ત્યાંથી શરૂ થાય છે જ્યાં ભારતીય ‘મમ્મી’ પોતાના દીકરાને એક ગ્લાસ પાણી પણ ભરવા દેતી
નથી. એટલાં લાડ કરે છે કે દીકરો પુરુષ બને ત્યાં સુધી એને રસોડામાં કે ઘરમાં ખાસ કંઈ ગતાગમ હોતી નથી.
બીજી તરફ, નવી, મોર્ડન ભારતીય મમ્મીઓ દીકરીને ‘દીકરાની જેમ’ ઉછેરે છે. હવે, જ્યારે બે જણાં સાથે
રહેવાનું શરૂ કરે છે ત્યારે દીકરો પોતાની પત્ની પાસેથી મમ્મી જેવી અપેક્ષાઓ રાખે છે. સામે, લાડમાં ઉછરેલી
‘પપ્પાની પરી’ દીકરી કશું શીખી નથી-એને લાગે છે કે પોતે આર્થિક પ્રદાન કરે છે માટે પતિએ પણ ઘરકામમાં
એટલી જ મદદ કરવી જોઈએ. વિવાદ, વિખવાદ અને અંતે વિધ્વંસ તરફ પરિસ્થિતિ ધકેલાય છે.
જે મમ્મીએ દીકરાને લાડથી ઉછેર્યો છે, એ જ મમ્મીને કહ્યાગરો, મદદ કરતો અને દીકરીનો પડ્યો બોલ
ઊઠાવતો જમાઈ ખૂબ વહાલો છે. એના ગુણગાન કરતાં સાસુ થાકતી નથી-પરંતુ, એનો દીકરો જ જો પોતાની
પત્ની માટે થોડું સમાધાન કરે કે એની ઈચ્છા મુજબ વર્તે તો મમ્મીને એ ‘વહુઘેલો’ લાગે છે. આ બે સ્ટાન્ડર્ડ્ઝ-
બેવડું ધોરણ આપણા સમાજના લગ્ન સંબંધોને પાયામાંથી હચમચાવી રહ્યા છે.
આજથી હજારો વર્ષ પહેલાં પુરુષનું કામ હતું, ફૂડ ચેઈઝ કરવાનું. કમાવું, પરિવાર માટે ભોજન અને
સુખ, સગવડની વ્યવસ્થા ઊભી કરવાનું. સ્ત્રીનું કામ હતું, પુરુષ જે ધન કમાઈને લાવે એમાંથી ઘર યોગ્ય રીતે
ચાલે એની વ્યવસ્થા ઊભી કરવાનું… સમય સાથે રોલ બદલાયા છે, પરંતુ માનસિકતા બદલાઈ નથી. નવાઈની
વાત એ છે કે, પુરુષની અપેક્ષા છે કે, પત્ની સંપૂર્ણપણે પરિવારને સમર્પિત રહે, પરંતુ એ જ પુરુષ પોતાની પત્ની
પાસે આર્થિક પ્રદાન, અંગ્રેજી બોલવાની અને મોર્ડન હોવાની અપેક્ષા પણ રાખે છે. જરૂરી નથી કે અંગ્રેજી
બોલવાથી કે મોર્ડન હોવાથી ઘરના કામ કરવામાં કોઈ નાનપનો અનુભવ થાય. ખરું પૂછો તો આ બે બાબતોને
એકબીજા સાથે કોઈ નિસ્બત જ નથી, પરંતુ પોતાની જાતને મોર્ડન માનતી, પોતાની દીકરીઓને ‘મોર્ડન’ રીતે
ઉછેરી રહેલી મમ્મીને લાગે છે કે ઘરકામ કરવું એ હવેની સ્ત્રી માટે ‘ટિપિકલ’ છે. પતિ પર આધારિત રહેવું, એની
ગમતી બાબતોમાં થોડું જતું કરવું કે સંતાનો માટે પોતાના અંગત સુખનો ભોગ આપવો એ ‘ત્યાગ’, ‘બલિદાન’
છે… જે મોર્ડન સ્ત્રીએ ન કરવું જોઈએ!
લાગણીના સંબંધોને પૂરાતન કે આધુનિકના લેબલ નથી હોતા. માણસ ગમે તેટલો આધુનિક બને,
કોમ્યુનિકેશનના ગમે તેટલા સાધન વધી જાય, પરંતુ ઈમોશનનું મહત્વ હજીયે ઘટ્યું નથી. માના હાથમાં જે સ્નેહ
છે એ દુનિયાની કોઈ હૂંફ સાથે સરખાવી શકાય એમ નથી. થાકેલા, દિવસભરના કંટાળેલા પતિને એક
ખુશમિજાજ ગૃહિણીનું સ્મિત જે એનર્જી આપી શકે છે એ બીજે ક્યાંયથી મેળવી શકાતી નથી. આપણે આ સત્ય
સમજ્યા વગર પશ્ચિમીકરણ તરફ દોડ્યા છીએ.
ભારતીય પરંપરાઓ અને રૂઢિમાં ફેર છે. પત્ની ઉપર જોહુકમી કરવી કે એને પોતાની મરજી મુજબ
જીવવાની ફરજ પાડવી યોગ્ય નથી જ… એ રૂઢિચુસ્તતા છે, જડતા છે. સ્ત્રીએ શું પહેરવું ને ન પહેરવું એનો
નિર્ણય પતિ ન કરી શકે, એવું માનનારાએ પણ એટલું તો સમજવું જ પડે કે ‘ક્યાં’ અને ‘શું’ પહેરવાથી ગરિમા
અને ગૌરવ જાળવી શકાય. વસ્ત્રથી શરૂ કરીને વિચાર કે વ્યવહાર સુધી બધે જ, સમજદારીથી સ્વીકારેલી મર્યાદા
કૌટુંબિક જીવનને શાંત અને સુખી કરી શકે છે. હા, કુટુંબને સુખી કરવાની જવાબદારી માત્ર સ્ત્રીની નથી જ…
પરંતુ, જે જન્મ આપે છે, ધારણ કરે છે, પોષણ કરે છે, ક્ષમા કરે છે, કાળજી કરે છે અને પરિવારને એકસૂત્રમાં
પરોવીને રાખે છે એ ‘સ્ત્રી’ છે આવું સંસ્કૃતનો એક શ્લોક કહે છે. પુરુષ માટે કોઈ રોલ ડિફાઈન કરવામાં આવ્યા
નથી જ્યારે સ્ત્રી માટે ભોજ્યેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા જેવા અનેક રોલ ડિફાઈન કરવામાં આવ્યા છે
ત્યારે, એને સ્ત્રી ઉપરના બોજને બદલે કે પુરુષ સમોવડા હોવામાં વિઘ્નને બદલે સ્ત્રીની ક્ષમતા પ્રમાણે એની
પાસે સમાજની જે અપેક્ષા છે એ રીતે જોઈએ તો કદાચ, આજના સમયમાં તૂટતા સંબંધોને અને વિખરાતા
પરિવારોને બચાવી શકાય!