કોરોના પછી આજુબાજુમાં રહેતા લોકોને એકબીજા સાથે દોસ્તી થવા લાગી છે, અથવા કદાચ
કરવી પડી છે. સૌને સમજાયું છે કે, પડોશી સાચા અર્થમાં પહેલો સગો છે… આવા સમયમાં કોઈક વ્યક્તિ
સાથેના સંબંધોમાં શું સંબોધન કરવું,એવી સમસ્યા ક્યારેક આપણને મૂંઝવી નાખે છે. એમાંય ખાસ કરીને,
60થી ઉપર અને 65થી નીચેના લોકોને ‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન બહુ ગમતું ન હોય ત્યારે વધુ
ગૂંચવણ ઊભી થાય છે.
આપણા દેશમાં છેલ્લા થોડા વખતથી, ખાસ કરીને 90 પછી જન્મેલી પેઢી હવે કાકા, મામા,
ફોઈ, ફુઆને બદલે ‘અંકલ’ કે ‘આન્ટી’ કહેવાનું પસંદ કરે છે. વિદેશથી આવેલી આ ‘ખાસ ભેટ’
હાસ્યાસ્પદ છે. વર્ષો પહેલાં પ્રાથમિક શાળામાં શીખવવામાં આવતું, ‘ચોરી કરવા ચાલ્યા ચોર, સોની
પોળમાં થાતો શોર, સિપાહી મળ્યા સામા, બા ના ભાઈ તે મામા… મામા લાવે છુક છુક ગાડી, બાને માટે
લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે કાકા… કાકા-કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા
રોઈ, બાપની બહેન તે ફોઈ… ફોઈ ફૂલડાં લાવે છે, ફુઆને વધાવે છે, ફુઆ ગયા કાશી, બાની બહેન તે
માસી…’
સંબંધો શીખવતા આવા સુંદર જોડકણા આપણા સિલેબસનો અથવા શિક્ષણનો ભાગ હતા, ત્યારે
આપણે સંબંધોને વધુ સરળતાથી અથવા સહજતાથી સમજી શકતા હતા, સ્વીકારી શકતા હતા. કોઈપણ
સંબોધનનો અર્થ ઉંમર સાથે જોડાતો નહોતો, પરંતુ ‘કાકા’ કે ‘માસી’ માનવાચક શબ્દો તરીકે જોવામાં
આવતા હતા. શાક ખરીદવા આવેલા કે રીક્ષામાં બેઠેલા, બસમાં બાજુની સીટમાં બેઠેલા કે રસ્તામાં કોઈને
એડ્રસ પૂછવા માટે કરવામાં આવતા સંબોધનમાં આ ‘કાકા’ કે ‘માસી’નો પ્રયોગ સાવ છૂટથી થતો, અને
એમાં ખોટું લગાડવા જેવું કે અપમાનજનક કશું જ લાગતું નહીં.
આજે, કોઈપણ વ્યક્તિને ‘કાકા’ કહેવા, કે ‘માસી’ કહેવું એ તો જાણે એમનું અપમાન કરવા
બરાબર છે… બલ્કે સોશિયલ મીડિયા પર કોઈને ઉતારી પાડવા કે અપમાન કરવા માટે આ શબ્દ પ્રયોગ
છૂટથી કરવામાં આવે છે !પડોશી કે અજાણી વ્યક્તિને સંબોધન કરતી વખતે જો થોડા ધોળા વાળ દેખાય
કે એના ચહેરા પર 55-60ની ઉંમર દેખાય અને આપણે આપણા ઉછેર કે સંસ્કારને કારણે એમને ‘અંકલ’
કે ‘આન્ટી’નું સંબોધન કરીએ તો એને પણ દરેક વખતે પોઝિટિવલી લેવામાં નથી આવતું.
આપણા દેશમાં અને ખાસ કરીને, ગુજરાતમાં તો પહેલી મુલાકાતમાં કે અજાણી વ્યક્તિને
સંબોધન કરતી વખતે સંબંધનો એક ટેગ ઉમેરી દેવામાં આવે છે. આ આપણા સંસ્કાર છે. યુ.પી., બિહાર
કે હિન્દી ભાષી પ્રદેશોમાં નામની પાછળ ‘જી’ લગાડીને માન આપવામાં આવે છે. હવે ગુજરાતમાં પણ
આ ફેશન શરૂ થઈ છે !’જી’ લગાડવાથી સંબોધનનું છોગું ઉમેરવું પડતું નથી, જેને કારણે ઉંમરનું લેબલ
આસાનીથી ખસેડી શકાય છે.
છેલ્લા થોડા સમયથી યુવાન દેખાવાની એક વિચિત્ર ફેશન શરૂ થઈ છે. વાળ કાળા કરીને સારા
દેખાવાનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ઉંમરને સ્વીકારવાનો એક અનિવાર્ય પ્રોસેસ છે, જેને થોડા સમયથી-
ખાસ કરીને ઉચ્ચ મધ્યમવર્ગમાં એક ડિનાયલ તરીકે, નકારી દેવામાં આવે છે. જે બાળકો આપણા
ખોળામાં રમીને મોટા થયા હોય એ યુવાન થાય એટલે આપણને દીદી-બહેન, ભાઈ કે સર કહેવા માંડે
એવો આપણો આગ્રહ પૂરવાર કરે છે કે, આપણે બર્થ સર્ટિફિકેટમાં લખેલા વર્ષ ઉપર ઉમેરાતા આંકડાને
સ્વીકારવા તૈયાર નથી.
ફિટ, સ્વસ્થ કે સુંદર હોવાને ઉંમરના આંકડા સાથે કોઈ નિસબત જ નથી, આ વાત મોટાભાગના
લોકોને સમજાતી નથી. જે લોકોને પોતાની ઉંમર છુપાવવા માટે સંબોધન બદલાવવાની જરૂર પડે એ
લોકો ખરેખર શરીરથી ફિટ કે યુવાન દેખાતા હશે, પણ માનસિક રીતે ક્યાંક ગૂંચવાયેલા છે, એટલું નક્કી !
જો કોઈ સંબોધનથી આપણને પ્રોબ્લેમ થતો હોય તો આપણે એકવાર આપણી માનસિકતા
ચોક્કસ તપાસી લેવી જોઈએ. જે આપણી સાચી ઉંમર છે એને છુપાવવાથી કંઈ યુવાની પાછી ફરવાની
નથી, કે કોઈ આપણને ‘વડીલ’ ગણે અથવા એવા પ્રકારનું સંબોધન કરે એથી આપણે ‘ઘરડા, ડોસા કે વૃધ્ધ’
થઈ ગયા એવું સાબિત થતું નથી. છેલ્લી કેટલીયે સદીઓથી સુંદર દેખાવાને, યુવાની સાથે જોડી દેવાય
છે… આ સાચું નથી. વહીદા રહેમાન, શર્મિલા ટાગોર, કપિલદેવ કે ઝાકીર હુસૈન પોતપોતાની દુનિયાના
ફેશન આઈકોન મનાય છે, પરંતુ એમણે ક્યારેય ‘યુવાન’ દેખાવાનો પ્રયાસ નથી કર્યો.
સુનીલ શેટ્ટી કે અનિલ કપૂર જેવા અભિનેતા તો યુવાનીમાં દેખાતા હતા એના કરતાં આજે
60ના થયા પછી વધુ હેન્ડસમ દેખાય છે !યુવા પેઢીને આપણા અનુભવ અને સમજણનો ફાયદો થવો જ
જોઈએ, આપણા પછીની પેઢીને જો એ વારસામાં આપવું હોય તો આપણી ઉંમરનો સ્વીકાર કર્યા વગર
શક્ય નથી. ‘અંકલ’ કે ‘આન્ટી’ના… ‘કાકા’ કે ‘માસી’ના સંબોધનથી અકળાઈ જવાને બદલે, અપમાનનો
અનુભવ કરવાને બદલે આપણી ઉંમરને સન્માન મળે છે એ વાતનો આનંદ માણવાનું આપણે શીખવું
પડશે. હા, જે લોકો આ સંબોધનને અપમાનની જેમ વાપરે છે એ કદાચ ભૂલી જાય છે કે, આજે એ ભલે
યુવાન હોય, આવતીકાલે એમના બર્થ સર્ટિફિકેટમાં પણ વર્ષો ઉમેરાઈ જવાના છે. એ પણ’કાકા’ કે ‘માસી’
થઈ જ જવાના છે… અને, એમણે એ સંબોધનનો જે ઉપયોગ કર્યો હશે અથવા એમનો એ સંબોધન
પાછળ જે ઉદ્દેશ હશે એ હરીફરીને એમના સુધી પાછું આવ્યા વગર નહીં રહે !
ગુજરાતી ભાષાની એક મજાની પંક્તિ,’પીપળ પાન ખરંત, હસતી કૂંપળિયાં… મુજ વીતી તુજ
વીતશે, ધીરી બાપુડિયાં!’