યુપીની ચૂંટણીઓ માથા પર તોળાઈ રહી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે એક મજબૂત
નિર્ણયશક્તિ અને કડક વલણ ધરાવતા ગુજરાતી મહિલા આનંદીબેન પટેલ ઊભાં છે. ઉત્તર પ્રદેશની
ચૂંટણીઓમાં કોઈ ગેરરીતિ ન થાય એ જોવાની એમની જવાબદારી એ પૂરી નિષ્ઠાથી નિભાવશે એવું
લાગે છે.
એક તરફ, અખિલેશ યાદવ બુમરાણ મચાવી રહ્યા છે તો બીજી તરફ, એમના જ ઘરમાંથી
એમના સાવકા ભાઈની પત્ની અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયાં છે. મુસ્લિમ
કેન્ડીડેટ્સ હજી પણ 2009ના બાટલા હાઉસનો કિસ્સો અને 2013ના મુઝફ્ફરનગરના રમખાણો
જેવા મુદ્દા લઈને આક્ષેપ અને પ્રતિઆક્ષેપની રમત રમી રહ્યા છે. માયાવતી પોતાના ગુંડારાજને સામે
ધરીને ભયનું વાતાવરણ ફેલાવી રહ્યાં છે. રાકેશ ટિકૈત, જેમની મુઠ્ઠીમાં જાટ વોટ બંધ હોવાનું મનાય
છે એમણે કોઈ પણ પાર્ટીને સપોર્ટ કરવાની ના પાડી દીધી છે… તો બીજી તરફ, ભારતીય જનતા
પાર્ટીએ કૈરાનામાં હિન્દુ માઈગ્રેશનને મુદ્દો બનાવ્યો છે. હુકુમસિંહ (બીજેપી)એ 346 હિન્દુ
પરિવારોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમણે 14મી જૂને કૈરાના છોડવું પડ્યું, સાથે જ કાંઢલામાંથી પણ
માઈગ્રેટ થયેલા પરિવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એની સામે હ્યુમન રાઈટ્સ કમિશન એવું
સ્વીકારે છે કે, 400 હિન્દુ પરિવારો વિધર્મી કમ્યુનિટીના ભયને લીધે આ વિસ્તારમાંથી હિજરત કરી
રહ્યા છે. જોકે, આ સ્વીકારી લેવાથી હ્યુમન રાઈટ્સ કમિશનની જવાબદારી પૂરી થઈ જાય છે ? એ
વિસ્તારના પોલીસ સ્ટેશને 47 ચોરી, હત્યા, એક્સ્ટોર્શન અને હિંસાના કિસ્સાની ફરિયાદ નોંધાઈ છે
એવું કન્ફર્મ કર્યું છે. 2014 પહેલાં ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ ભાગ્યે જ લોહી રેડાયા વિના સંપન્ન થઈ
હશે. ઉત્તર પ્રદેશ ભારતના સૌથી મહત્વના રાજ્યોમાંનું એક રહ્યું છે. રાજકીય દૃષ્ટિએ અને
ગુંડાગર્દીની દૃષ્ટિએ પણ…
સાંસદ કે એમ.પી.ની હત્યા અહીં કોઈ નવી વાત નહોતી. ઓટીટી પ્લેટફોર્મ ઉપર જેટલા
ટોપ રેટિંગના શોઝ ચાલે છે એમાંની મોટાભાગની કથાઓ ઉત્તર પ્રદેશના નામીચા ગુંડાઓના જીવન
પર આધારિત છે. પપ્પુ યાદવ, પ્રકાશ શુક્લ, મુન્ના બજરંગી, વ્રજેશ સિંહ, મુખ્તાર અંસારી, અતીક
અહેમદ, ધનંજય સિંહ, સુંદર ભાટી જેવાં નામો ઉત્તર પ્રદેશના લોહિયાળ રાજકારણમાં અને
અવારનવાર ઊછળતા રહ્યા છે. પ્રકાશ શુક્લ નામનો એક ડોન, જેની 25 વર્ષની ઉંમરે પોલીસ ટાસ્ક
ફોર્સે હત્યા કરી. એણે ઉત્તર પ્રદેશ અને બિહારના મંત્રીઓની હત્યા કર્યા પછી ઉત્તર પ્રદેશના
મુખ્યપ્રધાન કલ્યાણસિંહની હત્યા માટે 6 કરોડની સોપારી લીધી હોવાનું કહેવાય છે… બીજા એક
ડોન જેને પૈસાની કોઈ ખોટ નહોતી અને બારમા ધોરણનું રિઝલ્ટ અત્યંત તેજસ્વી હતું, એના પિતા
રવીન્દ્રનાથસિંહ વ્રજેશસિંહને આઈએએસ બનાવવા માગતા હતા, પરંતુ વ્રજેશે પિતાની હત્યાનો
બદલો લેવા માટે 27 મે, 1985માં એમણે પહેલી હત્યા કરી. પિતાના હત્યારાઓને ચોકની વચ્ચે
મારી નાખ્યા. એને માટે જેલમાં ગયા ત્યારે એમની દોસ્તી ત્રિભુવનસિંહ સાથે થઈ. ત્રિભુવન અને
મકનુસિંહ નામના માણસ વચ્ચે પાંચ વીઘા જમીનનો વિવાદ હતો. ત્રિભુવનસિંહના પિતાની હત્યા
થઈ ગઈ અને છ ભાઈઓમાં સૌથી નાના ત્રિભુવને બદલો લીધો. વ્રજેશસિંહ અને ત્રિભુવનની દોસ્તી
જેલમાં થઈ. એ પછી એમના નામનો ખૌફ એટલો બધો વધી ગયો કે, એમના વિરુધ્ધ કોઈ ફરિયાદ
કરવા તૈયાર નહોતું. વ્રજેશસિંહને 2008માં ઓરિસ્સાથી ગિરફ્તાર કરવામાં આવ્યા. આજે એ
જેલમાં છે. એમએસી છે. વ્રજેશસિંહ અને મુખ્તાર અન્સારીનું વેર હજી અકબંધ છે. એંસીના
દાયકામાં મુખ્તાર અન્સારીની ગેંગ સક્રિય હતી. નેવુંના દાયકામાં વ્રજેશસિંહે દાઉદ ઈબ્રાહીમના
જીજાજી ઈબ્રાહીમ કાસકરની હત્યાનો બદલો લેવાની જવાબદારી લીધી. મુંબઈમાં દાઉદની બેન
હસીના કાસકરે ભાઈનો ધંધો સંભાળી લીધો, પરંતુ વ્રજેશસિંહે 12મી ફેબ્રુઆરી, 1992ના દિવસે
મુંબઈની જે.જે. હોસ્પિટલમાં ઘૂસીને ગવળી ગેંગના ચાર લોકોને હોસ્પિટલની અંદર મારી નાખ્યા.
જોકે, 1993ના બોમ્બ બ્લાસ્ટ પછી વ્રજેશસિંહે દાઉદ સાથે સંબંધ તોડી નાખ્યો…
મુખ્તાર અન્સારી, 1996થી 2017 સુધી મઉ વિધાનસભા ક્ષેત્રમાંથી બહુજન સમાજવાદી
પાર્ટીના અને સ્વતંત્ર કેન્ડીડેટ તરીકે જીતતા રહ્યા છે. એમના ઉપર બીજેપી નેતા કૃષ્ણનંદરાયની
હત્યાનો આરોપ છે. પૂર્વાંચલમાં એમણે અનેક હત્યાઓ કરી છે એવું લગભગ સૌ જાણે છે તેમ છતાં,
એમને કૃષ્ણાનંદરાયની હત્યામાં નિર્દોષ છોડવામાં આવ્યા ! તો બીજી તરફ, વ્રજેશસિંહ પણ બહુજન
સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા છે. મુખ્તાર અન્સારી અને વ્રજેશસિંહની ગેંગવોરમાં અનેક
હત્યાઓ થઈ ચૂકી છે. 2002માં વ્રજેશસિંહ અને મુખ્તાર ગેંગ જ્યારે સામસામે આવી ગયા ત્યારે
ઉત્તર પ્રદેશમાં દહેશત ફેલાઈ ગઈ હતી. મુખ્તાર અન્સારીને બાંદા અને વ્રજેશસિંહને વારાણસી
જેલમાં રાખવામાં આવ્યા છે તેમ છતાં, બાગપત જેલમાં મુન્ના બજરંગીની હત્યા 2008માં કરવામાં
આવી. એ પછી એની પત્ની સીમા સિંહે અનેક લોકો પર આક્ષેપ કર્યા. જેમાં ધનંજયસિંહનું નામ
મુખ્ય હતું. દસમા ધોરણમાં (1990) પોતાના ટીચરની હત્યા કરીને ભાગી છૂટેલા ધનંજયસિંહ
વિરુધ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં અનેક એફઆઈઆર ધૂળ ખાય છે. એ પણ બહુજન
સમાજવાદી પાર્ટીમાંથી જોનપુર અને રારીના સાંસદ અને એમ.પી. રહી ચૂક્યા છે. મુન્ના બજરંગીની
હત્યા પછી સુંદર ભાટીની ગેંગ પણ ચર્ચામાં આવી. મુન્નાના સાળા (પુષ્પજિતસિંહ)ની હત્યાનો
આક્ષેપ પણ સુંદર ભાટીની ગેંગ ઉપર છે. એ આજે પણ જેલમાંથી પોતાની ગેંગ ચલાવે છે.
યુ.પી.ના અખબારો, રાજનીતિ અને ગુંડાગર્દીની સાંઠગાંઠના સમાચારો પ્રકાશિત કરતા રહ્યા.
નવાઈની વાત એ છે કે, યુ.પી.ની રાજનીતિમાં અનેક એવાં લોકોના નામ સામેલ છે જેમનું નામ
હત્યા, લેન્ડ ગ્રેબિંગ કે બળાત્કાર જેવા અપરાધો સાથે જોડાઈ ચૂક્યું હોય. મુખ્તારસિંહ, વ્રજેશસિંહની
જેમ જ અતિક અહેમદ પણ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા છે. એ ફુલુપના સાંસદ રહી ચૂક્યા
છે. એમની વિરુધ્ધ આજે પણ 42 કેસ ચાલી રહ્યા છે. છ અપહરણ અને ચાર હત્યાના આરોપ છે
જેમાં બે સાંસદની હત્યા પણ સામેલ છે.
આશ્ચર્યની વાત એ છે કે, આટઆટલા ગુનેગારો જે પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવાર તરીકે,
પાર્ટીનો ફેસ બનાવીને રજૂ કરવામાં આવતા હોય એવી પાર્ટી પાસે મત વિસ્તારના લોકો શી આશા
રાખી શકે ? પશ્ચિમ યુ.પી. ઉપર ચૂંટણીના પરિણામનો આધાર રહે છે. જેમાં મુસ્લિમ વોટર્સ
મોરાદાબાદ, સંભલ, બિજનોર, સરાહનપુર, મુઝફ્ફરનગર, શામલી અને અમરોહા જેવાં મત
વિસ્તારોમાં બહુ મોટી સંખ્યામાં છે. બીજેપીએ 2017ની ચૂંટણીઓમાં 163માંથી 137 સીટ
જીતીને મુસ્લિમ વોટર્સનો વિશ્વાસ પણ સંપાદિત કર્યો હતો. આ વર્ષે રેલી અને રોડ શો ઉપર પ્રતિબંધ
હોવાને કારણે ડોર ટુ ડોર કેમ્પેઈનમાં સંવેદના અને વોટર્સના ઈમોશન્સ ઉપર સૌથી વધુ આધાર
રાખવો પડશે. વોટિંગના પહેલા ફેઝમાં જ કૈરાના સામેલ થાય છે. હાપુર, મુઝફ્ફરનગર, અલીગઢ
અને ગાઝિયાબાદ જેવા જિલ્લાઓ વોટિંગના પહેલા ફેઝમાં હોવાને કારણે ઉત્તર પ્રદેશની ચૂંટણીનું
રિઝલ્ટ પહેલા ફેઝના વોટિંગ પછી જ સમજાવાનું શરુ થઈ જશે.