જીસસનો અંગત શિષ્ય જુડાસ એમના વિશે માહિતી આપીને એમના મૃત્યુનું કારણ
બન્યો. પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરીને કંસ મથુરાની ગાદી પર બેસી ગયો, પોતાના જ ભાઈ
વાલીની હત્યા કરીને સુગ્રીવ સિંહાસન પર બેઠો અને રાવણની વિરુધ્ધ માહિતી આપનાર બીજું કોઈ
નહીં, પરંતુ એનો ભાઈ વિભિષણ હતો. ઝાંસીની રાણીનો અંગત વિશ્વાસુ વ્યક્તિ પીર અલી
અંગ્રેજોનો મુખબીર બની ગયો, નવાબ સિરાજ ઉદ ઔલાની સામે એમના જ માણસ મીર જાફરે
બેવફાઈ કરી. ઓસ્ટ્રિયાના લશ્કરમાં રોલ્ડનું નામ તિરસ્કાર સાથે લેવાય છે કારણ કે, એણે રશિયન
આર્મીને ઓસ્ટ્રેલિયાની વિગતો વેચી દીધી હતી. એવી જ રીતે હેરોલ્ડ પૉલ બ્રિટનનો દગાખોર સૈનિક
હતો. માર્કસ જુનિયસ બ્રુટસ એના પોતાના કાકા જુલિયસ સિઝરના ખૂનનો મુખ્ય સૂત્રધાર હતો.
ઔરંગઝેબ પોતાના ભાઈઓને મારીને ગાદી પર બેઠો હતો એટલું જ નહીં, એણે પોતાના સગા
ભાઈઓના માથાં દિલ્હીના ચાર દરવાજા ઉપર લટકાવી દીધા હતા.
ઈતિહાસ સાક્ષી છે કે, આપણી સૌથી નિકટની વ્યક્તિ જ આપણને દગો કરે. આવું કેમ
થતું હશે? આનો સીધો અને સરળ જવાબ એ છે કે, માણસ પોતાના સૌથી નિકટના વ્યક્તિ ઉપર જ
સૌથી વધુ ભરોસો કરતો હોય છે. ભરોસો ન હોય તો દગાનો સવાલ જ નથી આવતો. જ્યારે ભરોસો
હોય ત્યારે જ એને તોડી શકાય, દગો કરી શકાય. હવે સવાલ એ થાય કે આપણે વિશ્વાસ ન કરવો?
સતત દરેક વ્યક્તિ ઉપર દગાની શંકા રાખીને કોઈને આપણી નિકટ ન આવવા દેવા? જો આવું કરીએ
તો જીવનમાં આપણે સાવ એકલા ન પડી જઈએ?
આપણે બધાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક દગાનો, છેતરપિંડીનો, દિલ તૂટ્યાનો કે
વિશ્વાસને ઉઝરડો પડ્યાની લાગણી અનુભવી હશે ત્યારે ખૂબ તકલીફ પણ થઈ હશે અને એ વખતે
કેટલાક લોકોએ એવું નક્કી પણ કર્યું હશે કે હવે પછી જિંદગીમાં કોઈનો ભરોસો નહીં કરીએ! પરંતુ,
આપણે સૌ માણસ છીએ અને વિશ્વાસ મૂકવો, ચાહવું, પ્રેમ કરવો એ માનવ સ્વભાવ જ નહીં,
માણસની જરૂરિયાત છે.
મહાભારતની એક કથામાં જ્યારે દ્રોણને ‘નરો વા કુંજરો વા’ કહીને અશ્વત્થામાના નામે
છેતરવામાં આવ્યા ત્યાર પછી પિતાના મૃત્યુથી ઉશ્કેરાઈ ગયેલા અશ્વત્થામાએ પાંડવોના પાંચેય
પુત્રોને જીવતા સળગાવી દીધા. સત્ય તો એ છે કે, સૂર્યાસ્ત પછી યુદ્ધ ન કરવું, પોતાના દુશ્મનની
રાવટી (શિબિર)માં ન જવું વગેરે નિયમો યુદ્ધ પહેલાં જ બનાવવામાં આવ્યા હતા તેમ છતાં,
અશ્વત્થામાએ આ નિયમોનો ભંગ કર્યો અને પાંડવોના ઊંઘતા પુત્રોને પાંડવ માનીને એમને જીવતા
બાળી નાખ્યા. પહેલાં તો દ્રોપદીએ ક્રોધ અને હતાશામાં ન કહેવાના શબ્દો કહ્યા, પછી અર્જુને
અશ્વત્થામાનો પીછો પકડ્યો અને એને દ્રોપદી સામે ઊભો રાખ્યો, ‘દેવી, તમારે જે સજા કરવી હોય
તે કરો’ અર્જુને કહ્યું. રડતી-કકળતી દ્રોપદીએ ઉત્તર આપ્યો, ‘એને જવા દો કારણ કે, એના મૃત્યુથી એક
બીજી મા પણ પોતાનો પુત્ર ગુમાવશે. હવે એને મારી નાખવાથી મને મારા પુત્રો પાછા નહીં મળે…’
રાજીવ ગાંધીની હત્યા કરનાર થેનીમોઝીને મળવા માટે જેલમાં ગયેલી પ્રિયંકા ગાંધીએ
બહાર નીકળીને કહ્યું હતું, ‘મને એની દયા આવી…’ માણસ તરીકે આપણે બધા સામેની વ્યક્તિ પાસેથી
વફાદારી, ઈમાનદારી, જવાબદારી અને સમજદારી જેવા ગુણોની અપેક્ષા રાખતા હોઈએ છીએ,
પરંતુ એવા સમયે આપણે ભૂલી જઈએ છીએ કે, એ વ્યક્તિને પણ આપણી પાસેથી આ જ બધા
ગુણોની અપેક્ષા હશે. પરસ્પર જો દરેક વ્યક્તિ એકબીજા સાથે વફાદારી અને ઈમાનદારી જાળવી રાખે
તો કદાચ દગો કે અવિશ્વાસનો પ્રશ્ન જ ન આવે! માણસ દગો કેમ કરે છે, પોતાના સૌથી નિકટના
વ્યક્તિને એ કેમ છેતરે-એના હૃદયને દુઃખ પહોંચશે એવું જાણ્યા છતાં કોઈ વ્યક્તિ પોતાની વફાદારીને
ગિરવે મૂકીને શા માટે બેઈમાન બને છે? આ સવાલના બે જવાબો છે. એક, માણસની મહત્વકાંક્ષા,
હેસિયત અથવા ઝંખનાથી પણ વધુ મેળવવાનું એનું સ્વપ્ન, ઈર્ષા, અભાવ કે અહંકાર સૌથી મોટું
કારણ છે જેને લીધે ભાઈ ભાઈની હત્યા કરી શકે છે. બીજાને જે મળ્યું છે એ પોતાને મળવું જોઈતું
હતું, અથવા પોતાને મેળવવું છે એ લાગણી માણસમાત્રને દગાખોર અથવા બેઈમાન બનવા પ્રેરે છે.
બીજો એક મહત્વનું અને રસપ્રદ કારણ એ છે કે, મોટાભાગના લોકો જે કરવા માગે છે એ ખોટું છે
એવી એમને ખબર હોય છે. તેમ છતાં, એમની લાલચ, લોભ કે અદમ્ય આકર્ષણથી એ ખેંચાઈ જાય
છે. માનવસહજ નબળાઈમાં વહી જઈને કરેલી કોઈ નાનકડી ભૂલ કે આકર્ષણના ખેંચાણમાં આવીને
થઈ ગયેલું કોઈ કામ પોતાના પ્રિય વ્યક્તિને નહીં ગમે એમ માનીને પ્રથમ જૂઠ બોલવામાં આવે છે…
એ પછી જુઠ્ઠાણાની પરંપરા શરૂ થાય છે. છેલ્લે પરિસ્થિતિ એવી આવે છે કે, પોતાનું જૂઠ ટકાવી
રાખવા માટે પોતાની પ્રિય વ્યક્તિના વિશ્વાસનો સંપૂર્ણપણે ઘાત કરીને એની સાથે બેવફાઈ કરવા
સિવાય કોઈ રસ્તો બચતો નથી!
દુનિયાના ‘કોઈપણ’ સંબંધના ચાર મુખ્ય પાયા છે. એક, વફાદારી. સામેની વ્યક્તિને
ગમશે કે નહીં એનો વિચાર કર્યા વગર સત્ય બોલી નાખવું, થઈ ગયેલી ભૂલની કબૂલાત કરી લેવી એ
સૌથી સરળ રસ્તો છે. એનાથી આપણી પ્રિય વ્યક્તિ ગુસ્સે થાય, ઉશ્કેરાય, કદાચ આપણને સજા કરે,
પરંતુ એનો આપણા પરનો વિશ્વાસ અકબંધ રહેશે એટલું નક્કી. બીજો છે ઈમાનદારી… હવે સવાલ
એ થાય કે વફાદારી અને ઈમાનદારીમાં શું ફેર? તો એનો જવાબ એ છે કે, ઈમાનદારી આપણા
પોતાના આત્મા, માનસિકતા અને નિતિમત્તા સાથે સંકળાયેલી બાબત છે. આપણે બીજાને તો છેતરી
શકીએ. એક અંગ્રેજી કહેવત મુજબ અનેક લોકોને એકવાર અને એક જ વ્યક્તિને વારંવાર છેતરી
શકાય, પરંતુ જાતને કે સ્વયંને છેતરવું સરળ નથી. ડાયેટિંગથી શરૂ કરીને ડેટિંગ સુધી, માણસ પોતાની
જાતને છેતરે છે અને મુખ્ય પ્રશ્ન અહીંથી જ શરૂ થાય છે. અન્ય વ્યક્તિને છેતરવાની વાત તો લેવલ ટુ
પર આવે છે. સૌથી પહેલાં તો પોતાની જાત સાથે ઈમાનદાર થવું જરૂરી છે. દુનિયાનો કોઈપણ સંબંધ
શરૂ કરતાં પહેલાં પોતાની જાત સાથેનો સંબંધ સોર્ટ આઉટ કરવો અનિવાર્ય છે. જો આપણે પોતે-
પોતાને વિશે સ્પષ્ટ અને ઈમાનદાર, શુદ્ધ અને સાચા હોઈશું તો જ બીજાની સાથે વફાદારીથી સંબંધ
નિભાવી શકીશું. દુનિયાના કોઈપણ સંબંધમાં-માણસના માણસ સાથેના, માણસના પશુ સાથેના કે
માણસના ઈશ્વર સાથેના સંબંધમાં જવાબદારી સૌથી મહત્વની છે. ઉત્તર દાયિત્વ અથવા
જવાબદારી એક એવી જરૂરિયાત છે જે સંબંધને મજબૂત બનાવે છે અને સંબંધમાં એકમેક પરત્વે
નિષ્ઠા અને વિશ્વાસનો ઉમેરો કરે છે. જવાબદારી એટલે પરિવાર માટે કમાવું, સંતાનોની સુરક્ષા કે
માતા-પિતાની સેવા કરવી, મંદિર જવું કે પૂજા કરવી એટલું જ નહીં, જવાબદારી એટલે રસ્તા પર
કચરો ન ફેંકવાથી શરૂ કરીને સંતાનને સાચું બોલતા શીખવવું. આપણી પાસે જે વધારાનું હોય એને
સંઘરી રાખવાને બદલે જરૂરિયાતમંદ સાથે વહેંચવું અને આપણાથી ઓછી ક્ષમતા કે સગવડ ધરાવતી
વ્યક્તિને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને છેલ્લે, સમજદારીનો ગુણ જિંદગીના દરેક તબક્કે કામ
આવે છે. સમજદારીમાં ક્ષમા, સ્નેહ, સૌમ્યતા, સહજતા, સરળતા અને શાંતિની સાથે સાથે ધીરજનો
પણ સમાવેશ થઈ જાય છે. કોઈપણ સંબંધમાં સમજણ બંને પક્ષે હોવી જોઈએ, પરંતુ સમજણનો
આગ્રહ કે દુરાગ્રહ ન રાખી શકાય એ સમજણ પણ બહુ જરૂરી છે. ‘હું સમજું છું માટે એણે સમજવું
જોઈએ’ એવું માનતા કે કહેતા લોકો લેવડદેવડની અપેક્ષા રાખે છે જ્યારે સમજણમાં લેવડદેવડ શક્ય
જ નથી…
માણસ તરીકે જો આ ચાર બાબતો આપણે સમજી-સ્વીકારી અને જીવી શકીએ તો
આપણી જિંદગી તો સરળ અને સ્નેહપૂર્ણ બને જ, પરંતુ આપણી આસપાસના જગતમાં પણ
આપણે સારા પોઝિટિવ અને પ્રસન્નતાના વાઈબ્સ ઊભા કરી શકીએ. આ બહુ અઘરું નથી, જરૂરત
ફક્ત એટલી છે કે આ ચારેય બાબતોને આપણી જીવનશૈલી બનાવીએ-માત્ર ઉપરછલ્લા જ્ઞાન, ઉપદેશ
કે દેખાડાના બદલે આ ચાર બાબતોને આપણા શ્વાસમાં જેમ ઓક્સિજન લઈએ છીએ કે જેમ રોજ
ભોજન કરીએ છીએ એવી રીતે આપણા રોજિંદા વ્યવહાર અને વિચારોમાં એનો સમાવેશ કરીએ.