છેલ્લા કેટલાય સમયથી વરસાદે માઝા મૂકી હતી. આખા દેશમાં પૂરનો પ્રકોપ ફરી વળ્યો. બિહારથી
વડોદરા સુધી બધે જ ખૂબ બધું પાણી વરસ્યું, પરંતુ ઉનાળો આવશે ત્યાં સુધી ફરી એકવાર પીવાના પાણીની
સમસ્યા ઊભી થશે. જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી,
ક્યારેક ફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ દિશામાં, સમુદ્ર તરફ… અંતે, એનું અસ્તિત્વ વિલીન થઈ
જાય છે અને એ સમુદ્ર બની જાય છે. ખારું થવા માટે આટલું બધું મીઠું પાણી આકાશમાંથી પૃથ્વી ઉપર વરસે છે,
ત્યારે પ્રશ્ન થાય છે કે, શું બધું જ વ્યર્થ થવા માટે જન્મે છે? ” માણસે સર્જેલી દરેક વસ્તુ એક્સ્પાયરી ડેટ સાથે જ
બની છે. ભાષા હોય કે ભોજન, સમય જતાં પેરિશેબલ-નાશવંત છે. આપણે બધા ‘ગુજરાતી’થી ‘સંસ્કૃતિ’ સુધી
બધું બચાવવાના પ્રયાસમાં ઘાંઘાંવાંઘાં થઈ ગયા છીએ, પરંતુ સત્ય તો એ છે કે અંતે સઘળું નાશ પામવાનું છે.
શરૂઆતથી અંત તરફ-એક પ્રવાસ છે.
આ જિંદગી પણ એવી જ રીતે એક દિશામાં વહે છે. જીવનથી મૃત્યુ તરફ… આપણે ભલે સુખ તરફ દોટ
મૂકીએ, પણ પીડા તો આપણી સાથે જ પ્રવાસ કરે છે. સુખ અને દુઃખ એકબીજાનો હાથ પકડીને સાથે જ ચાલે
છે. ગમે તેટલા આનંદનો કલાક 60 મિનિટથી લાંબો નથી… દુઃખનો કલાક પણ એ જ અવધિનો છે, પરંતુ
સુખની પ્રતીક્ષામાં લાંબો લાગે છે. આપણે સુખને સંચિત કરવાના પ્રયાસમાં એટલા વ્યસ્ત છીએ કે દુઃખ સુધી
પહોંચીને સમજાય છે કે, જે વહી ગયું તે સુખ હતું! નદી પોતાના જળને સંચિત નથી કરતી, વહેવા દે છે, એવા
વિશ્વાસ સાથે કે આવતે વર્ષે ફરી મીઠું પાણી ઉમેરાશે. આજે છે તે આવતીકાલે નહીં હોય, એ માણસનો સૌથી
મોટો ભય છે. ઈશ્વર તો વિશ્વાસ આપે જ છે, ખરી ગયેલા પાંદડા ફરી ઉગાડીને, વહી ગયેલું પાણી ફરી ઉમેરીને,
આથમેલા સૂરજ પછી સૂર્યોદય આપીને… માણસનો વિશ્વાસ ખૂટ્યો છે એટલે શ્વાસનો બોજ લાગે છે.
હરિફાઈ સતત ચાલે છે, ભીતર અને બહાર! આપણે સૌ અન્યની સરખામણીએ સુખી કે દુઃખી છીએ.
‘સુખ’ અને ‘સગવડ’ વચ્ચેનો તફાવત ભૂલી ગયા છીએ. ગમે તેટલી સગવડ, સુખ આપી શકતી નથી, પરંતુ થોડુંક
સુખ હોય તો સગવડનો અભાવ સાલતો નથી. સુખ એટલે, જે ‘છે’ તેને માણી શકવાની આવડત.
સાચું પૂછો તો નવી પેઢી વધુ પ્રેક્ટીકલ અને પ્રામાણિક લાગે છે. એમને બધું આજે જ કરી લેવું છે!
એમની જીવવાની ઝડપ અને જીવનશૈલી એવાં છે જેમાં આવતીકાલ માટે કોઈ જગ્યા જ નથી. ‘ક્ષણમાં જીવો’
નવી પેઢી કહે છે! એમને લગ્ન નથી કરવાં, સંતાન નથી જોઈતાં, પૈસા કમાવવાના ટૂંકા રસ્તા જોઈએ છે અને
સ્વાસ્થ્યની ‘ચિંતા’ નથી… એક આખી પેઢી ‘આજ’માં જીવે છે, અને એક આખી પેઢી હજીયે ગઈકાલના
અફસોસ અને આવતીકાલની ચિંતામાં ‘આજ’ને ગૂમાવી રહી છે.
અથર્વવેદ કહે છે, ओजः कृष्व सं गृभाय। પુરુષાર્થ કરીને ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે. એમાં
પરમતત્વના સંવાદમાં કહ્યું છે, कृतं में दक्षिणे हस्ते जयो मे सव्य आहितः। પુરુષાર્થ અથવા પ્રયાસ મારા જમણા
હાથમાં છે અને વિજય મારા ડાબા હાથમાં છે, પરંતુ આ વિજય કે પરાજય, આશા કે નિરાશા, જીત કે હાર અંતે
શું છે? જિંદગીની કેટલીક ક્ષણો, માત્ર! આ ક્ષણો અનુભૂતિ છે, જીવન નથી. આપણે જીવન ભૂલીને એના નાના
નાના ટૂકડા ઉપર આપણા અસ્તિત્વને ટેકવીને જીવતા થઈ ગયા છીએ. સમગ્રને ભૂલીને અંશ, પૂર્ણને ભૂલીને
અપૂર્ણને સત્ય માની બેઠા છીએ.
આપણી સંસ્કૃતિના વારસાને જાણવા અને જાળવવા બંનેમાં આપણે નિષ્ફળ ગયા છીએ. આ માત્ર
ભૌતિક સ્મારકોની વાત નથી, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વારસાને પણ આપણે જાણવી શક્યા નથી. આપણે જેને
આગળ અને ઉપર તરફ જતો વિકાસ કહીએ છીએ એ ખરેખર નીચેની તરફનો પ્રવાસ છે?
યુવલ નોઆ હરારીના પુસ્તક સેપિયન્સમાં માનવજાતિનો ઈતિહાસ છે. 70 હજાર વર્ષ પહેલાં આપણે
બધા હોમો સેપિયન્સ તરીકે પ્રકૃતિ માટે ભયજનક હતા. વાંચતા જઈએ ત્યારે સમજાય કે, જેમ અન્ય પ્રાણીઓમાં
પ્રજાતિ મળે છે-કૂતરામાં જેમ પોમેરિયન, અલ્સેશિયન, સાઈબેરિયન હસ્કી, કોકર સ્પેનિયલ, લેબ્રાડોર જેવી
પ્રજાતિઓ મળે છે એવી જ માણસમાં પણ છે (હતી). ડાર્વિનને આજે આપણે એક વૈજ્ઞાનિક તરીકે સન્માન
આપીએ છીએ, પરંતુ એણે જ્યારે પહેલીવાર હોમો સેપિયન્સને એક ‘સાધારણ પ્રાણી’ કહ્યું ત્યારે માણસો પોતાની
વિશેષતા ગૂમાવવા તૈયાર નહોતા. એ વખતે ‘માણસ’ને લાગતું હતું કે એ પ્રકૃતિનું ઉત્તમ સર્જન છે!
કદાચ, આપણે પ્રકૃતિનું ઉત્તમ સર્જન હોઈએ તો આપણે એ રીતે વર્તવું પણ જોઈએ… પરંતુ, આપણે તો
પ્રકૃતિ, આપણી જ જાતિ અને આસપાસના જગતનો વિનાશ કરવાની એક તક જતી કરતા નથી. ભારતીય
સંસ્કૃતિના નામે બાવા-સાધુઓ અને લેભાગુ જ્યોતિષો-ભૂત, ભૂવા, વશીકરણ જેવી અશ્રધ્ધા અને અંધશ્રધ્ધા
ફૂલીફાલી છે. સૌને ‘જેટલું છે એનાથી વધારે’ જોઈએ છે, ‘બીજાથી વધારે’ જોઈએ છે અને જે આ ‘વધુ ને વધુ’
અપાવવાનું વચન આપે એની લાયકાત જોયા વગર નમવા આપણે સૌ તૈયાર છીએ. ધર્મના નામે હિંસા અને
રક્તપાત કરતા થઈ ગયા છીએ. જે સંસ્કૃતિમાં ‘સ્વયંવર’ હતો, ત્યાં હવે ખાપ પંચાયત અને ઓનરકિલિંગ છે.
જાતિ, જ્ઞાતિ-પેટાજ્ઞાતિના વિખવાદ-વિવાદમાં ‘ભારતીયતા’ તો ભૂંસાઈ ચૂકી છે. જે સંસ્કૃતિ પૂર્ણ હતી, એ
અપૂર્ણતા તરફ જવા લાગે ત્યારે એનું અસ્તિત્વ ટકાવવું અઘરું જ નહીં, અસંભવ બનવા લાગે છે.
હવે ‘જીવવું’ નહીં, ‘જીતવું’ અગત્યનું બન્યું છે. સૌને આગળ આવવું હોય-એ સ્વાભાવિક છે, પરંતુ હવે,
‘અન્યને પછાડીને આગળ આવવું’ એ વધુ મહત્વનું બન્યું છે. ‘વિચાર’ને બદલે ‘વસ્તુ’ પર આધારિત સમાજ માટે
હવે માણસ પણ લેવડદેવડની ચીજ બની ગયો છે. જે સાથે નથી આવવાની, એવી ચીજવસ્તુઓ-રૂપિયા માટે
એક માણસ-બીજા માણસનો જીવ લેતો થઈ ગયો છે, ત્યારે આપણે કઈ સંસ્કૃતિ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા
છીએ?
મનુષ્યતાનું મૂલ્ય અને વસ્તુની કિંમત, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો તફાવત જે દિવસે આપણે
સમજી શકીશું એ પછી આપણી સંસ્કૃતિનું પુનરોત્થાન થઈ શકશે… પણ, એવું થશે ખરું?