વેદવાક્યઃ જીવનની સાદી, સીધી સમજ

રસ્તા ઉપર એક ગાડી અને એક સ્કુટરને હળવી ટક્કર થાય છે. કોઈ કશું સમજે તે પહેલાં બંને
જણાં હાથોહાથની મારામારી પર આવી જાય છે… આવું દૃશ્ય આપણે સૌએ અવારનવાર જોયું છે.
પત્નીનો ઊંચો અવાજ કે ફરિયાદ, બાળકની કચકચ કે પડોશીનો હસ્તક્ષેપ હવે સીધો જ ઝઘડામાં
પરિણમે છે અને ઝઘડાને મારામારી સુધી પહોંચતાં જરાય વાર નથી લાગતી. લોકોનો ગુસ્સો
અનેકગણો વધી ગયો છે. ભીતરનો ઉકળાટ, અકળામણ, અભાવ હવે એવી સપાટી પર આવી ગયાં
છે કે, એ સતત ઉકળ્યા કરે છે. આ ઉકળાટ અને ઉશ્કેરાટ હવે એકબીજાની સાથેના વેર, વૈમનસ્ય,
ઈર્ષા હવે હિંસા સુધી પહોંચવા લાગ્યાં છે.

2019ના 22 માર્ચથી આખી દુનિયાએ જે લોકડાઉન ભોગવ્યું એની અસરરૂપે ખરેખર તો
માણસે વધુ નમ્ર, સૌજન્યશીલ અને સહનશીલ થવું જોઈતું હતું. આપણને સૌને કુદરતની વિરાટતા
અને આપણી અસહાયતાનો અંદાજ આવી ગયો તેમ છતાં, આપણે વધુ અસહિષ્ણુ અને ઝઘડાળું
કેમ થઈ ગયા છીએ ? સોશિયલ મીડિયાથી શરૂ કરીને રોજિંદી જિંદગીના વ્યવહારોમાં પણ આપણે
નાનકડી ચર્ચાને દલીલનું સ્વરૂપ આપતા કે કોઈ સહજ ભૂલને ‘ગુનો’ બનાવી દેતા થઈ ગયા છીએ.
આપણી ધીરજ લગભગ ખતમ થઈ ગઈ છે ? કરૂણાને કાટ લાગ્યો છે ? અસલામતી અને અભાવની
ઉધઈએ સમજદારીને કોતરી ખાધી છે ? કોરોના પછી માનસિક સમસ્યાઓના કેસ અનેકગણા વધી
ગયા છે એવું આપણને અવારનવાર સાંભળવા મળે છે. માનસશાસ્ત્રીઓ અને મનોરોગ વિશેષજ્ઞ પાસે
સિટીંગ્સ અને દવાઓ લેવા અનેક લોકો પહોંચી ગયા છે.

આવી પરિસ્થિતિમાં ક્યારેક આપણી આસપાસના જગતને ધ્યાનથી જોઈએ તો સમજાય કે,
ચારેતરફ એકદમ અશાંત માહોલ છે. મીડિયામાંથી સમાચારો પણ વિચલિત કરી મૂકે એવા, પીડા અને
દયા ઉપજાવે એવા જ મળે છે… એમને માટે આ ‘સમાચારો’ છે. બળાત્કાર, ડોમેસ્ટિક વાયોલેન્સ,
સ્કેમ અને હિંસાના સમાચારોમાં આપણને રસ પડવા લાગ્યો છે. આવા સમાચારોને આપણા માથે
મારી-મારીને, હેમરિંગ કરીને એ લોકો કુતૂહલ જગાવે છે. આ કુતૂહલ કેટલેક અંશે ગોસિપ અથવા ભય
ઉપજાવનારું પૂરવાર થાય છે. ‘આજે જે એની સાથે થયું એ કાલે મારી સાથે નહીં થાય ને !’નો ભય
અથવા ‘એને મળ્યું છે તે મને મળવું જોઈએ’ની ઈર્ષાએ આપણને બદલી નાખ્યા છે.

આપણી સંસ્કૃતિ તો હંમેશાં સમજદારીની અને સહિષ્ણુતાની સંસ્કૃતિ રહી છે. આપણે ત્યાં
માનવધર્મ સૌથી મહત્વનો અને બાકીના બધા ધર્મોને એ પછીનું સ્થાન મળ્યું છે. આશ્ચર્યની વાત એ
છે કે, વિશ્વના તમામ ધર્મોમાં જો ઝીણવટથી તપાસીએ તો મુખ્ય સંદેશો, પરસ્પર પ્રત્યેનો પ્રેમ,
ક્ષમા-કરુણા અને પ્રામાણિકતાનો જ જોવા મળે છે, તેમ છતાં આપણે ધર્મના નામે સૌથી વધુ
ઝઘડીએ છીએ !

‘નવજીવન’ પ્રકાશન દ્વારા પ્રકાશિત એક પુસ્તક, ‘ગીતા અને કુરાન’ના લેખક કિશોરલાલ
મશરૂવાળાએ આ બંને પુસ્તકોની તુલના કરીને આ બંને પુસ્તકોનું સામ્ય આપણી સામે મૂક્યું છે. ‘ગ્રંથ
સાહિબ’ હોય કે ‘બાઈબલ’ સંદેશો અલગ નથી જ !

ભારતીય સંસ્કૃતિને વિશ્વની સૌથી પુરાતન સંસ્કૃતિમાંની એક માનવામાં આવે છે. વેદો, સૌથી પુરાતન
સાહિત્યમાંનું એક છે. વેદના કેટલાંક વાક્યો આજના સમયમાં પણ કેટલી સાચી સલાહ આપે છે અને
યોગ્ય દિશાસૂચન કરે છે ! ધ્યાનથી વાંચીએ કે સાંભળીએ તો સમજાય કે, વેદવાક્યોમાં અત્યંત ટૂંકમાં
ક્યારેક બહુ મોટી વાત કહી દેવાઈ હોય છે. લાંબા ભાષણને બદલે એક નાનકડી ટકોરમાં વેદવાક્ય
આપણને ઘણું કહી જાય છે.

मन्योर्मन्सः शख्या जायते । ક્રોધથી મનને ક્ષતિ પહોંચે છે…

ગુસ્સે થયા પછી, બૂમો પાડ્યા પછી કે કોઈ વ્યક્તિ ઉપરના અણગમા કે ઉશ્કેરાટથી વિચાર્યા પછી કોઈ
દિવસ આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરી છે ? પરસેવો, બ્લડપ્રેશર, હૃદયની ધડકનો વધી જાય અને ન
કહેવાનું કહી બેસાય. એ પછી અફસોસ થાય… ક્યારેક સંબંધ તૂટી પણ જાય તો ક્યારેક જિંદગીની
સૌથી મહત્વની વ્યક્તિને ખોઈ બેસીએ. ક્યારેક એવો ઘસરકો પડી જાય, આપણને કે બીજાને, પછી
ક્યારેય રૂઝાય નહીં. આજથી હજારો વર્ષ પહેલાં આ વેદવાક્યમાં કહ્યું છે કે, ક્રોધથી ‘મન’ને હાનિ
પહોંચે છે. એમાં આપણા અને અન્યના બંને મનની વાત કરી છે. એમાં એવી સ્પષ્ટતા કર્યા વગર જ
કહેવાયું છે કે, ક્રોધથી ‘મન’ને, નુકસાન થાય છે…

यथोत मम्रुषो मन एवेर्ष्योर्मृतं मनः । મરણની નજીક પહોંચેલા માણસની જેમ જ
ઈર્ષાળુનું મન પણ મૃત હોય છે.

ઈર્ષાળુ વ્યક્તિ ક્યારેય પોતાની પાસે જે હોય એને માણી શકતી નથી. એમને હંમેશાં અન્યની
પાસે જે હોય તે પોતાની પાસે નથી એનું દુઃખ કે અફસોસ હોય છે. એ મળેલા જીવન કે ક્ષણોને જીવી
શકતા નથી, બીજાનું સુખ એ આવા લોકોનું ‘દુઃખ’ હોય છે. કોઈની ઈર્ષા કરવાથી આપણને ક્યારેય
કશું મળતું નથી. સ્વસ્થ હરિફાઈ અને ઈર્ષામાં ફેર છે એ વાત આપણને આપણા વેદો બહુ જ સુંદર
રીતે શીખવે છે.

यद् चाचमानस्य चरतो जनाँ अनु । માગવાથી દુઃખ થાય છે.

જ્યારે કોઈ પાસે કઈ માગીએ ત્યારે ના સાંભળવાની તૈયારી સાથે જ માગવું પડે. કોઈ ના પાડે એટલે
દુઃખ થાય અથવા તો આપ્યા પછી જ્યારે એ કોઈને કહે કે એણે તમને આપ્યું છે અથવા મદદ કરી છે ત્યારે પણ
દુઃખ થાય. સામેની વ્યક્તિ વિશે જ્યારે આપણે અમુક આશા સાથે સંબંધ બાંધીએ અને એ આશા પૂરી ન થાય તો
પણ દુઃખ થાય, બીજી તરફ ક્યારેક એ જ વ્યક્તિ આપણને ચોપડાવે, સંભળાવે કે અહેસાન જતાવે ત્યારે દુઃખ
થાય.

એવાં જ કેટલાંક બીજા વાક્યો,
घृतात् स्वादीयो मधुनश्च वोचत । ઘી અને મધથી પણ સુંદર મધુર વચન બોલો.
तमो व्यस्य प्र वदासि वल्गु । અંધકાર (તોછડા વચન) છોડીને મધુર વચન બોલો.
वाचा वदामि मधुमद् भूयासं मधुसंदृशं: । હું વાણીથી મધુર વચન બોલું છું. હું મધની
જેમ પ્રિય થઈ જાઉં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *