વિદેશ, વડીલ, વહાલ અને વીડિયોકોલ

“જો બેટા… દાદા છે. દાદાને ઓળખે છે તું ?” ફોર બાય છના સ્ક્રીન ઉપર એક હસતા વહાલ વરસાવતા વૃદ્ધ
વ્યક્તિને જોઈને દોઢેક વર્ષનું બાળક હાથ હલાવે છે, “હાય દાદા” એ બાળક કહે છે… બીજી તરફ, વૃદ્ધના આઈપેડ કે ફોન
ઉપર દેખાતાં એ બાળકના ચહેરાને વૃદ્ધનો કરચલીવાળા હાથની આંગળીઓના ટેરવાં હળવેકથી અડે છે. ઠંડી કાચની
સપાટી એમને અહેસાસ કરાવે છે કે, એમનું ગ્રાન્ડ ચાઈલ્ડ, પૌત્ર એમનાથી હજારો માઈલ દૂર અમેરિકામાં છે.

આજના સમયમાં આવા ઘણાં પરિવારો છે. જેમના સંતાનો વિદેશ વસતાં હોય અને પોતાના બાળકને નાગરિકત્વ
મળે અથવા બહેતર મેડિકલ સુવિધા કે રજાઓના પ્રશ્નોને કારણે બાળકનો જન્મ પણ વિદેશમાં જ કરાવવામાં આવે. પહેલાં
તો પૌત્ર કે પૌત્રીના, દોહિત્રિ કે દોહિત્રના જન્મ પર માતા-પિતાને વિદેશ જઈને બે-ત્રણ મહિના રહેવાનું સૌભાગ્ય મળતું,
કોરોનાએ કેટલાય લોકો પાસેથી એ આનંદ અને એ સુખ ઝૂટવી લીધું છે. વિદેશનો પ્રવાસ, વિમાનમાં બેસીને જવાનું,
આરટીપીસીઆર કરાવવાનું, ઊતરીને બે દિવસ ક્વોરન્ટાઈન થવાનું જેવા કાયદાઓએ માતા-પિતાને એમના ગ્રાન્ડ
ચાઈલ્ડના વહાલ અને સ્પર્શથી વંચિત કરી દીધા છે. લગભગ બધી જ વિદેશી એમ્બેસી બંધ છે એટલે છેલ્લા એક વર્ષમાં
ભાગ્યે જ કોઈના વિઝા થયા છે… કેટલાય પરિવારો પ્રતિક્ષા કરી રહ્યા છે કે, એમ્બેસી ખૂલે તો એમના વૃદ્ધ મા-બાપ
એમના સંતાન પાસે આવીને એને વહાલ કરી શકે. એને વાર્તાઓ કહી શકે, એની સાથે સમય વિતાવી શકે.

બીજી તરફ, એવા પરિવારો પણ છે કે જેમના માતા-પિતા જઈ નથી શક્યા, પણ જે સોશિયલ મીડિયાને આપણે
સતત વખોડીએ છીએ કે જે સેલફોનને આપણે ન્યુશન્સ અથવા સમસ્યા કહીએ છીએ એ નાનકડા યંત્રએ બે પરિવારોને
એકમેક સાથે જોડી રાખ્યા છે. નાનકડું બાળક દાદાજીના ખોળામાં બેસી શકે કે નહીં, પણ એમની બુઢી આંખોમાંથી વરસતું
વહાલ જોઈ શકે છે. એ એમનો સ્પર્શ અનુભવી શકે કે નહીં, પણ એમનો અવાજ સાંભળી શકે છે. આજથી થોડા વર્ષો
પહેલાં વિદેશ ગયેલા સંતાનોના બાળકો બે-ચાર કે ક્યારેક તો આઠ-દસ વર્ષે પોતાના દાદા-દાદીને જોવા પામતા. માતા-
પિતા ભારત જવા માગતા હોય એટલે સંતાનોએ કમ્પલસરી આવવું પડે. બાકી એમને ભારત સાથે કોઈ અટેચમેન્ટ કે લગાવ
થવાની શક્યતાઓ ઓછી રહેતી. દાદા-દાદી સાથે પણ આ બાળકો કોઈ અજાણ્યા વૃદ્ધ, અંકલ કે પડોશી જેવું જ વર્તન કરી
શકતા. આજે આ મોબાઈલ નામના નાનકડા ડિવાઈસે કેટલાય પરિવારો, પતિ-પત્ની, મિત્રો અને સગાં-વહાલાંને જોડવાનું
કામ પણ કર્યું જ છે. બહારગામ રહેતી, કામ કરતી કે સાસરે વસી ગયેલી દીકરીઓ રોજ મમ્મીનું મોઢું જોઈ શકે, રોજ
પપ્પાને તબિયત સાચવવાની સલાહ આપી શકે. તો બીજી તરફ, માતા-પિતા એના સંતાનોને રોજેરોજ ઉછરતા જોઈ
શકે… કેટલી મોટી અને મજાની વાત છે !

સમય સાથે બધું બદલાયું છે. જીવનશૈલી અને રહેણીકરણી ઉપરાંત ઘરના જ ધંધામાં જોડાઈ જનાર કે પિતાના
વ્યવસાયને પોતાના વ્યવસાય તરીકે સ્વીકારી લેનાર સંતાનોની આખી પેઢી હવે પૂરી થવા લાગી છે. નવી પેઢીના સંતાનો
પાસે ભણવા, રહેવા અને લગ્ન કરવા માટે પોતાનો સમય અને પોતાની પસંદગી છે. અમેરિકા ઉપરાંત મેલબોર્ન, સિડની,
ન્યૂઝીલેન્ડ, આફ્રિકાના દેશો અને મિડલઈસ્ટ સહિત યુરોપના કેટલાય દેશોમાં વસતા ભારતીય લોકો અત્યારે પાછા ફરી શકે
એમ નથી. મોટાભાગના દેશોએ પોતાની નિયમિત અને સ્થિર ઈકોનોમી ખોઈ છે. નોકરીમાં રજા માગનારને કદાચ ફાયર
કરી દેવામાં આવે અથવા એ નોકરી ગુમાવી બેસે એવા ભયથી લોકો રજા લેતા નથી. જે સંતાનો વિદેશ વસતાં હતાં એમને
પણ છેલ્લા દોઢ-બે વર્ષમાં આર્થિક તકલીફો નડી રહી છે એટલે, ઘણાં બધા એવા છે કે જેમની પાસે ભારત આવવાના
ટિકીટના પૈસા અત્યારે ખર્ચવાની તૈયારી નથી. બીજી તરફ, નોકરી જવાનો ભય તો ઊભો જ છે. એવા સમયે ભારતમાં
વસતાં માતા-પિતાની ચિંતા થાય એ પણ એટલું જ સ્વાભાવિક છે. માતા-પિતાને સંતાનોની ચિંતા થાય એ પણ સહજ
છે…

વૃદ્ધો કોરોનાને કારણે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે, ટાળવું જોઈએ. એમની સાથે રહેતા સંતાનો તો કદાચ
દિવસ દરમ્યાન એક યા બીજા કારણે બહાર નીકળે છે, પરંતુ ઘરમાં બેઠેલા વૃદ્ધો માટે સગાં કે મિત્રો સાથે વાત કરવાની આ
સવલત એમને ટકાવી રાખે છે. અત્યારે વિચારીએ તો સમજાય કે મોબાઈલ ફોનમાં આ વીડિયો કોલની સવલત ન હોય, ને
ઘરમાં બેઠેલા વૃદ્ધો બહારની કોઈ વ્યક્તિનો ચહેરો ન જોઈ શકે તો એમની માનસિક સ્થિતિ શું થાય ?

જો મોબાઈલ ફોનની સગવડ ન હોય, તો કેટલી બધી મિટીંગ અને વ્યાપાર ધંધા અટકી પડે! આપણે મોબાઈલ
ફોનને જીવનની સમસ્યા કહીએ છીએ. જ્યારથી મોબાઈલ આવ્યા ત્યારથી સંબંધો તૂટવા લાગ્યા છે કે પછી માણસના
માણસ સાથેના સંબંધો થોડા આઘા અને ઓછા થઈ ગયા છે એવું પણ આપણે સાંભળ્યું છે તેમ છતાં, કોરોનાના દિવસોમાં
આ મોબાઈલ ફોન, એક આશીર્વાદ, કોઈ માનસિક સ્વાસ્થ્ય બચાવનારું યંત્ર બની ગયું છે.

દુનિયાની દરેક ચીજમાં સારી અને ખોટી બાજુ હોય છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, વ્હોટ્સએપ
યુનિવર્સિટીમાં ફોરવર્ડ કરાતા મેસેજ કે ફેસબુક લડાતા યુદ્ધોને ભૂલી જઈએ તો આ જ નાનકડો મોબાઈલ ફોન અને આ જ
ઈન્ટરનેટ સેવા કોરોનાના દિવસોમાં આપણો ઈમોશનલ આધાર બન્યા છે એ વાત આપણે સ્વીકારવી પડે. કોઈપણ યંત્ર
પોતાની મેળે કશું કરતું નથી. અંતે તો એને માણસ જ ચલાવે છે. રોબો હોય તો પણ એ સ્વયં સંચાલિત હોઈ શકે, પણ એને
બનાવનાર-ચલાવનાર અને રિપેર કરનાર તો માણસ જ છે… યંત્રને સારી અને સાચી રીતે વાપરીએ તો કદાચ, એ જીવાદોરી
બની શકે. એને ખોટી રીતે વાપરીએ તો તો કદાચ, આપણે કોઈના મૃત્યુનું, કોઈ બે જણાંના સંબંધ તૂટવાનું કે કારણ વગરની
દલીલો કરીને આપણી જ માનસિક અશાંતિ ઊભી કરવામાં પણ આપણે કારણ બની જ શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *