આજથી 31 વર્ષ પહેલાં આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. ધર્મના નામે અનેક લોકોનું
લોહી રેડાયું. સમજણ વગરના લોકોએ અન્યો અન્ય યુધ્ધ કર્યા, નિર્દોષ લોકોને ફક્ત કોઈ એક ધર્મના
હોવાને કારણે મોતના મોઢામાં ધકેલી દેવાયાં… એ કાળો દિવસ, એ અંધકાર અને એ તમસની યાદ
પણ ધ્રૂજાવી મૂકે એવી છે.
આજે જ્યારે પાછા ફરીને જોઈએ ત્યારે સમજાય કે, બાબરી મસ્જિદનો ધ્વંસ
ભારતના ઈતિહાસનું પડખું બદલવાનો એક એવો કાળ હતો કે જ્યારે આપણે સૌ હિન્દુત્વ અને
સનાતન ધર્મ પરત્વે ફરી એકવાર જાગૃત થયા. એ પછી જે થયું તે અત્યંત નિંદનીય હતું. સનાતન ધર્મ,
ક્ષમા અને સ્નેહનો ધર્મ છે, પરમ સ્વીકાર અને જીવમાત્રને અભય-આદર આપતો આ ધર્મ કોઈપણ
ધર્મને અનાદર આપતા નથી શીખવતો, પરંતુ આપણે પહેલીવાર એવું સમજી શક્યા કે સનાતન ધર્મ
પાસે ગૌરવ છે, ગરિમા છે અને જરૂર પડે તો આંખ લાલ કરવાનો અગ્નિ પણ આપણા સૌની ભીતર
પ્રજ્જવલિત છે. આપણે-હિન્દુત્વના નામે અજાણતાં જ ડરપોક અને ભયભીત પ્રજા બની રહ્યા હતા.
જાણતાં-અજાણતાં આપણે ક્ષમાના નામે આપણા અપમાનને અવગણતા થઈ ગયા હતા, એવામાં
આજથી 31 વર્ષ પહેલાં આ પ્રસંગ બન્યો. એ પછી જે કંઈ થયું એ બધું જ માનવતા ઉપર કલંક હતું
તેમ છતાં જગતની કોઈ ક્રાંતિ લોહી રેડાયા વિના નથી થઈ શકતી એ માનવજાતનું દુર્ભાગ્ય છે.
આપણે સૌએ પણ એ દુર્ભાગ્યનો બોજ વેંઢારવો પડ્યો. અજાણતાં થયેલા મૃત્યુનો હિસાબ આપણે
પણ ચૂકવવો પડ્યો, પરંતુ એ બધા પછી આજે 24મી જાન્યુઆરીએ રામ મંદિરની પુનઃસ્થાપના થઈ
રહી છે ત્યારે કેટલીક વાતો ખરેખર સમજવા અને જાણવા જેવી છે.
આર્યાવર્ત તરીકે ઓળખાતું ભારત, શકુંતલા અને દુષ્યંતના પુત્ર ‘ભરત’ના નામ પરથી
પડ્યું. સિંધુ સંસ્કૃતિને કિનારે પાંગરેલી સંસ્કૃતિ, જેમાં ‘સ’નો ઉચ્ચાર નહીં કરી શકતા શક, હૂણ અને
મોઘલોએ એને ‘હિંદુ’ કરી નાખ્યું. આપણે સૌ આજથી કેટલાય વર્ષો પહેલાં વિજ્ઞાન, આયુર્વેદ અને
શસ્ત્ર, શાસ્ત્રોમાં પ્રવીણ પ્રજા હતાં. આપણે જેને ‘વાર્તા’ માનીએ છીએ એ, પુષ્પક વિમાનની વાત
છે-તો કશુંક ઊડતું વાહન હશે તો ખરું ને? ગાંધારીનાં શરીરમાંથી નીકળેલા માંસના લોચાને ઘીના
ઘડામાં ડૂબાડીને એમાંથી સંતાનનો જન્મ થાય-તો ઈન્ક્યુબેટર હશે તો ખરાં ને? દેવનું આહ્વાન
કરીને સંતાનનો જન્મ થઈ શકે એ આઈવીએફ ડોનર નથી? આવી તો કેટલીય વાતો આપણે આપણા
પુરાણોની કથામાંથી શોધી શકીએ એમ છીએ, પરંતુ પીડાની વાત એ છે કે, અંગ્રેજી માધ્યમમાં ભણતા
બાળકોને પિનોકિઓ, સિન્ડ્રેલા અને પીટર પેનની કથાઓ ખબર છે, પરંતુ રામાયણ કે મહાભારત
સાથે જોડાયેલી કથાઓ વિશે એમને પૂરતી માહિતી નથી.
આપણે જ્યોતિષમાં માનીએ છીએ અને ગ્રહોની વીંટીઓ પહેરીએ છીએ. લગ્ન
પહેલાં ‘ગ્રહશાંતિ’ કરાવીએ છીએ, પરંતુ આ ગ્રહો કોણ છે, ક્યાં છે એનું વિજ્ઞાન તો છે જ સાથે
પુરાણની કથાઓ પણ છે. બૃહસ્પતિની પત્ની તારા ચંદ્રના પ્રેમમાં પડે છે, ગર્ભવતી થાય છે. હવે
નિર્ણય એ કરવાનો છે કે, ચંદ્રથી રહેલો ગર્ભ જ્યારે સંતાન સ્વરૂપે જન્મે ત્યારે એનો પિતા કોણ?
દેવોની સભામાં ઈન્દ્ર નિર્ણય કરે છે કે સંતાનની પાછળ પિતાનું-પત્નીનાં પતિનું નામ લખવામાં
આવશે અને એ જ સંતાનનો સાચો પિતા કહેવાશે! બુધનો જન્મ થાય છે. ક્રોધિત બૃહસ્પતિ શાપ
આપે છે કે, બુધ સ્ત્રી અને પુરુષ બંનેની વચ્ચે અટવાતો રહેશે… અહીંથી બુધને એની પત્ની ઈલા
કેવી રીતે મળે છે એની કથા પણ શરૂ થાય છે. આપણે ટ્રાન્સજેન્ડર સમજીએ છીએ, પરંતુ એની સાથે
જોડાયેલા ‘બુધ’ના ગ્રહની કથા આપણને ખબર નથી.
આવું તો કેટલુંય છે જે ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. સનાતન ધર્મનો પાયો છે.
આપણે ધર્મના નામે માત્ર કર્મકાંડ કરીએ છીએ, અથવા રૂઢિચુસ્ત જડ વિચારોને અન્ય લોકો પર ઠોકી
બેસાડવાનો પ્રયાસ કરીએ છીએ. એથી આગળ વધીને ક્યારેક કોઈ ક્રાંતિકારી વાત કરે કે ધર્મ સાથે
જોડાયેલી કોઈ વાતને જુદી રીતે, જુદા પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો પ્રયાસ કરે તો એને ટ્રોલ કરીએ છીએ,
અપમાનિત કરીએ છીએ, માફી માગવાની ફરજ પાડીએ છીએ, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે
સનાતન ધર્મ વિશ્વનો સૌથી ઉદાર અને એડવાન્સ ધર્મ છે. અહીં સત્યકામ જાબાલાની કથા છે. અહીં
માધવી અને ગાલવની કથા છે. અહીં પુરુ અને યયાતિની કથા છે. શર્મિષ્ઠા, કચ-દેવ્યાનીની કથા છે…
ભારતીય જનસમાજ માત્ર સિમેન્ટ, ક્રોંકિટના મંદિરોમાં ઈશ્વર શોધતો થઈ ગયો છે,
એ આપણા ધર્મનું દુર્ભાગ્ય છે. આપણા શાસ્ત્રો કહે છે કે, ‘ધારયતિ ઈતિ ધર્મ!’ જે ધારણ કરે છે તે
ધર્મ છે. આપણો ધર્મ આપણને ધારણ કરે છે, ટકાવે છે, તો પછી જે ટકાવે છે એ પોતે મજબૂત ન
હોય? નાની નાની વાતમાં જેમની ધાર્મિક લાગણી દુભાય છે અને જે લોકો ધર્મના નામે બિનજરૂરી
વિવાદ ઊભો કરે છે એ સૌએ સમજવું જોઈએ કે ધર્મ તો આકાશ જેવો છે, જ્યાં જઈને ઊભા
રહીએ ત્યાં આપણી ઉપર એનું છત્ર છે. જેમ આકાશ તૂટી પડતું નથી એમ ધર્મ પણ ક્યારેય હલી કે
તૂટી ન શકે. આપણા સૌની જીવનશૈલી ધર્મપૂર્ણ હોવી જોઈએ. ધર્મથી ડરવાનું નહીં, બલ્કે ધર્મને
સમર્પિત થવું એ જ જીવવાની સાચી રીત છે.
હવે જ્યારે અયોધ્યાના રામ મંદિરના કપાટ ઊઘડવાની આખરી ક્ષણો ગણાઈ રહી છે
ત્યારે આપણે સૌએ જાગવાનું છે. રામ મંદિર માત્ર એક સિમેન્ટ, ક્રોંકિટનું મંદિર નથી, સનાતન ધર્મની
પુનઃસ્થાપનાનું એક ચરણ છે. આપણા મંદિરોને સ્વચ્છ રાખવા, આપણી શ્રધ્ધાના દીપકને
પ્રજ્જવલિત રાખવા અને આપણા ધર્મને ઉન્નત મસ્તકે વિશ્વભરમાં ફેલાવવાનું કામ આપણે સૌએ
કરવાનું છે.