વિદ્યાઃ મુક્તિ અપાવે એ કે પછી મગજ બગાડે એ?

અમદાવાદની એક ‘મોટી અને મોંઘી’ કહેવાતી શાળામાં ભણતા એક નાનકડા વિદ્યાર્થીને ઘરે
પૂજા હોવાથી કપાળમાં તિલક કરીને શાળાએ મોકલવામાં આવ્યો. શાળામાં એને એ તિલક લૂછી
નાખવાની ફરજ પાડવામાં આવી એટલું જ નહીં, પરંતુ શાળામાંથી નોંધ આવી, ‘હવે પછી આવું તિલક
કરીને કે ધર્મના પ્રતીક સાથે બાળકને શાળામાં મોકલવો નહીં. આ અમારી શાળાના નિયમોની વિરુધ્ધ છે.’ ક્યારેક
નવાઈ લાગે એ હદે આપણે ધર્મ તરફ ઝનૂની થઈ જઈએ છીએ તો ક્યારેક નિરપેક્ષતાના નામે પણ
ઝનૂન ઓછું નથી! આ દેશનું બંધારણ વિશ્વના સૌથી મોટા લોકશાહી બંધારણ તરીકે ઓળખાય છે.
આપણા વડાપ્રધાને ભારતને વિશ્વના નકશામાં મૂક્યું છે અને આજે સૌ આદર અથવા પ્રેરણા માટે
આપણા દેશ તરફ જોઈ રહ્યા છે ત્યારે, જ્યાંથી શિક્ષણ અથવા સંસ્કાર મળે છે એવી સંસ્થામાં આવા
પ્રકારની વિચારસરણી કેટલા અંશે યોગ્ય છે?

ભોજન, ધર્મ, ભાષા, વસ્ત્ર અને વિચારની અભિવ્યક્તિ આ દેશમાં દરેક વ્યક્તિનો બંધારણીય
અધિકાર છે. એમાં પણ, ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ‘નિયમ’ના નામે આપણે આપણા
બાળકોને આપણી જ સંસ્કૃતિ અને આપણા જ સંસ્કારથી દૂર કરી રહ્યા છીએ. શિક્ષણનું માધ્યમ
કોઈપણ હોય. શાળાના વિદ્યાર્થીઓ પણ એકબીજા સાથે માતૃભાષામાં વાત ન કરી શકે, એટલું જ
નહીં હવે તો કેટલીક શાળાએ એવો નિયમ આપ્યો છે કે, ઘરમાં પણ બાળકની સાથે ગુજરાતીમાં
નહીં, હિન્દીમાં બોલવાનું. જાણીને કદાચ નવાઈ લાગે, પરંતુ કેટલાંય મધ્યમવર્ગીય પરિવારના અંગ્રેજી
માધ્યમમાં ભણતા બાળકો ગુજરાતી પરિવારના હોવા છતાં માતા-પિતા અને અન્ય પરિવારજનો
સાથે હિન્દીમાં બોલે છે! ‘વિશ્વ ભાષા’ અથવા ‘આંતરરાષ્ટ્રીય જરૂરિયાત’ના નામે આપણા દેશના
બાળકોને એક એવી શિક્ષણ પધ્ધતિમાં ધકેલી દેવાયા છે જ્યાં વેદ, સંસ્કૃતિ, સભ્યતા, અસ્મિતા,
પરંપરા અને આપણા ભવ્ય વારસાને ખૂણામાં ફેંકીને એમને રેસના ઘોડા બનાવવાની હોડ લાગી છે.
આ કયા પ્રકારનું શિક્ષણ છે? આવી જ શિક્ષણ પધ્ધતિથી કંટાળીને આપણા દેશમાં શાંતિનિકેતન,
ઘરશાળા, દક્ષિણામૂર્તિ અને શ્રેયસ, બાલઘર જેવી શાળાઓના સંસ્થાપક રવીન્દ્રનાથ ટાગોર,
ગીજુભાઈ અને હરભાઈ ત્રિવેદી, લીના મંગળદાસ અને સારાભાઈ જેવા અનેક શિક્ષણવિદોએ
વારંવાર એવું કહેવાનો પ્રયાસ કર્યો કે, કાચા માનસ ઉપર કોઈ કારણ વગર એવી લીટીઓ દોરવી નહીં
જે બાળકમાંથી વ્યક્તિ બને ત્યાં સુધી ભૂંસી ન શકાય.

આજની શાળાઓ કોઈક કારણ વગર ‘વિનર’, ‘ચેમ્પિયન’, ‘સ્ટાર’, ‘લીડર તૈયાર કરવાના’ એવા
કારખાનાં બની ગઈ છે જેમાં એનું બાળપણ, રમતો પણ ‘ડિઝાઈન’ કરવામાં આવે છે. આ ડિઝાઈન
દરેક વખતે વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક કે એકેડેમિશિયન દ્વારા પ્રમાણિત હોય એવું જરૂરી નથી કદાચ,
હોય તો પણ વિદેશી શિક્ષણ પધ્ધતિ અને ભારતીય શિક્ષણ પધ્ધતિમાં આસમાન-જમીનનો ફેર છે.
આજે જે ‘યુનિફોર્મ’ની વાત કરવામાં આવે છે એ આજથી સદીઓ પહેલાં આપણા ગુરૂકુળમાં
અપનાવવામાં આવી. રાજાનો અને ગરીબ બ્રાહ્મણનો દીકરો એક સાથે ભણે (દ્રૌણ અને દ્રુપદ, સુદામા
અને કૃષ્ણ) એ આ દેશની ‘ક્લાસ કોન્ફ્લિક્ટ’ વગરની શિક્ષણ પધ્ધતિ હતી. અહીં કોઈ ‘મોંઘી’ કે
‘સસ્તી’ શાળા નહોતી!

એ પછીના સમયમાં ગાંધીજીએ એક નવો વિચાર આપ્યો, જેમાં બુનિયાદી શિક્ષણ આ દેશની
જરૂરિયાત હતી. અહીં સુથારી કામ, પ્લમ્બિંગ, બાગાયત કામ, રસોઈ, સફાઈ જેવી જીવન જરૂરી
બાબતો શીખવવામાં આવતી હતી. માણસને જીવવા માટે જે રોજિંદા સ્કિલ્સ (આવડત) જોઈએ એ
બધું શાળાએ પ્રાથમિક ધોરણોમાં શીખવવું જોઈએ એવી દ્રઢ માન્યતા સાથે આ શિક્ષણ પધ્ધતિનો
વિકાસ કરવામાં આવ્યો, પરંતુ આપણે બ્રિટિશ શિક્ષણ પધ્ધતિના વિચારોમાંથી હજી બહાર આવી
શક્યા નથી. ઈન્ટરનેશનલ બોર્ડ અને સીબીએસસી પાસે ‘ભારતીયતા’ નથી એ વાત મોંઘી શાળામાં
મોકલતા માતા-પિતાને ત્યારે સમજાય છે જ્યારે એમનું સંતાન એમની સાથે અંગ્રેજીમાં દલીલબાજી
કરતું થઈ જાય છે. આજની શાળાઓ ‘સાહેબો’ તૈયાર કરે છે. આજના બાળકોને પોતાના ધર્મ કે
સંસ્કૃતિ વિશે માતા-પિતા તો માહિતી નથી જ આપી શકતા, પરંતુ શાળાઓ પણ આ કામ કરવામાં
પાછી પડે છે. પરિણામે, એમની પાસે પાયો અને પાંખો બંનેની ખોટ પડે છે. માતૃભાષાથી વિમુખ
બાળક એના પરિવારના સભ્યો સાથે જોડાઈ શકતું નથી, ધર્મ વિમુખ વ્યક્તિ પોતાના કપરા સમયમાં
આસ્થા કે આશાના કિરણથી વંચિત રહી જાય છે. આજની શાળાઓ એકલવાયાં વ્યક્તિત્વો તૈયાર કરે
છે, જે ફક્ત પોતાનો વિચાર કરી શકે છે. સ્વાર્થની કેરિયર અને ફક્ત જીતવાની માનસિકતા ધરાવતી
આ આખી પેઢીનો વાંક કાઢવાને બદલે આપણે શિક્ષણ પધ્ધતિમાં રહેલો પ્રોબ્લેમ સમજવો પડે.
એમાં સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ઉમેરાયા છે, જેને કારણે માહિતીનો એટલો બધો મારો
કરવામાં આવે છે કે, શું સાચું ને શું ખોટું, શું સ્વીકારવું ને શું છોડી દેવું એનો નિર્ણય કરવાનું આ યુવા
અને કાચા માનસ માટે અઘરું નહીં, લગભગ અશક્ય બની ગયું છે.

આપણી પુરાણ કથાઓ ઘણું શીખવે છે. ‘અગત્સ્ય દરિયો પી ગયા’ એનો અર્થ ખરેખર પાણી
પી ગયા એવો નથી, કદાચ! દરિયાના જ્ઞાનને એ ઘોળીને પી ગયા-દરિયાની બાબતમાં એમના જેટલું
અગાઢ જ્ઞાન કોઈને પણ નહોતું એવો પણ અર્થ થઈ શકે, ખરું ને? કદાચ એટલે જ રામાયણમાં સાગર
પર સેતુ બાંધવાનો હતો ત્યારે અગત્સ્યએ રામને સલાહ આપી કે નલ અને નીલ નામના બે ઈજનેરો
તમારી મદદ કરશે! તિલક કરીને શાળાએ જવું કે ગુજરાતીમાં બોલવું જરાય ‘ડાઉન માર્કેટ’ કે
‘શરમજનક’, ‘દેશી’ કે ‘જુનવાણીપણું’ નથી, બલ્કે જે શાળા બાળકને આવા તિલક પ્રત્યે કારણ વગર
કોન્શિયસ કરે છે એ શાળા નિરપેક્ષતા નહીં, વધુ ધર્મ ઝનૂન ફેલાવે છે. પોરબંદરનું આર્ય કન્યા ગુરૂકુળ,
ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની સાંદિપની શાળા કે ઋષિ વેલી, અમદાવાદની સંસ્કાર ધામ જેવી અનેક
શાળાઓ બાળકોને આધુનિક શિક્ષણની સાથે પરંપરાગત જ્ઞાન અને સંસ્કાર આપે છે. સાચું શિક્ષણ એ
જ છે જે આપણને આપણી ઓળખ છુપાવવા માટે મજબૂર ન કરે બલ્કે આપણી ઓળખ સાથે
આપણી ભાષા, ભોજન, ભાવ કે ભારતીયતાનું ગૌરવ કરી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *