વિદ્રોહ નહીં, વિશેષ સંબંધઃ પબ્લિસિટી નહીં પર્સનાલિટી

આજે 7 ફેબ્રુઆરી, એક અમેરિકન અભિનેતા એશ્ટીન કોશરનો આજે જન્મ દિવસ છે. એમને યાદ કરવાનું કારણ એ છે કે એશ્ટીન કોશર પોતાના દેખાવ અને સ્ટાઈલને કારણે જાણીતા છે. પોતાનાથી 15 વર્ષ મોટી જાણીતી અમેરિકન એસ્ટ્રેસ ડેમી મૂર સાથે લગ્ન કર્યા હતા. છ વર્ષ સુધી એ લગ્ન ટક્યા. એ પછી બંને જણા એક વર્ષ જુદા રહ્યા અને અંતે એમણે છૂટાછેડા લીધા.
એશ્ટીન કોશરે ત્યારે એક ઈન્ટરવ્યૂમાં કહેલું, “મોટી ઉંમરની સ્ત્રીઓ સાથેનો સંબંધ ખૂબ સ્ટ્રેસફુલ હોય છે. એને પોતાની વધતી ઉંમરનો ભય સતાવે છે. જેને કારણે એમની અસલામતી ધીરે ધીરે સંબંધને ખતમ કરી નાખે છે. પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરતા પુરુષને ખબર જ હોય છે કે એ વહેલી વૃદ્ધ થવાની છે, એમની વચ્ચે શારીરિક સંબંધનો અંત કદાચ વહેલો
આવશે. પુરુષ માટે આવા લગ્નોમાં માનસિક ઐક્ય વધુ મહત્વનું હોય છે, પરંતુ એ વાત કદાચ સ્ત્રીને નહીં સમજાતી હોય !”

આ માત્ર અમેરિકન કે વિદેશી લગ્નની વાત નથી. આજથી ત્રણ દાયકા પહેલા સૈફ અલી ખાન અને અમૃતા સિંઘના લગ્ન થયાં હતાં અને એથીયે પહેલાં 1958માં નરગિસ દત્તે પોતાની નવ વર્ષની રિલેશનશીપ એક ઝટકામાં પૂરી કરીને પોતાનાથી વયમાં નાના એવા સુનિલ દત્ત સાથે લગ્ન કર્યાં હતાં. એ લગ્ન નરગિસજીના મૃત્યુ સુધી પૂરા સન્માનથી જીવાયાં અને એમનાં કેન્સર
વખતે સુનિલ દત્તે કરેલી સેવા એક મિસાલ બની ગઈ !

હિન્દી સિનેમા જગતમાં આવા દાખલા કંઈ નવા નથી. ઉર્મિલા માંતોડકર, સોહા અલી ખાન અને ઐશ્વર્યા રાય પણ પોતાનાથી વયમાં નાના હોય તેવા પુરુષો સાથે પરણીને સુખી થયાં છે…

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ડિસેમ્બર, 2018માં પરણ્યા. અમેરિકન સિંગર અને અભિનેતા નિક જોનાસ પ્રિયંકાથી દસ વર્ષ નાના છે. સોશિયલ મિડિયા ઉપર એમના પ્રેમ અને સંબંધોના વિડિયો, ઈન્સ્ટા ફોટોઝ અને સ્ટોરીઝ ખૂબ રસથી જોવાય છે. એ બંને જણા મે, 2018માં મળ્યા. 19 જુલાઈ, 2018ના દિવસે ગ્રીસમાં નિક જોનાસે પ્રિયંકાને પ્રપોઝ કર્યું અને ડિસેમ્બરમાં તો
બંને જણાએ લગ્ન કરી લીધાં… આ લગ્નની પાછળ શાહરુખ ખાન સાથેનો બ્રેકઅપ પણ જવાબદાર છે એવું સોશિયલ મિડિયા અને સમાચારોમાં સંભળાતું રહે છે, પરંતુ એની સાથે એમના લગ્ન કે પ્રેમને શો સંબંધ હોઈ શકે ? ડિસેમ્બર, 2020માં એમના લગ્નને બે વર્ષ પૂરા થયા છે અને એ યુગલ હજી પણ સારી રીતે જીવી રહ્યું છે, એવું એમના તસવીરોની કેમેસ્ટ્રીમાં દેખાય છે !

એવી જ કેમેસ્ટ્રી સાથે 44 વર્ષની શુસ્મિતા સેનના વર્કિંગ આઉટના વિડિયોઝ ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. એના 27 વર્ષના બોયફ્રેન્ડ રોહમાન શોવ્લને છુપાવ્યા વગર શુસ્મિતા સેન પોતાના સંબંધોને છડેચોક સ્વીકારે છે. હજી હમણાં જ, થોડા દિવસ પહેલાં રોહમાનના ઘરેથી પોતાને ઘરે જઈ રહેલા શુસ્મિતા સેનના એમના બોયફ્રેન્ડને ભેટતા, ગુડબાય કહેતા અને વિદાય લેતા
વિડિયોએ ધૂમ મચાવી હતી… પોતાનાથી 17 વર્ષ નાના બોયફ્રેન્ડ વિશે શુસ્મિતા સેને અનુપમા ચોપરા સાથેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “શરૂઆતમાં કોઈક કારણસર એ એની ઉંમર છૂપાવતો રહ્યો. હું એને વારેવારે પૂછતી, ‘તું કેટલા વર્ષનો છે ? બહુ નાનો દેખાય
છે…’ એ જવાબ આપતો, ‘તું ધારી લે.’ એકવાર જ્યારે એનો પાસપોર્ટ જોયો ત્યારે મને ખબર પડી કે એ મારાથી 17 વર્ષ નાનો છે, ત્યારે થોડા વખત માટે હું બહુ ડિસ્ટર્બ્ડ થઈ ગયેલી. એકવાર એ સંબંધ તોડવાનો વિચાર પણ કરેલો, પછી એણે પૂછ્યું, ‘મારે ક્યારે જનમવું એ મારા હાથમાં હતું ? હું નાનો છું એ મારો ગુનો છે ?’ ત્યાં સુધીમાં અમારા સંબંધને સારો એવો સમય થઈ ગયેલો. અમારી કમ્પેટીબિલિટી અદભુત હતી. એ વગર કહ્યે મારી વાત સમજતો… અમે સાથે વર્કઆઉટ કરતા. મારી દીકરીઓને પણ એની સાથે ગજબ માયા થઈ ગયેલી… લાંબુ વિચારતા મને સમજાયું કે અમારું મળવું, વિધાતાએ જ ગોઠવેલી કોઈ રમત હતી… હવે મને એની કે મારી ઉંમર કહેતાં જરાક પણ સંકોચ થતો નથી !”

આપણા પુરાણોમાં રાધાજીની ઉંમર પણ કૃષ્ણથી વધુ હતી એવો ઉલ્લેખ છે !

સાચું પૂછો તો લગ્ન કે સ્ત્રી-પુરુષના સંબંધને વય સાથે નહીં, મેચ્યોરિટી અને કમિટમેન્ટ સાથે વધુ સંબંધ છે. એક સમય હતો જ્યારે લગ્નમાં સ્ત્રીની ઉંમર પુરુષ કરતાં સાતથી દસ વર્ષ નાની હોય એવા લગ્નને આદર્શ માનવામાં આવતા હતા. સ્ત્રી પ્રમાણમાં નાની હોય તો એના ઉપર ‘કન્ટ્રોલ’ રાખી શકાય એવો કોઈ વિચાર હશે, કદાચ ! સમય સાથે સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ છે. એશ્ટીન કોશર હવે સંબંધમાં સ્ત્રી-પુરુષની ઉંમર કરતાં વધારે એમનું કમિટમેન્ટ, એકબીજા સાથેની સમજણ અને એકબીજા વિશેનો સ્વીકાર વધુ મહત્વના બનતા જાય છે. મોટી ઉંમરની પત્ની કે પ્રેમિકા પસંદ કરનાર પુરુષ કદાચ પોતાના જીવનની સ્ત્રીમાં કે પત્નીમાં પોતાની માને જોતો હોય છે, એવું ફ્રોઈડની સાઈકોલોજી કહે છે. મોટી ઉંમરની સ્ત્રીના પ્રેમમાં પડનાર પુરુષની માનસિકતાને ફ્રોઈડે ‘ઈલેક્ટ્રા કોમ્પ્લેક્સ’ તરીકે ઓળખાવ્યું છે. જોકે, આ સંબંધ સનસનાટી કરતાં વધુ સેન્સેટીવીટીનો હકદાર છે. પબ્લિસિટી કરતાં વધારે પર્સનલ ચોઈસનો પ્રશ્ન છે.

સ્ત્રી જ્યારે વયમાં મોટી હોય છે ત્યારે પોતાનાથી નાની ઉંમરના પુરુષ વિશે એને એક અસલામતી રહે છે, એ વાતને નકારી શકાય તેમ નથી. મોટાભાગના આવા સંબંધો, જેમાં સ્ત્રી મોટી હોય અને પુરુષ નાનો હોય એનો અંત શંકા કે ઝઘડાથી આવે છે. સ્ત્રીને થોડા જ વર્ષોમાં એવું લાગવા માંડે છે કે પોતે પતિને સંતુષ્ટ રાખી શકતી નથી, માટે એના પતિને બીજી સ્ત્રીઓમાં રસ પડવા લાગ્યો છે. પુરુષ પ્રકૃતિએ જ કદાચ થોડીક ભ્રમરવૃત્તિ ધરાવે છે, એમ કહીએ તો તદ્દન ખોટું નથી ! આ ભ્રમવૃત્તિને રસિકતા કે સુંદરતાના એપ્રિસિએશનનું નામ પણ આપી જ શકાય, પરંતુ જ્યારે પોતાનાથી નાની ઉંમરનો પુરુષ અન્ય કોઈ સ્ત્રીના વખાણ કરે કે એની સાથે સહેજ વધુ નિકટ આવતો દેખાય ત્યારે મોટી ઉંમરની પત્ની કે પ્રેમિકા અસલામત થઈ જાય છે. આનું કારણ
કદાચ એવું છે કે, સ્ત્રીને સાવ નાની હોય ત્યારથી એની સુંદરતા અને યુવાની વિશે ખૂબ સજાગ કરવામાં આવે છે. જાણે-અજાણે એની મા અને પરિવાર તરફથી એવું શીખવવામાં આવે છે કે એની સુંદરતા એ જ એના અસ્તિત્વનો પર્યાય છે. એ જ્યાં સુધી એના પતિ કે પુરુષને શારીરિક રીતે સંતુષ્ટ અને ખુશ રાખશે ત્યાં સુધી જ એનો સંબંધ અકબંધ રહેશે… આવું વિચારતી સ્ત્રીનો
વાંક ઓછો છે અને એનો ઉછેર અને એના મનમાં નાખવામાં આવતા વિચારો વધુ જવાબદાર છે.

આપણે સંબંધને સંબંધની જેમ જોતા શીખ્યા જ નથી… આપણે માટે હજી સુધી સંબંધ એ કોઈ ‘લેવડ-દેવડ’નું સ્વરૂપ છે અથવા કોઈ એમઓયુ છે. જેમાં બંને પક્ષે જો સમાન ઈન્ટ્રેસ્ટ નહીં જળવાય તો સંબંધ નહીં ટકે, એવી કોઈક માન્યતા સાથે આપણે બધા અસલામત થઈએ છીએ. સ્ત્રી-પુરુષના સંબંધમાં માત્ર શરીર જ મહત્વનું નથી, એવું ધીમે ધીમે સમજાવા લાગ્યું છે. માનસિક ઐક્ય, એકબીજાની સાથે સમય વિતાવવાની કમ્ફર્ટ, એકબીજા પરત્વેની સમજણ અને સાથે જીવવાની એક સાચી આવડત સંબંધને ટકાવે છે, એવું હવે નવી પેઢી સમજવા અને શીખવા લાગી છે. સાથે સાથે સમાજ પણ આવા સંબંધને જરાક સહજતાથી જોતો થયો છે. એક સમય હતો જ્યારે આવા સંબંધ વિશે અસહિષ્ણુતા પ્રવર્તતી હતી. નરગિસ અને સુનિલ દત્તના લગ્ન વિશે કે અમૃતા અને સૈફના લગ્ન વિશે અખબારોએ જે રીતે લખ્યું એના કરતાં શુસ્મિતા અને રોહમાન કે નિક અને પ્રિયંકાના સંબંધને વધુ સ્વીકાર અને આવકાર મળ્યો છે… લોકો અથવા ફેન્સ પણ આવા સંબંધને જુદી રીતે જુએ છે, રસ લે છે, કારણ કે આ સંબંધમાં એક બોલ્ડ સ્ટેટમેન્ટ વંચાય છે. પોતાની મરજીની વ્યક્તિ સાથે જીવવાની સ્વતંત્રતાનું આ બોલ્ડ સ્ટેટમેન્ટ હવે લોકોને આકર્ષવા લાગ્યું છે…

ઉંમર કરતાં વધારે સમજણ અગત્યની છે, શરીર કરતાં વધારે સ્નેહ અગત્યનો છે… એ વાત ધીમે ધીમે સમાજને પણ સમજાઈ છે. આ કોઈ વિદ્રોહ નથી. આ વિશેષતા છે. એક એવા સંબંધની વિશેષતા, જે બીજા સંબંધોથી અલગ છે અને આ અલગતાને, આ વિશેષતાને જો આપણે
સમજી શકીએ તો કદાચ આ સમાજ વધુ સમજણ અને સ્નેહ સાથે એક નવી દિશામાં આગળ વધી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *