વોટિંગ કરો, ચિટિંગ નહીં

ગુજરાતમાં પહેલાં તબક્કાનું વોટિંગ પૂરું થયું છે. 89 સીટ્સના ઉમેદવારોનું ભાવિ વોટર્સે
નક્કી કરી લીધું છે અને પાંચમી તારીખે બીજા તબક્કાનું વોટિંગ થવાનું છે ત્યારે નવી સરકાર કેવી
રચાશે એની પ્રતીક્ષામાં બેઠેલા જનસામાન્ય માટે આ ચૂંટણીનું રિઝલ્ટ આમ જોવા જાઓ તો નક્કી
જ હતું ને? ચૂંટણીની પહેલાં ચાલતી અટકળોમાં ક્યારેક 140, ક્યારેક 130 તો ક્યારેક 120ના
આંકડા વારાફરતી આવતા અને ભૂંસાતા રહ્યા. મીડિયામાં પણ મિશ્ર લાગણી પ્રવર્તતી રહી. હવે
જ્યારે બીજા તબક્કાના મતદાનની રાહ જોવાઈ રહી છે ત્યારે ખાસ કરીને શહેરોમાં થતા ઓછા
મતદાનની વાત કરવી જોઈએ.

મોટાભાગના શહેરોમાં એક જ પ્રશ્ન નડે છે, મધ્યમ વર્ગના લોકો વોટિંગ કરવા જાય છે, પરંતુ
ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત વર્ગને લાઈનમાં ઊભા રહીને વોટિંગ કરવાનો કંટાળો આવે છે. સરકારે
વારંવાર અપીલ કરી છે કે, ‘મતદાન અનિવાર્ય છે.’ પાંચ વર્ષમાં એકવાર પ્રજાને પોતાની વાત કહેવાનો
અવસર મળે છે. એ સમયે જો આપણે આળસ કે કંટાળામાં મતદાન ન કરીએ તો આપણે દેશદ્રોહી
છીએ. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં રમખાણો થયા નથી. કરફ્યૂના ભય વિશે 2000 પછી જન્મેલી
પેઢીને કલ્પના પણ નથી. સવાલ સરકારના વખાણ કરવાનો નથી, પરંતુ હવે ગામેગામ, શહેરોમાં
શૌચાલયો છે, ગેસ કનેક્શન અને વિજળીના કનેક્શનના આંકડા કદાચ વધારીને કહેવામાં આવતા
હોય તો પણ જે નીચલા મધ્યમ કે ગરીબ વર્ગના લોકો છે એમને સુવિધા મળી છે, એ વાતને નકારી
શકાય એમ નથી. જો ફરિયાદ હોય, તો એ બધા બુધ્ધિજીવી-ભણેલા અને ઉચ્ચ મધ્યમ વર્ગના છે.
જરૂરી એ છે કે, જેને વિરોધ છે એ જરૂર મતદાન કરે. જેની પાસે પોતાનો અભિપ્રાય છે એની પાસે
આ અભિપ્રાય આપવા માટે વોટ એક એવું હથિયાર છે જે એને પાંચ વર્ષમાં એક જ વાર વાપરવાની
તક મળે છે. આ દેશ માત્ર રાજકારણી કે નેતાઓનો નથી, અહીં વસતા દરેક નાગરિકનો છે એ વાત
જે દિવસે આપણને સમજાશે એ દિવસે આપણે ભારતની સરખામણી પશ્ચિમના દેશો સાથે નહીં
કરવી પડે.

કેટલાય સેલિબ્રિટીઝ આંગળી પર કાળા ટપકા સાથે પોતાના ફોટા અપલોડ કરે છે. આપણે
સેલિબ્રિટીઝને બીજી ઘણી બાબતમાં ફોલો કરીએ છીએ. ફેશનમાં, જીવનશૈલીમાં અને સાચી-ખોટી
કેટલીયે બાબતોમાં આપણે કહેવાતી સેલિબ્રિટીઝનું અનુકરણ તો કરીએ છીએ, પરંતુ જ્યારે વોટિંગ કે
દેશને લગતી બીજી બાબતોની વાત આવે ત્યારે આપણે એમને ફોલો કરવાનું ચૂકી જઈએ છીએ.
અક્ષયકુમાર સિગરેટ સ્મોકિંગની ના પાડે કે બચ્ચન સાહેબ પોલિયોના ટીપાની અપીલ કરે, વિદ્યા
બાલન ઘરેલુ હિંસાનો વિરોધ કરવા માટે પ્રેરણા આપે કે દીપિકા પદુકોણ સ્ત્રીના શરીર પર સ્ત્રીના
પોતાના અધિકારની વાત કરે, ત્યારે એવી બાબતમાં પ્રેરણા લેવાનું આપણને સૂઝતું નથી, પરંતુ
‘પુષ્પા’માં બતાવેલી સ્મગલિંગની રીત આપણે બેશરમ થઈને ગાંજાની હેરફેર માટે વાપરી શકીએ
છીએ કે, ફિલ્મોમાં બતાવવામાં આવતી રોમિયોગિરીનું સીધું અનુકરણ કરીને યુવાનો ‘કબીર સિંઘ’ કે
‘તડપ’ જેવી ફિલ્મો જોઈને ખોટા રસ્તે જાય છે, પરંતુ સેલિબ્રિટીઝની દેશ કે સમાજ પરત્વેની
અપીલની આપણા ઉપર ઝાઝી અસર થતી નથી.

અર્થ એ થયો કે, આપણી યુવા પેઢીને જેટલું ગમે અને અનુકુળ પડે એ જ એટલું જ એ
સ્વીકારે, એને જ અનુસરે. આપણો યુવા વર્ગ મતદાન કરવામાં સૌથી નિરુત્સાહ વર્ગ છે. ખરેખર તો
આ ચૂંટણી ગુજરાતમાં મતદારોની યાદીમાં નવા દાખલ થયેલા અનેક મતદારોનું ભવિષ્ય નક્કી કરશે.
આ ચૂંટણીમાં મતદાન કરવાની સૌથી મોટી જવાબદારી જો કોઈના માથે હોય તો એ નવા મતદારો
અને ઘેર બેસી રહેતી ગૃહિણીઓની છે. યુવા વર્ગ મતદાન મથક સુધી જઈને વોટ કરવામાં ‘બોર’ થાય
છે, તો ગૃહિણીને લાગે છે કે, ‘આપણા એક વોટથી શું ફેર પડશે?’

સત્ય તો એ છે કે, એક એક વોટથી ફેર પડશે. દરેક ચૂંટણી વખતે આપણને સૌને વારંવાર
અપીલ કરવામાં આવે છે કે, એક વોટર તરીકે આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ,
પરંતુ નવાઈની વાત એ છે કે, ઓછું ભણેલા લોકો, આદિવાસી વિસ્તારો, સ્લમ કે મજૂર વર્ગના લોકો
પૂરી નિષ્ઠાથી વોટિંગ કરે છે. એક દાવો એવો પણ છે કે, એમને આગ્રહપૂર્વક વાહનમાં બેસાડીને
વોટિંગ કરવા માટે લઈ જવામાં આવે છે એટલું જ નહીં, એમને વોટિંગ કરવાના પૈસા અથવા લાલચ
આપવામાં આવે છે… જો ખરેખર આવું હોય તો એ કેટલું ખોટું અને ખરાબ છે! આ આપણો દેશ છે,
આપણે એના નાગરિક છીએ અને જે સરકાર બનશે એ આપણી સાથે આવનારા પાંચ વર્ષ માટે રહેશે
એટલું જ નહીં, આપણો વિકાસ, આપણા રાજ્યનું ભવિષ્ય અને આપણા સંતાનોના ભાવિ વિશેના
કેટલાય નિર્ણયો એ સરકાર કરશે. આવનારી સરકાર પોલિસી બનાવશે, કાયદા ઘડશે, એનો અમલ
કરાવશે, ઉદ્યોગો અને આર્થિક બાબતોના નિર્ણયો કરશે… આપણા સૌનું ભાવિ કોના હાથમાં સોંપવું
એનો નિર્ણય આપણે ભણેલા, બુધ્ધિજીવી અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો, નહીં ભણેલા, મજૂર વર્ગ,
આદિવાસી અને સ્લમના લોકોના હાથમાં મૂકી દઈએ એ કેટલા અંશે યોગ્ય છે?

પહેલાં વોટિંગ ન કરવું અને પછી સરકારની કામગીરી બાબત કે પોતાના વિસ્તારના જીતેલા
ઉમેદવાર કામ નથી કરતા અથવા સરકાર કેટલી ભ્રષ્ટ છે, નકામી છે એ વિશે ફરિયાદ કરવી… આ બંને
પરસ્પર કેટલા વિરોધી અને બેવકૂફી ભરેલી વર્તણૂક છે! જે મતદાન નથી કરતા એને સરકારની
કામગીરી અંગે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે, જે સરકાર સત્તા પર આવે, એને
ચૂંટવામાં એમણે કોઈ યોગદાન આપ્યું નથી. જે કામ મેં કર્યું જ ન હોય એ કામ સારું છે કે ખરાબ, એ
વિશે અભિપ્રાય આપવાનો અધિકાર મને મળતો જ નથી-આ વાત આપણે સૌએ સમજી લેવી
જોઈએ.

જેને અત્યારની સરકારમાં શ્રધ્ધા છે, વિશ્વાસ છે અને લાગે છે કે આ સરકાર જ બદલાવ
લાવી છે અથવા હજી વધુ બદલાવ લાવી શકશે એણે મતદાન કરવું જોઈએ… અને જેને એવું લાગે છે
કે આ સરકાર અયોગ્ય છે, જેમને સરકારમાં બદલાવ જોઈએ છે એણે તો ચોક્કસ મતદાન કરવું
જોઈએ.

આપણે આ દેશમાં રહેવું છે, દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો ભોગવવી છે, આપણી જાતને
ભારતીય કહેવા છે અને જો આપણે 18 વર્ષથી ઉપરના છીએ તો મતદાન કર્યા વગર આ દેશમાં
રહેવાનો આપણને અધિકાર નથી, નથી ને નથી જ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *