વ્યાજ-વ્યાજનું વ્યાજ-વ્યાજના વ્યાજનું વ્યાજ…

‘મધર ઈન્ડિયા’ નામની ફિલ્મમાં ‘લાલા’નું પાત્ર ગામના લોકોને લૂંટે છે… વ્યાજના બદલામાં
રાધાનું શરીર માગનાર લાલાના વ્યાજમાં રાધા પોતાના એક સંતાનને ગૂમાવે છે, પરંતુ રાધાનાં દીકરા
અભણ બિરજુને જમીનદારની દીકરી સાચો હિસાબ સમજાવે છે. પત્થર હાથમાં લઈને મૂળ અને
વ્યાજનો હિસાબ જ્યારે બિરજુના મગજમાં ઉતરે છે ત્યારે એને સમજાય છે કે, ચાર પત્થરની મૂળ
રકમ ઉપર એણે આઠથી વધુ પત્થર ચૂકવી દીધા છે અને છતાંય હજી પેલા ચાર પત્થરની મૂળ રકમ તો
બાકી જ બતાવે છે! 1957માં બનેલી આ ફિલ્મમાં વ્યાજનો જે હિસાબ હતો એ 2023માં પણ
બદલાયો નથી, એ કેટલી આઘાતજનક બાબત છે! આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ
રહી હોય ત્યારે રોજમદારીના કામ કરનારા લોકોની આત્મહત્યાના આંકડામાં 50.44 ટકા જેટલો
વધારો થયો છે. નિત્યાનંદ રાય (મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હોમ) રાજ્યસભામાં સ્વીકારે છે કે,
2017માં 2,131 આપઘાત હતા. 2018માં 2,522… અને, સતત વધતા આ આંકડા હવે એક જ
વર્ષમાં ચાર હજારની સંખ્યા વટાવી ગયા છે.

રોજિંદી આવક પર નભનારા આ લોકો કોવિડ અને એ પછીના સમયમાં આર્થિક તકલીફમાં
મૂકાયેલા અન્ય લોકોએ ઘર ચલાવવા કે પછી વ્યવસાયને ટકાવી રાખવા માટે, હપ્તા ભરવા માટે પૈસા
લેવા પડ્યા… આ લોકોને આઠ-દસ-બાર અને ક્યારેક સોળ ટકા વ્યાજે પણ પૈસા આપનાર એવા
લોકો છે, જેમણે ધીરે ધીરે પોતાનો સકંજો એટલો ટાઈટ કરી નાખ્યો કે, પૈસા લેનાર વ્યક્તિ ક્યારેય
મૂળ રકમ ચૂકવી શકે જ નહીં! આ દસ-બાર કે સોળ ટકા, વાર્ષિક વ્યાજ નથી! માસિક વ્યાજ છે!
સાદી ગણતરીમાં સમજવું હોય તો એક લાખ રૂપિયાના બાર હજાર રૂપિયા દર મહિને વ્યાજ તરીકે
ચૂકવવા પડે… આમાં મૂળ રકમ ચૂકવવાની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે? તકલીફમાં પૈસા ઉધાર લેનાર
વ્યક્તિ સ્વાભાવિક રીતે જ ઓછું કમાનાર અને નાના વ્યાપાર કે નાની મોટી નોકરી પર જીવનાર
વ્યક્તિ હોય. જેની કુલ વાર્ષિક આવક આઠ કે દસ લાખ રૂપિયા હોય, એ બાર કે ચૌદ હજાર રૂપિયાનું
વ્યાજ દર મહિને ચૂકવે તો એની પાસે મૂળ રકમ ચૂકવવાના પૈસા કદી ન જ આવે. વ્યાજખોરો માટે
આનાથી વધુ ધીકતો બીજો કોઈ ધંધો નથી.

હવે સવાલ એ છે કે, આવા લોકો જ્યારે દેવું કરે છે ત્યારે જો સાચે જ જરૂરિયાત માટે કર્યું
હોય તો એમની સાથે સહાનુભૂતિ થાય-પરંતુ, દરેક વખતે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ પોતાનું ઘર
ચલાવવા કે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે જ પૈસા લે છે એવું નથી. કેટલીકવાર સામાજિક
પ્રસંગોએ બિનજરૂરી ખર્ચો કરવા તો ક્યારેક સટ્ટો અને મોજશોખ કરવા માટે પણ આવા પૈસા ઉધાર
લેવામાં આવે છે. એ વખતે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિને એવી સમજણ નથી હોતી, અથવા કદાચ
સમજણ હોય છે તો પણ ‘થઈ પડશે’ના વધુ પડતા આત્મવિશ્વાસ, ખર્ચો નહીં કરીએ તો સમાજમાં
વાતો થશેની બીક, કે મિત્રોની સંગતમાં ડ્રગ્સ, સટ્ટો અને મોજશોખના ખોટા ખર્ચા એમને દેવાના
ખાડામાં ઉતારે છે. સમજવાની વાત એ છે કે, એક લેણદારના પૈસા ચૂકવવા માટે આવા દેવાદાર લોકો
બીજા પાસેથી પૈસા લે છે, અને એના પૈસા ચૂકવવા માટે ત્રીજા પાસેથી… પહેલી વ્યક્તિ આઠ ટકા
વ્યાજે પૈસા આપે, બીજી દસ ટકા અને ત્રીજી બાર ટકા… ટકા વધતા જાય છે અને આ એક એવા
લોકોનું ગ્રૂપ હોય છે જે ‘પાસિંગ ધ પાર્સલ’ની જેમ દેવાદારને ફૂટબોલ બનાવીને એક જગ્યાએથી
બીજી જગ્યાએ લાત મારે છે.

દેવું કરનાર વ્યક્તિને જ્યારે સમજાય કે એ કેવા ડુંગર નીચે ડૂબ્યો છે અને હવે દેવું નહીં જ
ચૂકવી શકાય, ત્યારે મોટેભાગે ઘણું મોડું થઈ ગયું હોય છે. દેવું એટલું વધી ગયું હોય છે કે એને
ચૂકવવાની શક્યતા જ નથી રહેતી. લેણદારો આવા સમયે ત્રાસ આપવાનો શરૂ કરે છે. સમય-કસમયે
એમના ઘેર જવું, એમની પત્ની-દીકરીની છેડતી કરવી, એમને રસ્તામાં રોકવા અને અપમાનિત
કરવાથી શરૂ કરીને, મારપીટ અને કિડનેપિંગ સુધીનો ત્રાસ આ લેણદારો પોતાના દેવાદાર પર ગુજારે
છે. ત્રાસ અસહ્ય થઈ જાય અને દેવું નહીં જ ચૂકવી શકાય એવું સમજાઈ જાય ત્યારે દેવું કરનાર વ્યક્તિ
પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી એવું એને લાગે છે… અંતે એ પોતાનું જીવન સમેટી
લે છે.

છેલ્લા ઘણા સમયથી આવા લેણદારોના ત્રાસથી ઘણા લોકોએ આત્મહત્યા કરી. માત્ર વ્યક્તિ
જ નહીં, પોતાના પરિવારને પણ પોતાની સાથે મૃત્યુના મોઢામાં ધકેલી દેનાર દેવાદારોની સંખ્યા
એટલી બધી વધી ગઈ કે સરકારની ઊંઘ ઊડી ગઈ. આજે આત્મહત્યાના સમાચાર અખબાર માટે
જરાય આંચકાજનક રહ્યા નથી ત્યારે, વ્યાજ અને વ્યાજખોરોના ત્રાસથી થઈ રહેલા આપઘાત વિશે
સરકાર સજાગ થઈ છે, એવું લાગે છે. વ્યાજખોરો વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ શકે છે,
પોલીસ મદદ કરશે એવું વચન સરકાર તરફથી આપવામાં આવ્યું છે, પરંતુ એક સવાલ એ પણ છે કે,
આ વ્યાજખોરો બહુ પહોંચેલા છે, એ લોકો અપ્રમાણિક ઓફિસરોને ખરીદીને જો ફરિયાદ કરનારને
વધુ હેરાન કરે તો શું? જેમ યુપી, બિહાર, ઝારખંડ કે છત્તીસગઢ જેવાં રાજ્યોમાં પોલીસ ફરિયાદ
કરનાર વ્યક્તિને વધુ હેરાન કરવામાં આવે, એને આકરી સજા મળે એવી રીતે જો ગુજરાતમાં પણ
વ્યાજખોરો ફરિયાદ કરનાર વ્યક્તિને, એના પરિવારને વધુ હેરાન કરે તો એની પડખે કોણ ઊભું
રહેશે?

આ સવાલના જવાબમાં સુરતના પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું છે, ”સુરતમાં અમે 34
કેસ ફાઈલ કર્યા છે અને 31ને અરેસ્ટ કર્યા છે. ત્રણ જણાં ફરાર છે, પરંતુ અમે આ વ્યાજખોરોની
સામે એક લડત ચલાવવા તૈયાર થઈ ગયા છીએ. આ વ્યાજખોરોથી પીડાતા લોકોને ગુજરાત સરકાર
બને એટલી મદદ કરશે.” આ માત્ર સુરતની વાત નથી, અમદાવાદ, રાજકોટ અને બીજા શહેરોમાં પણ
પોલીસ વ્યાજખોરો સામેની ફરિયાદ વિશે ગંભીર પગલાં લઈ રહી છે. સાચું પૂછો તો વ્યાજખોરોનો
ત્રાસ ઘણા વર્ષોથી હતો, પરંતુ આ ચૂંટણી પછી ગુજરાતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ફરિયાદ અને
તકલીફને ગંભીરતાથી લઈને એના વિશે સાચા અર્થમાં અભિયાન શરૂ કર્યું છે. જરૂર છે, હિંમત
કરવાની, આગળ આવીને ફરિયાદ કરવાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *