ગુસ્સો, ક્રોધ, એન્ગરઃ લાલચોળ પડછાયો ફેલાય છે

એક સવારે, એક ઘરમાં પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થાય છે-પતિ ગુસ્સામાં બહાર નીકળે છે
અને પત્ની ઘરનું કામ કરી રહી છે. આ બંનેનો ગુસ્સો એકબીજા પર તો નીકળ્યો નહીં, એટલે પતિએ
બહાર નીકળીને ડ્રાઈવરને ખખડાવી નાખ્યો. ઓફિસ જઈને પ્યૂન ઉપર બૂમો પાડી અને બાકી હતું તે
પોતાના કર્મચારીને અપમાનિત કર્યા. પત્નીએ પહેલાં ડોમેસ્ટિક હેલ્પ માટે આવતા બહેન, પછી
માળી અને એ પછી સ્કૂલેથી પાછા ફરેલા બાળકને હોમવર્ક કરાવતી વખતે બે તમાચા મારીને પોતાનો
ગુસ્સો ઠંડો કર્યો.

આપણે બધા જાણે-અજાણે એન્ગર-ગુસ્સાને ટ્રાન્સફર કરીએ છીએ. ઘણા લોકો એવું કહે છે કે,
એમને ગુસ્સો આવતો નથી અથવા એ ગુસ્સો નહીં કરતાં શીખી ગયા છે, પરંતુ સત્ય એ છે કે એ
ગુસ્સો દબાવતા શીખ્યા છે, ગુસ્સાની સ્થિતિને ટાળતાં શીખી શક્યા નથી. માણસ તરીકે આપણે
બધા કોઈને કોઈ વાતે નારાજ હોઈએ, દુઃખી હોઈએ કે ક્યારેક અણગમો પણ થાય, પોતાની પ્રિય
વ્યક્તિ વિશે પણ કેટલીક બાબતોમાં મનદુઃખ થઈ શકે. અગત્યનું એ છે કે, આપણે એ મનદુઃખ કે
ગુસ્સાને કઈ રીતે હેન્ડલ કરીએ છીએ. મોટાભાગના લોકો આ ગુસ્સા કે ઉશ્કેરાટની સ્થિતિને
પોતાનાથી નીચેના લેવલ ઉપર ટ્રાન્સફર કરી દે છે. જે વિરોધ કે પ્રતિકાર ન કરી શકે, સહન કરી જાય
એવી વ્યક્તિને પોતાની અકડામણ, ચીડ કે ગુસ્સાનું પાર્સલ પકડાવી દેવું આપણને સરળ પડે છે, પરંતુ
એથી ગુસ્સો ભૂંસાતો, લુંછાતો કે અટકતો નથી. સ્થાનફેર થાય છે, સ્થિતિફેર નહીં.

જે ડોમેસ્ટિક હેલ્પ કરવા આવતા બહેન ઉપર ગૃહિણીએ ગુસ્સો કર્યો, એ ગૃહિણીને તો
જવાબ નહીં આપી શકે, પરંતુ ઘરમાં એના નાના બાળક પર કે વૃધ્ધ સાસુ-સસરા ઉપર પોતાનો
ઉશ્કેરાટ ઠાલ્યા વગર રહી નહીં શકે. પતિએ જે કર્મચારી ઉપર ગુસ્સો કર્યો છે એ પણ કદાચ, પોતાની
પત્ની ઉપર કે રસ્તામાં થયેલા નાનકડા અકસ્માતમાં સામેની વ્યક્તિ ઉપર હાથ ઉપાડી બેસે! ગુસ્સાનું
વિજ્ઞાન એ છે કે, એને મૂળમાંથી જ કાઢવો પડે. જો એકવાર ભીંતમાં ઊગેલા પીપળાની જેમ એ
ઊગી નીકળે તો તિરાડ પહોળી કરતાં જવાની એની પ્રકૃતિ અને આવડત બંને છે.

છેલ્લા થોડા સમયમાં જો આપણે નોંધ્યું હોય તો આપણને સમજાય કે, નાની નાની વાતમાં
ઉશ્કેરાટની સ્થિતિ આપણી આસપાસના જગતમાં વધુ ને વધુ ગંભીર બનતી જાય છે. ઉશ્કેરાટમાં
ગ્રિષ્મા અને શ્રધ્ધા જેવા કિસ્સા બને છે તો ક્યાંક વૃધ્ધ માતા-પિતાને મારી બેસવાના બનાવો ક્યારેક
આપણા સુધી પહોંચે છે તો ક્યારેક પ્રતિષ્ઠા અને સમાજના ભયે દબાવી દેવામાં આવે છે. ઘરેલુ હિંસા
તો જાણે ઘર ઘરની વાત બની ગઈ છે અને આમાં માત્ર પુરુષ જ હાથ ઉપાડે છે એવું હવે કહી શકાય
એમ નથી. કેટલાક પુરુષો પણ ઘરેલુ હિંસાનો ભોગ બને છે જેના કિસ્સા ક્યારેક પોલીસ સ્ટેશને
પહોંચે છે તો ક્યારેક શરાબ, સિગરેટના વ્યસનમાં ને ક્યારેક લગ્નેતર સંબંધમાં પરિણમે છે.

આપણે બધા જે સમાજમાં રહીએ છીએ એ સમાજને જો સ્વસ્થ રાખવો હશે તો આપણે
સૌએ આપણા ક્રોધ પર સંયમ, કાબૂ મેળવવો પડશે. કૃષ્ણ જેમ કાલિયને નાથે છે એવી રીતે ક્રોધને
નાથી નહીં શકાય. એ સામે ફૂટકારશે. નાગને છાબડીમાં બંધ રાખવાથી એનું ઝેર ઘટતું નથી, એ તો
આપણે સૌ જાણીએ જ છીએ. છાબડીને એક ટકોરો મારે કે ગૂંચળું વળેલો નાગ તરત ફેણ ઊઠાવીને
બેઠો થઈ જતો આપણે સૌએ જોયો છે. ગુસ્સાનું પણ એવું જ છે, આપણે જેને ‘સંયમ’ કે ‘કંટ્રોલ’
માનીએ છીએ એ છાબડી છે. નાગ અંદર છે માટે દેખાતો નથી. પરિસ્થિતિ કે અણગમો, કોઈ કટાક્ષ
કે ટીકાનું એક વાક્ય ટકોરાની જેમ છાબડીને ભટકાય કે તરત ગુસ્સાનો નાગ ફેણ ઊંચી કરે છે ત્યારે
આપણને સમજાય છે કે આપણે હજી ગુસ્સાના તાબામાં છીએ.

ગુસ્સાના કારણો શું છે? એક તો-સૌથી પહેલો ઈગો. ‘કોઈ મને કશું કહી જ ન શકે’, ‘મારી
ભૂલ હોઈ જ ન શકે’, ‘હું કહું છું તે સાચું જ છે’ અથવા ‘આ જગત મારી રીતે જ ચાલવું જોઈએ’ જેવી
અશક્ય અને મૂર્ખતાપૂર્ણ માન્યતા આપણને બધાને બીનજરૂરી વાત અને વિચારમાં ઉશ્કેરે છે. આ
ઉશ્કેરાટ પહેલાં ચર્ચામાં, પછી દલીલમાં, અંતે બૂમાબૂમમાં અને ત્યાંથી ન અટકે તો મારામારી સુધી
પહોંચી જાય છે. બીજું કારણ આપણા હઠાગ્રહો, પૂર્વગ્રહો અને આગ્રહો છે. કોઈ એક વ્યક્તિ સાથેનો
એક અનુભવ, જીવનભર સ્થાયી ન હોઈ શકે, મોસમની જેમ માણસ પણ બદલાય છે, બદલાઈ શકે
એ શક્યતાને સ્વીકારવાથી દરેક માણસ સાથેના સંબંધમાં ફેર પડી શકે. આપણે સૌ આપણા પૂર્વગ્રહથી
સામેની વ્યક્તિને જોઈએ અને માપીએ છીએ, એટલે આપણે જે માનીએ તે સત્ય… પછી, ક્ષમા કે
સમજણનો તો અવકાશ રહેતો જ નથી. અને ત્રીજું, સૌથી અગત્યનું-આપણી સગવડ, આપણી
માન્યતા, આપણા અધિકારો, આપણું સ્વમાન બધું જ જો મહત્વનું હોય તો આ બધા જ શબ્દો
સામેની વ્યક્તિ માટે પણ એટલા જ મહત્વના હોઈ શકે એવું આપણે સમજવા કે સ્વીકારવા તૈયાર
નથી.

આ ત્રણેય કારણોના સરળ ઉપાય એ છે કે, સૌથી પહેલાં આપણી પણ ભૂલ હોઈ જ શકે-ને
કદાચ ન હોય તો પણ થોડીક ક્ષણો પૂરતા આપણે એ વાતને સમજવાનો કે સુધારવાનો પ્રયાસ કરી જ
શકીએ. બીજું, વ્યક્તિને અત્યારના વર્તનથી સમજવી જરૂરી છે. બાળક એકવાર જુઠ્ઠું બોલે કે પતિ
એકવાર પકડાયા અથવા પત્નીએ ક્યારેક ગેરવર્તન કર્યું કે માતા-પિતા એક જમાનામાં ટોકતા હતા…
આ બધું બદલાયું છે અથવા બદલાઈ શકે છે એ વાતને સ્વીકારવાની તૈયારી સતત રાખવી. આજે અને
હમણા જે બન્યું છે એને ભૂતકાળના ચોપડા ખોલ્યા વગર જ સૂલઝાવવાનો કે ઉકેલવાનો પ્રયાસ
કરવો અને ત્રીજું, દરેક વ્યક્તિની સાથે એ વર્તન કરવું જે વર્તનની આપણને એ વ્યક્તિ પાસેથી અપેક્ષા
હોય. માન જોઈએ તો માન આપતા શીખીએ. સ્વતંત્રતા જોઈએ તો સ્વતંત્રતા અને સ્નેહ કે સ્વીકાર
જોઈએ તો સ્નેહ કે સ્વીકાર આપવા જ પડે એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, એ નક્કી છે.

એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો આ ગુસ્સો ધીરે ધીરે વ્યક્તિ, સમાજ અને હવે
વિશ્વ ઉપર પોતાનો પંજો ફેલાવી રહ્યો છે. રશિયા, યુક્રેન, ઈન્ડિયા, ચાઈના કે પાકિસ્તાન-
અફઘાનિસ્તાનના આતંકવાદીઓ સુધી આ અહંકારની, અસ્વીકારની અને આગ્રહ-પૂર્વગ્રહની લડાઈ
પહોંચી ગઈ છે. સવાલ એ થાય કે, ‘આ બધા મોટામોટા યુધ્ધોમાં આપણે શું કરી શકીએ?’ તો ઉત્તર
એ છે, કે વિશ્વ શાંતિની શરૂઆત ગૃહશાંતિથી કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *