વ્યસનમુક્તિનો દંભઃ અલાર્મ વાગી ચૂક્યો છે

આવતીકાલે બીજી ઓક્ટોબર, ગાંધીજીનો 154મો જન્મદિવસ. સ્કૂલમાં રજા હોય અને
પ્રોહિબિશન ન હોય એવા શહેરોમાં ‘ડ્રાય ડે’ હોય. વ્યસનમુક્તિ અને સ્વદેશી માટે ગાંધીજીએ ખૂબ
પ્રચાર અને પ્રસાર કર્યો. આજે, 154 વર્ષે તો એ જીવતા ન જ હોત, પરંતુ જે રીતે દેશમાં વ્યસન
ફેલાઈ રહ્યું છે એ જોતાં સમજાય છે કે, આ દેશને આવા જ એક બીજા ગાંધીની જરૂર છે. 1942ની
એ ચળવળમાં કેટલાય યુવાનોએ દેશભક્તિના રંગે રંગાઈને વિદેશી કપડાંનો ત્યાગ કર્યો, વ્યસન છોડ્યું,
આઝાદી ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા કરી, પોતાના પિતાના ધિકતા વ્યવસાયને છોડીને
‘ગાંધી’ના રંગે રંગાઈને ખાદી અપનાવી લીધી… ત્યારે એક સવાલ એ થાય છે કે, ત્યારે તો કોઈ
સોશિયલ મીડિયા નહોતું, અંગ્રેજી સરકારની જોહુકમીને કારણે રેડિયો અને અખબારો પણ નિયમિત
રીતે લોકો સુધી પહોંચતા નહીં, એવા સમયમાં આ મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસે
પોતાની વાત લોકો સુધી કઈ રીતે પહોંચાડી હશે? ગામેગામ ગાંધીનો સંદેશ જે ઝડપથી અને છેક
છેવાડાના માણસ સુધી પહોંચતો એ યાદ કરીએ તો સમજાય કે, જગતની કોઈ પણ વાત જો
વજુદવાળી હોય તો લોકો સુધી પહોંચતા વાર નથી લાગતી!

એની સામે આજે ભારતના નાનામાં નાના ગામમાં વ્યસનની બિમારી જે રીતે ફેલાઈ રહી છે
એ જોતાં બીજી એક વાત સમજાય છે કે, સારી વાત જેટલી ઝડપથી પહોંચે છે એથી વધુ ઝડપથી
ખરાબ વાત, વ્યસન કે નેગેટિવિટી ફેલાય છે. શાહરૂખ ખાનના દીકરાને ગિરફતાર કરીને સરકારે એવું
પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ ચોક્કસ કર્યો કે, ‘કોઈની પણ શેહ કે શરમ રાખવામાં આવશે નહીં,
ગુનેગારને સજા મળશે જ.’ પરંતુ, એની સામે જે રીતે ગાંજો અને મેન્ડ્રેક્સ પકડાતાં રહ્યા છે એ જોતાં
હવે પ્રશ્ન એ થાય છે કે, આટલું બધું ડ્રગ્સ આપણા દેશમાં ક્યાંથી આવે છે, કોણ લાવે છે અને એની
વિતરણ વ્યવસ્થા એવી તે કેવી મજબૂત છે કે સરકારના આટઆટલા પ્રયત્ન છતાં એમને કોઈ વાંધો
આવતો નથી. બીજો એક પ્રશ્ન એ પણ છે કે, આપણી યુવા નસ્લને બરબાદ કરવાનું આ કોનું ષડયંત્ર
છે?

આખું વિશ્વ જાણે છે કે, ભારત બહુ ઝડપથી વિકાસ કરી રહેલો દેશ છે એટલું જ નહીં,
આજે ભારતમાં યુવાનોની સંખ્યા બીજા કોઈ પણ દેશ કરતાં વધારે છે. આવનારી પેઢી ભારતને વધુ
આગળ લઈ જાય એ પહેલાં જ એ પેઢીને નશાના રવાડે ચઢાવી દેવાનું કામ ખૂબ વ્યવસ્થિત રીતે અને
યોજનાપૂર્વક થઈ રહ્યું છે એમાં કોઈ શંકા નથી. શાળા, કોલેજોની બહાર, ક્યારેક કેન્ટીનમાં પણ
નશાકારક દ્રવ્યો વેચનારા લોકો એક યા બીજા સ્વરૂપે પહોંચી જાય છે. એક પિઅર ગ્રૂપ હોય છે જે
સિગરેટ નહીં પીતા, શરાબ નહીં પીતા છોકરાને ભડકાવવાનું, ઉશ્કેરવાનું અને છેલ્લે એની મજાક
કરીને એને પડકારવાનું કામ કરે છે. ટીનએજમાં સાચું-ખોટું સમજ્યા વગર ફક્ત પોતાને પૂરવાર કરવા
માટે આ છોકરાંઓ નશાના રવાડે ચડે છે… અહીં સુધી બધા જાણે છે, પરંતુ જે નથી જાણતા એ વાત
શું છે?

તો, વાત એ છે કે, આપણી પાસે કોઈ હીરો નથી. પોતાના જીવનને ઉદાહરણ બનાવીને નવી
પેઢીને સાચા રસ્તે દોરી શકે એવો કોઈ રાજકારણી, ફિલ્મસ્ટાર, ક્રિકેટર કે મોડેલ આપણી સામે નથી.
નવી પેઢી જેને ફોલો કરે છે એવા બધા જ લોકો ક્યાંકને ક્યાંક કોઈક રીતે નશાનો પ્રચાર કરે છે… જે
બહુ દુઃખની છતાં નકારી ન શકાય તેવી બાબત છે. પાન-મસાલા હોય કે સેરોગેટ જાહેરખબર સ્વરૂપે
શરાબ, ઓટીટી ઉપર નશાના-ડ્રગ્સના, કોકેઈન અને હેરોઈનના દ્રશ્યો ભજવતાં અને દેખાડતાં બધા
જ લોકો નવી પેઢીને ખોટા માર્ગે દોરવા માટે ક્યાંકને ક્યાંક જવાબદાર છે. દરેક મોર્ડન છોકરીને
સિગરેટ પીતી બતાવીને આ ફિલ્મ કે ઓટીટીમાં એવું પ્રસ્થાપિત કરવામાં આવે છે કે, મોર્ડન દેખાવું કે
બનવું હોય તો શરાબ ને સિગરેટ અનિવાર્ય છે! ઓટીટી ઉપર સેન્સર નથી અને આ બધી વિદેશી
કંપનીઓ છે, સ્ટાર, સોની, નેટફ્લિક્સ, પ્રાઈમ જેવી કંપની ભારતમાં પોતાનું પ્લેટફોર્મ ચલાવે છે,
પરંતુ એમની માન્યતાઓ, વિચારો અને કંપની પોલિસી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ
નથી. એ કંપનીઓ જે શો કે વેબસીરિઝ લઈને આવે છે એ બધી જ ઈન્ટરનેશનલ માનસિકતાને
અનુરૂપ હોય છે… જેટલું નુકસાન ડ્રગ્સ કરે છે એટલું જ બલ્કે, એનાથી વધુ નુકસાન હવે પોર્નના
વ્યસનથી થવા લાગ્યું છે. કેટલાંય માતા-પિતા જાણતા નથી કે, એમના 10-12 વર્ષના સંતાનો
સંભોગ અને નગ્નતાના વીડિયો જોતાં થઈ ગયા છે. રાતના ‘સ્લિપ ઓવર’નો આ સૌથી મોટો કાર્યક્રમ
બનતો હોય છે. આમાં માત્ર છોકરાંઓ જ છે એવું માનવાની ભૂલ નહીં કરીએ, હવે 12થી 14 વર્ષની
છોકરીઓ પણ પોર્નના રવાડે ચડી છે. એટલું ઓછું હોય એમ આધેડ પુરૂષો અને ચાલીસી-પચાસ
વટાવી ગયેલી સ્ત્રીઓ પણ પોર્નના વ્યસનમાં સપડાય છે.

નગ્નતા જોવાનું આ કુતૂહલ ક્યારે શોખમાં અને એમાંથી ક્યારે વ્યસન બની જાય છે એની
ખબર રહેતી નથી એટલું જ નહીં, ઈન્ટરનેટ ઉપર પોર્નના નામે ચાલતા બહુ જ મોટી આર્થિક
છેતરપિંડીનો ભોગ બનતા લોકોની સંખ્યા ન માની શકાય એટલી મોટી છે. આપણી યુવા પેઢી તો
નાદાન છે, અણસમજુ છે અને કુતૂહલથી પ્રેરાઈને કદાચ આવા કોઈ વ્યસનમાં સપડાય છે એમ માની
લઈએ તો પણ મોટી ઉંમરના લોકો જ્યારે આવાં વ્યસનોને કારણે માનસિક અને આર્થિક રીતે બરબાદ
થાય છે ત્યારે નવાઈ લાગે છે!

આપણે એક તરફથી બીજી ઓક્ટોબરે ખાદી અને ગાંધી વિચારનો પ્રચાર કરીએ છીએ.
ગાંધીજીની મૂર્તિને સુતરની આંટી પહેરાવીએ છીએ અને એમના બલિદાનને યાદ કરીએ છીએ, પરંતુ
ત્રીજી ઓક્ટોબરે બધું ભૂલીને ફરી પાછા હતા એના એ બની જઈએ છીએ. આ દંભ છે કે બેવકૂફી?
જો સમયસર નહીં જાગીએ તો વિદેશી આક્રમણ ફરી એકવાર આપણી ઉપર રાજ કરતું થઈ જશે. આ
વખતે કદાચ એમની સરકાર નહીં હોય, પરંતુ હકુમત તો એમની જ ચાલશે. ડ્રગ્સ અને પોર્ન બંને ધીરે
ધીરે, પરંતુ મજબૂત પગપેસારો કરી રહ્યા છે… નહીં જાગીએ તો ફરી એકવાર બરબાદ થતા વાર નહીં
લાગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *